સિક્સરના શહેનશાહ તો સી. કે. નાયડુ જ !

આઈ.પી.એલ.ની મૅચોમાં બૅટ્સમૅનો દ્વારા ‘પાવર હીટિંગ’ને કારણે ધડાધડ નોંધાતી સિક્સર દર્શકોનું આકર્ષણ બની રહી છે. આજે તો સિક્સર લગાડતા ખેલાડીનો ચોતરફ ભારે મહિમા છે અને દર્શકો પણ સતત આવી જોરદાર સિક્સર માટે માગણી કરે છે. કૉમેન્ટેટરો પણ આવી સિક્સરને ભારે ચગાવતા હોય છે અને એથીયે વિશેષ તો એ કેટલા મીટર દૂર ગઈ એનું માપ ટેલિવિઝન આપતું હોય છે. એ સ્ટ્રોક વારંવાર દર્શાવવામાં આવે છે, પરંતુ સિક્સ૨ની વાત આવે, ત્યારે મારા મનમાં ભારતીય ક્રિકેટના ભીષ્મપિતામહ સી. કે. નાયડુની ભવ્ય રમત યાદ આવે છે.

એ જમાનો સિક્સરની મોંઘવારીનો જમાનો હતો. મૅચમાં સદી નોંધાવનાર પણ માંડ ત્રણ કે ચાર જ સિક્સર લગાવતો હતો. આવે સમયે પોતાની કામયાબ બૅટિંગથી સી. કે. નાયડુએ ત્રણ-ત્રણ દાયકા સુધી ભારતીય ક્રિકેટચાહકો પર પોતાના સર્વતોમુખી ક્રિકેટ-જાદુથી કામણ કર્યું હતું. ઊંચા, મજબૂત દેહધારી સી. કે. નાયડુ હાથમાં બૅટ ઝુલાવતા મેદાન પર આવતા, ત્યારે સહુનાં હૃદય રોમાંચ અને ઉત્સાહથી પુલકિત થઈ જતાં હતાં. હમણાં એમના બૅટમાંથી આસાનપણે એક એવો સ્ટ્રોક લગાવાશે કે દડો પેવેલિયનને પા૨ ક્યાંક ચાલ્યો જશે, એની રમણીય કલ્પનામાં દર્શકો ખૂંપી જતા. સી. કે. આવે એટલે કંઈક નવા-જૂની થવાની જ અને બૅટિંગનો નવો ઝંઝાવાત જોવા મળવાનો જ, એવો ભાવ ચોતરફ ઝળૂંબી રહેતો.

આજના સમયમાં ભાગ્યે જ એવી ઘટના બને કે અમુક ખેલાડી બૅટિંગ કરવા આવ્યો છે, તેની બેટિંગ નિહાળવા માટે લોકો કામધંધો છોડીને મેદાન ૫૨ ધસમસતા દોડી આવે. ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ બૅટ્સમૅન ડોન બ્રેડમેન એમની ખોફનાક બૅટિંગથી દર્શકોનું આવું આકર્ષણ પામ્યા હતા. એ જ રીતે એ જમાનામાં સી. કે. નાયડુ બૅટિંગ કરવા આવી રહ્યા છે, એ સાંભળીને સેંકડો ક્રિકેટશોખીનો પોતાનું ગમે તેવું જરૂરી કાર્ય છોડીને મેદાન ૫૨ આવી જતા. તમને પારાવાર આશ્ચર્ય થશે, પણ મહાન તત્ત્વચિંતક અને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન પણ એમની મોહક રમત નિહાળવા માટે ઇંગ્લૅન્ડમાં છેક ઑક્સફર્ડથી લંડન આવ્યા હતા.

