વિશ્વમાં સૌથી વધુ દર્શકો ધરાવતી અને સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપી વળેલી ફૂટબૉલની લોકપ્રિય રમતમાં યોજાતી સ્પર્ધાઓ પર આખી દુનિયાની નજર હોય છે. ફૂટબૉલની રમતનો રંગ જુદો અને એની આશિકી પણ અનેરી ! દુનિયાના દેશોમાં ભારત ફૂટબૉલની રમતમાં ખૂબ-ખૂબ પાછળ છે, પરંતુ કેટલાક દેશોમાં તો ફૂટબૉલ એ ધર્મ મનાય છે અને આથી જ ફૂટબૉલનો વિશ્વકપ ખેલાય, ત્યારે આખી દુનિયાની આંખો એની સ્પર્ધા પર મંડાયેલી હોય છે.
આજના સમયમાં ફૂટબૉલમાં દંતકથારૂપ નામના મેળવનાર આર્જેન્ટિનાના છત્રીસ વર્ષના લિયોનેલ મેસ્સી અને 39 વર્ષના પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એમની કાબેલિયતથી દુનિયાભરમાં જાણીતા છે. મેસ્સી ફોરવર્ડના સ્થાને ૨મો મીડ ફિલ્ડનો આક્રમક ખેલાડી છે, તો રોનાલ્ડો એ ફોરવર્ડ ખેલાડી છે. આજના જગતમાં આ બંને ખેલાડીઓને પોતાની ટીમ તરફથી ખેલવા માટે ફૂટબૉલની માત્ર ધનનો વરસાદ વરસાવતી નથી, બલ્કે આખી ટંકશાળ એમને હવાલે કરી દે છે.
મેસ્સી દસ નંબરની જર્સી પહેરે છે, તો રોનાલ્ડો સાત નંબરની. બંનેની યૂથ કૅરિયર 1992માં શરૂ થઈ અને એ પછી સિનિયર ખેલાડી તરીકેની પણ કૅરિયર સાથોસાથ ચાલી. આ બંને ખેલાડીઓ સૌથી વધુ ગોલના રાષ્ટ્રીય વિક્રમો તો ધરાવે છે, પણ એથીયે વધારે બંને ખેલાડીઓ પૂર્વે થઈ ગયેલા સમર્થ ખેલાડીઓના અનુગામી તરીકે નવાજેશ પામેલા છે. જેમ કે મહાન ફૂટબૉલર ડિયાગો મેરેડોનાએ ડાબા પગથી ડ્રીબલ કરતા મેસ્સીને પોતાનો વારસ કહ્યો હતો જ્યારે અનેક સિદ્ધિઓ મેળવનાર મેસ્સી ક્રિએટિવ ખેલાડી ગણાય છે અને એની ક્લબ તરફથી એણે સૌથી વધુ ગોલ કરેલા છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ એની હારોહાર ચાલે છે અને પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમનો એ અગ્રણી ખેલાડી છે. પોતાની ક્લબ અને દેશ માટે 890થી વધારે ગોલ કરનારો રોનાલ્ડો સૌથી વધુ ગોલ કરનારો સર્વકાલીન ખેલાડી છે. એથીયે વિશેષ એ ફૂટબૉલની દુનિયામાં પોતાની કારકિર્દીમાં એક બિલિયન ડૉલર મેળવનારો ખેલાડી છે, પરંતુ આ બંને સમર્થ ફૂટબૉલર વચ્ચે એક અનોખા પ્રકારની સ્પર્ધા ચાલે છે અને તે છે પોતાને મળેલી જંગી આવકમાંથી સખાવતનાં કાર્યો કરવાં. સવિશેષ તો આ ખેલાડીઓએ જીવનના પ્રારંભકાળે જે અભાવ સહન કર્યો હતો, તેવો આજે અભાવ અનુભવતી વંચિત વ્યક્તિઓને માટે સખાવત કરે છે. જેમ કે રોનાલ્ડોની માતાને કૅન્સર થયું હતું તો રોનાલ્ડોએ કૅન્સર હૉસ્પિટલ માટે દાન આપ્યું. દસ વર્ષની ઉંમરના પોતાના ચાહક એવા બાળકની બ્રેઇન સર્જરી માટે રોનાલ્ડોએ 83,000 ડૉલર કરતાં વધુ ખર્ચ કર્યો. આ સિવાય વિશ્વ પર આવતી આપત્તિના સમયે આ ખેલાડીઓ તત્કાળ સહાય આપવા દોડી જાય છે.
