‘હૃદય પરિવર્તન’ સામયિકના 200મા વિશેષાંક માટે, શ્રી અમિતા મહેતાએ લીધેલી મુલાકાત
પ્રશ્ન : લેખક બનવાનું સપનું બાળપણથી જ હતું કે પિતાની પ્રેરણાથી બન્યા ?
ઉત્તર : કોઈ સ્વપ્ન નહોતું, પણ આસપાસનો પરિવેશ કારણભૂત છે. પિતા ‘જયભિખ્ખુ’ સાહિત્યકાર હોવાથી રોજ સવારે ટેબલ પર બેસીને એમને શાહી અને કલમથી લખતા જોતો હતો. વળી જયભિખ્ખુ ડાયરાના શોખીન હોવાથી કવિ દુલાભાયા કાગ, ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય તથા બીજા ઘણાં સર્જકો મારે ત્યાં આવતા અથવા ઑફિસે મળતા. એમાં પંડિત સુખલાલજી અને દલસુખભાઈ માલવણિયા જેવા વિદ્વાનો પણ હોય, પણ પિતા લેખક છે એટલે લેખક બનવું છે એવું ય નહીં, પણ બાળપણથી જ ત્યાગ-શૌર્યની વાતોનું આકર્ષણ હોવાથી અગિયારમા વર્ષે એ સમયે અત્યંત ચાહના ધરાવતા ‘ઝગમગ’ બાળસાપ્તાહિકમાં દેશ માટે પ્રાણનું બલિદાન આપનાર ક્રાંતિવીરની કાલ્પનિક કથા લખી, પણ એ લખાણ ‘ઝગમગ’ના સંપાદકને મોકલ્યું, ત્યારે લેખક તરીકે ‘કુ. બા. દેસાઈ’ એવા નામથી મોકલ્યું. કારણ એટલું જ કે પિતાની નામનાને કારણે લેખ છપાય તેમ ઇચ્છતો નહીં. એમની પાસેથી જ જે ખમીર અને ખુમારી પામ્યો, તેનો જ આ પ્રભાવ. એમને હૉકીની રમતમાં રસ. એથી મેં ક્રિકેટ વિશે લખવાનું શરૂ કર્યું. વ્યક્તિએ સ્વ-પુરુષાર્થથી વિકાસ સાધવો જોઈએ તેમ માનતો હતો અને જ્યારે તમારું જીવન કોઈ વટ વૃક્ષની છાયા હેઠળ હોય, તે સમયે તમારે વધુ સ્વ-પ્રયત્ન કરવો જોઈએ. વળી ભીતરમાંથી કોઈ અવાજ આવે અથવા તો સરળ ભાષામાં કહું કે ધક્કો લાગે, ત્યારે જ લખવું કે કોઈ પુસ્તકનું સર્જન કરવું એવો મારો આગ્રહ અને તેથી 1965ના કૉંગ્રેસ અધિવેશનમાં લાલબહાદુર શાસ્ત્રી જ્યાં ઊતર્યા હતા ત્યાં મારો ઉતારો હતો અને મેં એમને સતત કામ કરતા જોયાં. એમની સાદગી, સચ્ચાઈ અને હમદર્દી જોઈ અને પરિણામે મેં ‘લાલ ગુલાબ’ નામનું પહેલું પુસ્તક લખ્યું, જેની સાઈઠ હજાર નકલો વેચાઈ.
એવી જ રીતે અકબર અને બીરબલની ચતુરાઈની વાતો વાંચી હતી. એટલે મનમાં થયું કે શું ગુજરાતમાં કોઈ ચતુર માનવી થયો જ નથી ? અને ઇતિહાસમાંથી દામોદર મહેતાનું પાત્ર શોધી લાવ્યો. તો વળી માત્ર હિંદુ કે મુસલમાનનો જ કોમી એખલાસ નહીં, પણ હિંદુ અને સિંધી, પારસી વગેરે કોમની પરસ્પરની દોસ્તી વિશે ‘બિરાદરી’ પુસ્તક લખ્યું. રાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજીની કથા કહેતાં એમ લાગ્યું કે બાળકોમાં ખરી વીરતા જગાવવી હોય તો બાળવીરોની કથા લખવી જોઈએ અને એમાંથી પરિણામે ‘નાની ઉંમર, મોટું કામ’, ‘હૈયું નાનું, હિંમત મોટી’, ‘મોતને હાથતાળી’, ‘ઝબક દીવડી’ જેવાં પુસ્તકો લખાયાં.
છેલ્લાં સાત વર્ષથી ‘મહાભારત’નો ઊંડો અભ્યાસ કર્યા બાદ એમ લાગ્યું કે કુમારિકા તરીકે, પત્ની તરીકે, માતા તરીકે કુંતીએ પોતાની કશીય ભૂલ વિના ગૌરવપૂર્વક ઘણું સહન કર્યું છે, તેથી એને વિશે છસો ચોંત્રીસ પાનાંની ‘અનાહતા’ નામની નવલકથા લખી. જેને નર્મદ સાહિત્યસભા તરફથી શ્રેષ્ઠ નવલકથાનો ઍવૉર્ડ પણ મળ્યો.
પ્રશ્ન : આપના સાહિત્યસર્જન પર પિતા `જયભિખ્ખુ’નો પ્રભાવ કેવો પડ્યો ?
ઉત્તર : મારા પિતા ‘જયભિખ્ખુ’નું 1969ની 24મી ડિસેમ્બરે અવસાન થયું, ત્યારે એમના ટેબલ પર પડેલી એક ડાયરીમાં બૂક માર્ક જોવા મળ્યું. એમાં એમણે એમનો વિદાયસંદેશ લખ્યો હતો અને એના છેલ્લાં ચાર વાક્યો હતાં, ‘નિરાધાર, અશક્ત અને ગરીબને ભોજન આપવું. બને તેટલી તીર્થયાત્રા કરવી. જિંદગી જાત્રા જેવી, રાજા-મહારાજા જેવી, શ્રીમંત-શાહુકાર જેવી ગઈ છે, પાછળ સહુએ હસતે મોઢે રહેવું. સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું’.
