ગુજરાતની અસ્મિતા

‘કેમ સાહેબ, મઝામાં ? હું કુમારપાળ બોલું છું,’

“અરે, તું ? હવે તો ક્યાંય જોવા નથી મળતો ! તું હવે આંતરરાષ્ટ્રીય વ્યક્તિ – વક્તા – થઈ ગયો, પછી ક્યાંથી દેખાય ?” – હું એકદમ વરસવા માંડું. ત્યાં એનો નમ્ર, મધુર સાદ ફરી સંભળાય : “સાહેબ ! એવું તે હોય ? કાંઈ પણ કામ પડે ત્યારે કહેજો… દોડી આવું છું કે નહિ ?”

આ પ્રકારનો સંવાદ ટેલિફોન પર અવારનવાર અમારી વચ્ચે ચાલ્યા કરે.

અને ખરેખર, એના ઉદ્ગાર ઔપચારિક, ઠાલા ન હોય. જ્યારે પણ મને કશીક કામ પતાવવાની તકલીફ હોય, એની મદદની, ઓળખાણોની જરૂર પડી હોય ત્યારે એ અવશ્ય અમારી મદદે અમારું કામ પતાવવા આવી જ રહ્યો છે. એ નિષ્ઠા એનો એક મોટો ગુણ છે.

પણ આ નિષ્ઠાનું કારણ ? ખાસ કશું નહિ. એચ. કે, કૉલેજમાં પ્રાધ્યાપક તરીકેના મારા વ્યવસાય દરમિયાન એ ગુજરાતી વિષય લઈને અભ્યાસ કરતો હતો. અમારી કૉલેજમાં એ સંપર્કનાં, નિષ્ઠાનાં બીજ વવાયાં. એક સૌમ્ય, કંઈક શરમાળ, અત્યંત વિવેકી અને સ્વાધ્યાયરત વિદ્યાર્થી તરીકે માત્ર મારા પર જ નહિ, બીજા પ્રતિષ્ઠિત અધ્યાપકો – નગીનદાસ પારેખ તેમજ આચાર્ય યશવંત શુક્લ ઉપર પણ તેણે સારી છાપ પાડી. આ અભ્યાસકાળ દરમિયાન અમારે ઘેર ક્યારેક માર્ગદર્શન માટે આવતો-જતો હશે, પણ એ પ્રસંગો તે કદી ભૂલ્યો નથી. અવારનવાર એ ઋણ તે યાદ કરતો હોય છે. કોઈ નાના સત્કાર્યને પણ તે મહિમાવંતું ગણાવે એવો સાલસ તેનો સ્વભાવ છે.

કુમારપાળ અમારી કૉલેજમાં અભ્યાસનિષ્ઠ હતો તે દરમિયાન એના પિતા બાલાભાઈ દેસાઈ ‘જયભિખ્ખુ' ગાંધી રોડ પર ફુવારા પાસે આવેલા શારદા પ્રેસમાં બેસતા. મારે કંઈક કામસર એ સમયમાં બે-ત્રણ વાર શારદા પ્રેસમાં જવાનું બનેલું. ત્યાં કુમારપાળના પિતાનો સંપર્ક થયો. એમના સૌજન્યની અને મિલનસાર સ્વભાવની મારા પર તરત અસર પડી. એમણે કુમારપાળની જાણે મને સોંપણી જ કરી દીધી. એમનું પુસ્તક પણ ભેટ આપ્યું. એનું નામ તો અત્યારે યાદ નથી, પણ કવિ સુંદરમે પણ એમની વાર્તાકલાની પ્રશંસા કરી હોવાનું યાદ છે. મેં પણ ‘બુદ્ધિપ્રકાશ’માં એ વિશે લખ્યું હતું એનુંય ઝાંખું સ્મરણ છે.

