યુવાપેઢીને પ્રેરક વ્યક્તિત્વ

યુવાસ્થા એ આપણા જીવનની સર્વોત્તમ અવસ્થા ગણી શકાય; કારણ કે તે વર્ષો દરમિયાન શારીરિક અને માનસિક બળ ચરમસીમાએ હોવાથી અનેક પ્રકારનાં સત્કાર્યો કરી શકાય છે અને વિપત્તિઓને સહન કરવાની શક્તિ પણ વિશેષ હોય છે. આ કારણથી પ્રત્યેક વિચારક યુવાનના જીવનમાં, કંઈક ઉચ્ચ અને પ્રભાવશાળી કાર્ય કરવાની સ્વાભાવિક તમન્ના હોય છે. તે કાર્ય સિદ્ધ કરવા માટે તેની સમક્ષ યોગ્ય આદર્શ પણ જોઈએ અને ધ્યેયને અનુરૂપ માર્ગદર્શન અને પુરુષાર્થ પણ કરવાં જોઈએ. પ્રસન્નતાની વાત છે કે ગુજરાતની યુવાપેઢીને પ્રેરણા આપે એવું વ્યક્તિત્વ છેલ્લા બે દાયકામાં આપણી સામે ઊભરી આવ્યું છે; અને તે છે ડૉ. કુમારપાળ દેસાઈ. તેમના જીવનનાં કેટલાંક પાસાંઓ, જેનો અમુક અંશે અમે અનુભવ કર્યો છે, તે અત્રે રજૂ કરીએ છીએ. આશા છે કે આજની યુવાપેઢી તેમાંથી પ્રેરશા પામી પોતાના જીવનને ઉન્નત બનાવવા પ્રયત્નશીલ બનશે.
ઉદ્યમશીલતા અને સંકલ્પબળ :
શ્રી કુમારપાળભાઈ સ્નાતક થયા ત્યારથી જ પોતાના શરીરની કાર્યક્ષમતા અને દઢ મનોબળનો સદુપયોગ કરીને આખો દિવસ કાર્યરત રહેતા, એક મિનિટ પણ ખોટી વેડફાઈ ન જાય તે બાબતની સાવધાની રાખીને, પોતે જે કાર્ય સિદ્ધ કરવાનો નિશ્ચય કર્યો હોય, તે આયોજનપૂર્વક અને સતર્કપણે કર્યા જ કરતા. મારે આ કાર્ય સિદ્ધ કરવું જ છે' એવો મંત્ર તેમના સમસ્ત વ્યક્તિત્વમાંથી ગુંજતો રહેતો. ઈ. સ. ૧૯૭૮થી તેઓ અમારી સંસ્થાના સંબંધમાં છે. છેલ્લાં ૧૨ વર્ષથી તો નિયમિતપણે સંસ્થાની ડિસેમ્બરની શિબિરમાં આવીને તેઓ પોતાના જ્ઞાનનો લાભ વિશાળ શ્રોતાવર્ગને આપે છે. વળી જ્યારે જ્યારે સંસ્થાના કાર્ય માટે અમે તેમને બોલાવીએ ત્યારે તેઓનો એક જ જવાબ હોય,આપ કહો એટલે હાજર.’ આ હકીકત તેમની સત્કાર્ય અનુમોદના અને પ્રિયજનો સાથેના સંબંધોને પ્રેમપૂર્વક નિભાવીને તેને મજબૂત કરવાની તત્પરતાની દ્યોતક છે. આ ગુણ જાહેરજીવનને સમર્પિત વ્યક્તિત્વના બહુમુખી વિકાસમાં અગત્યનો છે. તેઓ મુસાફરીથી થાકતા નથી અને ભાવનગર, પાટણ, રાજકોટ, મુંબઈ, સુરત તેમજ ભારતનાં અન્ય શહેરો તથા બ્રિટન, અમેરિકા અને યુરોપનાં અનેક નગર-મહાનગરોમાં વ્યાખ્યાન આપવા જાય છે. યોગ્ય આયોજન કરીને યુવાનો તેમને પોતાના ગામમાં નિમંત્રણ આપીને, તેમના વ્યક્તિત્વનો, સમાગમનો અને બહુમુખી જ્ઞાનનો લાભ લેશે તો નાનાં ગામોની (તાલુકામથકોની) યુવાપેઢીને પણ પ્રેરણા મળશે.
સૌ કોઈનું શ્રેય :
તેમનું વૈવિધ્યપૂર્ણ વ્યક્તિત્વ એ વાતની સાક્ષી પૂરે છે કે નાના-મોટા, ગરીબ-તવંગર, વિદ્યાર્થી-પ્રાધ્યાપકો, કુટુંબીજનો-મિત્રો, જ્ઞાતિમંડળો, વિદ્યાર્થીસંગઠનો કે માનવસેવા કરતી સંસ્થાઓ – સૌની સાથે હળીમળીને કાર્ય કરવાની એક મૌલિક હથોટી (Art of smooth and Synergisitc accomplishment of Teamwork) તેમણે સિદ્ધ કરેલ છે. આ અઘરું કાર્ય તેમની સંગઠનશક્તિ સૂચવે છે. તેઓ નમ્રતાપૂર્વક અનેક વ્યક્તિઓના વિચારો સાથે તાલમેલ કરીને એવું સર્વમાન્ય સમાધાન શોધી આપે છે કે જે સ્વીકારતાં સત્કાર્યના ફલકને વિસ્તારવા માટેની સુદૃઢ અને યોગ્ય ભૂમિકા મળી રહે છે.