સર્વકાલીન મહાન ફૂટબૉલ ખેલાડીઓમાંના એક લિયોનેલ મેસ્સીએ મેદાન અને મેદાનની બહાર અસાધારણ સફળતા પ્રાપ્ત કરી છે. એ રમતવીરો માટે સાચો આઈકોન બની ગયો છે અને એની સફળતામાં ઘણાં પરિબળોએ ભાગ ભજવ્યો છે. એની કુદરતી પ્રતિભા, પ્રતિકૂળતાના સમયે એકાગ્રતાથી ખેલવાની ક્ષમતા, અવિરત કાર્યશક્તિ અને સાથી ખેલાડીઓને પ્રેરિત ક૨વાની ક્ષમતાનો આમાં સમાવેશ થાય છે. બૉલ સાથે એની અસાધારણ ઝડપ, તાકાત અને કૌશલ્ય એને સર્વકાલીન મહાન ખેલાડીઓમાંનો એક બનાવ્યો છે. રમત પર નિયંત્રણ મેળવવાની અને ટીમને વિજયના લક્ષ્ય પર દોરી જવાની એની ક્ષમતા સાચે જ નોંધપાત્ર છે. ટૅક્નિકની વાત કરીએ તો બૉલ કંટ્રોલની બાબતમાં એ સહુ કોઈને હંફાવે તેવો છે.
એની સફળતાનું એક રહસ્ય એ એની અવિરત અને એકાગ્ર પ્રૅક્ટિસ છે. એ કલાકો સુધી પ્રૅક્ટિસ કરતો રહે છે અને પોતાની રમતને વધુ પ્રભાવક બનાવવા માટે રાત-દિવસ આકરી મહેનત કરે છે. શ્રેષ્ઠ ખેલાડીઓમાં ગણના થતી હોવા છતાં મેસ્સી અન્ય ખેલાડીઓનાં ફુટેજનો અભ્યાસ કરે છે અને નવી નવી ટૅક્નિકો અને વ્યૂહરચના પર એ કામ કરી રહ્યો છે. આને પરિણામે ઈજાગ્રસ્ત થયો, વ્યક્તિગત સંઘર્ષોનો સામનો કરવો પડ્યો, જાહેર ટીકાઓ સહેવી પડી અને આ બધું થવા છતાં એમાંથી એ મજબૂત રીતે બહાર આવવામાં સક્ષમ રહ્યો છે. આ મેસ્સીએ સૌથી મોટું કામ બાળગરીબી દૂર કરવાનું કર્યું છે. એ પછી એણે બાળકોનાં શિક્ષણ અને આરોગ્ય માટે જગતભરમાં પ્રચાર-પ્રસાર કર્યો અને વિશ્વભરના વંચિત સમુદાયોના સમર્થનમાં એણે ઘણાં સખાવતી કાર્યો કર્યાં. એ પર્યાવરણ અંગે એટલો જ જાગૃત છે અને એવી જાગૃતિ આણવા માટે એ સતત પ્રયાસ કરતો રહે છે.
એણે ‘લિઓ મેસ્સી ફાઉન્ડેશન’ની સ્થાપના કરી. 2007માં પ્રારંભાયેલું આ ફાઉન્ડેશન વિશ્વભરમાં વંચિત બાળકોનાં શિક્ષણ અને આરોગ્યનું કામ કરે છે, તો એણે યુનિસેફ ગુડવિલ ઍમ્બેસૅડર તરીકે એની ઘણી પ્રવૃત્તિમાં સક્રિય યોગદાન આપ્યું. જેમ કે ‘રિચ આઉટ ટુ એશિયા’ નામના કાર્યક્રમ દ્વારા એણે નેપાળ, બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયામાં ગરીબ અને વંચિત બાળકોને મદદ કરવાના કાર્યક્રમો કર્યા. પોતાના ગામ બાર્સેલોનામાં બાળકો માટેની હોસ્પિટલ બનાવી અને બાળકોમાં થતા કૅન્સર અંગે મોટું ભંડોળ આપ્યું.
