ચોતરફ ચૂંટણીનું વાતાવરણ છે, ત્યારે સૌથી મોટી વાત એ છે કે મતદાતાએ એના દિલના અવાજને અનુસરીને નિર્ણય લેવાનો છે. એના પર ચોતરફથી પક્ષો પ્રભાવી બનતા હોય છે, નેતાઓનો આગ્રહ અનુભવતો હોય છે, ભવિષ્યનાં મધમીઠાં વચનોનો આસ્વાદ પણ કરતો હોય છે. સોશિયલ મીડિયાના આક્રમણથી ઘેરાયેલો હોય છે, પરંતુ એણે મતદાન કરતી વખતે તો દિલના અવાજને અનુસરીને નિર્ણય કરવો જોઈએ અને એ હકીકત છે કે દિલનો અવાજ એ જ આપણે માટે સારી અને ખોટી બાબતનો નિર્ણાયક હોય છે.
માનવીને મળેલી સૌથી મોટી ભેટ એ દિલનો અવાજ છે, જે એને પ્રાણીઓથી ઊંચે ઉઠાવે છે. જો એ દિલનો અવાજ ભૂલી જાય, તો એ એક અસત્યમાંથી બીજા અસત્યમાં ગતિ કરશે. આથી જ બહુમતી જે કરે તે નહીં, પણ આપણો અંતરાત્મા કહે તે કરવાનો આ સમય છે. આજુબાજુના ઘોંઘાટથી હંમેશા અંતરાત્મા અળગો રહેતો હોય છે અને એવા અંતરાત્માના અવાજને સૌથી વધુ સંબંધ સત્ય સાથે છે.
બન્યું છે એવું કે વર્તમાન સમયમાં વ્યક્તિ એટલું બધું ખોટું બોલે છે કે જૂઠું બોલવું તે એને માટે સ્વાભાવિક બની ગયું છે. વ્યક્તિ જેમ બીજાને જૂઠું કહે છે, તેમ પોતાની જાતને પણ જૂઠું કહેવા લાગે છે. આની સામે સાવધ રહેવાનો આ સમય છે. આવે સમયે જો અંતરાત્માના અવાજને આપણે ઓળખીએ નહીં, તો આપણે આપણા મનુષ્યત્વને ખોઈ બેસીશું. આમ મનુષ્યત્વના એક મહિમાની ઘટના યાદ આવે છે.
વડોદરાના મહારાજા સયાજીરાવના દરબારમાં મૈસૂર રાજ્યના વીણાવાદક શેષણ્ણાનું સન્માન કરવાનું હતું. મૈસૂરના મહારાજાએ આ કલાકારને પૂરતાં આદર-સન્માન આપ્યાં હતાં. તેથી સયાજીરાવ ગાયકવાડે વિચાર્યું કે, ‘એને સુવર્ણજડિત પાલખીની ભેટ આપું’ અને કહ્યું કે, ‘આવતી કાલે આ પાલખી સાથે દરબારમાં પધારજો.’
શેષણ્ણાએ સંકોચવશ મહારાજની ભેટ સ્વીકારી અને બીજે દિવસે દરબારમાં વીણાવાદન કરવાની મહારાજની ઇચ્છા પૂર્ણ કરવા સંમત થયા. બીજે દિવસે શેષણ્ણા પોતાની વીણાને પાલખીમાં મૂકીને સ્વયં પગપાળા દરબારમાં આવ્યા. એમને આવી રીતે આવતા જોઈને મહારાજા સયાજીરાવ ગાયકવાડે કહ્યું, ‘અરે આ શું ? મેં તો તમને પાલખીમાં બિરાજમાન થઈને આવવાનું કહ્યું હતું.’
શેષણ્ણાએ ઉત્તર આપ્યો, ‘મહારાજ, તમે મને જે સન્માન આપ્યું તે આ વીણાને માટે આપ્યું છે. એને કારણે જ સહુ કોઈ મને આદર અને પ્રેમ આપે છે. આથી જ મારા કરતાં આ વીણા શ્રેષ્ઠ છે અને તેથી પાલખીમાં બિરાજમાન થવાનું સન્માન વીણાને મળવું જોઈએ.’
મહારાજા શેષણ્ણાના કલાસન્માનને જોઈને પ્રસન્ન થઈ ગયા અને કલાકારે પોતાના અંતરાત્માનો અવાજ અભિવ્યક્ત કર્યો.
