પ્રશ્ન : વિશ્વકોશના સર્જનનો વિચાર કઈ રીતે આવ્યો ?
ઉત્તર : સમાજમાં સ્વાધ્યાયવૃત્તિ, જ્ઞાનોપાસના, માતૃભાષા માટેની ચાહના અને વ્યાપક જનસમૂહ સુધી જ્ઞાનપ્રાપ્તિ થાય તેવી ઝંખનામાંથી કોઈ એક સર્જન થાય તો તે ગુજરાતી વિશ્વકોશનું.
કોઈપણ સંસ્થાની સ્થાપના થાય, ત્યારે એની પાસે કાં તો મજબૂત રાજકીય પીઠબળ હોય અથવા આર્થિક જોગવાઈ ધરાવતી સંસ્થાનું પીઠબળ હોય. વિશ્વકોશના પ્રારંભમાં અમારી પાસે આવું કોઈ પીઠબળ નહોતું, પણ હું એમ માનું છું કે આ પીઠબળ કરતા પણ વધારે મહત્વની બાબત એ પ્રેરણા છે. અમને એ સમયે ઉત્તર ગુજરાતના સરદાર જેવા કર્મયોગી શ્રી સાંકળચંદભાઈ પટેલની પ્રેરણા મળી. તેઓ મજૂર મંડળીના નેતા હતા અને મજૂરોનું એક એવું સંગઠન હતું કે જે મોટાં મોટાં પ્રોજેક્ટ હાથ પર લે અને પાર પાડે.
એક વાર એક સ્ત્રીને પ્રસૂતિના સમયે આર્થિક મુશ્કેલીના કારણે પારાવાર તકલીફ પડી અને દુર્ભાગ્યે એનું બાળક મૃત્યુ પામ્યું. શ્રી સાંકળચંદભાઈ પટેલે આ જોઈને નક્કી કર્યું કે મારે એક પ્રસૂતિગૃહ બનાવવું જેમાં માત્ર પાંચ રૂપિયામાં પ્રસૂતિની સઘળી સગવડ થઈ શકે. એ કર્મઠ વ્યક્તિ પાસે કામનું એવું ઝનૂન હતું કે એ ધારે તે સિદ્ધ કરી શકતા.
એમની પાછલી ઉંમરે વિશ્વકોશનો પ્રારંભ થયો અને એ પણ એ રીતે કે એક વાર મુરબ્બી શ્રી ધીરુભાઈ ઠાકર અને સાંકળચંદભાઈ પટેલ વીસનગરમાં મળ્યા. બંને પરિચિત હોવાથી ધીરુભાઈ સાંકળચંદભાઈના ઘેર ભોજન માટે ગયા. અહીં મુરબ્બી શ્રી ધીરુભાઈએ કહ્યું કે ગુજરાતની પાસે એનો પોતાનો વિશ્વકોશ હોવો જોઈએ. દુર્ભાગ્યે વિશ્વકોશના સર્જન માટે અગાઉ એક-બે પ્રયત્નો થયા હતા, પણ એ આગળ વધ્યા નહીં. સાંકળચંદભાઈએ કશો ઉત્તર આપ્યો નહીં, પણ એ પછી તેઓ પૂજ્યશ્રી મોટાના અંતેવાસી નંદુભાઈ પાસે ગયા. સાંકળચંદભાઈ પાંચ ચોપડી સુધી ભણેલા એટલે વિશ્વકોશ વિશે કશું જાણતા નહોતા. એથી એમણે નંદુભાઈને પૂછ્યું કે આ વિશ્વકોશ એ શું છે ? એનો શો ઉપયોગ ? એનું કંઈ મહત્ત્વ ખરું ? ત્યારે શ્રી નંદુભાઈએ કહ્યું કે સ્વંય પૂજ્યશ્રી મોટાએ ગુજરાત યુનિવર્સિટીને વિશ્વકોશની રચના માટે દસ લાખ રૂપિયાનું દાન આપ્યું હતું અને પછી એમણે વિશ્વકોશનું મહત્ત્વ દર્શાવ્યું. કર્મયોગી સાંકળચંદભાઈ તરત જ મિત્ર ધીરુભાઈ ઠાકરને મળવા આવ્યા અને કહ્યું કે, ‘ચાલો, આપણે વિશ્વકોશ શરૂ કરીએ.’ અને એ રીતે આ પ્રવૃત્તિનો પ્રારંભ થયો.
પ્રશ્ન : વિશ્વકોશના કાર્યમાં તમે કઈ રીતે જોડાયા ? એની પ્રવૃત્તિ કઈ રીતે શરૂ થઈ ?
ઉત્તર : ધીરુભાઈ મારા પિતાશ્રી જયભિખ્ખુના પરમ મિત્ર, મારા પીએચ.ડી.ના માર્ગદર્શક, અમારા પરિવારના આદરણીય સ્વજન અને વિશેષ તો કોઈ ઋણાનુબંધ હોય એ રીતે એમની સાથે હૃદયના તાર એવા મળેલા કે ધીરુભાઈ કહે એટલે મારે માટે જાણે ગુરુઆજ્ઞા. એમણે મને બોલાવ્યો અને કહ્યું કે, ‘આ વિશ્વકોશનું ભગીરથ કામ હું શરૂ કરવા માગું છું અને એમાં તારે મને પૂરો સાથ આપવો પડશે.’ એ સમયે હું યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે કાર્ય કરતો હતો એટલે મેં કહ્યું કે, ‘બહુ લાંબો વખત તો ન આપી શકું, પરંતુ અઠવાડિયામાં ત્રણેક દિવસ બે કલાક આવીશ અને તમે કહેશો તે કામગીરી સંભાળીશ.’
આ સમયે સાંકળચંદભાઈને પગની તકલીફ હોવાથી મોટરની સીટ થોડી પાછી કરાવી હતી, પણ એમની ખુમારી એવી કે કહેતા કે, ‘હવે આપણે આપણું એક પ્રેસ પણ રાખી લઈએ’ અને સાંકળચંદભાઈ જીવ્યા હોત તો વિશ્વકોશને પોતાનું પ્રેસ પણ ઊભું થયું હોત. હવે અમે વિચારતાં કે સંસ્થાના પ્રમુખ તરીકે કોઈ સર્વમાન્ય અને પ્રભાવક વ્યક્તિ હોય તો આ નવી સંસ્થાને આગવી સ્વીકૃતિ મળે. અમે વિચાર કર્યો કે શ્રેષ્ઠિવર્ય શ્રેણિકભાઈ કસ્તૂરભાઈને ટ્રસ્ટના પ્રમુખ તરીકે રહેવા માટે વિનંતી કરવી. શ્રેણિકભાઈ સાથે મારે ઘરોબો હતો. મારા અંગત કૌટુંબિક પ્રસંગોમાં પણ તેઓ ભાવપૂર્વક આવતા હતા અને જૈન ધર્મના સમારંભોમાં પણ એમને મળવાનું બનતું હતું.
તો ધીરુભાઈ પ્રત્યે પણ એમને આદર હતો. ધીરુભાઈએ કસ્તૂરભાઈનું જીવનચરિત્ર, પરંપરા અને પ્રગતિ લખ્યું હતું. તેથી શ્રેણિકભાઈ એમના પ્રત્યે હંમેશા માન અને આદરથી જોતા.
એ સમયે વિશ્વકોશ સાથે વિભાબહેન માંકડ અને પ્રીતિબહેન શાહ જોડાયેલા હતા. એમણે એ મકાનનું તાળું ખોલ્યું. એના બારણાં સાવ ખખડધજ થઈ ગયા હતા. વિદ્યાર્થીઓ માટેનું રસોડું હોવાથી એમાં બેસવા માટેની નાની પાટલીઓ હતી, મોટા ચૂલાઓ હતાં અને એમાં અમે કામનો પ્રારંભ કર્યો. જો કે શ્રેષ્ઠીવર્યશ્રી શ્રેણિકભાઈ અને એજ્યુકેશન સોસાયટીનો અમારે આભાર માનવો જોઈએ કે જેણે અમને કાર્ય કરવા માટે વિનામૂલ્યે મકાન આપ્યું. એકવાર સાંકળચંદભાઈ પટેલ વિશ્વકોશમાં આવ્યા અને એમણે કહ્યું કે, ‘એક દિવસ હું મારી ફોજને લઈને આવું છું. તમારે જે કંઈ સગવડ કરવી હોય તે કહેજો.’
એ દરમિયાનમાં અમે મોટા ચૂલાઓ હતા તેને માટીથી પૂર્યાં. ધીરે ધીરે જુદાં જુદાં પ્રકારની લાદીઓ મૂકી અને કામ તો શરૂ કરી દીધું. કોઈ બીજી વ્યક્તિ હોય તો વિચારે કે જરા આ મકાનનું રિનોવેશન થયા પછી કામ શરૂ કરવું, પરંતુ ધીરુભાઈમાં એક એવી વિશેષતા હતી કે જે નિશ્ચય કરે, પછી એને સાકાર કરવા માટે સહેજે પાછા પગલાં ન ભરે. ગુજરાતી વિશ્વકોશની રચના એ એમને માટે મિશન હતું અને એટલે એમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા કે એમણે ન તબિયતની ચિંતા કરી કે ન ઉંમરની પરવાહ કરી.
1985ની બીજી ડિસેમ્બરે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના થઈ. કોશની કામગીરી શરૂ થઈ. સાંકળચંદભાઈની મજૂરોની ફોજ પણ આવી. એ સમયે કૉમન ટૉયલેટ હતું. બાજુમાં ધોબીનું એક નાનું મકાન હતું, એ બધા પણ એનો ઉપયોગ કરતા. સાંકળચંદભાઈએ તાબડતોબ ટૉયલેટ ઊભું કરી દીધું. વિશ્વકોશના પ્રારંભ સમયે સાંકળચંદભાઈએ અમને તેર લાખ રૂપિયા આપ્યાં, પણ બન્યું એવું કે એકાદ વર્ષમાં જ એમનું અવસાન થયું. હવે શું ? સંસ્થાને આર્થિક રીતે પગભર કરવાની વાત તો બાજુએ રહી, પણ જે તજજ્ઞો સેવાભાવથી કાર્ય કરતા હતા, એમને પુરસ્કારની રકમ આપવાનો સવાલ ઊભો થયો.
