એક માનવી : અનેક શક્તિ

મારા જીવનમાં એક એવી અણધારી આપત્તિ આવી કે જે કદાચ મારા સમગ્ર જીવનમાં ઉલ્કાપાત સર્જી ગઈ હોત ! બંગાળના એક પ્રસિદ્ધ જાદુગરે મને મારી નાખવાનું કાવતરું કર્યું, ત્યારે પ્રભુકૃપાને કારણે હું એમાંથી ઊગરી ગયો, પરંતુ મારા મદદનીશ અને તેના સાથીઓએ ધનના લોભને ખાતર આવું જીવલેણ અને ભયાનક કાવતરું કર્યું તેનાથી મને ઊંડો આઘાત લાગ્યો. કોલકાતામાં કાપડની પેઢી પર કામ કરીને જીવન શરૂ કરેલું. પિતાજીએ આગ્રહ કર્યો કે અહીં પાછો આવ અને શાંતિથી કાપડની પેઢી સંભાળી લે અને સુખચેનની જિંદગી બસર કર. આવે સમયે જયભિખ્ખુભાઈએ મને અમદાવાદમાં રહ્યે રહ્યે એવાં તો પ્રેરણા અને પીઠબળ પૂરાં પાડ્યાં કે જેનાથી તખ્તાને ફરી જાદુગર કે. લાલ જોવા મળ્યા.

એ સમયે રોજ જયભિખ્ખુભાઈનો કોલકાતા પત્ર આવે અને એમાં લખ્યું હોય કે તું કલાકાર છે, ઈશ્વરે કલાની અનુપમ ભેટ તને આપી છે. તારો જન્મ આ જાદુકળાના વિકાસ માટે થયો છે. આથી તું આઘાતમાંથી નીકળીને ફરી બેઠો થા. નવા માણસો લઈને ફરી જાદુનો શો કર. પ્રભુએ તને મોતના મુખમાંથી બચાવ્યો તેની પાછળ સારો સંકેત ગણાય. માટે પ્રભુ પર વિશ્વાસ રાખીને તું ફરી શો શરૂ કર. એની શરૂઆત અમદાવાદથી કરજે અને અમદાવાદમાં હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. જયભિખ્ખુભાઈએ મને અને મારા પિતાશ્રીને બંનેને રોજ-રોજ પત્રો લખ્યા. આખરે ભયંકર પ્રપંચ, સાથીદારોની ખૂટલવૃત્તિ, હૃદયનો આઘાત આ બધું ભૂલીને હું ફરી સ્ટેજ પર આવ્યો. ૧૯૬૩માં અમદાવાદમાં શો કર્યા ત્યારે જયભિખ્ખુભાઈ શો પહેલાં એક કલાક અગાઉ આવી જાય અને ઇન્ટરવલ સમયે પાછા જાય. એમણે આપેલી હિંમત એમના કાર્યથી પણ સાકાર થઈ. મારા જીવનમાં કોઈએ આવી હિફાજત કરી નથી.

અમે મિત્રોએ મળીને જયભિખ્ખુભાઈ માટે એક ફંડ ઊભું કર્યું. એમની આંખો નબળી, પગે સોજા, કિડનીની તકલીફ, પ્રેશર પણ ખરું અને ડાયાબિટીસનો તો એમના શરીર સાથે વર્ષોથી નાતો. આવે સમયે અમે વિચાર્યું કે પાછલી ઉંમરમાં ઉપયોગમાં આવે તેવી થોડી રકમ એકઠી કરવી. એ રકમ લઈને અમે આપવા ગયા ત્યારે એનો અસ્વીકાર કરતાં જયભિખ્ખુએ કહ્યું, કે સિંહ કદી ખડ ખાય ખરો? એમણે એ રકમનો અસ્વીકાર કર્યો. અમે સહુ વિચારમાં પડ્યા. એમાંથી એવો વિચાર કર્યો કે એક ટ્રસ્ટ શરૂ કરીએ જેના દ્વારા જયભિખ્ખુભાઈનું સાહિત્ય પ્રગટ થાય. 1968માં કોલકાતામાં એમનાં ત્રણસો પુસ્તકોને અનુલક્ષીને પ્રદર્શન યોજ્યું હતું જે પાંત્રીસ હજાર લોકોએ જોયું હતું.

અમે જયભિખ્ખુભાઈનું સાહિત્ય પ્રગટ થાય અને એમની પસંદગીની સાહિત્યિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિ થાય એને માટે એક ટ્રસ્ટની સ્થાપના કરવાનો વિચાર કર્યો અને એમાંથી શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટનો ઉદ્ભવ થયો. છેક 1968થી ચાલતા આ ટ્રસ્ટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી છે. જેમાં પુસ્તક-પ્રકાશન; સ્કૂલો અને કૉલેજોના વિદ્યાર્થીઓ માટે નિબંધસ્પર્ધા; અશક્ત, ગરીબ અને અપંગ લેખકોને સહાય; કૉલેજો અને યુનિવર્સિટીઓમાં જયભિખ્ખુ સ્મૃતિચંદ્રક; અમદાવાદ, ભાવનગર અને મુંબઈમાં પ્રતિવર્ષ જયભિખ્ખુ સ્મૃતિ વ્યાખ્યાન અને જયભિખ્ખુ ઍવૉર્ડનું આયોજન કરવામાં આવે છે. આ રીતે એક નાનું બીજ કુમારપાળના હાથે વિશાળ વટવૃક્ષ બની રહ્યું છે.

