ભાઈ કુમારપાળના પિતાશ્રી સ્વ. બાલાભાઈ દેસાઈના મિત્રોમાંના એક તરીકે હોવાનું ભાગ્ય મને મળ્યું હતું. સંબંધનું બીજ તો ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાં વવાયું હતું. અમદાવાદના સાત અક્ષરજ્ઞોની બેઠક આ કાર્યાલયમાં અવારનવાર થતી હતી, જેમાં ઉંમરે નાનો કહી શકાય એવો હું હતો. કાર્યાલય તરફથી મારાં પણ પુસ્તકોનું પ્રકાશન થતું એટલે એના ‘શારદા મુદ્રણાલય'માં પણ અવારનવાર જવાનું થતું. શ્રી બાલાભાઈ આ મુદ્રણાલયના સંચાલક હતા એટલે એમની સાથેની મુલાકાત સ્વાભાવિક હતી. મારી ૧૯૩૭ના એપ્રિલ માસથી સંશોધક તરીકેની સેવા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(આજની ગુજરાત વિદ્યાસભા)માં શરૂ થયેલી. છ વાગ્યે ત્યાંથી નીકળી માણેકચોક શાકમાર્કેટમાં શાક લેવા જવાનો અને ગાંધીને ત્યાંની વસ્તુઓ ખરીદવાનો ક્રમ હતો. એ સાથે ગાંધીમાર્ગ ઉપર માણેકચોકના પ્રવેશમાર્ગ સામે જ મુદ્રણાલય હોવાથી મુદ્રણાલયના દ્વાર પાસે મારી સાઇકલ મૂકી શ્રી બાલાભાઈ પાસે પાંચેક કલાક બેસવાનો ક્રમ હતો. બંને સૌરાષ્ટ્રના અને સૂડી-સોપારીના શોખીન એટલે એમના હાથમાંથી સૂડી-સોપારી લઈ, સોપારીનો ભૂકો કરી સામસામે ખાવાનું ચાલુ હોય. મારા નાના ભાઈ જેવા શ્રી બાલાભાઈ દેસાઈ, વિખ્યાત સાહિત્યકાર ‘જયભિખ્ખુ’ આજે હયાત નથી. આવા સર્જક સારસ્વતના પુત્ર (પ્રો. ડૉ.) કુમારપાળને ગળથૂથીમાં પિતાનો વારસો મળ્યો છે. એમણે એમનું પહેલું સર્જન : કાલ્પનિક ક્રાંતિવીરની વાર્તા પોતાના ૧૧મા વર્ષે લખી ‘ઝગમગ' નામના બાલસાપ્તાહિકમાં છપાવેલું. બેશક, ભાઈ કુમારપાળનો સંપર્ક હજી થયો ન હતો, એનો આરંભ તો ૧૯૬૩માં બી.એ. ઉત્તીર્ણ થઈ એમ.એ.ના વર્ગ ગુજરાત યુનિવર્સિટીના ચાલુ હતા એમાં અભ્યાસ માટે જોડાયા ત્યારે થયો, પણ એક સર્જક તરીકે નહિ, એક વિદ્યાર્થી તરીકે, બે વર્ષ માટે. ૧૯૬૫માં એમ. એ. થયા. ૧૯૬૯માં પિતાજી સ્વર્ગસ્થ થયા. આ પૂર્વે ૧૯૬૪-૬૫ના વર્ષમાં અમારી ‘એચ. કે. આર્ટ્સ કૉલેજ’માં એક વર્ષ ફેલોશિપ કરી અમારી કૉલેજને યશની અધિકારી બનાવી અને ૧૯૬૫માં એમ.એ. થતાં જ મારા આત્મીય શિષ્ય આચાર્ય હતા એ 'નવગુજરાત આર્ટ્સ કૉલેજ'માં વ્યાખ્યાતા તરીકે ૧૯૮૩ સુધી પ્રોફેસર તરીકે સેવા આપી. દરમિયાન પ્રો. ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન નીચે ‘આનંદઘન : એક અધ્યયન’ શોધનિબંધ તૈયાર કરી ૧૯૮૦માં ગુજરાત યુનિવર્સિટીના પીએચ.ડી. થયા.