પ્રશ્ન : વિશ્વકોશ ઉચ્ચ અભિલાષી અધ્યાપકોએ કરેલું સાહસ કહી શકાય ?
ઉત્તર : એ સમયે અધ્યાપકો પોતાના વિષયના પ્રેમને લીધે આવતા હતા. એમને એમ થતું કે અમારા વિષયનાં અધિકરણો વિશ્વકોશમાં સમાવેશ થાય તો એ વિષયનાં અભ્યાસીઓને ખૂબ ઉપયોગી થાય. આથી અંગ્રેજી સાહિત્યનો વિષય હોય, ત્યારે નિરંજન ભગત આવે, નલિન રાવળ આવે અને ધીરુભાઈ પરીખ આવે. કલાકો સુધી એ બધાં બેસે, ચર્ચાઓ કરે, વિજ્ઞાનનો વિષય હોય તો જે. જે. ત્રિવેદી પાસે વિજ્ઞાનની જુદી જુદી શાખાઓના વિદ્વાનો આવે અને એની ચર્ચા થતી હોય. આખું જીવન અધ્યાપન કાર્ય કર્યું હોય અને પોતાની જ્ઞાનયાત્રા સતેજ રહે તે માટે, પણ અહીં આવતા.
પ્રો. બી. એમ. મૂળે અર્થશાસ્ત્રના તજ્જ્ઞ પણ એમના રસના વિષયો અને ક્ષેત્રો ઘણાં. એટલે અર્થશાસ્ત્ર વિશે તો લખે જ, પણ જરૂર પડે લતા મંગેશકર વિશે પણ અધિકરણ લખીને આપે.
પ્રશ્ન : ભૂમિકાખંડનું નિર્માણ એક ઘટના છે. ખરું ને ?
ઉત્તર : વિશ્વકોશના પ્રારંભમાં બહુ મહત્ત્વનું કામ એ થયું કે બીજા રાજ્યોમાં અને વિદેશોમાં વિશ્વકોશ પહેલાં તૈયાર થાય અને પછી અંતે એના બધાં જ અધિકરણોની અનુક્રમણિકા તૈયાર કરવામાં આવે. જ્યારે અહીં એક જુદો જ રસ્તો અપનાવ્યો. ગુજરાતી વિશ્વકોશના પ્રકાશન પહેલાં ‘ભૂમિકાખંડ’ તૈયાર કર્યો. તેમાં 170 વિષયોની અંદર કયા કયા અધિકરણો આવશે તેની સંપૂર્ણ યાદી આપી. ધીરુભાઈ ઠાકર ઓરિસ્સામાં યોજાયેલી વિશ્વકોશની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓની એક કોન્ફરન્સમાં ગયા હતા, ત્યારે એમણે કહ્યું કે, ‘અમે પહેલા અધિકરણોની યાદી તૈયાર કરી છે, પછી અધિકરણો લખીશું.’ ત્યારે એમની વાતને એક નવીન પ્રયોગ તરીકે સહુએ વધાવી લીધી હતી. ભૂમિકાખંડમાં અધિકરણોની યાદી આપવાને લીધે બે વિશેષ લાભ થયા. એક તો અમારી પાસે આખો નકશો તૈયાર થઈ ગયો. આ રસ્તે અમારે અધિકરણો તૈયાર કરવાના છે, તે નક્કી થયું. જે કોઈ વિષયના નિષ્ણાત આવે તેઓ પહેલા પોતાના વિષયના અધિકરણો નક્કી કરે. એને કેટલી શબ્દમર્યાદા આપવી તે નિર્ધારિત કરે અને પછી એ અધિકરણ લખી શકે તેવી યોગ્યતા ધરાવનાર વિદ્વાનનું નામ આપે. વળી અધિકરણની સૂચિમાં અધિકરણ રહી ગયું હોય તો એ સાથે ઉમેરતા જાય. આ રીતે વિશ્વકોશે પ્રગટ કરેલો ‘ભૂમિકાખંડ’ એ કદાચ ભારતમાં તો ખરું જ, પરંતુ વિશ્વના વિશ્વકોશોની દુનિયામાં પહેલી ઘટના હશે. આમ આ યાદી તૈયાર કરવા પાછળ બે વર્ષ થયા અને 400 પાનાંનો ભૂમિકાખંડ નવેમ્બર, 1987માં પ્રગટ થયો.
પ્રશ્ન : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને પ્રારંભકાળથી જ પ્રમુખ તરીકે શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ જેવી વ્યક્તિ મળી તે કઈ રીતે શક્ય બન્યું?
ઉત્તર : એકવાર શ્રેણિકભાઈનો મળવાનો સમય લઈને હું, ધીરુભાઈ અને સાંકળચંદભાઈ ત્રણેય પાનકોર નાકા પાસે આવેલી એમની ઑફિસે ગયા. એમણે આનંદપૂર્વક આવકાર આપ્યો. ધીરુભાઈએ વિશ્વકોશની આખી રૂપરેખા કહી અને સાંકળચંદભાઈએ વિનંતી કરી કે તમે આ સંસ્થાના પ્રમુખ બનો. શ્રેણિકભાઈએ વળતો સવાલ કર્યો કે, ‘આ તમારી યોજના માટે તમારી પાસે કેટલી રકમ છે ?’
અમે કહ્યું, ‘હાલ તો તેર લાખ રૂપિયા છે.’
એમણે વળતો સવાલ કર્યો કે, ‘આ આખાય પ્રોજેક્ટનો કુલ ખર્ચ કેટલો થશે ?’
અમે કહ્યું કે, ‘લગભગ 75થી 80 લાખ.’
શ્રેણિકભાઈ અકળાઈ જતા, ત્યારે જોરથી ટેબલ પર હાથ પછાડતા. એમણે કહ્યું, ‘આ તો કઈ રીતે શક્ય બને ?’ અને પછી અમારી સામે જોઈને કહ્યું કે, ‘તમે બધા રેતીમાં વહાણ ચલાવવા નીકળ્યા છો.’
અમે હસતાં હસતાં કહ્યું, ‘સાહેબ, તમે પાણીની અંદર ચાલતા વહાણમાં બેઠા છો, તો હવે એક વાર આ રેતીમાં ચાલતા વહાણમાં પણ બિરાજો. એમાં આપના ગૌરવને કે ગરિમાને કોઈ આંચ નહીં આવે.’
સાંકળચંદભાઈની કર્મઠતા, ધીરુભાઈનો પ્રભાવ અને મારી સાથેના વ્યક્તિગત સંબંધને કારણે શ્રેણિકભાઈએ આ વાત સ્વીકારી. મારે તમને કહેવું જોઈએ કે શ્રેણિકભાઈ જેવી વ્યક્તિ એક સંસ્થાના પ્રમુખ તરીકે આવે એ ઘણી મોટી વાત હતી. પહેલી વાત એ કે એ સંસ્થામાં સહેજ પણ અપ્રમાણિકતા ચલાવી ન લેવી. એકાદ વખત એમને એક પત્ર મોકલ્યો હતો એમાં પાછળ એક કોરું પાનું જતું રહ્યું. તરત જ એમનો ફોન આવ્યો કે તમે ટ્રસ્ટ ચલાવો છો, પાછળનું પાન કોરું છે. એ બરાબર નથી. વળી સમયનું ચુસ્ત પાલન હોય. અમે મિટિંગના પત્રો ટ્રસ્ટીઓને મોકલીએ, ત્યારે ખાસ નોંધતા કે સમયસર હાજર થઈ જજો અને અમારે પણ સાડા ચાર વાગ્યે મિટિંગ હોય તો ચાર વાગ્યાથી સાવધ થઈ જવું પડતું, કારણ કે સવા ચાર વાગ્યે શ્રેણિકભાઈ અચૂક આવી ગયા હોય અને બરાબર સાડા ચાર વાગ્યે મિટિંગ શરૂ થઈ જાય.
પ્રમુખ તરીકે શ્રેણિકભાઈની એક અન્ય વિશેષતા એ હતી કે મિટિંગમાં આવતા અગાઉ એના એજન્ડાનો બરાબર અભ્યાસ કરી લે. કંઈક પૂછવા જેવું હોય તો પૂછી લે, ઓડિટ રીપોર્ટ જેવો તૈયાર થાય કે શ્રેણિકભાઈને મોકલતા. એ પછી તેઓ અક્ષયમાં તેમની ઑફિસમાં વિશ્વકોશના બંને એકાઉન્ટન્ટને બોલાવે, આખો ઓડિટ રિપોર્ટ ચેક કરે, એમની સાથે ચર્ચા કરે અને અંતે રિપોર્ટ ફાઈનલ થાય. આવી એક લાંબી કસરત થતી અને પછી ઓડિટ રિપોર્ટ મંજૂર કરવાની મિટિંગ રાખતા. જરૂર પડ્યે તેઓ પોતાની ઑફિસના આ વિષયના નિષ્ણાતોની મદદ લેતા અને એમના પિતાશ્રી શ્રેષ્ઠિવર્ય કસ્તૂરભાઈ લાલભાઈની માફક તેઓ આ મિટિંગનું સંચાલન કરતા. અગાઉથી બધાં જ પ્રશ્નોનો ઉત્તર મેળવી લીધો હોય એટલે અડધા કલાકથી વધારે મિટિંગ ન ચાલે. મુખ્ય મુદ્દાઓની વાત કરે અને એ ચર્ચા પૂરી થાય એટલે તરત જ ઊભા થઈ જાય. ચા-પાણીની પણ કોઈ વાત નહીં, નાની મોટરમાં ડ્રાઇવરની બાજુમાં બેસીને એ વિશ્વકોશમાં આવે, એમના હાથમાં સંસ્થાના ઓડિટ રિપોર્ટ અને બીજી બધી વિગતોના કાગળો હોય, એ સાથે સંસ્થાની ફિકર પણ કરતા હોય.