કૉલેજમાં સહુ અધ્યાપકોની ચાહના મેળવી એ ટી.વાય.બી.એ.ની પરીક્ષામાં ઝળહળતા પરિણામ સાથે ગુજરાત યુનિવર્સિટીમાં એમ.એ.માં દાખલ થયો અને ત્યાંય એનું હીર ઝળકી ઊઠ્યું. ગુજરાતીના એક ઉત્તમ અધ્યાપક અને તેના પિતાના પરમ મિત્ર ડૉ. ધીરુભાઈ ઠાકરે તેના સાહિત્યરસને પોષ્યો, તેની અધ્યયનનિષ્ઠાને તેજસ્વી બનાવી. એમનું ઋણ એ કદાપિ ભૂલ્યો નથી. ભૂલી જશે પણ નહિ. એના સ્વભાવની કહો કે એના વ્યક્તિત્વની કહો, આ જ વિશેષતા છે.
'ગુજરાત સમાચાર'માં હજારો વાચકો એમની કટાર ‘ઈંટ અને ઇમારત’ના રસિયા વાચક હતા. એવા પિતાનો વારસો કુમારપાળને મળ્યો હતો અને એ વારસો તેણે ઉજ્જ્વળ કરી બતાવ્યો છે.
કુમારપાળના પિતાના અવસાન પછી ‘ગુજરાત સમાચાર'ના તંત્રી શ્રી શાંતિલાલ શાહના આગ્રહથી પિતાની કૉલમ ‘ઈંટ અને ઇમારત’ તેણે શરૂ કરી, પણ એણે તો કલમને વિવિધ માર્ગે વિહરતી કરી મૂકી. કુમારપાળની કટારમાં અધ્યાત્મ તો ખરું જ. ધર્મલક્ષી પ્રેરક પ્રસંગોય ખરા, પણ આશ્ચર્ય એ વાતનું કે એણે ક્રિકેટની રમત વિશે એ જ અખબારમાં રસિક આલોચના કરવા માંડી. પણ એટલેથીય એની કલમ વિરમી નહિ. એની કૉલમમાં શેર-શાયરીએ પણ વાચકોને મુગ્ધ કરી દીધા. પિતાની જેમ ધર્મ વિશેના વિચારોનો પ્રવાહ પણ એની કલમમાંથી આજ સુધી વહેતો રહ્યો છે. એની કલમ બહુરૂપિણી હતી, અનેક રૂપે વિહરતી. એણે સાહિત્યના ક્ષેત્રમાંય ગતિ કરવા માંડી.

બાલસાહિત્યના કિશોરોને પ્રેરક નીવડે તેવા સંખ્યાબંધ વાર્તાસંગ્રહો અને ઉત્તમ મહાનુભાવોનાં કિશોરભોગ્ય ચરિત્રો આપ્યાં. મોટેરાંને પણ રસ પડે એવી કલમની કામિયાબી એમાં હતી. સાહિત્યના ક્ષેત્રમાં તેની (પ્રગતિ થવા માંડી એટલે અમારો જૂનો સ્નેહસંબંધ ફરી તાજો થવા માંડ્યો. સાહિત્યના પ્રસંગો નિમિત્તે અમારે મળવાનું થતું. એવા પ્રસંગોમાં પણ એ મારી સમક્ષ તો વિદ્યાર્થી રૂપે જ અદબપૂર્વક ‘સાહેબ' કહીને જ સંબોધવાનું ચૂકતો નહિ. એનામાં મિત્રો કરવાની, ગણ્યા ગણાય નહિ તેટલા લોકો સાથે સ્નેહથી બંધાવાની નિરાળી શક્તિ હતી. માત્ર મોટા માણસો સાથે જ નહિ, સામાન્ય માણસો સાથે પણ એનો વર્તાવ વિવેકભર્યો જ રહેતો અને કોઈનાંય કામ કરી આપવામાં, કોઈ પણ પ્રકારની સહાય કરવામાં તેનો ઉત્સાહ રહેતો. એ ડૉક્ટરેટની પદવી ‘આનંદઘન’ની કવિતા વિશે મહાનિબંધ લખીને મેળવી ચૂક્યો હતો. એ પછી તો એણે હરણફાળ જ ભરવા માંડી. ગુજરાતી સાહિત્ય પરિષદનો મંત્રી થયો, ગુજરાત સાહિત્ય અકાદમીમાં ઉપપ્રમુખ થયો. ગુજરાત સાહિત્ય સભામાંય મારી વિનંતી સ્વીકારીને મારા કાર્યમાં મદદરૂપ થવા મંત્રીપદ પણ સ્વીકાર્યું.

વર્તમાનપત્રમાં નિયમિત કટારો લખવી, સાહિત્યક્ષેત્રમાં સતત કલમને પ્રવૃત્ત રાખવી, પુસ્તકોનાં પ્રકાશન કરવાં, એ બધું તો ખરું જ, પણ પિતાનો જે વારસો હૃદયમાં ઊતર્યો હતો તે તેને ધર્મના વિચારક્ષેત્રે આકર્ષાતો જ રહ્યો અને જૈન સાહિત્યમાં તેણે જેન વાચન, મનન-પરિશીલન કર્યું તે તેને માટે યશોદાયી બની રહ્યું. ગુજરાતમાં અને ગુજરાતની બહાર પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કુમારપાળનું ધાર્મિક દૈવત ઝળકી ઊઠ્યું અને એની એ પ્રતિષ્ઠા માત્ર દેશમાં સીમિત રહી નહિ. જૈન ધર્મના એક અનોખા રસિક વિદ્વાન અને ચિંતક તરીકે તેની માગ પરદેશમાંય થવા માંડી. અમેરિકા, ઇંગ્લૅન્ડ, આફ્રિકા અને દુનિયાના બીજા અનેક દેશોમાં તેને વ્યાખ્યાનો માટે આગ્રહભર્યાં ઇજનો મળવા માંડ્યાં અને જોતજોતામાં તો એની એક રસિક ધર્મચિંતનના વ્યાખ્યાતા તરીકે કીર્તિ દૂર દૂર સુધી પ્રસરી રહી.