આ અંગે એક પ્રસંગ જોઈએ. બૌદ્ધ મહાયાન સંપ્રદાયની ચીનમાં આરંભાયેલી અને જાપાનમાં પ્રસરેલી એક શાખા તે ઝેન. હકીકતમાં તો દક્ષિણ ભારતના આચાર્ય બોધિધર્મ (ઈ. સ. 470થી 543) ચીન ગયા હતા અને ત્યાં ઝૈન સંપ્રદાયનો પ્રારંભ થયો. મૂળ સંસ્કૃત શબ્દ ‘ધ્યાન’નું ચીની ભાષામાં ‘ચ-આન’ એટલે ‘ચાન’ અને જાપાની ભાષામાં ‘ઝેન’ એમ રૂપાંતર થયું.
ચીનમાંથી જાપાન ગયેલા આ ધર્મનાં સૂત્રોનો અનુવાદ કરવાનો જાપાનના તેત્સુજેને વિચાર કર્યો. એમનો હેતુ જાપાનની ભાષામાં ઝેન સૂત્રોનો પ્રચાર કરવાનો હોવાથી એમણે એ અનુવાદિત ગ્રંથની સાત હજાર પ્રતો પ્રગટ કરવાનું નક્કી કર્યું. આને માટે એમણે કરેલી દાનની ઘોષણાને પરિણામે ધનવાનોએ સોનામહોરો અને સામાન્ય લોકોએ સિક્કાઓ દાનમાં આપ્યા. દસ વર્ષે પ્રકાશન માટે જરૂરી રકમ એકઠી થઈ. એવામાં જાપાનની સૌથી મોટી ઉજી નદીમાં પૂર આવ્યું અને અધૂરામાં પૂરું પછીને વર્ષે દુષ્કાળ પડ્યો. આ કુદરતી આપત્તિઓએ પ્રજાજીવનને દુ:ખી, બેહાલ અને વેદનાગસ્ત કરી નાખ્યું.
તેત્સુજેને પોતાને દાનમાં મળેલી રકમ આપત્તિગ્રસ્તોને માટે વાપરી નાખી. ફરી ઝેન સૂત્રો માટે દાનની અપીલ કરી, પણ ત્યાં જાપાનમાં ભયંકર રોગચાળો ફેલાયો અને દાનની એકઠી થયેલી રકમ પાછી વપરાઈ ગઈ. આમ વીસ વીસ વર્ષની મહેનત પછી જાપાનીઝ ભાષામાં ઝેન સૂત્રોનો અનુવાદ પ્રગટ થયો. કહે છે કે એનાં આ સૂત્રો માત્ર અર્થાવાળાં જ નહીં, કિંતુ અત્યંત હૃદયસ્પર્શી અને માનવતાની ખુશબોથી ભરેલાં છે !
આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાના કાર્યમાં અન્યની સહાય ઝંખે છે, એ ઇચ્છે છે કે આમાં અન્ય કોઈ વ્યક્તિ એને મદદરૂપ થાય. એની આ ઇચ્છા કે ભાવના સહેજે અસ્થાને નથી, પરંતુ સવાલ એ છે કે તમને કામ ચીંધવા આવનારી વ્યક્તિ તમારા જીવનના પ્રયોજનનો વિચાર કરે છે ખરી? તમે પ્રમાણિકપણે જીવવા ઇચ્છતા હો અને પેલી વ્યક્તિ તમારી પાસે આવીને એમ કહે કે પેલા અધ્યાપક આપને પરિચિત છે, તો જરા આપની લાગવગનો ઉપયોગ કરીને મારા પુત્રને વધુ માર્ક મળે તેવી ગોઠવણ કરશો.’ આવી માગણી કરતી વખતે વ્યક્તિ સામી વ્યક્તિના જીવનપ્રયોજનને જોતી નથી. માત્ર પોતાની ઇચ્છા પર જ એની નજર હોય છે. પરિણામે એવું પણ બને છે કે ઘણી વ્યક્તિઓ માત્ર બીજાનાં કાર્યો કરવા ખાતર જીવતી હોય છે. કોઈ એમને ઍડમિશન માટે લાગવગ લગાડવાનું કહે, તો કોઈ ઓળખીતાને ત્યાં નોકરી અપાવવાની માગણી કરે. આને કારણે વ્યક્તિને પોતાના વનલક્ષ્યથી દૂર થઈને, સાવ અવળે માર્ગે જવું પડે છે અને અંતે એનું લક્ષ્ય જ નહીં, કિંતુ એનું આખું જીવન વ્યર્થતાના વિષાદથી ખંડિત થઈ જાય છે.