30 સપ્ટેમ્બર, 2005માં તત્કાલીન લોકસભાના સ્પીકર શ્રી સોમનાથ ચેટર્જીના હસ્તે વિશ્વકોશભવનનું અને પૂજ્ય શ્રી મોરારિબાપુના હસ્તે વિશ્વકોશના વિવિધ કેન્દ્રોનું ઉદ્ઘાટન થયું.
અગાઉ એક સંસ્થાને આ જમીન આપવામાં આવી હતી, પરંતુ થોડા પાયા ખોદીને એ સંસ્થાનું કામ અટકી ગયું હતું, ત્યારે શ્રેણિકભાઈએ કહ્યું કે, ‘જો એ સંસ્થાએ આને માટે જેટલી રકમ ખર્ચી છે, એ આપીએ તો વિશ્વકોશને જમીન મળે એમ છે.’
‘અમે સહુએ નક્કી કર્યું કે આપણે એ રકમ આપીએ.’
એ પછી સરકાર પાસેથી એની મંજૂરી મેળવવાની હતી, પણ એ સમયે ગુજરાતના નાણા ખાતાના પ્રધાન વજુભાઈ વાળા હતા. હું એમને મળવા ગયો. રૂમમાં પ્રવેશ્યો, ત્યારે ત્રીસેક લોકો બેઠાં હતાં. એમણે મને જોઈને કહ્યું કે, ‘આવો, તમારું કામ હું જાણું છું. વિશ્વકોશના એકાદ ગ્રંથનું વિમોચન કરવાનો લાભ પણ મને પ્રાપ્ત થયો છે. આ કાગળોમાં સહી તો કરી આપું છું, પણ એ સિવાય પણ તમારે જે કંઈ જરૂરિયાત હોય તેમાં હું મદદ કરીશ.’
અમારી એવી એક સ્પષ્ટ ભાવના રહી છે કે સારું અને ઉમદા કામ કરો તો એનો હંમેશા હૂંફાળો પ્રતિભાવ મળતો હોય છે. આથી આજ સુધી વિશ્વકોશ દ્વારા અમે કોઈ દાનની અપીલ કરી નથી. એમની આ ચિંતાને પરિણામે જ વિશ્વકોશને જમીન મળી અને એના પર અત્યારનું વિશ્વકોશભવન નિર્માણ પામ્યું.
ઈશ્વરની કૃપા, મુરબ્બી ધીરુભાઈનું ઋષિકાર્ય, વિદ્વાનોનું તપ અને માતૃભાષા માટે સાચા દિલનો પ્રયત્ન એ બધાને પરિણામે સંસ્થાની સ્થાપનાથી આરંભીને અત્યાર સુધીના તમામ આયોજનો આપોઆપ થતા આવ્યા છે. ક્યારેય કોઈ ખંડ કે પ્રવૃત્તિ માટે દાન આપો કે સહયોગ જોઈએ છીએ, તેવી `અપીલ’ કરવી પડી નથી.
પ્રશ્ન : વ્યાખ્યાનશ્રેણીનો પ્રારંભ કઈ રીતે થયો ? કેટલી વ્યાખ્યાનશ્રેણી ચાલે છે ?
ઉત્તર : વળી એક બીજી વિશેષતા એ છે કે એને એવા દાતાઓ મળ્યાં છે કે જે પોતે દાન આપે છે એનું કોઈ દિવસ અભિમાન નથી કર્યું. જેમ કે કૉલકાતામાં ઈ. સ. 2007માં 22મા ગ્રંથનો વિમોચન સમારોહ હતો. કૉલકાતાના વિશાળ રવીન્દ્રભવનમાં આ કાર્યક્રમ યોજાયો, ત્યારે અમારા મુરબ્બી મિત્ર અને સદાના પ્રોત્સાહક શ્રી સી. કે. મહેતાએ કહ્યું, ‘કુમારપાળ, મારું કંઈ કામ છે ?’
મેં કહ્યું, ‘કોઈ કામ નથી, પણ હા એક બાબતનો વિચાર કરું છું કે અમદાવાદમાં એક એવી સરસ વ્યાખ્યાનમાળા શરૂ કરવી કે જેમાં વિવિધ ક્ષેત્રનાં વક્તાઓ આવે, એમને મોકળાશથી એમની વાત કરવાની તક મળે, વ્યાખ્યાન સિવાયના કર્મકાંડમાં ઓછો સમય જાય અને સમયસર એ વ્યાખ્યાન યોજાય. આવી એક વ્યાખ્યાનમાળાની કલ્પના મારા મનમાં છે.’
સી. કે. મહેતાએ પૂછ્યું, ‘એને માટે કેટલી રકમ જોઈએ.’
મેં કહ્યું કે, ‘પંદર લાખ જેટલી રકમ હોય તો. આ આખીય વ્યાખ્યાનમાળા સરસ રીતે યોજી શકાય. વક્તાને પુરસ્કાર આપી શકાય અને એનું ગરિમાપૂર્ણ આયોજન થાય.’
શ્રી સી. કે. મહેતાએ કહ્યું, ‘ભલે. એવી વ્યાખ્યાનમાળા આપણે કરીએ.’
મેં હળવેથી પૂછ્યું, ‘આ સમારંભમાં આની ઘોષણા કરું ખરો ?’
મને કહ્યું, ‘કરવી હોય તો કરો, ન કરવી હોય તો ન કરો. બસ, વ્યાખ્યાનમાળા કરો.’
આવી વ્યક્તિના દાનનો ક્યારેય કોઈ બોજ લાગે નહીં. એમણે સાહજિકતાથી દાન આપ્યું અને નામ કોનું આપ્યું ? સી. કે. મહેતા વ્યાખ્યાનમાળા નહીં, પણ એમણે એ નામ શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી રાખ્યું. પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી મહારાજ એ એમના ગુરુ અને દીપકભાઈ એમના પુત્ર એ નામ સાથે વ્યાખ્યાનમાળા શરૂ થઈ. ક્યાંય પોતાનું નામ નહીં.
એ પછી જ્યારે હું એમને મળવા જાઉં, ત્યારે એમનો પહેલો પ્રશ્ન હોય, ‘કુમારપાળ, મને કોઈ લાભ આપ.’ આનું એક બીજું ઉદાહરણ પણ મને યાદ આવે છે. ઘણા સમયથી મને ઇચ્છા હતી કે વિશ્વકોશને પોતાનો એક સ્ટુડિયો હોય, અહીં વિદ્વાન વક્તા આવ્યા હોય એનો ઇન્ટરવ્યુ લેવાય, કાર્યક્રમોનું બરાબર રેકોર્ડિંગ થાય, યુ-ટ્યૂબ પર મુકાય અને નવાં નવાં કાર્યક્રમો પ્રસ્તુત કરી શકીએ. મેં આ વાત કરી એટલે એમણે કહ્યું કે, ‘ભલે, તમે સ્ટુડિયો બનાવો.’
મેં કહ્યું કે, ‘સ્ટુડિયો અદ્યતન સ્ટુડિયો બનાવવો હોય તો પચાસેક લાખ રૂપિયાની રકમ જોઈએ.’
એમણે કહ્યું કે, ‘સારું.’
અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં આજે શ્રી સી. કે. મહેતા અને શ્રીમતી કાન્તાબહેન મહેતા અનાહતખંડ અદ્યતન સાધનોથી સજ્જ છે.
આવી વ્યક્તિના દાનનો પડઘો અને પ્રતિભાવ કેવો હોય છે. બન્યું એવું કે સ્ટુડિયો અમે કોરોનાકાળ પહેલા તૈયાર કર્યો હતો અને એને પરિણામે કોરોનાકાળ સમયે અને એ પછી પણ વિશ્વકોશનાં કાર્યક્રમો આ સ્ટુડિયોને કારણે ચાલુ રહ્યા. મારી અંગત માન્યતા છે કે આવી વ્યક્તિઓનું તમને દાન મળે, તે સંસ્થામાં ઊગી નીકળે છે અને એને કારણે એ સંસ્થાનો પણ વિકાસ થાય છે.
આજે તો વિશ્વકોશમાં જુદી જુદી દસેક વ્યાખ્યાનશ્રેણી ચાલે છે, પરંતુ એ વ્યાખ્યાનમાળાની એક આગવી શિસ્ત પણ ઊભી કરી છે. અન્યત્ર જતો, ત્યારે મારો અનુભવ હતો કે વ્યાખ્યાન પાંચ વાગ્યે હોય તો સવા પાંચે માઈક સંભાળનાર આવે, સાડા પાંચે વક્તા આવે અને સુજ્ઞ શ્રોતાઓ એ જાણી ગયા હોય કે અહીં તો સમયસર કાર્યક્રમ શરૂ થતો નથી, એટલે પોણા છ – છ વાગ્યે આવે. મારે આમાં પરિવર્તન લાવવું હતું. એટલે અહીં વ્યાખ્યાન સમયસર શરૂ થાય, પાંચ મિનિટમાં વિશ્વકોશગીત પ્રસ્તુત થાય, પાંચ મિનિટ વક્તાનો પરિચય અપાય, પચાસ મિનિટ સુધી વક્તા વક્તવ્ય આપે, પછી કોઈને એકાદ પ્રશ્ન હોય તો પૂછે અને એ પછી બધા નીચે જાય, ચા પીએ અને વિદાય લે. આથી વ્યક્તિ એમ ધારીને આવ્યો હોય કે સાડા પાંચથી સાડા છ સુધી હું વ્યાખ્યાન માણી શકીશ. એનો એ ભાવ સિદ્ધ થાય. એમાં બીજી કોઈ ઔપચારિકતા નહીં, અન્ય કોઈની પ્રશંસા નહીં, માત્ર વિદ્યાનો તેજસ્વી દીપક સહુની સામે ધરવો એ જ ભાવ.