હવે વાત કરું પદ્મશ્રી વિભૂષિત કુમારપાળની. તેઓ કૉલેજમાં અભ્યાસ કરતા તે સમયે અત્યંત દેખાવડા કુમારપાળ અમારા ડાયરામાં થોડી વાર બેસતા, પણ વળી પાછા ભણવામાં મશગૂલ બની જતા. આતિથ્યપ્રેમી જયાબહેન અને સાહિત્યકાર જયભિખ્ખુનો વારસો કુમારપાળે એમના જીવનમાં ઉતાર્યો. બાળપણથી જ એમની યાદશક્તિ ઘણી. એક વખત એક વાત જાણે કે વાંચે એટલે એ બરાબર યથાવત્ મનમાં યાદ રહી જતી. એમના પ્રથમ પુસ્તક ‘લાલ ગુલાબ’નું સાઠ હજાર ચોપડીઓનું વેચાણ થયું. એ પછીથી અત્યાર સુધીની એમની કારકિર્દી જોઉં છું ત્યારે એક બાબત સ્પષ્ટ લાગે છે કે તેઓ એમની એક મિનિટ પણ વ્યર્થ જવા દેતા નથી. આને પરિણામે એમણે જે જે ક્ષેત્રમાં કાર્ય કર્યું તેમાં આગવી માસ્ટરી મેળવી છે અન બાપથી બેટા સવાયા’ એ ઉક્તિ સાર્થક કરી છે. આમ, નાનપણથી જ કુમારપાળમાં કુટુંબના સંસ્કાર, પ્રગતિનો પુરુષાર્થ અને જગતની રફતાર સાથે તાલ મિલાવવાની આવડત પ્રગટ થયાં. એમનો હસતો ચહેરો અને પ્રતિભા જબ્બર. લેખક, પત્રકાર અને પ્રવચનકાર તરીકે પણ એટલા જ કુશળ. એ પ્રવચન કરવા ઊભા થાય પછી શ્રોતાજનો સહેજેય ખસે નહીં, બસ, એમને સાંભળ્યા જ કરે. એ જ રીતે એમની કલમમાં પણ એવી તાકાત કે એક વાર એમનું લખાણ વાંચવાનું શરૂ કરો પછી એ પૂરું થાય ત્યારે જ વાચકને નિરાંત થાય. ટૂંકાં વાક્યો, સરળ ભાષા અને આકર્ષક રજૂઆત એ એમના લેખનની વિશેષતા છે અને તેથી જ કોઈ અખબારની નાનકડી વાર્તા હોય કે પછી ત્રણસો-ચારસો પાનાંની કૃતિ હોય પણ તે એટલી જ સર્જનાત્મક અને સંવેદનશીલ રીતે લખાતી હોય છે. કલમના જાદુગરને આકરી કસોટીમાંથી પસાર થવું પડે છે.

શ્રી જયભિખ્ખુભાઈએ ‘ઈંટ અને ઇમારત’નું જે ચણતર કર્યું એ જ પદ્ધતિએ એ જ આદર્શોને લક્ષમાં રાખીને એમણે એનું લેખન કર્યું. આવાં કાર્યોને માટે લેખકે માત્ર પસીનો વહેવડાવવાનો હોતો નથી, પરંતુ લોહી વહેવડાવવું પડે છે. છેલ્લી અર્ધ સદીથી જીવનની વિવિધ પરિસ્થિતિઓ અને કેટલાય વિદેશ પ્રવાસોની વચ્ચે `ઈંટ અને ઇમારત’ કૉલમ નિયમિતપણે પ્રગટ કરવાનું કામ કુમારપાળ જ કરી શકે.

મોટા મોટા આચાર્યો દ્વારા જેવું ધર્મનું યોગદાન થાય તેવું યોગદાન એમણે જૈન સમાજની આલમ માટે કર્યું છે. જૈન સમાજના જુદા જુદા ફિરકાઓને એક તાંતણે બાંધીને કામ કરવાની એમની ક્ષમતા અનોખી છે. ભારતથી વિદેશમાં ગયેલા જૈનો જૈન સંસ્કારો વીસરી રહ્યા હતા તેવા સમયમાં તેમણે અમેરિકા, લંડન, બેલ્જિયમ કે કેનિયા જેવા દેશોમાં જઈને જૈન ધર્મની જીવનશૈલી સમજાવી છે. એવી પ્રભાવક રીતે પોતાની વાત રજૂ કરે છે કે જેનાથી સામી વ્યક્તિ એમને માનવા તૈયાર થાય. અમારી જાદુ કલામાં એને હિપ્નોટિઝમ કહેવામાં આવે છે. કેટલીય સભાઓમાં કે જુદા જુદા વિદ્વાનોનાં પ્રવચનો પછી છેલ્લે કુમારપાળનું પ્રવચન શરૂ થાય ત્યારે મને એ હિપ્નોટિઝમ યાદ આવી જતું. શ્રોતાજનો મંત્રમુગ્ધ બનીને એકચિત્તે એમનાં પ્રવચનો સાંભળતા.