આ વાક્યોમાંથી મને જીવનમૂલ્ય અને જીવનદર્શન મળી ગયા. મારી માતા જયાબહેન કે જે સ્વાતંત્ર્યસેનાની હતાં. એમણે આખરી શ્વાસ લેતાં હતાં, ત્યારે ત્રણ વાત કરી : પહેલી વાત હતી ‘સારું જોજે’, જગતમાં ઘણું અશુભ, અમંગળ કે અણગમતું હોય, પણ આપણે સદા શુભ તરફ દૃષ્ટિ રાખવી. બીજું ‘સહુનું જોજે’. પોતે સુખી હોય તે નહીં, પણ પોતાની આસપાસના પરિવારની અને સમાજ અને એથી આગળ વધીને સહુ કોઈની ચિંતા કરજે અને ત્રીજી વાત જે મને ખૂબ સ્પર્શી ગઈ તે ‘ઊંચું જોજે’. જિંદગીમાં કોઈ ઊંચું સ્થાન કે અનોખું માન મળે, ત્યારે આપણી પ્રાપ્તિ વિશે સદા નમ્રતા રાખવી અને આપણાથી જેમણે વિશેષ પ્રાપ્ત કર્યું છે, એમના જેવા થવા પર નજર ઠેરવવી.
મેં ‘આગમ’, ‘ગીતા’ કે બીજા ધર્મગ્રંથો વાંચ્યા છે, પણ હું માનું છું કે માતા પાસેથી જે મળ્યું, તે મારા જીવનનો મંત્ર બની ગયું અને પિતાએ આપેલાં મૂલ્ય અને માતાએ સૂચવેલો માર્ગ એ જીવન અને કવનમાં રસ્તો બની ગયું.
પ્રશ્ન : કબીર, મીરાં અને અખા કરતાં પૂ. આનંદઘનજીનાં પદો આપને કઈ રીતે જુદાં લાગે છે ?
ઉત્તર : આનંદઘનજીનાં પદોમાં અલખનો નાદ જગાવતા મર્મી સંતનું દર્શન થાય છે. જ્યારે મીરાંના પદોમાં પ્રભુમિલનનો તીવ્ર તલસાટ વ્યક્ત થાય છે. મીરાં અને આનંદઘન અંગે એક સામ્ય જોવા મળે છે. રાજસ્થાનના મેડતા શહેરની ભૂમિ પર મીરાંનો જન્મ થયો અને આશરે સવાસો વર્ષ બાદ એ જ ભૂમિ પર આનંદઘન વિચર્યા હશે. બંનેનાં પદો સ્વયંસ્ફૂરિત છે, પરંતુ મીરાંએ ભક્તિ અને આનંદઘને યોગનાં રહસ્યને આત્મસાત્ કર્યાં છે. મીરાં માટે કૃષ્ણભક્તિ જેટલી સ્વાભાવિક હતી એટલી જ આનંદઘનજી માટે યોગાનુભવ એ અભ્યાસનો નહીં, પણ અનુભવમાં ઊતરેલો વિષય હતો.
કબીર અને આનંદઘનમાં ઘણું સામ્ય છે. બંને જડ બાહ્યાચારનો વિરોધ કરે છે. કબીરના પદોમાં ઉપદેશ મળે છે, તો આનંદઘનનાં પદોમાં સિદ્ધાંત મળે છે. કબીરની રચના માનવચિત્તને બાહ્ય વળગળોથી મુક્ત કરી અંતર્મુખ થવા પ્રેરે છે, જ્યારે આનંદઘનનો ઉપદેશ વ્યક્તિને યોગ અને અધ્યાત્મના ઊંડાણનો ગહન સ્પર્શ કરાવે છે. તો અખો એ તત્ત્વજ્ઞાની છે, જ્યારે આનંદઘન એ રહસ્યવાદ તરફ ઝોક ધરાવે છે. મસ્તી એ આનંદઘનનો સ્થાયીભાવ છે, તો અખામાં ક્યાંક એની ઝલક જોવા મળે છે. અખાએ વેદાંતની પરિપાટી પર અધ્યાત્મ અનુભવનો આનંદ વ્યક્ત કર્યો છે, તો આનંદઘન કબીર અને મીરાંની માફક સહજભાવે અધ્યાત્મ ઉપદેશ આપે છે, પરંતુ એ સહુનાં પદો એ ભારતીય ધર્મ, સાહિત્ય અને સંસ્કૃતિની અમૂલ્ય વિરાસત છે.
પ્રશ્ન : પૂ. હેમચંદ્રાચાર્યનાં સાહિત્યમાં ન્યાય, છંદ-અલંકાર અને વ્યાકરણથી લઈને ત્રિ ષષ્ઠિશલાકા પુરુષ-યોગશાસ્ત્ર જેવા ગ્રંથો પણ છે. આપને સૌથી વધુ શું સ્પર્શ્યું ?
ઉત્તર : કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જેવી વિરાટ પ્રતિભા છેલ્લાં એક હજાર વર્ષમાં થઈ નથી. એક ફ્રેંચ વિદ્વાનને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સમયમાં યોજાયેલી ‘સિદ્ધહેમ’ ગ્રંથની સરસ્વતીયાત્રાની વાત કરી તો એમણે કહ્યું કે એ સમયે યુરોપ તો સાવ જંગલી અવસ્થામાં હતું, જ્યારે તમારે ત્યાં આવી ગ્રંથ-પ્રતિષ્ઠા થઈ. કેટલીક પ્રતિભાઓ એવી વિશિષ્ટ હોય છે કે જે કોઈ ભૂમિમાં બીજ વાવવામાં આવે ત્યાં લીલાંછમ વૃક્ષનું સર્જન થઈ જાય. આથી ત્રિ-ષષ્ઠિશલાકા પુરુષ વાંચીએ, ત્યારે એ ચરિત્રકાર તરીકે અને જૈન સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનના સંગ્રાહકો તરીકે જોવા મળે. સંસ્કૃત દ્વયાશ્રય જોઈએ તો એમાં ઇતિહાસ દૃષ્ટિગોચર થાય. પ્રાકૃત દ્વયાશ્રયમાં કુમારપાળનું ચરિત્ર મળે, તો વળી યોગશાસ્ત્રમાં યોગની ગહનતા મળે. અભિધાનકોશમાં કોશકાર તરીકે અને બત્રીસ કાવ્યના એક નાના સરખા સ્તુતિગ્રંથ અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા જોઈએ તો તેમાં પણ સ્યાદવાદ, નય, પ્રમાણ અને સપ્તભંગી વિશે તેમજ સ્વ-પદ દર્શનના સિદ્ધાંતો પર અતિ ગંભીર અને સૂક્ષ્મ વિચારો મળે છે. આથી એમની પ્રત્યેક કૃતિમાં ઊંડાણનો સ્પર્શ થાય છે. આથી કોઈ એક કૃતિ નહીં, પણ સમગ્ર સાહિત્યસૃષ્ટિ અભિભૂત કરે છે.