આજે શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનમાળામાં સપ્ટે. 2023 સુધીમાં આશરે 415 વ્યાખ્યાનો થયાં છે અને એની એક આગવી પ્રતિષ્ઠા ઊભી થઈ છે. શ્રોતાઓ પણ એને ચાહતા હોય છે, એક વડીલે પોતાના વીલમાં પોતાની ડૉક્ટર પુત્રીને લખ્યું કે, ‘મારા અવસાન પછી વિશ્વકોશને એક લાખ રૂ. આપજે, કારણ કે હું અહીં નિયમિત વ્યાખ્યાન સાંભળવા આવતો અને એને કારણે મારી વૃદ્ધાવસ્થા જ્ઞાનમય રહી.’
આ સંસ્થા સમાજના વિદ્વાનો દ્વારા સાકાર થઈ છે. મુખ્યત્વે અધ્યાપકો દ્વારા ચાલતી આ સંસ્થા છે, સરસ્વતીદેવીના આશીર્વાદ ગણો કે વિદ્યાપુરુષોની શુભેચ્છા ગણો, પણ એને કારણે એનો જ્ઞાનયજ્ઞ ઉત્તરોત્તર વધુ તેજસ્વી બની રહ્યો છે અને વડમાંથી વટવૃક્ષ થાય એ રીતે એની પ્રવૃત્તિ ફેલાઈ રહી છે. ધીરે ધીરે જુદાં જુદાં ક્ષેત્રનાં મહાનુભાવોએ વ્યાખ્યાનશ્રેણી માટે અમુક રકમ આપવાની તૈયારી બતાવી અને પછી એમની સ્મૃતિમાં અથવા તો એ કહે તેની સ્મૃતિમાં વ્યાખ્યાનશ્રેણી ચાલવા લાગી. આજે દસ જેટલી વ્યાખ્યાનશ્રેણીઓ ચાલે છે અને એના દ્વારા વિશ્વકોશમાં સતત મહિને ચારથી પાંચ વ્યાખ્યાનો જુદાં જુદાં ક્ષેત્રના તજ્જ્ઞો દ્વારા થતા હોય છે. આ વ્યાખ્યાનોમાં શિક્ષણ, અર્થશાસ્ત્ર, સંશોધન, પત્રકારત્વ, ધર્મ-તત્ત્વ-દર્શન, સ્વાસ્થ્યયોગ, જીવનઉત્કર્ષ એમ જુદાં જુદાં વિષયોની આ વ્યાખ્યાનમાળા એક અર્થમાં વિશ્વકોશમાં સમાવિષ્ટ વિષયોનું વર્તમાન પ્રતિબિંબ બની રહે છે.
શ્રેષ્ઠિવર્ય શ્રેણિકભાઈના પ્રમુખપદ હેઠળ ચાલતી આ સંસ્થામાં એમની પાસેથી અમુક મૂલ્યો શીખ્યા. એક તો સંસ્થામાંથી ટ્રસ્ટીને કોઈ પણ પ્રકારની રકમ આપવી નહીં. એ ટ્રસ્ટીએ પોતે જેમ કોઈ મંદિરમાં પૂજા કરવા જતો હોય એવો ભાવ રાખવો. સંસ્થામાં પોતે ટ્રસ્ટી છે એ રીતે વર્તવું. બીજી બાજુ આદરણીય ધીરુભાઈની વાત કરીએ તો એમના પત્ની ધનગૌરીબહેન ઘણા વર્ષો બિમાર રહ્યાં. એમની સંભાળ રાખવા માટે એક બાઈ બેસતી હતી, પરંતુ કોઈ વખત એ સ્ત્રી ન આવી હોય તો ધીરુભાઈ ઘરની બહાર તાળુ મારીને પણ વિશ્વકોશમાં આવતા અને સાંજ પડ્યે ઘેર જતા. મજાની વાત એ છે કે ધનગૌરીબહેન એમ કહેતાં કે, ‘તમે વિશ્વકોશમાં જાવ. મારી સહેજે ચિંતા કરશો નહીં.’ એ એકલા હોય, દર્દથી પીડાતા હોય, એક પલંગમાં જ રહેવું પડતું હોય આવી બધી પરિસ્થિતિ વચ્ચે પણ એમનો ભાવ એવો રહેતો કે ધીરુભાઈ અચૂક વિશ્વકોશમાં જાય.
આથી એમની પાસે કોઈ રજા લેવા જાય તો ભારે મુશ્કેલી. જોકે એમનો થોડો વારસો મને પણ મળ્યો છે. કોઈ રજા લેવા જાય એટલે તરત પૂછે કે આટલું બધું કામ છે અને તમે રજા લેવાનું વિચારો છો ? એમાં પણ ખરી મુશ્કેલી તો મારે વિદેશના પ્રવાસે જવાનું હોય ત્યારે થતી. કઈ રીતે એમની પાસેથી રજા લેવી, એના જુદાં જુદાં પેંતરા કરતો. ધીરે રહીને એમને કહેતો કે, ‘મારે એન્ટવર્પ જવું પડે તેમ છે. ત્યાં મારા પ્રવચનો યોજાયા છે.’ શરૂઆતમાં તો એમનો તરત પ્રતિભાવ એવો હોય કે અહીં આટલું બધું કામ છે એ તમારા વિના કોણ કરશે ? પછી પાછા ઉત્સાહ પણ આપે અને કહે કે, ‘જરૂર જઈ આવો, પણ તરત પાછા આવજો.’
બીજી બાજુ એમની પાસેથી હંમેશા વહાલ મળતું રહ્યું. જો એમને ખબર પડે કે આજે હું બીમાર છું અને આજે ઑફિસ આવ્યો નથી, તો સાંજે રીક્ષામાં બેસીને મારે ત્યાં આવે. આમ સામી વ્યક્તિને પ્રેમથી જીતી લેવાની અને વહાલથી પોતિકી કરવાની અદભૂત કળા એમની પાસે હતી.
પ્રશ્ન : વિશ્વકોશનું આર્થિક આયોજન કઈ રીતે થયું ?
ઉત્તર : વિશ્વકોશ ગ્રંથના વિમોચન માટે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આવ્યા હતા અને એમણે 67 વર્ષના ધીરુભાઈને આશીર્વાદ આપ્યા કે તમે આ ભગીરથ કાર્ય જરૂર પૂર્ણ કરશો અને બન્યું પણ તેવું જ. એ સમયે તેઓશ્રીની પ્રેરણાથી BAPS સંસ્થાના જુદાં જુદાં કેન્દ્રોએ વિશ્વકોશ ખરીદ્યા, પણ સતત આર્થિક મુશ્કેલીઓ રહેતી હતી, પણ એક વાર વિશ્વકોશની મિટિંગ સંસ્થાના ટ્રસ્ટી શ્રી દીપચંદભાઈ ગારડીના મુંબઈમાં એમના નિવાસસ્થાને યોજાઈ. એમાં શ્રી દીપચંદભાઈ ગારડી, શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, ધીરુભાઈ ઠાકર અને હું એમ અમે બધાં મળ્યાં, ત્યારે શ્રી દીપચંદભાઈને વાત કરી કે આર્થિક જોગવાઈ થાય તો આપણે આપણી પ્રવૃત્તિ વધારી શકીએ અને વિશ્વકોશનો એક ખંડ તૈયાર કરવા પાછળ પાંચેક લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. એ ક્ષણે જ શ્રી દીપચંદભાઈ ગારડીએ કહ્યું કે, ‘હું એક ગ્રંથ માટેની રકમ આપીશ અને બીજી સર્વશ્રી મફતલાલ મહેતા, શ્રી યુ.એન. મહેતા અને શ્રી દામજીભાઈ એન્કરવાળા એક-એક ગ્રંથની મદદ કરશે.’ અને ગારડી સાહેબના એ સહયોગને કારણે સંસ્થાને આર્થિક સદ્ધરતા મળી અને એથીયે વધારે ઝડપથી કામ કરવાની અનુકૂળતા સાંપડી.
આ સમયે એક એવો બનાવ બન્યો કે ગારડી સાહેબે કહ્યું કે, ‘એક વ્યક્તિ એવી છે કે જે તમને એક કરોડ રૂપિયા આપે. માત્ર શરત એટલી કે તમારે સ્ટેજ પર અગ્રણીઓની વચ્ચે બેસાડવાના અને માન આપવાનું.’
ગારડી સાહેબને મેં એ વ્યક્તિનું નામ પૂછ્યું અને જ્યારે એમણે કહ્યું કે, ‘એ ભાઈ અમુક પ્રકારના લોકો વ્યસની બને અને એ વ્યસન પાછળ એમનું જીવન બરબાદ થઈ જાય એવો વ્યવસાય કરે છે.’
ત્યારે મેં તત્કાળ કહ્યું કે, ‘સાહેબ, માફ કરજો. અમારે એવું દાન લેવું નથી.’
આનો અર્થ એટલો જ કે પ્રમાણિકતાના પાયા પર રચાયેલી સંસ્થા હોય, ત્યારે એની પાસે એક તેજ હોય છે અને એ તેજને કારણે એ પ્રલોભનોનો સામનો કરી શકે છે. સમાજમાં આવી પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાવવા માટે સહુ આતુર હોય, પણ અમે એવું રાખ્યું કે, ‘જેને વિદ્યાનો પ્રેમ હોય એ જ આ સંસ્થાના ટ્રસ્ટી બને.’
પ્રશ્ન : ગુજરાત સરકાર તરફથી કેવો સહયોગ મળ્યો ?
