દેવર્ષિ નારદની ભવ્યતાનું કેવું દુર્ભાગી ખંડન

કેટલીક પ્રજા પોતાના દેશના સમર્થ પુરુષોની ભવ્ય પ્રતિમા ખડી કરીને પ્રેરણા પામે છે, તો કેટલીક પ્રજાને પોતાની ભવ્ય પ્રતિમાઓને ખંડિત કરવાનો વાઇરસ લાગુ પડ્યો હોય છે. એ ભૂતકાળના સમર્થ પુરુષોની ભવ્યતાનો સમાદર કરવાને બદલે કોઈ નાનકડો દોષ કલ્પીને એ મૂર્તિઓને સતત ખંડિત કરવા માટે પ્રયાસ કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલ પર એમના સમયે આક્ષેપોની કેવી ઝડી વરસી હતી ! મહાત્મા ગાંધીજીની ભવ્ય પ્રતિમાને શત્ શત્ ખંડિત કરવામાં આપણે ક્યાં પાછા વળીને જોયું છે ? જે પ્રજા પોતાના પ્રતાપી વ્યક્તિત્વની પૂજા કરતી નથી, એ પ્રજા સમય જતાં પોતે નિર્બળતામાં – નકારાત્મકતામાં જીવે છે.

આપણી કથાઓ, ધાર્મિક ચલચિત્રો અને ધારાવાહિકોએ કોઈ ભવ્ય પાત્રની પ્રતિમા સદંતર ખંડિત કરી નાખી હોય, તો તે નારદના પાત્રની છે. નારદ દેવર્ષિ હતા જ્યારે એમને આપણે ત્યાં સાવ નગણ્ય જ નહીં, બલ્કે નગુણા બતાવવામાં આવ્યા. ક્યાંક જુદી જુદી વ્યક્તિઓને ભંભેરીને એમને પરસ્પર લડાવી મારતા હોય તેવું નારદનું ચિત્ર દોરવામાં આવ્યું અને તેઓ કલહપ્રિય ગણાયા. કોઈકે ડબલ ઢોલકી વગાડનાર કહ્યા. આથી જ લોકવ્યવહારમાં કલહ જગાડનારી વ્યક્તિને માટે ‘નારદવેડા’ શબ્દ પ્રચલિત બની ગયો છે. ક્યાંક એ વિદૂષક જેવી ભૂમિકા ભજવતા જોવા મળે છે. એમના પ્રકાંડ પાંડિત્ય અને વિરાટ વ્યક્તિત્વને થયેલો આ ઘોર અન્યાય છે.

હકીકતમાં તો નારદજીનો ઉપહાસ કરનારા શ્રીહરિના અંશાવતારની અવમાનના કરે છે. સૃષ્ટિકાર્યમાં સહાય કરવા માટે બ્રહ્માજીએ પોતાના મનમાંથી જે પુત્ર પ્રગટ કર્યો, તે નારદ. ભગવાનની અધિકાંશ લીલાઓમાં એમના અનન્ય સહયોગી તરીકે નારદ જોવા મળે છે. તે ભગવાનના પાર્ષદ હોવાની સાથોસાથ દેવતાઓના પ્રવક્તા છે. આજના સમયમાં આપણે જાણીએ છીએ કે પ્રવક્તાઓનો કેટલો મોટો મહિમા છે, ત્યારે દેવલોકના આ પ્રવક્તા એ હકીકતમાં તો દેવર્ષિ છે.

આ નારદ દસ પ્રજાપતિઓમાંના એક હતા, વિષ્ણુના પરમભક્ત હતા, દેવો અને મનુષ્યો વચ્ચે સંદેશવાહક હતા, તો સાથોસાથ વિશ્વહિતની ચિંતા માટે સમર્થ ઋષિ હતા. પૌરાણિક સાહિત્યમાં નારદ ત્રિલોકમાં નિત્ય પ્રવાસી બને છે. મસ્તક ૫૨ ઊભી શિખા, હાથમાં વીણા અને હોઠ પર અને હૈયામાં ભગવદ્ નામનું રટણ – આ નારદનું લોકપ્રતિષ્ઠિત વર્ણન છે. એ ઘટના ભુલાઈ ગઈ કે રત્નાકર ભીલનું એમણે વાલ્મીકિમાં પરિવર્તન કર્યું હતું. જે વાલ્મીકિ પાસેથી આપણને ‘વાલ્મીકિ રામાયણ’ પ્રાપ્ત થયું.