પ્રશ્ન : છતાં તમને સ્પર્શેલી – બહુ ગમેલી કોઈ વાત ?
ઉત્તર : પહેલી વાત તો એ કે પાટણમાં જે રીતે સાત-સાત દિવસનો સિદ્ધહેમ શબ્દાનુશાસનનાં પ્રાગટ્યનો સમારોહ યોજાયો, તેવો કોઈ કૃતિનો આવો સમારોહ સાંભળ્યો નથી અને પાટણની રાજસભામાં એનું વાંચન કરવામાં આવ્યું, તે ઘટના અનોખી છે અને એવી જ બીજી વાત એ છે કે 1893માં વીરચંદ રાઘવજી ગાંધી અમેરિકા ગયા, ત્યારે એમણે અમેરિકન પ્રજા સમક્ષ ‘કોન્સન્ટ્રેશન’ (એકાગ્રતા) પર વ્યાખ્યાનો આપ્યાં હતાં અને સાથોસાથ ભારતીય પ્રજાની યાદશક્તિની વાત કરતાં એમણે હેમચંદ્રાચાર્યનું ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું હતું કે, સામે ‘ત્રીસ લહિયાઓ બેઠાં’ હોય. એકની પાસે જઈને પહેલાં ગ્રંથનું પહેલું વાક્ય લખાવે, બીજાની પાસે જઈને બીજા ગ્રંથનું પહેલું વાક્ય લખાવે અને આમ એક સાથે ત્રીસ ગ્રંથોનું સર્જન કરતા હતા. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પ્રતિભા ચિત્ત પર એવી છવાઈ ગઈ કે મેં ‘હૈમ સ્મૃતિ’ નામના ગ્રંથનું સંપાદન તો કર્યું, પણ એથીયે વિશેષ ભારતની કેન્દ્રીય સાહિત્ય અકાદેમી દ્વારા ગુજરાતી અને હિન્દીમાં હેમચંદ્રાચાર્યનું જીવનચરિત્ર લખ્યું.
પ્રશ્ન : જૈન સાહિત્ય અને કથાભંડારને સાહિત્યજગતમાં કેમ સ્થાન નથી મળતું ?
ઉત્તર : સાચી વાત. આપણી પાસે કથાઓનો ભંડાર છે. માત્ર ધાર્મિક કથા નહીં, જનસામાન્યમાં વિચરતી કથાઓ અને બુદ્ધિચાતુર્યની કથાઓ પણ છે. ભગવાન મહાવીરે એમનો ઉપદેશ જ્ઞાતાશૈલીમાં આપ્યો છે. આ જ્ઞાતાશૈલી એટલે દૃષ્ટાંતથી વાત કહેવાની શૈલી.
અત્યારે વર્તમાન સમયમાં ઘણા સાધુ-મહાત્માઓ અને શ્રાવકો કથાઓ લખે છે, પણ તમે જ્યારે કોઈ કથાને વ્યાપક બનાવવાનો વિચાર કરો, ત્યારે એને જુદું સ્વરૂપ આપવું પડે. એ તમને ‘જયભિખ્ખુ’માં જોવા મળશે. જયભિખ્ખુનું મહાવીર ચરિત્ર વાંચો અને જૈન ધર્મની કોઈ પરિભાષાનો તમને ખ્યાલ ન હોય, તેમ છતાં તમે પ્રભુ મહાવીરને આત્મસાત્ કરી શકો. આપણે ત્યાં ‘એક કાળે, એક સમયે’ એવું પરંપરાગત ઢાંચો ધરાવતું લેખન વધારે થાય છે. જ્યારે કથામાં આવો, ત્યારે કલ્પનાનું તત્ત્વ આવે. કલ્પના વગર કથાની મજા ન આવે, પણ રૂઢિચુસ્તતા કે સંકીર્ણ દૃષ્ટિને કારણે કલ્પના તત્ત્વને સ્વીકારતાં નથી. રામાયણમાં કેટકેટલી કલ્પના મળે છે, 40 જેટલી જુદી જુદી ગીતા લખાઈ છે. એ તમને કલ્પનાનો અવકાશ આપે છે. માફ કરજો પણ વાસ્તવિકતાની વાત કરું તો મને ઘણા મહાત્માઓ કહેતા કે અમે જયભિખ્ખુની શૈલી – વાર્તા વગેરે નોટમાં નોંધી દેતા, પરંતુ એ પ્રગટપણે સ્વીકારતા નહીં. એમણે સાહિત્યકાર જયભિખ્ખુને આપવા જેવો આદર આપ્યો નથી. જૈન સમાજમાં જે લેખકો છે, પત્રકારો છે, વિચારકો છે, એને સમજવાનો કેટલો પ્રયત્ન થાય છે ? આપ મને કહો કે એક સભા ભરી હોય, ત્યારે મંચ પર જેઓ બિરાજે છે એ કોણ હોય છે ? તમે વિચાર કરો કે આજે આપણાં સંતાનો જુએ તો શું વિચારે ? એમને થાય કે મહિમા ધનવાનોનો છે. પત્રકાર તરીકે જેમણે જીવન ખપાવ્યું, લેખક તરીકે જેમણે આખી જિંદગી સરસ્વતીની સેવા કરી, એનો કેટલો મહિમા ?
આપણે ત્યાં પંડિતો કેમ ઓછા થવા માંડ્યા ? ઘણા પંડિતોને એવું થાય કે આના કરતાં હું પૂજા ભણાવું તો વધારે પ્રાપ્તિ થાય. મેં મારી જાહેરસભામાં આદરણીય શ્રેણિકભાઈ કસ્તૂરભાઈને કહેલું કે કોઈ બીજા સંપ્રદાયમાં ધીરજલાલ ડાહ્યાભાઈ મહેતા હોય તો એમને પાલખીમાં લઈને ફેરવતા હોત. મારું એમ કહેવું છે કે તમે કહો છો કે આ અમારા સમાજનો શ્રેષ્ઠી છે, તો કહો કે એ આ જ્ઞાનનો શ્રેષ્ઠી છે, સાહિત્યનો શ્રેષ્ઠી છે.