ઉત્તર : આને પરિણામે રાજકીય દબાણો પણ ખાળી શકાયા. વિશ્વકોશની પ્રવૃત્તિને ગુજરાત સરકાર તરફથી મદદ મળવામાં શરૂઆતમાં ઘણી મુશ્કેલી રહેતી હતી. એક વખત ગુજરાતના મુખ્ય પ્રધાનને આ અંગે મુલાકાત લઈને ગાંધીનગર મળવા ગયા. એમને વાત કરી કે દરેક ભાષામાં વિશ્વકોશ છે, તો ગુજરાતી ભાષામાં કેમ નહીં ? આ વિશ્વકોશમાં ગુજરાત વિશેની માહિતી સૌથી અગ્રસ્થાને હોય. એ પછી દેશ અને દુનિયાની માહિતી હોય. છેક છેવાડાના માણસ સુધી આપણી ભાષામાં આ જ્ઞાન પહોંચે. વિશ્વકોશમાં વિશ્વના દરેક વિષયોનો સમાવેશ થાય. મહારાષ્ટ્રની સરકારે મરાઠી વિશ્વકોશને માટે વાઈમાં જમીન આપી છે, એને માટે મકાનો બાંધી આપ્યા છે, સરકાર એનો સંપૂર્ણ ખર્ચ ઉપાડે છે, એક સમયના ભારતના કેન્દ્રિય પ્રધાન શ્રી યશવંતરાવ ચૌહાણે રસ લઈને આ સંસ્થાની સ્થાપના કરી હતી અને શ્રી લક્ષ્મણશાસ્ત્રી જોશીએ આ વિશ્વકોશના સર્જન માટે અપ્રતિમ પુરુષાર્થ કર્યો.
આ સાંભળીને મુખ્ય પ્રધાનશ્રીએ કહ્યું કે, ‘ધીરુભાઈ મરાઠીમાં વિશ્વકોશ થયો છે તો એનું ભાષાંતર કરી લો ને ?’
ધીરુભાઈને આ વાત સાંભળીને ખૂબ આઘાત લાગ્યો હતો. એ પછી એ સમયના મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલને મળવા ગયા. ચીમનભાઈ પટેલે પહેલાં તો ના પાડી, ત્યારે ધીરુભાઈએ સહેજ ઊંચા અવાજે કહ્યું, ‘તમે અધ્યાપક છો. અધ્યાપનકાર્ય કર્યું છે અને તમને આનો મહિમા નથી ?’ અને એ સમયે ચીમનભાઈએ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ગ્રંથના પ્રકાશન માટે મદદ આપી.
સૌથી વિશેષ કાર્ય શંકરસિંહ વાઘેલાએ કર્યું. એમણે વિશ્વકોશને પચાસ લાખ રૂપિયાનું દાન આપ્યું. એ સમયે ગુજરાતી સાહિત્ય પરિષદને પણ એમણે દાન આપ્યું હતું. નાણામંત્રીશ્રી બાબુભાઈ મેઘજી શાહ વિશ્વકોશની પ્રવૃત્તિમાં રસ લેતા હતા. એમણે એક શરત કરી કે તમારે એક વર્ષમાં આ રકમ વાપરી નાખવી. અમે કહ્યું કે, ‘અમારે માટે એ શક્ય નથી. ભલે તમે અમારા ખંડ પ્રગટ થાય એ રીતે આપો.’ સરકારે એ માન્ય રાખ્યું અને એ પછી વિશ્વકોશનાં ગ્રંથો પ્રગટ થતા રહ્યા તેમ તેમ એ સહાય સાંપડતી રહી.
મારા મિત્ર અને અનેક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરનાર શ્રી પ્રવીણચંદ શાહને વિશ્વકોશની વાત કરી અને એમના સહયોગથી અમે એક શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ વિશ્વવિદ્યાશ્રેણીનો પ્રારંભ કર્યો અને ગુજરાતી વિશ્વકોશનો ખંડ 9 અર્પણ કર્યો.
પ્રશ્ન : ગ્રંથશ્રેણીનો પ્રારંભ કઈ રીતે થયો ?
ઉત્તર : વિશ્વકોશની ગ્રંથશ્રેણીની પાછળ અમારા કેટલાક ખ્યાલો હતા. એક તો એવા વિષય પર ગ્રંથ પ્રગટ કરવો જે સામાન્ય રીતે પ્રકાશકો પ્રગટ કરવા આતુર ન હોય. જેમકે લિપિ, હસ્તપ્રતવિજ્ઞાન, તળની બોલી. બીજા એવા કેટલાક વિષયોનાં ગ્રંથો પ્રગટ કરવા કે જેનાથી માહિતી સમૃદ્ધ બની શકે. ‘ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિકો’નો માહિતીકોશ અથવા તો ‘ગુજરાતી રંગભૂમિ રિદ્ધિ અને રોનક’ જેવાં માહિતીપ્રદ પ્રમાણભૂત ગ્રંથો પ્રગટ કરી શક્યા. ‘ભારત’ વિશે એક ગ્રંથ પ્રગટ કર્યો અને ‘ગુજરાત’ વિશેનાં ગ્રંથની તો ઘણી આવૃત્તિ થઈ. મારો એવો આગ્રહ રહેતો કે દર વર્ષે એક વૈજ્ઞાનિકનું ચરિત્ર પ્રગટ થવું જોઈએ. વિક્રમ સારાભાઈ જેવા આપણા મહાન વૈજ્ઞાનિકનું ગુજરાતીમાં કોઈ ચરિત્ર નહોતું અને એથી જ વિક્રમ સારાભાઈ, સત્યેન્દ્રનાથ બોઝ, સી.વી. રામન, હોમીભાભા, મેઘનાદ સહા જેવાં વૈજ્ઞાનિકોના ચરિત્રો પ્રગટ કર્યાં.
વિખ્યાત સર્જન ડૉ. શિલીન નં. શુક્લ પાસે ચાલીસેક પ્રકારના કૅન્સર વિશે એક વિસ્તૃત પુસ્તક લખાયું. એ પુસ્તક દર્દીઓ ખરીદી શકે તે માટે એની ખૂબ ઓછી કિંમત રાખી. ક્યારેક થોડું નુકસાન થાય તો પણ લોકોપયોગી પુસ્તકો એમને સસ્તી કિંમતે મળી રહે તેવો સતત પ્રયત્ન અમે કરતા રહ્યા.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સંસ્થાનું ભૂમિપૂજન ડૉ. પી.સી. વૈદ્ય સાહેબે કર્યું હતું. એમના જેવા શિક્ષણશાસ્ત્રી અને ગણિતજ્ઞ વિશે કોઈ ચરિત્ર લખાયું નહોતું, ત્યારે અમે એમના ભત્રીજા શ્રી અરુણભાઈ વૈદ્યને વિનંતી કરી. તેઓ વિશ્વકોશ સાથે જોડાયેલા હતા. શારીરિક રીતે અસ્વસ્થ હતા. અમેરિકા થોડો સમય રહેવા ગયા હતા, પણ અમારો આગ્રહ હતો કે શ્રી પી.સી. વૈદ્ય સાહેબ વિશે પુસ્તક પ્રગટ કરવું અને અરુણભાઈ વૈદ્યે ‘આપણી મોંઘેરી ધરોહર’ નામે આ ચરિત્ર લખી આપ્યું.
તાજેતરમાં ગુજરાતના બી.એડ્.ના શિક્ષણમાં પરિવર્તન સાધનારા શ્રી દાઉદભાઈ ઘાંચી અમારા ટ્રસ્ટી અમને સહુને પ્રોત્સાહન આપે. ધીરુભાઈ ઠાકરની વિદાય પછી એમનો ઉત્સાહ અમારે માટે પ્રેરક બની રહ્યો. એમના પુત્ર ફારૂકભાઈએ કહ્યું કે, ‘મારા પિતાશ્રી વિશે એક લેખ લખી આપો. અમારે એમના જન્મદિવસે થોડાં લેખો બહાર પાડવા છે.’ અમે કહ્યું કે, ‘એમને વિશે તો આપણે પુસ્તક બહાર પાડીશું’ અને વિશ્વકોશ દ્વારા એમને વિશેનું ‘શિક્ષણવિકાસના ધ્રુવતારક’ પુસ્તક પણ પ્રગટ થયું.
પ્રશ્ન : બાળવિશ્વકોશના પ્રારંભની વાત કરશો.
ઉત્તર : બાળકેળવણી ક્ષેત્રે મહત્ત્વનું કાર્ય કરનાર ગિજુભાઈ બધેકાનું એક સ્વપ્ન હતું કે, ‘ગુજરાતમાં બાળકો માટે એક વિશ્વકોશ હોવો જોઈએ.’ સમર્થ સાહિત્યકાર શ્રી ચંદ્રકાન્તભાઈ શેઠ વિશ્વકોશ સાથે જોડાયા હતા. શ્રી ધીરુભાઈ ઠાકર પ્રત્યે અપ્રતિમ સ્નેહ અને ચંદ્રકાન્તભાઈની ચીવટ, સૂઝ અને ક્ષમતા એવી કે એકેએક શબ્દ બરાબર એમની નજર હેઠળથી પસાર થાય. આને પરિણામે બાળવિશ્વકોશનાં દસ ગ્રંથોનું સર્જન થયું. રજની વ્યાસ એમાં ચિત્રકાર તરીકે જોડાયા.
પ્રશ્ન : વિશ્વકોશની સરસ્વતીયાત્રા વિશે વાત કરશો ?