તેઓ વિશ્વના પ્રતિપાલક વિષ્ણુના પ્રતિપાત્ર તો હતા જ, સ્વયં વિષ્ણુ એમની અંગત વાતો એમને કહેતા હતા અને એ પ્રશ્નોમાં એમની સલાહ પણ લેતા હતા. હવે તમે વિચારો કે આપણે આવા ઋષિપાત્રની કેવી અવદશા કરી ! જેમ ‘રામાયણ’ની પાછળ એ પ્રેરક બળ છે, તો ‘મહાભારત’ના સંદર્ભમાં પણ એમનો ઉલ્લેખ જોવા જેવો છે. મહાભારતના આદિ પર્વમાં એવો ઉલ્લેખ છે કે ત્રીસ લાખ શ્લોકોવાળું મહાભારત એમણે દેવોને સંભળાવ્યું હતું. તો વળી એક દાર્શનિક તરીકે એમણે તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો અને દક્ષપુત્રોને સાંખ્ય તત્ત્વજ્ઞાનનો અને ધૌમ્યમુનિને સૂર્યના અષ્ટોત્તરશતનામનો એમણે ઉપદેશ આપ્યો હતો.

વનવાસ સેવતા પાંડવો કામ્યક વનમાં હતા, ત્યારે એમણે આ પાંડવોને આપત્તિ વેળાએ હૂંફ અને હિંમત આપ્યાં હતાં. ભીષ્મને પરશુરામ પર પ્રસ્થાપનાસ્ત્રનો પ્રયોગ કરતાં અટકાવનાર પણ આ નારદ જ હતા. જ્યારે બાણશય્યા પર સૂતેલા પિતામહ ભીષ્મના દર્શને અનેક ઋષિઓ આવ્યા હતા, તે સમયે નારદ પણ ત્યાં પધાર્યા હતા. એ જ રીતે ‘મહાભારત’માં રાજસૂય યજ્ઞમાં યુધિષ્ઠિરનો અભિષેક પણ એમણે કર્યો હતો અને યુધિષ્ઠિરે યોજેલા અશ્વમેધ યજ્ઞમાં પણ તેઓ ઉપસ્થિત હતા. શુકદેવ જેવા મહાન વૈરાગીને પણ એમણે જ્ઞાન-વૈરાગ્યનો ઉપદેશ આપ્યો હતો. ભારતના મહાન ગ્રંથોમાં નારદની ભૂમિકા કોઈ ને કોઈ રીતે જોવા મળે છે.

વાલ્મીકિને રામકથા સંભળાવીને રામાયણના આલેખનની પૂર્વભૂમિકા નારદે રચી આપી હતી, એવો સ્પષ્ટ ઉલ્લેખ આ મહાકાવ્યના પ્રારંભમાં જ મળે છે. તો બીજી બાજુ નારદ કુશળ સાઇકોલૉજિસ્ટ હતા અને એટલે જ મહર્ષિ વ્યાસને એમણે મનની વ્યાધિમાંથી સમુચિત ચિકિત્સા કરીને મુક્ત કર્યા હતા અને તેમને ‘ભાગવત’ ગ્રંથ રચનાની પ્રેરણા આપી હતી, એ વાત સ્વયં મહર્ષિ વ્યાસે નોંધી છે. આ નારદ દસ પ્રજાપતિઓમાંના એક છે.