મૂળ વાત પર આવું તો કથામાં જે કલ્પનાનું તત્ત્વ છે એ સ્વીકારવું પડે. વાલ્મીકિ અને તુલસીદાસનાં રામ જુદા છે, છતાં એનો કોઈ વિરોધ નથી, એટલે આપણે ત્યાં જે વ્યાપકતા જોઈએ એ નથી અને ક્રિએટિવિટીને સ્કોપ આપવો પડે. ખાટલે મોટી ખોડ એ છે કે આપણે ત્યાં વાંચનનું પ્રમાણ કેટલું ? એક ઉદાહરણ આપું. થોડા સમય પહેલાં મેં ‘મહાભારત’ની ‘ગાંધારી’ વિશે અખબારમાં સિત્તેર જેટલાં પ્રકરણો લખ્યાં. એ જ કૉલમમાં જૈન કથાનકો, તીર્થંકરો, મંત્રો, તીર્થો અને સમકાલીન સમયના સંદર્ભમાં જૈન ધર્મ વિશે લખું છું. મેં મારો રીડરશિપનો સર્વે કરાવ્યો, એ મુજબ ‘ગાંધારી’ની કથાનાં વાચકો 100માંથી 70 % હતા. જ્યારે જૈન ધર્મનાં કોઈ પણ વિષય પર લખું તો વાંચનાર 7 % જ છે. ભાષા સરળ છે, માહિતી પ્રમાણભૂત અને રોચક છે, છતાં આટલા ઓછા વાચકો મળે છે, પણ હું સામા પૂરે તરવામાં માનું છું. મેં ભગવાન મહાવીર પર ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષામાં ગ્રંથ લખ્યો. એના અંગ્રેજી ગ્રંથનું બ્રિટનની પાર્લમેન્ટમાં ઓપનિંગ થયું. ગુજરાતીની ‘તીર્થંકર ભગવાન મહાવીર’ પુસ્તકની 500 કૉપી પ્રગટ કરી. મહિને માંડ માંડ દસ નકલ ખરીદનારા મળે. ખરીદીને પુસ્તક વાંચવાની વાત ભૂંસાતી જાય છે. આનું શું ?
પ્રશ્ન : કલ્પનાનાં ઉમેરણથી કથાના મૂળતત્ત્વને અન્યાય નહીં થાય ?
ઉત્તર : મૂળતત્વને તમે જાળવો પણ કલ્પનાને થોડી મોકળાશ આપો. પહેલી વાત તો એ કે પરિભાષામાંથી બહાર નથી નીકળતા. બીજી વાત કે વૈશ્વિક કે શાશ્વતતાને અનુલક્ષવું અને ત્રીજી બાબત હૃદયસ્પર્શીતા કે સંવેદનાના સ્પર્શનો અભાવ છે. આથી એમ લાગે કે હું ધર્મકથા વાંચું છું, પણ કથા વાંચતો નથી.
પ્રશ્ન : નરસિંહ મહેતા ગુર્જર ગિરાનો કવિ ગણાય. અન્ય કવિઓ ભજન લખે તો કાવ્ય ગણાય અને જૈન કવિઓ સાંપ્રદાયિક ગણાય એવું કેમ ?
ઉત્તર : ગુજરાતી સાહિત્યમાં જૈન સાહિત્ય માટે કોઈ ઓરમાયું વર્તન નથી, પરંતુ જૈન સાહિત્ય આવું છે એ તરફ આપણે કોઈને દૃષ્ટિ નથી કરાવી. નરસિંહ પહેલાં આપણે ત્યાં ફાગુ, હાલરડાં અને બારમાસા પણ લખાયા. એ જમાનામાં ધર્મની નાડીમાં ચૈતન્ય વહેતું હતું, પરંતુ તમે એ કૃતિઓમાંથી સર્વજનસ્પર્શી કેટલું સાહિત્ય જગતના ચોકમાં મૂક્યું ? આનંદઘનજીનાં પદો, ઉપાધ્યાય યશોવિજય મહારાજનું સર્જન કે યોગનિષ્ઠ બુદ્ધિસાગરસૂરિજીના સાહિત્યની કોને ખબર છે. ભાગ્યે જ કોઈને જાણ હશે કે યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજીએ કાવ્યનું એક આખું પુસ્તક સાબરમતી નદીના સૌંદર્ય વિશે લખ્યું છે. આપણે આપણા સર્જકોને જ ઓળખી શક્યા નથી એ પહેલી વાત. બીજી વાત એ કે આપણે ત્યાં જે હસ્તપ્રતો છે તે બહાર લાવવાનું, સમાજ સુધી લાવવાનું કે સાહિત્યસંશોધકો સુધી પહોંચાડવા માટે કશું કર્યું નથી. મેં હસ્તપ્રતવિદ્યાનો 3 દિવસનો રાજ્યવ્યાપી સેમિનાર અને પછી છ મહિનાનો કોર્સ શરૂ કર્યો. યુનિવર્સિટીની માન્યતા પણ મેળવી. દુઃખની વાત એ છે કે જેમની પાસે આ હસ્તપ્રતો છે, તે પોતે સંશોધનદૃષ્ટિ ધરાવતા નથી. હું તો કહું છું કે તમે સામે ચાલીને સર્જકો-સંશોધકોને નિમંત્રણ આપો કે જુઓ અમારા સર્જકોએ આ કામ કર્યું છે. તમે એનાં પર અભ્યાસ કરો. અમે તમને સઘળી સહાય કરીશું. ગુજરાતી સાહિત્યનો સૌથી મહત્ત્વનો રણજિતરામ ચંદ્રક પણ મને મળ્યો છે અને ગુજરાતી સાહિત્ય પરિષદનો પ્રમુખ પણ રહ્યો છું, પંરતુ જૈન સાહિત્યમાં જે કામ જયંત કોઠારી કે કાંતિભાઈ શાહે કર્યું. આવા લોકોને તમારે પૂરી મદદ કરવી જોઈએ, નવા લોકોને તૈયાર કરવા જોઈએ.