એ જમાનામાં ઝમકદાર, આક્રમક અને ચિત્તાકર્ષક ક્રિકેટ એટલે સી. કે. નાયડુ એમ માનવામાં આવતું. ઇંગ્લૅન્ડની આર્થર ગિલિંગનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. એના અર્લ નામના ખેલાડીએ આઠ સિક્સર લગાવી હતી, જ્યારે નાયડુએ એની સામે અગિયાર સિક્સર લગાવી, ત્યારે આખું મુંબઈ હિલોળે ચડ્યું હતું. એક વાર તો એમણે ફટકારેલો દડો ટેન્ટ કુદાવીને છેક રસ્તા પર પહોંચ્યો હતો. નાયડુ એ જમાનામાં ‘છગ્ગાના છડીદાર’ કહેવાતા. પોતાના શૉર્ટ-હૅન્ડલ બૅટ પરથી ફટકારેલો દડો ટેન્ટ તરફ ધસમસતો અને ફંગોળાતો જોવો એ એક લ્હાવો મનાતું હતું.

એ જમાનામાં એમ કહેવાતું કે સી. કે. નાયડુએ એમની પ્રથમ કક્ષાની મૅચોમાં બસો જેટલા છગ્ગા લગાવ્યા હતા. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ પર આખીય ઓવરમાં સતત ચોગ્ગા અને છગ્ગા લગાવીને એમણે ધમાલ મચાવી હતી, તો ઇંદોરની એક મૅચમાં સત્યાવીસ મિનિટમાં એમણે સદી કરી હતી. સી. કે. નાયડુ રમવાના હોય, ત્યારે તેઓ કેટલી સિક્સર મારશે એની શરતો લાગતી હતી. એ સમયે બીજી બાબતોની મામૂલી રકમની શરતો લગાવાતી, પરંતુ સી. કે. નાયડુની સિક્સની સંખ્યા માટે હજારો રૂપિયાની શરતો લગાવવામાં આવતી.

છેક 1934-35થી રણજી ટ્રૉફીમાં ખેલતા સી. કે. નાયડુ રણજી ટ્રૉફીની તમામ મૅચ સુકાની તરીકે ખેલવાનું સન્માન ધરાવતા હતા. ઇંગ્લૅન્ડના આર્થર ગિલિગનની ટીમ સામે એમણે 163 રન કર્યા. આટલા રન માત્ર સો મિનિટમાં જ મોરિસ ટાર્ટ અને જ્યોર્જ ગેરી જેવા વિશ્વપ્રસિદ્ધ ગોલંદાજો સામે નોંધાવ્યા હતા. આમાં અગિયાર સિક્સર અને તેર ચોગ્ગા હતા. એમની આવી ભવ્ય ‘પાવર હિટિંગ’ બૅટિંગ જોયા પછી બીજા દિવસે એક વર્તમાનપત્રે કાર્ટૂન પ્રગટ કર્યું. એમાં ક્રિકેટના મેદાનની આસપાસનાં મકાનોમાં રહેનારા લોકો નાયડુને પ્રાર્થના કરતા હતા કે, ‘અમે તમારી સામે રમતા નથી, અમને દડો મારશો નહીં.’

1926માં અજમેરમાં ઇન્દોરની યશવંત ક્લબ તરફથી રમતા નાયડુએ વીસ મિનિટમાં બાણું રન કર્યા હતા. છેક અઠાવન વર્ષની વયે 1953માં નાયડુએ છ્યાસી મિનિટમાં ચુમોતેર રન કર્યા હતા. મજાની વાત એ હતી કે કોઈ પણ ગોલંદાજ સુકાની નાયડુને અમુક રીતે રમવાનું કદી સૂચવી શકતો નહીં. ‘ઑફના દડાને ‘ઑફ’ તરફ અને લેગ’ના દડાને ‘લેગ’ તરફ ફટકારવાનો ક્રિકેટશાસ્ત્રનો નિયમ એ જમાનામાં બધે જ પળાતો હતો. સહુ કોઈ એ પદ્ધતિને સ્વીકારતા હતા. સી. કે. નાયડુએ આમાં મોટી ક્રાંતિ આણી. એમણે ટાર્ટ, કોન્સ્ટેન્ટિન, ગ્રીઅરી, ગ્રીમેટ, એલન અને વાંસ જેવા વિખ્યાત ગોલંદાજોના ઑફ સાઇડના દડા લેગ બાજુ ખેંચીને સિક્સર લગાવી હતી.