નારદની પ્રતિભા તો જુઓ, એમનો જન્મ દેવયોનિમાં થયો, પણ ઋષિકાર્ય કરવાને કારણે એ દેવર્ષિ કહેવાયા. દેવલોકમાં વસવાટ કરવાને બદલે વનમાં આશ્રમ બાંધીને એમણે સહુને આત્મકલ્યાણનો બોધ આપ્યો. બાળભક્ત ધ્રુવને ભક્તિનો માર્ગ બતાવ્યો, તો દુષ્ટ કંસને ઉશ્કેરીને એનો વહેલો સંહાર કરાવ્યો. ભક્ત પ્રહ્લાદની માતા ક્યાધુ સગર્ભા હતી, ત્યારે નારદના આશ્રમમાં રહી હતી અને અહીં ગર્ભવાસી પ્રહ્લાદના ભક્તિસંસ્કાર દૃઢ થયા. ભક્તિનો ઉપદેશ એ નારદની ભવ્યતા છે અને ‘નારદ ભક્તિસૂત્ર’ એ આપણો ભક્તિમાર્ગનો મૂલ્યવાન ગ્રંથ છે અને એ જ રીતે દક્ષ પ્રજાપતિના અગિયાર હજાર પુત્રોને નારદે નિવૃત્તિનો ઉપદેશ આપ્યો, તેથી ક્રોધે ભરાઈને દક્ષ પ્રજાપતિએ કહ્યું કે, ‘નારદ ક્યાંય બે ઘડીથી વધારે સમય રોકાઈ શકશે નહીં’ અને તેથી ના૨દ ત્રણેય લોકમાં પરિવ્રાજકની માફક ફર્યા છે.

દેવ અને દાનવ સહુ કોઈ એમને આદર આપતા હતા અને એમનો હેતુ જગતકલ્યાણનો હતો. ‘નારદ-પાંચરાત્ર’, ‘નારદસંહિતા’, ‘નારદસ્મૃતિ’, ‘નારદપુરાણ’, ‘બૃહન્નારદીય-ઉપપુરાણ’ વગેરે ગ્રંથોનું કર્તૃત્વ એમને નામે ચઢ્યાની એક અસમર્થિત પરંપરા પણ પ્રચલિત છે. વિદ્વાનોનું અનુમાન છે કે નારદ નામની એક વ્યક્તિ થઈ હશે અને પછી એ વ્યક્તિનો ધર્મમાં અથવા સિદ્ધાંતોને આધારે એક સંપ્રદાય સ્થપાયો હશે. એ સંપ્રદાયના લોકો નારદ કહેવાતા હશે, કારણ કે સૃષ્ટિના પ્રારંભથી લઈને છેક શ્રીકૃષ્ણના જીવન સુધી નારદ નામના દેવર્ષિનો ઉલ્લેખ મળે છે.

આ નારદ ભક્તિમાર્ગના બાર આચાર્યોમાંના મુખ્ય ગણાય છે. આયુર્વેદ, જ્યોતિષ, નીતિ, સંગીત આદિ શાસ્ત્રોના પણ તે મોટા આચાર્ય છે. એમણે લખેલી સંહિતાઓ આજે પણ માર્ગદર્શક ગણાય છે. અહીં નારદસ્મૃતિનો ઉલ્લેખ કર્યો, કારણ કે એમાં ન્યાયશાસ્ત્રની ઘણી મહત્ત્વની સામગ્રી પ્રાપ્ત થાય છે. એમાં લખ્યું છે કે ન્યાયાલય સર્વોપરી છે, તેમજ એમાં દેવું પાછું કેવી રીતે મેળવવું, જમાનત કઈ રીતે આપવી અને જુદાં જુદાં કામો કરે તો કેવો અપરાધ ગણવો તેની વાત કરી છે.

