સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ અને માનવકલ્યાણના ક્ષેત્રે
આગવું પ્રદાન કરનાર અને ‘પદ્મશ્રી’થી સન્માનિત
ડૉ. કુમારપાળ દેસાઈ
સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત અને ધર્મદર્શન જેવાં ક્ષેત્રોમાં ઉલ્લેખનીય પ્રદાન કરનાર ડૉ. કુમારપાળ દેસાઈને ૨૦૦૪માં એમની યશસ્વી કામગીરીના સંદર્ભમાં ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ના ખિતાબથી નવાજવામાં આવ્યા. ગુજરાતી સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં વિરલ વ્યક્તિઓને જ આ સન્માન પ્રાપ્ત થયું છે. કુમારપાળ દેસાઈનો જન્મ રાણપુરમાં ૩૦ ઑગસ્ટ, ૧૯૪૨ના રોજ થયો હતો. તેમનું વતન સાયલા. એમનાં માતાનું નામ જયાબહેન અને પિતાનું નામ બાલાભાઈ દેસાઈ. પિતાનું ઉપનામ ‘જયભિખ્ખુ’. એમના પિતા ‘જયભિખ્ખુ’ ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક તરીકે પ્રસિદ્ધ છે.
કુમારપાળના જીવનઘડતરમાં માતાપિતાનો મોટો ફાળો છે. તેમની લેખક તરીકેની સફળતામાં પિતાનું તો તેમના વ્યક્તિત્વ-વિકાસમાં માતાનું યોગદાન મહત્ત્વનું છે. જયાબહેન આદર્શ ભારતીય નારી હતાં. રાણપુરમાં એમણે ૧૯૩૦ના અસહકારના આંદોલનમાં ભાગ લીધેલો. એમણે કુમારપાળને ગાંધીજી વિશેનાં ઘણાં કાવ્યો સંભળાવેલાં.