વાચકોને જણાવું કે ઑફ સાઇડના દડાને લેગ બાજુ લઈ જવો, એમાં વિશિષ્ટ પ્રકારની સૂઝ અને ક્ષમતા જોઈએ અને નાયડુમાં એવી ક્ષમતા હોવાથી જ એ જમાનાના સી. બી. ફ્રાય જેવા ક્રિકેટરે એમ કહ્યું હતું, ‘વર્તમાન સમયનાં એક અત્યંત સુંદર ક્રિકેટ, નિપુણ ઍથ્લીટ અને ભવ્ય ખેલવીર સી. કે. નાયડુ છે. તો એમની રમતની છટા અને ભવ્યતા જોઈને જે. એમ. કિલબર્ન બોલી ઊઠ્યા, ‘નાયડુ બૅટિંગ કરે છે, ત્યારે બોવસની સ્વિંગ ગોલંદાજીનો જાદુ કે વેરાયટીની સ્પિન ગોલંદાજીની ભયાનકતા આપણે ભૂલી જઈએ છીએ !’ દુરારાધ્ય ગણાતો પીઢ સુકાની ડગ્લાસ જાર્ડીન નાયડુની રમત પર ખુશ થઈને એની ફ્રેન્ક વૂલી સાથે સરખામણી કરે છે અને ૨મતમાં નોંધાયેલા એકેએક ફટકા પર નાયડુ પ્રભુત્વ ધરાવતા હોવાનું જણાવે છે.

આજે તો ક્રિકેટર ઘણા લાંબા કોચિંગ બાદ ક્રિકેટની ઉચ્ચ કક્ષાની સ્પર્ધામાં પ્રવેશ પામતો હોય છે. આજે વ્યવસ્થિત રીતે ક્રિકેટનું કોચિંગ આપવામાં આવે છે. સી. કે. નાયડુને એવું કોઈ વ્યવસ્થિત કોચિંગ પ્રાપ્ત થયું નહોતું. એમણે તો પોતાની સૂઝ અને પિતાની સલાહના સથવારે રમત પ્રત્યેનો અભિગમ નક્કી કર્યો હતો. શરૂઆતમાં સી. કે. નાયડુ ડિફેન્સિવ બૅટિંગ કરતા હતા, પરંતુ એમના પિતાએ એમને કહ્યું, ‘મેદાન પર જઈને કોઈ પણ પ્રકારની વિકેટ હોય અને ગમે તેવો દડો હોય, પણ તેને જોશથી ફટકારો. સૂર્યના તાપમાં અને વરસતા વરસાદમાં ખેલો અને તમારી જાતને ખડતલ બનાવો.’ આજના કોચિંગ મેન્યુઅલ પ્રમાણે પિતાની આ શિખામણ ભૂલભરેલી લાગે, પરંતુ સી. કે. નાયડુ માટે તો એમના ક્રિકેટનો આ સૌથી મહત્ત્વનો અને આધારભૂત સિદ્ધાંત બની ગયો.

ઝડપી ગોલંદાજ સામે રમવું શી રીતે ?’ એવા બાળક સી. કે. નાયડુના પ્રશ્નનો ઉત્તર આપતાં એમના પિતાએ કહ્યું, ‘જો તમને નેતરની લાકડીથી વિકેટ બચાવવાનું સોંપવામાં આવ્યું હોય તો શું તમે એને માત્ર અટકાવશો જ ? હરગિજ નહીં. પ્રભાવશાળી બનવા માટે તમારે દડાને સખત રીતે ફટકારવો જ જોઈએ. એને બરાબર ખેલવા માટે અટકાવવાનો નહીં, પણ નક્કી બરાબર ફટકારવાનો જ.’ પિતાની આ સલાહે બાળક નાયડુના મનમાં એક નવો જ જુવાળ પેદા કર્યો. ઝડપી ગોલંદાજીની એમના પિતાની વાત એમને ડરાવવા માટે નહીં, પણ ખમીરથી ખેલવાનું પ્રોત્સાહન આપવા માટે હતી.