શોધનિબંધ તૈયાર કરતા હતા, ત્યારે આનંદઘન વિશે હું કાંઈ માહિતી આપી શકું એવી આશાએ મને મળવા આવ્યા. આનંદઘનની જૈન સાહિત્યસેવા વિશે મને ખાસ ખ્યાલ નહોતો, પરંતુ પુષ્ટિમાર્ગીય મંદિરોમાં ગવાતાં, અષ્ટછાપના ધુરંધર કવિઓ તેમજ પછીનાં પણ મહત્ત્વનાં રચેલાં, પદો ગવાય છે એઓમાં ‘આનંદઘન'નાં પદો પણ ગવાય છે એની માહિતી આપી. આ રીતે અમારા બેઉનો સંપર્ક શરૂ થયો. સ્વ. બાલાભાઈ સાથેના સંબંધનો એમને ખ્યાલ હતો જ એટલે એ નિઃસંકોચ રાતે ૯-૦૦થી ૧૦-૦૦ સુધીના એક કલાક માટે મારે ત્યાં આવતા થયા. એમની તીવ્ર સંશોધન-શક્તિનો ત્યારે મને અનુભવ થયો. ચાર મહિનામાં એમનો પહેલો ડ્રાફટ વાંચવાનો મને લાભ મળ્યો. આને કારણે મારા હૃદયમાં મને જ માત્ર નહિ, પરંતુ મારાં પત્નીને પણ વાત્સલ્યભાવ વિકસિત થયો. ૧૯૮૩માં ફેબ્રુઆરીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં એમની નિયુક્તિ થઈ ત્યારથી સંપર્ક ઘનિષ્ઠ થતો ચાલ્યો.
સદ્ભાગ્યે ગુજરાત સાહિત્ય સભાના એ સભ્ય હતા અને એ કારણે સંપર્ક ગાઢ થતો ચાલ્યો, જ્યાં એમની એક મંત્રી તરીકે નિયુક્તિ થઈ. આજે એઓ ત્રણ મંત્રીઓમાંના સક્રિય મંત્રી છે. વધુ લંબાવતો નથી. મારે એક જ પ્રસંગ નોંધવો છે. ગુજરાત સાહિત્ય પરિષદમાં ૧૯૮૩માં મારી પ્રમુખસ્થાન ઉપર બિનહરીફ પસંદગી થઈ. પાછું ખેંચવાની મુદ્દતને પણ પૂરી થયાના આઠ દિવસ પણ વીતી ગયા. અચાનક એક મધ્યાહ્ને પ્રો. ઉમાશંકર જોશી મારે ત્યાં આવ્યા અને પ્રો. યશવંતભાઈ શુક્લના લાભમાં ખસી જવા વિનંતી કરી. વિચારવા મેં ર૪ કલાક માગી લીધા. બીજે દિવસે મધ્યાહ્ન સમયે એઓ આવ્યા. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોવાને કારણે ‘अनाग्रहश्च सर्वत्र’ અને हठस्त्याज्यश्च सर्वथा પ્રકારનો સ્વભાવ સ્વ. પિતાજી તરફથી બંને ભાઈઓને વારસામાં મળેલ હોઈ મેં કહ્યું કે ‘ખુશીથી ખસી જાઉં છું. બોલો અહીં પ્રો. યશવંતભાઈને લઈ આવશો યા તમારે ત્યાં મળીએ ?'
એમણે કહ્યું કે, ``પ્રો. યશવંતભાઈને ત્યાં મળીએ.” એ રીતે વળતે દિવસે શ્રી ઠાકોરજીનો પ્રસાદ અને લાંબો પ્રસાદી ઉપરણો લઈ મારા વેવાઈ શ્રી હરિકૃષ્ણ આણંદજીવાલા(સી. એન. વિદ્યાલયના સંચાલક)ને સાથે લઈને ગયો. ત્યાં પ્રો. ઉમાશંકરભાઈ અને આચાર્ય ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ બેઠા હતા. ત્યાં પ્રો. અનંતરાય રાવળ અને ભાઈ કુમારપાળ આવી પહોંચ્યા. હું ઊભો થયો અને ઊભા થયેલા ભાઈશ્રી પ્રો. યશવંતભાઈના હાથમાં પ્રસાદ આપ્યો અને ઉપરણો એમને ઓઢાડ્યો. આ પ્રસંગે જે વાતાવરણ સર્જાયું તેમાં પ્રો. અનંતરાય રાવળ અને ભાઈ કુમારપાળનાં મુખો પર ચોક્કસ પ્રકારના ભાવનાં ચિહ્નો જોવા મળ્યાં. મારા હૃદયને અનુભવ થયો કે આ બે સ્વજનોને આ બાબતથી હૃદયમાં આઘાત થયો છે. ભાઈ કુમારપાળનું એ સમયનું મુખ મારા ચિત્તમાં હજી સુધી તદ્વત્ ચીતરાયું અનુભવું છું, જે મારા એમના તરફના વાત્સલ્યનું પ્રતીક બની રહ્યું છે.
તેઓ બહુમુખી પ્રતિભાના એક વિદ્વાન અને સાહિત્યિક પત્રકાર તરીકે જે સ્થાન શોભાવી રહ્યા છે એ જ એમને પ્રથમ પંક્તિની સારસ્વતતા અર્પે છે.
કે. કા. શાસ્ત્રી
સંસ્કૃત, ગુજરાતીના પ્રકાંડ વિદ્વાન, પદ્મશ્રી અલંકૃત, વ્યકરણશાસ્ત્રી, પૂર્વ પ્રમુખ ગુજરાતી સાહિત્યસભા