પ્રશ્ન : વર્તમાનપત્રમાં લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો ?
ઉત્તર : 11 વર્ષની ઉંમરથી અખબારમાં લખવાનું શરૂ કર્યું. વિવિધ વિષય ખેડવામાં ખૂબ આનંદ આવે. મને અનુભવે એમ લાગ્યું કે માણસ એક જ વિષયમાં રસ લે, તો એકાંગી થઈ જાય. મેં ધર્મ, શિક્ષણ, સાહિત્ય, સંસ્કૃતિ, સ્પૉર્ટ્સ, જગતના ધર્મો અને ગ્રંથો, ટૅક્નૉલૉજી જેવા અનેક વિષયોમાં રસ લીધો અને એમાં ડૂબ્યો પણ ખરો. હાલનું જ એક ઉદાહરણ આપું. હમણાં કર્મની ફિલૉસૉફી પર લેક્ચર હતું. મેં ગીતામાં કર્મનો અભ્યાસ કર્યો હતો, બાઇબલની કર્મની વિભાવના ચકાસી. પારસી ધર્મના અવેસ્તામાં, ઇસ્લામ ધર્મના કુરાને શરીફમાં, કન્ફ્યૂશિયસ ધર્મમાં, તાઓ ધર્મમાં, શિન્તો ધર્મમાં અને અત્યારના નવા જમાનાનાં બહાઈ ધર્મમાં પણ કર્મ છે. કર્મ વિશે જુદા જુદા દૃષ્ટિકોણ મળ્યા. એકાંગી બન્યા વિના અનેકાંત દૃષ્ટિથી જોયું. એકાંગી બનવાથી ઘણું બધું ચૂકી જવાય. મારી ખોજ વ્યાપકતા, શાશ્વતતા અને સર્વકાલીનતાની છે.
પ્રશ્ન : પણ આજે તો સ્પેશિયેલાઇઝેશનનો જમાનો છે ને ?
ઉત્તર : સ્પેશિયેલાઇઝેશન ખરું, પણ પોતીકી દૃષ્ટિએ. જેમાં મને ક્રિકેટની રમતમાં રસ પડ્યો તો એમાં એવો એક્સપર્ટ થયો કે કમેન્ટેટર પણ બન્યો. ક્રિકેટના મારા પુસ્તકની લાખ કૉપી વેચાઈ. તમે વિષયમાં ખૂંપી જાવ તો તમને પ્રાપ્ત થાય જ છે. હું જૈન ધર્મની વાત કરું, તો સાથે બહાઈ ધર્મનો પણ અભ્યાસ કરું. આજે તુલનાત્મક અભ્યાસનો જમાનો છે. હું 1993-1999ની 2 રિલીજીયન વર્લ્ડ પાર્લમેન્ટમાં ગયો. 1993ની શિકાગોની પાર્લમેન્ટના પ્રારંભે રેડ ઇન્ડિયનની પ્રાર્થના હતી. એમાં ઈશ્વર સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમે તમારો શું ગુનો કર્યો કે તમે અમારી આજીવિકા છીનવી લીધી. અમારી જમીન છીનવી લીધી અમારા પર અત્યાચાર કર્યા ? 1999ની વિશ્વધર્મપરિષદ આફ્રિકાના કેપટાઉનમાં હતી, ત્યારે એમની પ્રાર્થના હતી કે અમારા દેશમાંથી એઇડ્ઝ દૂર કરો. એટલે હવે ધર્મનો ચહેરો માનવ વેદના-સંવેદના તરફ છે. હમણાં એક કૉન્ફરન્સમાં ભાગ લીધો. તેનો વિષય હતો કે ‘તમારા ધર્મના કયા સિદ્ધાંતો વ્યક્તિને આત્મહત્યા કરતો રોકવા માટે કારગત નીવડી શકે તેમ છે ?’ મેં લેખ લખ્યો કે સ્ટ્રેસ અને જૈન ધર્મ. સ્ટ્રેસ દૂર કરવા માટે જૈન ધર્મ પાસે રામબાણ ઉપાય છે. સમ્યક્જ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યગ્ ચરિત્રમાં મૅનેજમેન્ટના સિદ્ધાંતો છુપાયેલા છે. અદભુત છે આપણી ફિલૉસૉફી. આજના માનવીને એની વેદનામાંથી ઉગારી શકવાની ક્ષમતા જૈનદર્શનમાં છે.
પ્રશ્ન : વર્તમાનપત્રની કૉલમોના વિવિધ વિષયો અને એની ડેડલાઇન વ્યસ્તતા વચ્ચે કેવી રીતે જળવાય છે ?
ઉત્તર : મારે કાલે જે લેખ લખવાનો છે એની પ્રોસેસ અઠવાડિયા અગાઉથી મારા મનમાં ચાલે છે. મારે યુક્રેનની પરિસ્થિતિ વિશે લખવું હોય તો હું વિચારું કે આજે ત્યાં સૌથી વધુ કોની જરૂર છે ? યુક્રેનની પ્રજાની વેદનાને વિશ્વની જુદી જુદી ભાષામાં વ્યક્ત કરી શકે તેવા અનુવાદકોની. ‘બુદ્ધિપ્રકાશ’, ‘વિશ્વવિહાર’ જેવા સામયિકોમાં જુદા વિષયના લેખ લખું. મારા કૅલેન્ડરમાં રવિવાર હોતો નથી. હું એક વિષય સ્પર્શું પછી એનો અભ્યાસ કરવા માંડું. પુસ્તકો મેળવું અને થોડા વખતમાં એના મૂળતત્ત્વ સુધી પહોંચી શકું છું. તલસ્પર્શી અભ્યાસ કરવો. એકાકાર બનવું અને પછી વિચારવલોણું કરીને કોઈ નવો, મૌલિક અભિગમ કે વિચાર પ્રગટ કરવો.
પ્રશ્ન : પિતા-પુત્રની બે પેઢી એક જ કૉલમ ચલાવે એવી ઘટના વિરલ છે. આપના પછી આ કૉલમ અને કલમ સચવાશે ?