સંસ્કાર-સાહિત્ય-સમાજસેવાનો ત્રિવેણીસંગમ :
બાળપણથી પિતાશ્રી પાસેથી મળેલા સાદું જીવન અને ઉચ્ચ વિચારો'ના વારસાને તેઓએ ત્વરાથી વિકસાવ્યો. એક પછી એક ઊંચા હોદ્દાઓ મળવા છતાં તેમણે પોતાનું અંગત જીવન છેલ્લાં ૨૫ વર્ષોમાં લગભગ એકસરખું જ રાખ્યું. ચહેરા પર સદાય સ્મિત, અત્યંત મિતભાષીપણું, સૌના જીવનમાંથી સારું ગ્રહણ કરવું, નિર્વ્યસનતા અને જે કાર્ય હિતકારી હોય તે તરત જ કરવાની તૈયારી અને હિંમત આદિ દ્વારા તેમના અંગત વ્યક્તિત્વનો સતતપણે વિકાસ થતો રહ્યો છે. વળી સંસ્કારપ્રેરક સંસ્થાઓ સાથેના સંબંધો પણ તેમણે વિકસાવ્યા અને સમાજના વિશાળ વર્ગને ઉપયોગી વિપુલ સાહિત્યનું નિર્માણ કર્યું. આ કાર્યની ચરમસીમા તેઓએ ગુજરાતી વિશ્વકોશની પ્રવૃત્તિમાં આદરણીય પ્રાધ્યાપક શ્રી ધીરુભાઈ ઠાકરને આપેલા બહુમુખી સહયોગમાં પ્રતિબિંબિત થાય છે : જના ફળ રૂપે વિશ્વકોશના વિસ્તૃત અને વૈવિધ્યપૂર્ણ જ્ઞાનથી ભરપૂર એવા 26 ભાગ આપણી ગુજરાતી જનતાને ઉપલબ્ધ થાય છે. ગુજરાતની યુવાપેઢીને પ્રાપ્ત થયેલા આ અર્વાચીન જ્ઞાનભંડારનો ઉપયોગ કરીને, પોતાના જ્ઞાનના ફલકને અને ઊંડાણને વધારવા યુવામિત્રોને સૂચન કરું છું. કુમારપાળભાઈમાં સહકાર્યકરો સાથે મૈત્રીપૂર્ણ અને આત્મીયતાના સંબંધોના નિભાવ, વિકાસ અને વિસ્તૃતીકરણની કળા છે, એનાથી ગુજરાત, ભારત અને વિદેશોમાં તેમનું મિત્રવર્તુળ અને ચાહકવર્ગ વધતો રહ્યો છે. દુનિયાના અનેક દેશોમાં તેમનાં વ્યાખ્યાનોનું આયોજન થયું અને ધર્મ, શાકાહાર, અહિંસા, જૈન દર્શન, ગુજરાતની અસ્મિતા, રમતગમત તથા બાળસાહિત્ય જેવા વિવિધ વિષયો ઉપર તેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા: જેમાં સત્ય, તથ્ય, નિષ્પક્ષતા અને વિશાળતા હોવાથી તે દ્વારા સૌને પોતાને યોગ્ય પાથેય મળ્યું અને ચાહકવર્ગ વધ્યો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી અને અમેરિકાનીજૈના’ સંસ્થા સાથેના સંબંધો અને કાર્યશૈલીથી સમસ્ત જૈન સમાજ અને ધર્મનાં વિકાસકાર્યોમાં તેઓ મૌલિક પ્રદાન કરી શક્યા.
આ બધાં જાહેરજીવનનાં કાર્યો કરવા છતાં તેઓએ પોતાના કુટુંબના બધા સભ્યો પ્રત્યેની તેમજ સગાંસંબંધીઓ પ્રત્યેની પોતાની અંગત ફરજો પ્રત્યે ક્યારેય બેદરકારી સેવી નથી; જેથી તેમના સુપુત્રો અને ધર્મપત્ની પણ પોતાની સંસ્કારમય જીવનયાત્રાને સુખ રૂપે આગળ વધારી રહ્યાં છે અને તેમને પણ સર્વ પ્રકારે સહયોગ આપી રહ્યાં છે.
આમ, એક સાધારણ મધ્યમવર્ગનો અનુસ્નાતક વિદ્યાર્થી, ૩૦ વર્ષના ગાળામાં પોતાના સતત પુરુષાર્થ અને જીવનવિકાસની તમન્નાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સુયશ સન્માન પ્રાપ્ત કરી શક્યો. આજની યુવાપેઢી પણ પ્રેરણા લઈને ઉદ્યમવંત બને તેવી અપેક્ષા.

પૂ. આત્માનંદજી

શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના પ્રણેતા, ધાર્મિક અને ઉચ્ચ આધ્યાત્મિક સાહિત્યના સર્જક.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