ઉત્તર : વિશ્વકોશના 22મા ગ્રંથના વિમોચન માટે હિન્દીના અગ્રણી વિવેચક શ્રી નામવરસિંહજી આવ્યા હતા. એમણે વિશ્વકોશનું આ કાર્ય જોઈને કહ્યું કે, ‘તમે એટલું મોટું કામ કર્યું છે કે તમારે વિશ્વકોશની સરસ્વતીયાત્રા યોજવી જોઈએ. જેમ હજાર વર્ષ પહેલાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ લખેલા ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ની પાટણ નગરમાં સરસ્વતીયાત્રા થઈ હતી. સાત દિવસ સુધી એ ગ્રંથોત્સવનો ઉત્સવ ચાલ્યો હતો.’ આ વાત તો ભુલાઈ ગઈ, પરંતુ એવામાં ગુજરાતના અગ્રણી આયોજક એવા શ્રી પ્રમોદભાઈ શાહ આવ્યા અને એમણે કહ્યું કે, ‘કેટલીક સંસ્થાઓ સાથે મળીને વિશ્વકોશની ગ્રંથયાત્રા કરવા માગે છે.’ અને પછી વિશ્વકોશભવનથી એ ગ્રંથયાત્રાનો પ્રારંભ થયો. જાણીતા લેખિકા ધીરુબહેન પટેલે ધ્વજ ફરકાવીને એનો આરંભ કરાવ્યો અને એનું સમાપન ગાંધીઆશ્રમમાં કરવામાં આવ્યું. જેમાં કાર્યક્રમના પ્રમુખપદે વિખ્યાત સ્થપતિ બાલકૃષ્ણ દોશી ઉપસ્થિત રહ્યા હતા અને એમણે વિશ્વકોશની પ્રવૃત્તિને બિરદાવી હતી. વિશેષ તો આ સરસ્વતીયાત્રામાં જુદી જુદી સ્કૂલ અને કૉલેજોના વિદ્યાર્થીઓ સામેલ થયા હતા અને હાથીની અંબાડીમાં વિશ્વકોશનાં ગ્રંથો લઈને એ સહુ બેઠાં હતાં.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ ભગવતી એ આ સંસ્થાને સતત સહયોગ આપતા રહ્યા. એ પૂર્વે એમના પિતાશ્રી હીરાલાલ ભગવતી આ સંસ્થાના ટ્રસ્ટી હતા અને એકાઉન્ટ્સની બાબતમાં પ્રકાશભાઈ ભગવતીનું અમને અમૂલ્ય માર્ગદર્શન મળતું રહ્યું. એમના પત્ની અંજનાબહેન ભગવતીએ એક વાર આવીને કહ્યું કે, ‘મારે વિશ્વકોશમાં કોઈ કામ કરવું છે.’
મેં કહ્યું કે, ‘મારો સિદ્ધાંત એવો છે કે તમે અહીં પંદર દિવસ આવો. વિશ્વકોશનાં ગ્રંથો જુઓ. અમારી પ્રવૃત્તિને જાણો અને પંદર દિવસ પછી આપણે નક્કી કરીએ કે તમને કયું કામ સોંપવું.’
એ કોઈ કાર્ય શોધતા હતા, ત્યાં જ બાળવિશ્વકોશનું કામ શરૂ થયું. એમણે બાળકો માટે પુસ્તકની રચના કરી અને ધીરે ધીરે બીજા ચારેક બહેનો એમાં જોડાયા. અંજનાબહેન ભગવતી, શુભ્રાબહેન દેસાઈ, અમલાબેન પરીખ, રાજશ્રી મહાદેવિયા અને શ્રદ્ધાબહેન ત્રિવેદીની ટીમે બાળવિશ્વકોશનું સર્જન કર્યું. વિશેષ તો ચંદ્રકાન્તભાઈએ એમની પાસેથી બરાબર કામ લીધું અને મને હસતાં હસતાં કહે કે, ‘તું આ બધાને શોધી લાવ્યો અને લેખિકા બનાવી દીધા.’
રંગભૂમિના નિપુણ કલાકાર શ્રી દીપ્તિબહેન જોશી મળવા આવ્યા, ત્યારે અમે એમને કહ્યું કે, ‘અમારે નાની એક ક્લિપ બનાવવી છે. તમે એ કરી આપો.’ પછી એમણે અમારા કાર્યક્રમ વિશે અને થોડાક વક્તાઓ વિશેનાં પરિચય તૈયાર કરી આપ્યા. દિપ્તીબહેન કેમેરા સામે કશુંય બોલતા પહેલાં ત્રણેક વખત એ વાંચી જાય, મનમાં બરાબર ગોઠવી રાખે અને પછી છટાદાર રીતે એને રજૂ કરે. કામ પ્રત્યેની નિષ્ઠા આવા નાનાં નાનાં પ્રસંગોમાં પણ આપણને જોવા મળે છે.
બાળવિશ્વકોશનું કામ પૂર્ણ થયા પછી આ બહેનોને એક વિષય લઈને અભ્યાસપૂર્ણ પુસ્તક લખવાનું કહ્યું. શુભ્રાબહેને ‘મંગળના ગ્રહની સફર’ પર કિશોરકથા લખી. અમલાબહેન બાળવિશ્વકોશમાં રમતગમત વિશેનાં અધિકરણો લખતા હતા એટલે એમને કહ્યું કે, ‘તમે જે મહિલાઓએ તાજેતરના સમયમાં સિમાચિહ્નરૂપ સિદ્ધિ મેળવી હોય તેને વિશે એક પુસ્તક તૈયાર કરો.’ અને એમણે ‘સંઘર્ષથી સિદ્ધિ સુધી’ પુસ્તક તૈયાર કર્યું. વિશ્વકોશનાં એકસો પ્રકાશનો લઈને શ્રદ્ધાબહેને એને વિશે વિશ્વકોશની ગ્રંથયાત્રાનું પુસ્તક તૈયાર કર્યું. જ્યારે અંજનાબહેન ભગવતીએ ‘કીડી કુંજર કરે કમાલ’, ‘વનપરીની મિજબાની અને બીજી વાતો’ અને ‘દેડકાનું ડ્રાઉં ડ્રાઉં’ પુસ્તક તૈયાર કર્યાં.
કામ અને નિયમ પ્રત્યેની નિષ્ઠાનો એક અંગત દાખલો આપું. ‘મનની મિરાત’, ‘જીવનનું જવાહિર’ અને ‘શીલની સંપદા’ વિશ્વકોશ દ્વારા પ્રકાશિત થતું હતું, ત્યારે મેં મારા એ ત્રણેય પુસ્તકોની અર્પણ નોંધ લખી હતી, પણ સંસ્થામાં નિષ્ઠાની જાળવણીનું કામ કરતા ડૉ. પ્રીતિ શાહે કહ્યું કે, ‘વિશ્વકોશની એવી પરંપરા છે કે લેખક કોઈને પુસ્તક અર્પણ કરતા નથી.’ એટલે મારે એ ત્રણેય અર્પણપત્રિકા રદ કરવી પડી. સંસ્થા માટેની અને મૂલ્યો માટેની આવી ચીવટ જોઈએ, ત્યારે જરૂર આનંદ થાય.
ધીરુભાઈ એમના પાછળના સમયમાં કહેતા કે, ‘વિશ્વકોશ એ એક મશાલ છે. એક પેઢીએ બીજી પેઢીને આપવાની છે અને બીજી પેઢીએ ત્રીજી પેઢીને આપવાની છે. આ મશાલ જલતી રહેવી જોઈએ.’ રોજ સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ ધીરુભાઈની ઑફિસમાં મમરા પાર્ટી થતી. એ બહાને બધા ભેગા થતા અને વાતો કરતા. એવી જ રીતે દર મહિને એક વાર વિશ્વકોશ પરિવારનું મિલન રાખવામાં આવે છે. એમાં એ મહિનામાં જેનો જન્મદિવસ હોય તેને ભેટ આપવામાં આવે છે અને સાથે એક શુભેચ્છા-પત્ર અપાય છે. થોડી-ઘણી વાતો થાય, પછી સહુ નાસ્તો કરે અને સાથોસાથ સંસ્થાના આગામી આયોજનો અંગે પણ વાતચીત થાય. આ સભામાં સંસ્થામાં જોડાયેલી નવી વ્યક્તિ સાથે સહુનો પરિચય કરાવવામાં આવે.
પ્રશ્ન : વિશ્વકોશને આજની જરૂરિયાત મુજબ ઑનલાઇન કર્યો, તે વિશે કહેશો ?
ઉત્તર : વિશ્વકોશે છેલ્લાં સાત વર્ષથી ગુજરાતી વિશ્વકોશને ઑનલાઇન મૂકવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો અને આજે વિશ્વકોશના 26 ગ્રંથોનાં 170 વિષયોનાં 24,000થી વધુ અધિકરણો આંગળીના ટેરવે સહુને ઉપલબ્ધ છે. એ કમ્પ્યૂટરમાં પણ મળી શકે અને મોબાઈલમાં પણ મળે અને એને પરિણામે આજે ભારત, અમેરિકા, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, સિંગાપોર, ઑસ્ટ્રેલિયા અને જાપાન વગેરે દેશનાં પોણા બે લાખ કરતા વધુ લોકો દર મહિને વિશ્વકોશમાંથી માહિતી પ્રાપ્ત કરે છે. આ ઑનલાઇનના કામમાં કેટલીક વ્યક્તિઓએ તો સવારના 8.00થી રાતના 8.00 સુધી કામ કર્યું. અનુરાગ દેસાઈ કેનેડા જવાના હતા. એ પહેલાં એમણે સવારના 8.00થી રાતના 8.00 સુધી કામ કરીને ઘણા ગ્રંથોને ઑનલાઇન મૂકી આપ્યા. કોઈ એજન્સીને આ કામ સોંપ્યું નથી, પણ અમારા મિત્રોની શુભનિષ્ઠાથી આ કામ તૈયાર થયું છે.