ઉત્તર : વાત સાચી છે. આજે ‘ઈંટ અને ઈમારત’ કૉલમને કુલ 70 વર્ષ થયા. 1953થી 1969 સુધી પિતા જયભિખ્ખુએ અને 1970થી અત્યાર સુધી મેં એ કૉલમ લખી છે. અખબારના એડિટોરિયલ પેજ પર, દર ગુરુવારે નિયમિત પ્રગટ થતી આ કૉલમ વણથંભી ચાલે છે. આજ સુધી એક પણ વખત હું લખી શક્યો ન હોઉં, તેવું બન્યું નથી. વિશ્વના કોઈપણ ખૂણે પ્રવાસ કરતો હોઉં, પણ તે નિયમિત પ્રગટ થાય જ. મારા બંને દીકરા મૅનેજમેન્ટમાં એક્સપર્ટ છે. એક અહીં અને બીજો વિદેશમાં છે. હા, મારી પૌત્રીને વાંચવામાં રસ છે, પરંતુ એ વિશેષે અંગ્રેજી સાહિત્ય વાંચે છે.
પ્રશ્ન : આપે પિતાનું જીવનચરિત્ર લખ્યું ? આપને આત્મકથા લખવાનો વિચાર ખરો ?
ઉત્તર : ઇચ્છા ખરી, પણ મારાં ઘણાં ક્ષેત્ર છે. જેમકે વિદેશના પ્રવાસો, મહાનુભાવોને મળ્યાં હોય એનાં સ્મરણો, સ્પૉર્ટ્સમૅન, સાહિત્યકારોને મળ્યાં હોય એનાં સ્મરણો. અત્યારે એમાંથી એકેક મુદ્દો લઈને ‘પ્રબુદ્ધજીવન’માં ‘મારો અસબાબ’ નામની કૉલમ લખું છું. મારી પૌત્રી મોક્ષા સાથે હું રોજ નિયત સમયે 10-15 મિનિટ વાત કરું છું. એક દિવસ મેં એને વાર્તા કહી, તો એને મજા ન આવી, પણ મારા જાપાન અને સિંગાપુરના પ્રવાસોના પ્રસંગો કહ્યા તો મજા આવી. એ સમયે મેં આવાં સ્મરણો લખવાનું વિચારેલું. એટલે ઇચ્છા છે પણ જોઈએ. કેટલો સમય મળે. અત્યારે મારો રસનો વિષય અધ્યાત્મ છે. હાલમાં મેં ‘પરમનો સ્પર્શ’ નામનું પુસ્તક લખ્યું છે. સામાન્ય રીતે માનવી ઈશ્વર પાસે માંગણી લઈને જાય છે, તો આમાં ઈશ્વર તમારી પાસે કેવા માણસની માંગણી કરે છે ? એની વાત કરી છે. એને કેવો ભક્ત જોઈએ છે ? પરમને સ્પર્શ કરવાની યોગ્યતા માટે તમારા જીવનમાંથી કઈ બાબતો દૂર કરવી, એને કયા પ્રકારે કાઢવી એની વાત છે અને છેલ્લે પ્રયોગ પર આવ્યો છું. મારો મત એ છે કે જૈન ધર્મ જગતનો મોટામાં મોટો પ્રયોગનો ધર્મ છે. ભગવાન મહાવીરને હું મોટામાં મોટા પ્રયોગવીર માનું છું અને અત્યારે હું શ્વાસ પર થોડા પ્રયોગો કરી રહ્યો છું. તે ભવિષ્યમાં લખીશ. તમારા શ્વાસથી જ તમે તમારી આખી જિંદગી ઘડી શકો છો. ‘પરમનો સ્પર્શ’ પુસ્તકમાં એની શરૂઆત કરી છે. હવે એક ‘ઉઘાડ અને ઉજાસ’ નામનું પુસ્તક લખું છું. મારા મતે આધ્યાત્મિકતા તમારા અને મારા જીવનમાં સૌથી અગત્યની વસ્તુ છે.
પ્રશ્ન : તમારી જીવનદૃષ્ટિ કઈ છે?
ઉત્તર : મારી આત્મકથામાં એક વસ્તુ એ આવશે કે તમે જગતને સાચી રીતે ચાહો તો જગત તમને પુષ્કળ ચાહે છે. આપણે માનીએ છીએ એવું આ દુનિયામાં સઘળું અનિષ્ટમય નથી. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું કાર્ય 1985ના ડિસેમ્બર મહિનામાં એચ.એલ. કૉમર્સ કૉલેજની હૉસ્ટેલના ભોજનગૃહમાંથી શરૂ થયેલું, આજે સંસ્થાનું પોતાનું ભવન છે, અહીં વ્યાખ્યાનો ચાલે છે. ઍવૉર્ડ અપાય છે. વિવિધ કોશોનું સર્જન થાય છે. ગ્રંથોનું પ્રકાશન થાય છે. આ બધા માટે આજ સુધી દાનની એક અપીલ પણ કરી નથી. સામે ચાલીને લોકો દાન આપવા આવે છે. દુનિયા એક દર્પણ છે. જેવા તમે છો, તેવું જ પ્રતિબિંબ આ દુનિયા છે.
પ્રશ્ન : પ્રાચીન-અર્વાચીન અને આધુનિક આ ત્રણેય પ્રકારનાં સાહિત્યમાં શું તફાવત લાગે છે ?
ઉત્તર : આ ત્રણેયમાંથી તમારે શાશ્વત તત્ત્વો શોધવાં પડે, જો એ શોધી શકો તો પ્રાચીન કે અર્વાચીન નહીં લાગે.
પ્રશ્ન : ત્રણેય કાળનું શાશ્વત તત્ત્વ તમારી દૃષ્ટિએ શું છે ?
ઉત્તર : મૂલ્યનિષ્ઠા. આવતીકાલના શુભ, મંગલ અને કલ્યાણની ભાવના. મારી દૃષ્ટિએ જૈન ધર્મનું એક મૂલ્ય પુણિયો શ્રાવક છે. આ મૂલ્ય આપણે સમાજને કેટલું આપ્યું ? આપણે અનેકાંતવાદ, કર્મવિજ્ઞાન, અહિંસા, જીવદયા, અપરિગ્રહ અને અન્ય ભાવનાઓથી આખી દુનિયાને ન્યાલ કરી શકીએ. એક-એક કન્સેપ્ટથી દુનિયાને સ્તબ્ધ કરી શકીએ.
પ્રશ્ન : આપે સાહિત્યનાં અનેક ક્ષેત્રો ખેડ્યાં ? હજુ બાકી શું છે ?
