દિવ્યગુણોના ચૈતન્યગુલદસ્તા પ્રતિભા

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આધ્યાત્મિક શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. સંસ્થા સમાજના તમામ વ્યવસાયી વર્ગની, વિશિષ્ટ પ્રતિભાઓની પણ આધ્યાત્મિક સેવા કરે છે તેમજ વિશ્વનવનિર્માણકાર્યમાં એમની શક્તિઓનો સદુપયોગ પણ કરે છે. આવા દૃષ્ટિબિંદુથી ડૉ. કુમારપાળભાઈ દેસાઈનો સંપર્ક થયો.

કુમારપાળભાઈ આમ તો જૈન ધર્મના મર્મી, ઊંડા અભ્યાસી, પણ એમના વ્યક્તિત્વમાં સાગરની વિશાળતા જોવા મળે છે. એમના વ્યવહારમાં સર્વધર્મસમભાવ જોવા મળે છે. તેમણે આધ્યાત્મિકતાને સાચા અર્થમાં જીવનમાં ઉતારી છે. જ્યાં શ્રેષ્ઠ કાર્ય થતું હોય ત્યાં એમની હાજરી હોય જ.

મૂલ્યલક્ષી શિક્ષણકાર અને સર્જક તરીકે તેઓ નામાંકિત છે. ‘ગુજરાત સમાચાર'માં આવતી એમની કૉલમ ‘ઈંટ અને ઇમારત’ તથા અન્ય કૉલમો લોકપ્રિય બની છે. વાચકને એમના સર્જનમાંથી અવશ્ય પ્રેરણા મળે છે.

તેઓ એક પ્રભાવશાળી વક્તા પણ છે. અમારી સંસ્થાના નારણપુરા સેવાકેન્દ્રની રજત જયંતી નિમિત્તે તેમજ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના મેદાનમાં કેટલાંક વર્ષો પૂર્વે આયોજિત 'ભારત ૨૧મી સદીનો પ્રકાશસ્તંભ' કાર્યક્રમમાં એમને નિમંત્રણ આપ્યું હતું. અન્ય સેવાકેન્દ્રોએ પણ એમને આમંત્રિત કર્યા છે. અમારી વચ્ચે આવતાં તેઓ પરિવારના સભ્ય હોય તેવું લાગે છે. એમનાં પ્રવચનો સાંભળી શ્રોતાગણ પ્રભાવિત થાય છે. મારા માટે તો તેઓ એક વિશિષ્ટ પ્રતિભા ધરાવતા ભાઈ છે. તેમનો સંપર્ક થયો ત્યારથી સંસ્થા તરફથી એમને રક્ષાબંધન નિમિત્તે રાખડી અને પત્ર તથા દીપાવલી નિમિત્તે કાર્ડ અચૂક મોકલું છું. આમ તેઓ મને દીદી કહીને આદર આપે છે. મેં એમને અમારી સંસ્થાના સાહિત્યને લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન આપવા કહેલું ત્યારે એમણે મને શિષ્ટ સાહિત્યનું સર્જન કરતા લેખકોની સૂચિ મોકલીઃ એટલું જ નહીં, ‘ગુજરાત સમાચાર’માં એમણે લેખ પણ પ્રકાશિત કર્યો હતો.

વિશ્વનવનિર્માણ માટે, સુખમય સંસારના નિર્માણ માટે જૈનું જીવન સ્ફટિક જેવું નિર્મળ હોય, નિર્વસની હોય અને અનેક વિશેષતાઓ અને યોગ્યતાઓથી સંપન્ન હોય તેવી પ્રતિભાઓ સમાજને કંઈક નક્કર પ્રદાન કરી શકે છે. કુમારપાળભાઈ આ કાર્ય કરી રહ્યા છે.

અવારનવાર અખબારોમાં એમના વિદેશપ્રવાસો વિશે, એમને મળતા રહેતા ચંદ્રકો, ઍવૉર્ડના સમાચારો વાંચું ત્યારે મને અવશ્ય ખુશી થાય. સમાજમાં યોગ્ય પ્રતિભાઓનું સન્માન થવું જ જોઈએ એવું હું દૃઢપણે માનું છું અને આવી પ્રતિભાઓની યાદીમાં કુમારપાળભાઈ અગ્રસ્થાને આવે છે.

કુમારપાળભાઈને અત્યાર સુધીમાં અનેક ચંદ્રકો, ઍવૉર્ડ પ્રાપ્ત થયાં છે, સન્માનો મળ્યાં છે, પ્રસિદ્ધિ મળી છે. તેઓ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આમ છતાં એમનામાં એક સંતના જેવી નમ્રતા છે. એમનું પ્રસન્ન મુખારવિંદ સૌને આકર્ષિત કરે છે. આજે જ્યારે સત્તા અને સંપત્તિની આંધળી દોટમાં જીવનમૂલ્યો વીસરાઈ ગયાં છે ત્યારે ચોક્કસ આદર્શો, જીવનમૂલ્યો સાથે જીવવું કપરું છે, પણ તેમણે જીવનમાં મૂલ્યોની સાધના કરી છે. એમનું વ્યક્તિત્વ હંમેશાં વિવાદોથી મુક્ત રહ્યું છે. તેઓ સાચા અર્થમાં અજાતશત્રુ બન્યા છે.

જીવન એટલે સુખદુઃખની સંતાકૂકડી. એમણે જીવનમાં કપરા દિવસો જોયા છે. આમ છતાં તેઓ સતત અને સખત પુરુષાર્થ કરતા રહ્યા. આજે તેઓ એટલા ઉચ્ચસ્થાને બિરાજે છે કે આપણું હૃદય સ્વાભાવિક રીતે એમને આદર આપે છે.
એમના વિદેશ પ્રવાસોમાં જૈન દર્શન અગ્રતાક્રમે હોય તે સ્વાભાવિક છે. આમ છતાં એમણે ભારતની સંસ્કૃતિ, અહિંસા, શાકાહાર અને જીવનમૂલ્યો વિશે જે પ્રવચનો કર્યાં છે તે ભારતના પ્રતિનિધિ તરીકેનું ઉત્તમ કાર્ય છે. આપણે જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છીએ ત્યારે કુમારપાળભાઈ વિદેશોમાં ભારતીય સંસ્કૃતિનાં ઉચ્ચતમ મૂલ્યો સમજાવે છે જે આજના યુગની તાતી જરૂરિયાત છે.

મને કુમારપાળભાઈમાં સંગઠનશક્તિની વિશેષતા જોવા મળી. તેઓ સંગઠનના મહારથી છે. ભિન્ન ભિન્ન સંસ્થાઓનું નિર્માણ કરવું અને તેને સક્રિય રાખવી તે એમની વિશેષતા છે. સમાજમાં કુમારપાળભાઈ જેવી અનેક પ્રતિભાઓ પાંગરશે તો ભારતભૂમિ સત્વરે સુખમય સંસાર બનશે.

તેઓ દિન દૂના રાત ચૌગુના પ્રગતિના પથ ઉપર આગળ ધપતા રહે તેવી શુભકામનાઓ પાઠવું છું.

રાજયોગિની બ્રહ્માકુમારી સરલાદીદી

બ્રહ્માકુમારી સંસ્થાના ગુજરાતી ક્ષેત્રના અગ્રણી

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