મજાની વાત એ છે કે પોતાનું કાર્ય સોંપતી વખતે વ્યક્તિ સામેની વ્યક્તિનો લાભ લેવા માગે છે, પણ એની ‘ઇમેજ’ સાચવવા માગતી નથી. આથી એ નિર્ણય લેવો મહત્ત્વનો છે કે તમે તમારા લક્ષ્ય સાથે રહેવા માગો છો કે પછી આવા લોકો સાથે રહેવા ઇચ્છો છો ? મૃત્યુ પછી તમે જ્યારે ઈશ્વરની સમક્ષ તમારા જીવનનો હિસાબ આપશો, ત્યારે તમારી પાસે સિફારિસની માગણી લઈને આવેલા લોકો નહિ હોય, તેઓ તમારા વતી કોઈ કેફિયત પણ નહિ આપે કે પોતાનાથી આવી ભૂલ થઈ ગઈ એનો એકરાર પણ નહિ કરે. આથી બીજાઓ તમારી પાસે સમયની માગણી કરે, લાગવગની માગણી કરે, કોઈ કામ કરી આપો તેવી ઇચ્છા પ્રગટ કરે, ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમારે તમારા જીવનના લક્ષ્યને દૃષ્ટિમાં રાખીને ઉત્તર આપવો જોઈએ.
એપલ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ટિમ કૂક વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીના સી.ઈ.ઓ. હોવા છતાં જીવનના નિર્ણયો લેવામાં સદૈવ પોતાના જીવનધ્યેયને – દિલના અવાજને – મહત્ત્વ આપે છે. ઓબર્ન યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને 1982માં તેઓ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગમાં ગ્રૅજ્યુએટ થયા. સ્વાભાવિક રીતે જ સહુએ એમને એન્જિનિયરિંગના ક્ષેત્રે જઈને કારકિર્દી બનાવવાનું કહ્યું, પણ ટિમ કૂકને એન્જિનિયર બનવાને બદલે બિઝનેસમૅન થવાની તીવ્ર ઇચ્છા હતી, આથી એમણે એમ.બી.એ. થવાનો નિર્ણય લીધો અને 1988માં ડ્યૂક યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને એ એમ.બી.એ. થયા. એ પછી બાર વર્ષ એમણે વિખ્યાત આઈ.બી.એમ. કંપનીમાં કામ કર્યું, પણ એમના દિલને લાગ્યું કે ઘણું થયું, હવે કોઈ નવી કંપનીમાં જવું જોઈએ, આથી કોમ્પેક કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટનો હોદ્દો મેળવ્યો અને હજી આ કંપનીમાં છ મહિના વિતાવ્યા હતા, ત્યાં જ એક વિશિષ્ટ ઘટના બની.
એપલ કંપનીના સંસ્થાપક સ્ટીવ જોબ્સ સાથે મળવાનું બન્યું. બંને વચ્ચે પાંચેક મિનિટ વાતચીત થઈ, પણ ટિમ કૂકને સ્ટીવ જોબ્સની સાથે કામ કરવું એટલું બધું પસંદ પડ્યું કે આ પાંચેક મિનિટની વાતચીતમાં એમના દિલમાંથી અવાજ આવ્યો અને એમણે એપલ કંપનીમાં કામ કરવાનું સ્વીકાર્યું.
આજે ટિમ કૂક કહે છે કે આ દિલના અવાજને અનુસરીને કોમ્પેક કંપનીમાંથી એપલ કંપનીમાં આવ્યો, તે મેં મારા જીવનમાં લીધેલો શ્રેષ્ઠ નિર્ણય છે. આપણે આપણા જીવનના લક્ષ્યના ત્રાજવે તોળીને આવનારી પ્રવૃત્તિઓમાં ઝંપલાવવું જોઈએ, નહીં તો જીવનનદીમાં લગાવેલી છલાંગથી નીચે રહેલા પથ્થર પર તમારું માથું ટિચાશે !
પારિજાતનો પરિસંવાદ
5-5-2024