બાળક નાયડુને ખ્યાલ આવી ગયો કે ઝડપી ગોલંદાજી સામે રમવા માટે ઊંચાઈ કે તાકાત કરતાં હિંમત કે નિર્ભયતાની વધુ જરૂર છે અને એને કારણે જ તેઓ એ જમાનાના હેરલ્ડ લારવુડ, મહમ્મદ નિસાર ગ્રીમેટ કે અમરસિંઘ જેવા કાતિલ ગોલંદાજો સામે આત્મવિશ્વાસભેર ખેલ્યા. ક્રિકેટના ઇતિહાસમાં આવી જોરદાર બૅટિંગ કરનારો ઇંગ્લૅન્ડનો ખેલાડી ગિલ્બર્ટ જેસપ હતો. સહુએ સી. કે. નાયડુને ‘ભારતીય જેસપ’નું બિરુદ આપ્યું.

દડાના સ્પિનની વિરુદ્ધ દિશામાં સિક્સર મારનારા બહુ ઓછા ખેલાડીઓ થયા. જોકે આજે આડેધડ ખેલાતી ટી-20 કે ટી-10 જેવી મૅચોમાં તો કોઈ આવા કોચિંગની વાત થઈ શકે એમ નથી, પરંતુ એ જમાનામાં સી. કે. નાયડુ ઓસ્ટમ્પ પર પડેલા દડાને આ રીતે સિક્સર મારી શકતા. આ પ્રકા૨નો સ્ટ્રોક મુશ્કેલ નહીં, પણ લગભગ અશક્ય જ ગણાય. એ જોઈને એક અંગ્રેજ વિવેચકે તો લખ્યું હતું કે સી. કે.એ ફટકારેલો દડો પૂર્વીય ક્ષિતિજમાં વિલીન થતો જોવા મળ્યો.

છગ્ગાનો આ છડીદાર વિરોધી ગોલંદાજીથી સહેજે અંજાતો નહીં. એ જમાનામાં અત્યંત વેધક ગોલંદાજી કરતા વ્હાઇટના દડામાં પણ એમણે ઉપરાઉપરી સિક્સર લગાવી હતી. એમાં એવું બન્યું કે એક ફિલ્ડરે વ્હાઇટને અણસાર કર્યો કે આને દડો ઊંચો ફટકારવાની ટેવ છે, એટલે હમણાં ગોળો ચડાવશે અને કેચઆઉટ થઈને પેવેલિયનમાં પાછો ફરશે. સી. કે. નાયડુએ આ સાંભળ્યું. પડકારના તો એ ભારે શોખીન. એમણે વિકેટની ચારેબાજુ જોરદાર સ્ટ્રોક લગાવ્યા. એકેય દડો ઊંચો ફટકાર્યો નહીં. નાયડુ અણનમ રહ્યા અને પેવેલિયનમાં ન ગયા અને ગોલંદાજને છેક પેવેલિયનની નજીક ફિલ્ડર ગોઠવવા પડ્યા હતા.

છગ્ગાના આ છડીદાર જેવો કામિયાબ ખેલાડી હજી જોવા મળ્યો નથી. એમના શિષ્ય મુસ્તાક અલીના શબ્દોમાં કહીએ તો, ‘તેઓ ક્રિકેટના ઉમરાવ કે રાજા નહીં, પણ શહેનશાહ હતા. એ ક્રિકેટના નેપોલિયન હતા, ક્રિકેટક્રાંતિના જનક અને એ ક્રાંતિના મશાલધારી પણ હતા.’

પારિજાતનો પરિસંવાદ

28-4-2024

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