સામાન્ય રીતે વૅટિકનમાં પોપ જ્હૉન પૉલનાં દર્શન કરવા માટે લોકો માઈલોના માઈલો દૂરથી આવતા હોય છે અને દૂરથી દર્શન કરી ધન્ય થતા હોય છે જ્યારે કુમારપાળને તેઓ પ્રત્યક્ષ મળ્યા હતા તે મારે મન ઘણા મોટા ગૌરવની વાત હતી.
સામાન્ય રીતે લોકો કહે છે કે જાદુગર કે. લાલને બે રૂપ છે. એક ક્ષણમાં એ સ્ટેજ પર ઘૂમતા હોય અને બીજી જ ક્ષણે પ્રેક્ષકોની ગૅલૅરીમાં જોવા મળે, પરંતુ જ્યારે કુમારપાળને મળું છું ત્યારે મનમાં વિચારું છું કે આ કુમારપાળનાં કેટલાં રૂપ છે ! કુશળ લેખક, મૂલ્યનિષ્ઠ પત્રકાર, શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનારા વ્યાખ્યાનકાર, પ્રોફેસર, રમતગમતના એન્સાઇક્લોપીડિયા અને સાહિત્યના ઊંડા સંશોધક – આ બધી જ વસ્તુઓ મેં એમનામાં જોઈ છે. વળી, કુટુંબ પ્રત્યે એટલા જ પ્રેમાળ અને સમાજ પ્રત્યે એટલા જ પરમાર્થી વ્યક્તિઓ વિરલ હોય છે.

એમના હૃદયમાં સત્ય અને ન્યાય માટેની ભારે ઝંખના રહેલી છે. અન્યાય સામે પ્રતિકાર કરવો એને એ ધર્મ સમજે છે. ક્યારેય આમ કરવા જતાં શું થશે એના પરિણામનો વિચાર કર્યો નથી. ‘ગુજરાત સમાચાર’ની પ્રસંગકથા હોય કે પછી અકબર-બીરબલનો સંવાદ હોય, પરંતુ જ્યારે નેતા કે સરકારને ચોખ્ખું કહેવાનું હોય કે ચાબખા મારવાના હોય ત્યારે તેઓ એ કરી શકે છે. એમણે એમની કલમને કોઈ પણ રાજકીય પક્ષને સોંપી નથી. અને તેથી જ એમના અક્ષરો એ એમના હૃદયભાવનાઓની લિપિ સમાન છે. ઝવેરચંદ મેઘાણીએ પાળિયાઓને જીવતા કર્યા. સમાજની આવી કેટલીય વ્યક્તિઓનાં ચરિત્રો આલેખીને કુમારપાળે એ મૃત્યુ પામેલા કે વિસ્મૃત _થયેલાઓને જીવંત કર્યા. એમનું હાસ્ય ભરેલું મુખ અને સામા માનવીને આત્મીય બનાવી દેવાની એમની તાકાત એ એમની આગવી કલા છે.

આમજનતા કહે છે કે જાદુની દુનિયામાં કે. લાલ જેવો ઝડપી જાદુગર જગતમાં થયો નથી, પરંતુ કુમારપાળને જોઉં છું ત્યારે થાય છે કે અનેક જગ્યાએ ચાલતાં અનેક કામોને એ કઈ રીતે પહોંચી શકતા હશે. કૉલેજમાં વ્યાખ્યાન હોય, વિશ્વકોશનું કોઈ કામ હોય, બહારગામ જઈને વક્તવ્ય આપવાનું હોય કે પછી કૉલમ કે પુસ્તકનું લેખન હોય આ બધું એ કઈ રીતે કરી શકે છે તે મારે માટે રહસ્યરૂપ છે. એક એક પળને તે ઉપયોગમાં લે છે. ઉત્સાહ, ધગશ, આત્મવિશ્વાસ અને ખેલદિલી એમના જીવનમાં એવાં વણાઈ ગયાં છે કે જે ભાગ્યે જ કોઈ સાધુ કે સંતમાં જોવા પામીએ.

આટલી બધી સિદ્ધિ અને પ્રસિદ્ધિ મળી હોવા છતાં એમના વર્તનમાં ક્યારેય અહં કે આડંબર નથી. પોતે નાના છે તે રીતે હંમેશાં મારી સાથે વર્તે છે. એમના આ કાર્યમાં એમનાં પત્ની પ્રતિમાબહેનનો ઘણો મોટો ફાળો છે. એમનો ઉલ્લેખ ન કરું તો હું નગુણો ગણાઉં.

એક મોટા ભાઈ તરીકે એમની આ પ્રગતિ જોઈને અપાર આનંદ પામું છું.

કે. લાલ

વિશ્વ વિખ્યાત જાદુગર અને અનેક સંસ્થાઓને પગભર કરનાર.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