વિદ્વાન અધ્યાપકો અહીં પોતાના જીવનના અંતકાળ સુધી કાર્યરત રહ્યાં છે. એની પાછળ એમનો પોતાના વિષય પ્રત્યેનો પ્રેમ, વિશ્વકોશ માટેની ચાહના અને સાથીમિત્રો વચ્ચેનો સ્નેહ કારણભૂત છે. રસાયણશાસ્ત્રના આંતરરાષ્ટ્રીય કક્ષાના વિદ્વાન પ્રો. જે. ડી. તલાટીએ વિશ્વકોશમાં રસાયણશાસ્ત્રના પરામર્શનનું કામ કર્યું. પુસ્તકો પણ લખ્યાં. સમય જતાં જીવનની પાછલી અવસ્થામાં શારીરિક તકલીફોથી ઘેરાઈ ગયા હતા, તેમ છતાં વિશ્વકોશમાં આવવા માટે એમણે ડ્રાઇવર રાખ્યો હતો. ત્રણ કલાક માટે આવે, વ્હિલચૅરમાં બેસીને છેક એમની જગ્યા સુધી જાય. ત્યાં બેસીને ત્રણેક કલાક કામ કરે અને પછી ઘેર જાય. ભૌતિકશાસ્ત્રના વિદ્વાન પ્રા. પ્રહ્લાદભાઈ છો. પટેલે પણ જીવનના અંતકાળ સુધી વિશ્વકોશમાં કાર્ય કર્યું હતું. આજના સમયમાં જોઈએ તો આર્થિક દૃષ્ટિએ એમને કશું જ આપ્યું ગણાય નહીં, પણ સંસ્થા માટેનો સ્નેહ એમને અહીં દોરી લાવતો હતો.
વિક્રમ સારાભાઈના સમયમાં અટીરામાં કાર્ય કરનારા અને અટીરાના ગ્રંથાલયને સ્વ-નિર્ભર બનાવનારા ગ્રંથપાલ પી. સી. શાહ વિશ્વકોશમાં આવ્યા. અહીં એમને પૂરી મોકળાશ આપી અને અગિયાર મહિના સુધી એમણે કાર્ય કર્યું. થોડાં પ્રવચનો ગોઠવ્યા, ચાર પ્રોજેક્ટ કર્યા અને એક દિવસ મને કહ્યું કે, ‘અહીં આવ્યો તે પહેલાં સાહિત્યકારો વિશે મારા મનમાં બહુ સારો ખ્યાલ નહોતો, પણ અહીં આવ્યા પછી આ બધા સાહિત્યકારોનો એટલો બધો સ્નેહ મળ્યો કે મારો એ ખોટો ખ્યાલ ભૂંસાઈ ગયો.’ એમને કાર્ય કરવાની એટલી બધી મોકળાશ સાંપડી કે જુદાં જુદાં અનેક કાર્યો એમણે હાથ પર લીધા. એમનું અણધાર્યું અવસાન થયું. એમના વસિયતનામાની અંદર એમણે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને પાંચ લાખ રૂપિયાનું દાન આપવાનું લખ્યું હતું અને આજે એમની સ્મૃતિમાં વિશ્વકોશમાં વ્યાખ્યાનો થઈ રહ્યાં છે.
વિશ્વકોશ એ સંન્નિષ્ઠ શિક્ષકોનો પ્રેમ અને બંધુતાને વરેલા સત્ય અને સુંદરના અભિલાષી શિક્ષકોનું જ સર્જન છે. પહેલાં ગુજરાતી વિશ્વકોશના વીસ ભાગની યોજના હતી. ધીરે ધીરે એમાં ઉમેરો થતો ગયો અને 170 જેટલાં વિષયો સમાવેશ પામ્યાં. કેટલાંક વિષયોમાં બહુ ઓછું ખેડાણ થતું હતું, તે વિશ્વકોશમાં થયું. આની સાથોસાથ વિશ્વકોશની વાત કરતું અને જગતની ગતિવિધિ દર્શાવતું 16 પાનાંનું ‘વિશ્વવિહાર’નામનું મુખપત્ર નવેમ્બર, 1997થી શરૂ કર્યું. એમાં અમારા કાર્યક્રમોની વાત પણ આવે અને એ નાનું હોવાથી ઘણી વ્યક્તિઓ એક બેઠકે વાંચી લે. એમાં સાહિત્ય, હાસ્ય, વિજ્ઞાન, સાંપ્રત સમયની ઘટનાઓ, ટૅક્નૉલૉજી એ બધાં વિષયનાં જુદાં જુદાં લેખો આમાં મળે. ઑક્ટોબર, 2017થી ‘વિશ્વવિહાર’ 32 પાનાંનું બન્યું, એની સાથોસાથ ‘વિશ્વવિહાર’ પ્રજ્ઞાચક્ષુઓ સાંભળી શકે તે માટે શ્રી જસુભાઈ કવિ અને અન્ય સહુની સહાયથી એ ઓડિયો સ્વરૂપે પણ ઉપલબ્ધ છે.
પ્રશ્ન : સર્જક ધીરુબહેન પટેલની સર્જનાત્મકતાનો કેવો લાભ મળ્યો ?
ઉત્તર : ગુજરાતના વિખ્યાત સર્જક ધીરુબહેન પટેલ તેમના જીવનના છેલ્લાં આઠ વર્ષ વિશ્વકોશમાં આવ્યા અને એમણે ‘વિશ્વા’ નામની બહેનોની સંસ્થા શરૂ કરી હતી. ચાલીસ વર્ષથી ઉપરની, સુશિક્ષિત અને નોકરી નહીં કરતી બહેનોની શક્તિનો સદુપયોગ થાય એ એની પાછળની ભાવના હતી. એની અનેકવિધ પ્રવૃત્તિઓ નિયમિતપણે ચાલી રહી છે અને ધીરુબહેનની અંતિમ ઇચ્છા માત્ર લેખિકાઓથી ચાલતું ત્રૈમાસિક પ્રકાશિત કરવાની હતી અને વિશ્વકોશ દ્વારા એ ત્રૈમાસિકનું પ્રકાશન થાય છે.
વિશ્વકોશના ગ્રંથનું વિમોચન થતું, ત્યારે એક મોટો ઉત્સવ યોજાતો. ધીરુભાઈમાં એક નવો ઉત્સાહ જોવા મળતો અને કહેતા કે, ‘ગ્રંથવિમોચનના પ્રસંગે મારી વૃદ્ધાવસ્થામાં નવી ચેતનાનો સંચાર થાય છે.’ અને એમનો નિયમ હતો કે, ‘કોઈપણ નવા કાર્યનું પ્લાનિંગ કરવું હોય તો આપણે અમર છીએ એમ માનવાનું. મૃત્યુ આવવાનું જ નથી એમ પ્લાનિંગ કરવાનું અને જ્યારે એનો અમલ કરવાની વાત આવે, ત્યારે આવતી કાલે જ મૃત્યુ આવશે એમ માનીને ઝડપથી એનો અમલ કરવો.’ વિશ્વકોશના જન્મદિવસની એક દિવસની ઉજવણી થતી હતી, પરંતુ પછી વિશ્વકોશથી વિશ્વસંસ્કૃતિ ભણી જવાનો અભિલાષ રાખ્યો અને એને પરિણામે વિશ્વકોશના 2જી ડિસેમ્બરના સ્થાપના દિવસે ત્રણેક દિવસનો વિશ્વસંસ્કૃતિને આવરી લેતો કાર્યક્રમ યોજાય છે. એમાં વિશ્વના સાહિત્યની વાત હોય કે જગતના વિવિધ કવિઓની વાત હોય.
વડમાંથી વડવાઈઓ નીકળે તે રીતે ગુજરાતી વિશ્વકોશ પછી બાળવિશ્વકોશ અને પરિભાષાકોશની રચના થઈ. એ પછી સંતકોશનો પ્રારંભ થયો. એનું કારણ એ કે સમય એવો આવ્યો છે કે લોકો નરસિંહ મહેતા વિશે જાણતા નથી અને પ્રભાતિયાં અને ગરબા વચ્ચેના ભેદની ખબર નથી. એની ધૂરા શ્રી દલપતભાઈ પઢિયાર અને પી.સી. પરીખે સંભાળી છે સાથે શ્રી વસંતભાઈ ગઢવી જેવા તજ્જ્ઞ મળી ગયા અને અત્યારે એ તૈયાર થઈ રહ્યો છે. એક બીજો પ્રયાસ નાટ્યકોશની રચનાનો હતો. એને માટે ઘણી મિટિંગ થઈ, પણ સાકાર થયું નહીં, પણ અત્યારે શ્રી ભરતભાઈ દવેએ લખેલા ભારતીય લોક પરંપરાઓને આલેખતા બૃહદ્ નાટ્યકોશના બે ભાગ પ્રગટ થયાં છે અને બાકીના બે ભાગનું કાર્ય ચાલુ છે. ઈ.સ. 1850 પછી સર્વત્ર મહિલા જાગૃતિ આવી છે અને ત્યારે એવી સ્ત્રીઓનો પરિચય આપતો નારીકોશ તૈયાર થઈ રહ્યો છે અને તેનો પ્રથમ ભાગ થોડા જ સમયમાં પ્રગટ થશે.
પ્રશ્ન : વિશ્વકોશ દ્વારા અપાતા ઍવૉર્ડની વાત કરશો ?