કોવિડના રોગચાળા સમયે મેસ્સીની માનવતા મ્હોરી ઊઠી. પોતાની બાર્સેલોનાની ટીમે એને ઘણો યશ અપાવ્યો હતો, આથી એણે કોવિડ દરમિયાન ટીમના ખર્ચને ઓછું કરવા માટે સિત્તેર ટકા વેતનકાપ સ્વીકાર્યો, કારણ એટલું જ કે એને કારણે ક્લબના નૉન પ્લેઇંગ સ્ટાફને પૂરતો પગાર મળી રહે. આ કપરા કાળમાં એણે એક મિલિયન યુરોનું દાન કર્યું, જેમાં પાંચ લાખ યુરો બાર્સેલોનાની હૉસ્પિટલમાં અને અન્ય પાંચ લાખ યુરો પોતાના વતન આર્જેન્ટિનાની હૉસ્પિટલમાં આપ્યા. આ કાળમાં એણે રોનાલ્ડો કરતાં પણ વધુ દાન કર્યું અને એ એવી બાબતમાં દાન આપવા માગે છે કે તે થોડા સમય સુધી ચાલતો પ્રોજેક્ટ ન હોય, પણ હંમેશાં લાભદાયી બનનારો પ્રોજેક્ટ હોય. ‘યુનિસેફ’ ઍમ્બેસૅડર હોવાને કારણે એના જુદા જુદા પ્રોજેક્ટોમાં મેસ્સી સહયોગ આપતો રહે છે. કેન્યાના બે હજારથી વધુ નાગરિકોને વિનામૂલ્યે ભોજન મળે અને શુદ્ધ પાણી મળે તે માટે પણ એણે દાન આપ્યું હતું.
કુદરતી આફતો વચ્ચે ઘેરાયેલો પ્રદેશ હોય, ગરીબીના ભરડામાં ચુસાતો દેશ હોય કે પછી દિવ્યાંગો તરફની સામાજિક ઉપેક્ષાની પરિસ્થિતિ હોય, ત્યારે મેસ્સી એને આર્થિક મદદ કરે છે, પણ એથીયે વિશેષ સ્વયં જાતે દોડીને એમને સાંત્વના અને સંવેદના આપે છે. વાઇરસ સમયે પણ મેસ્સીએ ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર અને કોવિડ-19ના સંશોધન માટેના કાર્યમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. કોવિડ સમયે લિસબન અને પોર્ટોની હૉસ્પિટલને એણે મદદ કરી હતી અને આ સમયે એક અગ્રણીએ કહ્યું કે, ‘તેઓ એમના દેશબંધુઓની સ્થિતિમાં સુધારો ક૨વા માગતા હતા અને તેથી એમણે દાન કરવામાં પાછું વળીને જોયું નહીં.’
ક્યારેક તો મેસ્સીની સાથે રોનાલ્ડો પણ દાન કરે છે અને એક રમતનાં બે સમર્થ ખેલાડીઓ વચ્ચે સંવેદનાની વહેંચણી થતી હોય છે. ફ્રાન્સમાં નવીન કોરોના વાઇરસ ફેલાવાની શક્યતા ઊભી થતાં એણે સહાય કરી હતી. ફૉર્બ્સ અનુસાર મેસ્સીની કુલ સંપત્તિ આજે આશરે ચારસો મિલિયન ડૉલર છે. ફૂટબૉલમાં પોતાની ચતુરાઈથી ગોલ કરવામાં કામિયાબ આ ખેલાડી પાસે પોતાનું માર્કેટિંગ કરવાની અને અંગત બ્રાન્ડ બનાવવાની અનોખી ક્ષમતા છે. સોશિયલ મીડિયા દ્વારા એણે વિશ્વભરના ચાહકોને પોતાની સાથે જોડ્યાં છે, તો ઘણાં વિવિધ ઉત્પાદનોના વિજ્ઞાપનમાં પણ એ સામેલ છે. એણે પોતાની ખ્યાતિના આધારે સફળ ધંધાદારી સામ્રાજ્ય ઊભું કર્યું છે અને એની આ માર્કેટિંગની ક્ષમતાને કારણે વિશ્વનો સૌથી વધુ જાણીતો અને માર્કેટેબલ ઍથ્લીટ બની ગયો છે. વળી જે રમત પાસેથી એને આ સઘળું મળ્યું, એને એ ભૂલ્યો નથી. એની કેટલીક સંપત્તિ એણે આ રમતને ભેટ ધરી છે. સ્કૂલને માટે જિમ બનાવવા એણે આર્થિક મદદ કરી છે, તો બે વર્ષ સુધી એણે સ્થાનિક યુવા ટીમ સરમિએન્ટોને મજબૂત ટેકો આપ્યો છે. લ્યુકેમિયા ફાઉન્ડેશન સાથે લ્યુકેમિયાની સારવારમાં કઈ રીતે સુધારો થાય એના સંશોધનમાં મદદ કરે છે. પોતાની જાદુઈ ૨મતથી વિશ્વભરમાં પ્રસિદ્ધ એવો મેસ્સી મેદાન પર અને મેદાનની બહાર લીડર બનવાની ક્ષમતા ધરાવે છે. એ જ મેસ્સી આજે મેદાન પર શ્રેષ્ઠ ટીમપ્લેયર છે, તો મેદાનની બહાર માનવતાનો ભેરુ બનતો ખેલાડી છે.
પારિજાતનો પરિસંવાદ
26-5-2024