નારદની ભવ્યતા એ છે કે એ વૈદિક અને હિંદુ ગ્રંથોમાં તો એમનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, પણ એથીયે વિશેષ આશ્ચર્યજનક બાબત એ છે કે જૈન સાહિત્ય અને બૌદ્ધ સાહિત્યમાં પણ નારદનો ઉલ્લેખ મળે છે. આને માટે ‘ઋષિભાષિત’ નામના અર્ધમાગધી પ્રાકૃતનું અતિ પ્રાચીન રૂપ ધરાવતા જૈન ધર્મના મહત્ત્વપૂર્ણ ગ્રંથ તરફ ભાગ્યે જ કોઈની દૃષ્ટિ ગઈ છે. આ ગ્રંથની વ્યાપકતા અનોખી છે અને આ જૈન ધર્મનો ગ્રંથ હોવા છતાં અન્ય ધર્મોના ઋષિઓનો સમાદ૨પૂર્વક ઉલ્લેખ મળે છે. આમાં વૈદિક પરંપરામાં પ્રસિદ્ધ એવા દેવ નારદ, અંગિરસ, ભારદ્વાજ, યાજ્ઞવલ્કય, બાહુક, વિદુર, વારિણ, કૃષ્ણ જેવાં નામો આ ગ્રંથમાં મળે છે અને આ ઋષિઓના ઉપદેશ ઉપનિષદ, મહાભારત અને પુરાણોમાં જોવા મળે છે. આ ગ્રંથની એ વિશેષતા છે કે એમાં જે ઋષિઓની નામાવલિ છે તેમાં પાંચેક ઋષિ સિવાય બીજા બધા પ્રાગૈતિહાસિક કાળમાં થયેલી વ્યક્તિઓ છે. આ બધાને કારણે આ ગ્રંથ માત્ર જૈન પરંપરાનો જ નહીં, પણ સમગ્ર ભારતીય પરંપરાનો એક અતિ મહત્ત્વનો ગ્રંથ છે, જેમાં ધાર્મિક ઔદાર્યનું વિશાળ અને મનોરમ દર્શન થાય છે.

આ ગ્રંથના પ્રથમ અધ્યાયમાં દેવ નારદની વાત આવે છે. હિંદુ, બૌદ્ધ અને જૈન એ તમામ પરંપરામાં નારદ વિશેના ઉલ્લેખો મળે છે. બહુ ઓછાને ખ્યાલ હશે કે આ ગ્રંથ ઉપરાંત ‘સમવાયાંગ’, ‘જ્ઞાતાધર્મકથા’, ‘આવશ્યક ચૂર્ણિ’, ‘ઋષિમંડલ’ જેવા જૈન ગ્રંથોમાં પણ નારદનો ઉલ્લેખ મળે છે અને આ ગ્રંથોમાં નારદનાં વ્યક્તિત્વનાં જુદાં જુદાં પાસાંઓ જોવા મળે છે. જેમ કે ‘ઔપપાતિક’ ગ્રંથમાં નારદને ચાર વેદ અને અનેક વિદ્યાઓના જ્ઞાતા દર્શાવ્યા છે.

જૈન પરંપરામાં પણ નારદનું વ્યક્તિત્વ ઘણું પ્રભાવશાળી આલેખાયું છે અને બળદેવો અને વાસુદેવોની સાથોસાથ નવ નારદોની કલ્પના કરવામાં આવી છે. એટલું જ નહીં, પણ નારદને માનનારા પરિવ્રાજકોનો એક સ્વતંત્ર પંથ હોવાની નોંધ પણ મળે છે. જ્યારે બૌદ્ધ પરંપરામાં પણ ઘણા નારદોનો ઉલ્લેખ મળે છે. ચોવીસ બૌદ્ધની જે અવધારણા કરવામાં આવી છે એમાં નવમા બૌદ્ધ નારદ છે. વળી ભગવાન બુદ્ધના સમકાલીન એવા નારદ નામના બ્રાહ્મણનો પણ ઉલ્લેખ મળે છે. આવા ભવ્ય અને સર્વવ્યાપી વ્યક્તિત્વની આપણે કેવી અવહેલના કરી છે ! જરા વિચારીએ !

પારિજાતનો પરિસંવાદ

17-6-2024

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