ઉત્તર : બીજી બાજુ જુદાં જુદાં ઍવૉર્ડ્ઝ દ્વારા સમાજના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં આગવું પ્રદાન કરનારનું અભિવાદન કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. ગુજરાતમાં કલા ક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરનારને ‘પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ’ એનાયત કરવામાં આવે છે. આ જ રીતે અન્ય ઍવૉર્ડ આપવામાં આવે છે. શિક્ષણમાં ઈનોવેશન દ્વારા પરિવર્તન માટે કાર્યરત શિક્ષણ માટે ‘શ્રી દાઉદભાઈ ઘાંચી શિક્ષણવિષય ઍવૉર્ડ’, સામાજિક ઉત્થાન માટે ઉદ્યમશીલ વ્યક્તિ માટે ‘સમાજ-ઉત્કર્ષ ઍવૉર્ડ’, ટૅક્નૉલૉજી દ્વારા પરિવર્તન માટે ‘શ્રી ચીનુભાઈ આર. શાહ જીવનશિલ્પી ઍવૉર્ડ’, વિવેચન માટે ‘પ્રો. અનંતરાય રાવળ વિવેચન-ઍવૉર્ડ’, પ્રયોગાત્મક શિક્ષણ માટે ‘પ્રો. અનંતરાય રાવળ શિક્ષણ-ઍવૉર્ડ’, નાટ્યલેખન માટે ‘શ્રી ચંદ્રવદન મહેતા નાટ્યલેખન ઍવૉર્ડ’, પ્રાકૃત, અપભ્રંશ અને મધ્યકાલીન ગુજરાતી ભાષામાં સંશોધન માટે ‘આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી ચંદ્રક’, પોપટલાલ હેમચંદ સ્મૃતિ પારિતોષિક અને પ્રવચન (તત્ત્વજ્ઞાન અને સાહિત્ય માટે) સાહિત્ય માટે ‘ડૉ. હેમરાજ વી. શાહ પ્રેરિત કવિ નર્મદ પારિતોષિક’, ચિત્રકલા માટે ‘ચિત્રકાર શ્રી પ્રફુલ્લ દવે કલાપ્રતિભા ઍવૉર્ડ’ આપવામાં આવે છે.
આવી જ રીતે આપણા પ્રસિદ્ધ કવિ શ્રી હરિકૃષ્ણ પાઠકે એમના દૌહિત્રની સ્મૃતિમાં દર વર્ષે સ્કૂલના બાળકો માટે ચિત્રસ્પર્ધાનું આયોજન કરે છે અને મહાત્મા ગાંધીજીને કેન્દ્રમાં રાખીને વિદૂષી દક્ષાબહેન પટ્ટણી નિબંધસ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. દિવ્યાંગ લોકો માટે પણ વિશિષ્ટ કાર્યક્રમો થતાં રહે છે. મારા ગુરુ પંડિત સુખલાલજીએ ચૌદ વર્ષની વયે બંને આંખોની રોશની ગુમાવી હતી. એમના ચરણે બેસીને જે કંઈ વિદ્યા પ્રાપ્ત થઈ તેનું ઋણ તો કઈ રીતે ચૂકવી શકાય, પરંતુ એથી પ્રજ્ઞાચક્ષુઓની પ્રવૃત્તિ માટે વિશેષ ભાવ રહ્યો છે.
ગુજરાતીમાં દિવ્યાંગોની ક્ષમતાને વ્યક્ત કરતું ‘અપંગનાં ઓજસ’ પુસ્તક લખ્યું. એની ગુજરાતી પુસ્તકની આઠ આવૃત્તિ થઈ. એના હિન્દી અને અંગ્રેજી અનુવાદની પણ ચાર-ચાર આવૃત્તિ થઈ. અહીં દિવ્યાંગ વિદ્યાર્થીઓએ નાટક ભજવ્યું છે. પ્રજ્ઞાચક્ષુઓનો વિશેષ ઉપયોગ ફિલ્મી ગીતો ગાવામાં થતો હતો, ત્યારે મેં આગ્રહ રાખ્યો કે તેઓ ગુજરાતી ગીતો ગાય તેવું કરવું જોઈએ અને પ્રજ્ઞાચક્ષુઓનો ગુજરાતી ગીતો ગાવાનો આ પ્રયોગ અત્યંત સફળ થયો. એ જ રીતે પ્રજ્ઞાચક્ષુઓ માટે યોગનું આયોજન કર્યું. આ બધી પ્રવૃત્તિઓમાં ત્રીસ વર્ષ સુધી અંધજન મંડળની સ્કૂલના આચાર્ય જસુભાઈ કવિએ સાથ આપ્યો અને પ્રજ્ઞાચક્ષુઓ સાથે એમણે કરેલાં શૈક્ષણિક પ્રયોગોની વાત કરતું ‘જીવન-શિક્ષણ’ પુસ્તક વિશ્વકોશે પ્રગટ કર્યું.
પ્રશ્ન : વિશ્વકોશ દ્વારા ચાલતી સામયિક પ્રવૃત્તિ વિશે કંઈ કહેશો ?
ઉત્તર : છેલ્લાં 33 વર્ષથી ગુજરાતી ભાષા અને સાહિત્યના ભેખધારી શ્રી કિશોરભાઈ દેસાઈ અમેરિકામાં ‘ગુર્જરી ડાયજેસ્ટ’ નામનું ત્રૈમાસિક ચલાવતા હતા. એમની ઇચ્છા કોઈ સંસ્થાને આ કાર્ય સોંપવાની હતી અને અત્યારે ‘ગુર્જરી ડાયજેસ્ટ’ વિશ્વકોશ દ્વારા પ્રકાશિત થાય છે.
છેલ્લાં 36 વર્ષથી દેશ-વિદેશનાં સર્જકોની સાહિત્યકૃતિ ધરાવતું સામયિક ‘ગુર્જરી ડાયજેસ્ટ’ છેલ્લાં ત્રણ વર્ષથી વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થાય છે. પોતાના જીવનનાં ઉત્તરાર્ધના આઠ વર્ષો ગુજરાતમાં આવીને વિશ્વકોશનું વહાલ પામનારા અને વિશ્વકોશને વહાલ કરનારા આદરણીય શ્રી ધીરુબહેન પટેલ વિશ્વકોશમાં ‘વિશ્વા’ નામની બહેનોની પ્રવૃત્તિ ચલાવતા હતા અને અંતિમ સમયમાં એમની તીવ્ર ઇચ્છા હતી કે માત્ર લેખિકાઓનું ‘વિશ્વા’ નામનું એક સામયિક પ્રગટ થાય. આજે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ એને ત્રૈમાસિક રૂપે પ્રકાશિત કરે છે.
બીજી બાજુ વર્ષોથી એનું મુખપત્ર ‘વિશ્વવિહાર’ ઑનલાઇન મુકાતું હતું, પરંતુ છેલ્લાં કેટલાક સમયથી એ શ્રાવ્ય સ્વરૂપે (ઓડિયો રૂપે) મુકવામાં આવે છે, જેથી પ્રજ્ઞાચક્ષુઓ અને વાંચવાની મુશ્કેલી ધરાવનારી વ્યક્તિઓને પણ એની લેખસામગ્રીનો લાભ પ્રાપ્ત થાય.
ગુજરાતી લેક્સિકનમાં કેટલાંક સામયિકો મુકવામાં આવ્યા છે અને તેમાં હવે ‘વીસમી સદી’ જેવાં સામયિકોનો ઉમેરો થઈ રહ્યો છે. બીજા સામયિકો પણ એમાં મુકવાની સાથોસાથ ગુજરાતી ભાષાનાં કેટલાંક અત્યંત જૂનાં પુસ્તકો પણ ઑનલાઇન મુકવામાં આવશે.
વિખ્યાત ઉદ્યોગપતિ અને ભાષાપ્રેમી શ્રી રતિભાઈ ચંદરયાનાં સ્વજનો લેક્સિકન કોઈ સંસ્થાને સોંપવા ઇચ્છતા હતા. 25 વર્ષના પ્રયત્નો બાદ તૈયાર થયેલો, 45 લાખથી વધારે શબ્દો ધરાવતો ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ ઑનલાઇન શબ્દકોશ છે. અત્યાર સુધીમાં ચાર કરોડ અને એંશી લાખથી વધુ લોકોએ એની મુલાકાત લીધી છે. હવે એ લેક્સિકન ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલી રહ્યો છે. લેક્સિકન દ્વારા ગુજરાતી શબ્દ અને શબ્દાર્થ મળે અને વિશ્વકોશ દ્વારા એને માહિતી પ્રાપ્ત થાય. દર રવિવારે સવારે 10.30 વાગ્યે વિશ્વકોશ દ્વારા એક બાળવાર્તા અને બાળગીત પ્રસ્તુત થાય છે અને એ જ રીતે જોડણીનાં વર્ગો પણ ચાલી રહ્યાં છે. દસમા અને બારમા ધોરણનાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગુજરાતી વિષયમાં નપાસ થાય છે, તે અંગે પણ એક વીડિયો તૈયાર કરી રહ્યા છીએ.
વિદેશમાં જે ગુજરાતી કુટુંબો વસે છે, ત્યાં અંગ્રેજીમાં વ્યવહાર થાય તે સ્વભાવિક છે, પણ ત્યાંના બાળકોને પણ ગુજરાતી શીખવવાનો ઑનલાઇન પ્રયાસ કરી રહ્યા છીએ, કારણ કે પોતાની ભાષા જાય એટલે સર્જનાત્મકતા વિદાય પામે. પોતાની ભાષા જાય એટલે દાદા અને પૌત્ર વચ્ચેનો સંવાદ અશક્ય થતો જાય અને પોતાની ભાષા જાય એટલે મૂલ્યો, ભાવનાઓ અને સંસ્કૃતિ ચાલી જાય. આથી ગુજરાતી ભાષા માટેના અમારા આ પ્રયત્નોને સમાજમાંથી ખૂબ સારો પ્રતિભાવ મળે છે અને નિસ્વાર્થભાવે આમાં સહુ કોઈ સામેલ થાય છે.
કર્મચારીની દૃષ્ટિએ જોઈએ તો બહુ ઓછા માણસોથી આ સંસ્થા ચાલે છે, પણ દરેક વ્યક્તિ એ પરિવારજન સમાન છે અને તેથી અહીં આવનારી વ્યક્તિને ભાવભર્યા આદરનો અનુભવ થાય છે.
શ્રીમતિ માલતી મહેતા
માધ્યમ નિષ્ણાત, ડૉક્યુમેન્ટરી નિર્માત્રી