ઉત્તર : કવિતા સિવાય બાકી બધું જ લખાયું છે.
પ્રશ્ન : જૈન સાહિત્યમાં આપને સૌથી વધુ શું સ્પર્શ્યું ?
ઉત્તર : જીવનની ઊર્ધ્વતા તરફની ગતિ. તમે કોઈ પણ કથા લો. એનો સારગર્ભ જીવનની ઊર્ધ્વતા છે. ભગવાન મહાવીરના ગૃહસ્થજીવનની જ વાત કરીએ. એ સમયે એમને ત્યાં ઘરસભા થતી હતી. એમાં ભક્તિ થાય. રાજા સિદ્ધાર્થ કે નંદિવર્ધન કોઈ અનુભવ કહે. રાજકુમાર વર્ધમાન આધ્યાત્મિક વિચારો આપે. અઠવાડિયે કે પંદર દિવસે આવી ઘરસભા થાય, તેવો જૈનસમાજમાં ઘણો પ્રયાસ કર્યો. એમાં તમે તમારાં સંતાનોને ધર્મની વિશેષતા અને મૂલ્યોની ઓળખ આપો. કહો કે આવો આપણો ધર્મ છે. આજે આ ધર્મ ઉપર જેટલાં બાહ્ય આક્રમણ થઈ રહ્યા છે. એટલાં અગાઉ ક્યારેય નહોતાં. આપણે જો આ ધર્મનાં મૂળ ઊંડાં નહીં નાખીએ તો ભવિષ્ય ચિંતાજનક બની રહેશે.
પ્રશ્ન : આનો ઉપાય શું ?
ઉત્તર : પાઠશાળા. એને ચેતનવંતી બનાવીએ. પાઠ્યપુસ્તકો રચીએ. જેમાં બાળમનોચિકિત્સક એ ભાષાના નિષ્ણાતને પણ સામેલ કરીએ.
પ્રશ્ન : આપ વર્ષોથી જૈન ધર્મનાં ચિંતક રહ્યા છો અને વિશ્વ ધર્મનાં પણ અભ્યાસુ છો. જૈનદર્શન સાથે તુલના કરતાં જૈન ધર્મની કઈ શ્રેષ્ઠતા આપના મનમાં વસે છે ?
ઉત્તર : આમ જુઓ તો આપણા દરેક સિદ્ધાંતો આપણને કશુંક નવીન, કશુંક શાશ્વત આપી જાય છે. જેમકે આપણો અહિંસાનો સિદ્ધાંત. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરની સામે આવેલા યૂ.એન. ચેપલમાં લોકો ધર્મનાં પ્રવચન આપે. મારે ‘જર્ની ઑફ અહિંસા – ભગવાન મહાવીર ટુ મહાત્મા ગાંધી’એ વિષય પર બોલવાનું હતું. મેં કહ્યું કે તમારા પ્રેસિડન્ટ બુશ અને સદ્દામ વચ્ચે વિવાદ ચાલે છે. જો તમે એમના મનમાંથી દ્વેષ કાઢી નાખો તો કેટલું કામ થઈ શકે ? જૈન ધર્મ પ્રમાણે મનમાં દ્વેષ આવે – કટુ વિચાર આવે તો પણ હિંસા ગણાય. જો આ દૂર થાય તો યુદ્ધની શક્યતા જ નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક પાદરીએ આવીને મને કહ્યું, ‘મિ. દેસાઈ, વી વોન્ટ વન મોર મહાવીર’ ધર્મના સિદ્ધાંતો અજોડ છે. આપણે આપણા સિદ્ધાંતોને જગત સમક્ષ મૂકવા પડશે. કલ્પનાલોકમાંથી બહાર આવવું પડશે. આપણી પાસે આટલી ધર્મશાળા છે. ત્યાં એક ભગવાન મહાવીરના ઉપદેશની નાનકડી હૃદયસ્પર્શી પુસ્તિકા તો મૂકો. કોઈ વાર હતાશ થયા હોઈએ ત્યારે વાંચીને થાય કે વાહ, ભગવાને કેવું સરસ કહ્યું છે, મારાથી પીછેહઠ ન થાય.
પ્રશ્ન : જૈન ધર્મની વર્તમાન પ્રણાલીમાં આપ શું પરિવર્તન ઇચ્છો છો ?
ઉત્તર : ધર્મ એની એક પ્રણાલીથી તો ચાલતો હોય છે. ક્રિયા પણ આવશ્યક છે, પણ એની સામે જ્ઞાનનો જે વિયોગ છે તે દુઃખદ છે. બીજી દુઃખ પહોંચાડનારી બાબત છે અંદરોઅંદરનો વિખવાદ. હૃદયને આ ખૂબ પીડે છે. જૈન ધર્મને અનેકાંતવાદનો ધર્મ કહેતા હોઈએ છીએ પણ એવું વ્યવહાર કે વર્તનમાં છે ખરું ? આપણે ક્યાંક અટકી ગયા છીએ, સંઘમાં યુવાનોનો વિચાર કરો, ગરીબોનો વિચાર કરો, જે યોજનાઓ થાય છે તે પૂરતી નથી. પારસી કોમે પારસી ભાઈઓ માટે કેટલી સગવડ ઊભી કરી છે. આપણી પાસે એવી એક સંસ્થા હોય કે જ્યાં કોઈ પણ ગરીબ જૈન બાળકથી માંડીને ઉચ્ચ અભ્યાસ કરનારને ફી મળે. એને કમ્પ્યૂટર કે અન્ય ટૅક્નૉલૉજી માટે સહાય મળે. હું એક કૉલેજમાં કામ કરું છું ત્યાં 30 ટકા માંગનાર વ્યક્તિ જૈન છે. કેમ ? જૈનોનાં ઑપરેશન ફ્રી નથી થતાં ? આ બેઝિક તો કરવું જ પડે. ‘પેટમાં ખાડો ને વરઘોડો જુઓ’ એ ન ચાલે. વળી જે સમાજ સમૃદ્ધ છે પણ ઓછી જનસંખ્યા ધરાવનારો છે, ત્યાં તો સહેજે ન જ ચાલે.
પ્રશ્ન : આપ અંગત રીતે ધર્મની કઈ આરાધનામાં શ્રદ્ધા ધરાવો છો ?
ઉત્તર : ક્રિયા અને જ્ઞાન બંનેમાં.
પ્રશ્ન : આરાધનાની અંગત અનુભૂતિ…
ઉત્તર : નમસ્કાર મહામંત્ર – જે વિરલ મંત્ર છે એ તમને પ્રત્યેક પરિસ્થિતિમાં, પ્રત્યેક કાળમાં ઉપયોગી છે અને એ મારું આસ્થા સ્થાન છે.
પ્રશ્ન : આપશ્રીને પદ્મશ્રી સહિત અનેક ઍવૉર્ડ મળ્યા છે. કોઈ સન્માન ન મળ્યું હોય એવો વસવસો ખરો ?
ઉત્તર : ના, સન્માનમાં એવું છે કે હમણાં મને બ્રિટિશ પાર્લમેન્ટમાં અહિંસા ઍવૉર્ડ મળ્યો. ભારત સરકાર તરફથી 2004માં ‘પદ્મશ્રી’ મળ્યો, પરંતુ દરેક ઍવૉર્ડ એક જવાબદારી લઈને આવે છે. સાચું કહું તો ‘પદ્મશ્રી’ મળ્યો, ત્યારે હું ખુશ નહોતો. મને અંદરથી ગરીબ અને સામાન્ય લોકોના અવાજ સંભળાતા હતા અને પછી મેં અનેક સેવાકાર્યો શરૂ કર્યાં. બોટાદ શહેરના રેડક્રૉસના ચૅરમૅન તરીકે સેવાકાર્યો કર્યાં. બારે મહિના છાશનાં કેન્દ્રો ખોલ્યાં, જેથી લોકો છાશને રોટલો ખાઈને ચલાવી શકે. બીજું જે ડૉક્ટરો 400 રૂપિયા લે, એ અમારે ત્યાં 40 રૂ.માં આવે છે. એક ટૅક્સી રાખું છું. એમાં ડૉક્ટર આજુબાજુનાં ગામોમાં જઈને લોકોને તપાસે. આઈ કેર ફાઉન્ડેશનના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે આંખના ચેક-અપના કૅમ્પ કર્યા. ફૂટ કૅમ્પ કર્યા, ત્યારે જેના બંને પગ નહોતા એવા ભાઈને પગ મળ્યા. એ દોડીને મને ભેટીને બોલ્યા, ‘ધરતી શું છે એની આજે મને ખબર પડી.’ આ મારા માટે બેસ્ટ ઍવૉર્ડ છે. કોવિડ વખતે અનાથ બાળકોને સ્કૂલની ફીની વ્યવસ્થા, હૉસ્ટેલની સગવડ વગેરે કરી આપી. અંતિમ અવસ્થામાં જો કોઈ આનંદ સાથે રહેતો હોય તો એ લોકોને કરેલો પ્રેમ અને સેવા છે.
પ્રશ્ન : આટલું બધું વાંચન-લેખન અને પ્રવૃત્તિ વચ્ચે ટાઇમ મૅનેજમેન્ટ કઈ રીતે કરો છો ?
ઉત્તર : ખોટી વસ્તુમાં સમય ન બગાડવો, આર્તધ્યાનથી અળગા રહેવું, ગપ્પાં ન મારવા, મેં ક્યારેય ગપ્પાં નથી માર્યાં. પત્તાં રમ્યો નથી. વ્યવહાર-કાર્ય કરીએ, પણ મનની બીજી ભૂમિકામાં સતત ચિંતન ચાલે. ભીતરની પ્રસન્નતાને પૂરેપૂરી માણું છું.
પ્રશ્ન : હૃદયપરિવર્તનનાં 200 અંકની સફર પૂર્ણ થઈ છે. હવે પછીની એની સફરમાં સલાહ-સૂચનો ખરાં ?
ઉત્તર : સૌથી પહેલી વાત એ છે કે તમે મોકલેલા અંકો જોઈને મને અફસોસ થયો. અફસોસ એટલા માટે થયો કે આટલા બધા અંકો હું ચૂકી ગયો. ખરેખર ખૂબ સુંદર છે. એના સંચાલકોને નમ્ર વિનંતી છે કે આ સામયિકને વ્યાપક સ્તરે મૂકે. છાપકામ સરસ છે, જોડણી શુદ્ધ છે. એ જૈનના દરેક ઘરે પહોંચે, એમાં થોડા અનુભવો આવે. એ વિદેશના પણ હોઈ શકે. એન્ટવર્પમાં એક ગ્રેબિયાલા હેલ્મર નામની સ્ત્રી મળી. એ રોજ સવારે 6 વાગે ઠંડીમાં સાઈકલ પર દેરાસર આવે. મને મળી તો કહે કે ‘સાહેબ, મહાવીરનું સંતાન તો હું છું.’ એણે કહ્યું મારા પિતા વિશ્વયુદ્ધમાં માર્યા ગયા. પછી હું શોધતી હતી કે યુદ્ધ-વિરોધી વિચારધારા ધરાવતો કોઈ ધર્મ આ પૃથ્વી પર છે ખરો ? તો મને જૈન ધર્મ મળ્યો. મેં એનો અભ્યાસ કર્યો. અનુસ્નાતકની ડિગ્રી મેળવી. પછી મેં નક્કી કર્યું કે હું જૈન છું તો મારાથી મોટર ન વપરાય, કારણ કે દુનિયામાં જેટલાં યુદ્ધો થયાં છે, તે પેટ્રોલને કારણે થયાં છે. કેવો અદભુત વિચાર. આવી વ્યક્તિને આખા વિશ્વના સ્તર પર મૂકો કે જૈનિઝમ શું છે તે ખબર પડે. કૅનેડાની ઇરિના ઉપેનિક્સ નામની એક સ્ત્રીએ એના પિતાને કહ્યું કે તમે મને જંગલમાં મૂકી દેશો તો પણ હું જૈન ધર્મ નહીં છોડું. અને હા, જૈન હોવાનું ગૌરવ ન હોવું એ સૌથી મોટી ખામી છે. જૈન હોવાનું ગૌરવ, એની ભાવનાની, ઊર્ધ્વતા, શાશ્વતતા અને આધ્યાત્મિકતા સાથે સ્થાપિત કરો.
શ્રીમતિ અમિતા મહેતા
પત્રકાર અને સંપાદક