કુમારપાળ એક સમર્થ વક્તા છે. પોતે વ્યાખ્યાનનો જે વિષય નિરૂપે છે તેમાં તેમની રસિકતા, તાર્કિકતા અને ધર્મગ્રંથોમાંથી સમુચિત અવતરણો-પ્રસંગો ટાંકવાની કુશળતા ખાસ ધ્યાન ખેંચી રહે છે. અહીં મારો એક પ્રસંગ યાદ આવે છે. મને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો ત્યારે વક્તાઓમાં એને માત્ર મંત્રી તરીકે ઔપચારિક શબ્દો કહેવાના હતા, પણ એણે તો સ્પષ્ટ કહી દીધું કે હું સાહેબ વિશે વક્તવ્ય આપીશ જ. બીજા વક્તાઓને હટાવીનેય હું વક્તા તરીકે રહીશ. એની મારા પ્રત્યેની અપાર સદ્ભાવના, કદાચ ગુરુભક્તિ એમાં નિમિત્ત હતી અને મારે કહેવું જોઈએ કે મારા વિશે, મારા પિતા વિશે અને મારી સાહિત્ય-પ્રવૃત્તિ વિશે એણે વીસેક મિનિટ જે વક્તવ્ય આપ્યું તે સર્વ વક્તાઓમાં ઉત્તમ નીવડ્યું. કુમારપાળની વક્તા તરીકે એક આગવી છટા છે. એ વક્તવ્યમાં વિગતો કેમ રજૂ કરવી, તેને કેમ બહેલાવવી, વચમાં રસિકતા કેમ આણવી તે બધી કળા બરાબર સમજે છે અને એનાં વ્યાખ્યાન હંમેશાં વ્યવસ્થિત હોય છે.

કુમારપાળની મારા પ્રત્યેની આ સ્નેહભાવનાનો મને બીજા પ્રસંગોએ પણ સુખદ અનુભવ થયો છે અને હજી થતો જ રહ્યો છે.
એક પ્રસંગે વ્યાખ્યાન નિમિત્તે મારે મુંબઈ જવાનું હતું. મારી સાથે જ ટ્રેનમાં કુમારપાળ હતા. કદાચ બીજા મિત્ર રમેશ ભટ્ટ પણ હતા. હું અને કુમારપાળ ઉપરની બર્થમાં હતા. જરાક ઠંડી હતી. મારી પાસે ઓઢવાનું પૂરતું નહોતું. કુમારપાળે તરત પોતાનો ચોરસો મને આપવા માંડ્યો. મેં ના પાડી દીધી એટલે એણે જીદપૂર્વક કહ્યું કે તમે જો આ ચોરસો નહિ ઓઢો તો મને ઊંઘ નહિ આવે. આવા પ્રેમાળ મિત્ર-વિદ્યાર્થી ક્યાં મળે ? કેટલા મળે ?

આવો જ એક બીજો પ્રસંગ મારા પ્રત્યે પ્રેમાદરનો સ્મરણમાં આવે છે. ગુજરાત સાહિત્ય સભાની કારોબારીની બેઠકમાં રણજિતરામ સુવર્ણચંદ્રક માટે પસંદગી કરનારા નિર્ણાયકોએ મારું નામ એ ચંદ્રક માટે જાહેર કર્યું. ભોળાભાઈ પટેલે ખુશાલી વ્યક્ત કરતાં કહ્યું : ‘મધુભાઈ, હવે બધાને ચા પિવડાવો.’ એકદમ કુમારપાળ અને વિનોદ ભટ્ટ ઊભા થઈ ગયા. બંને સન્મિત્રો કહે : “ચા નહિ, અમે સાહેબ વતી બધાને આઇસક્રીમ ખવડાવીશું.” કુમારપાળ અને વિનોદ ભટ્ટ વચ્ચે મીઠી સ્પર્ધા થઈ. એ પ્રસંગ પણ મને મિત્રોની બાબતમાં – યુવામિત્રોની બાબતમાં મારું કેવું સદ્ભાગ્ય છે તેની સુખદ પ્રતીતિ કરાવે છે.
કુમારપાળની સજ્જનતાનો, પરોપકારવૃત્તિનો કેટકેટલા માણસોને અનુભવ થયો હશે ! મને તો એમનો કદી ન ભૂલી શકાય એવો સ્નેહ સાંપડ્યો છે.

રણજિતરામ સુવર્ણચંદ્રક મને એનાયત થયો તે પ્રસંગે કુમારપાળે મારી અને મારા પિતાની સાહિત્યપ્રવૃત્તિઓની તો અત્યંત પ્રશંસા કરી જ, પણ એટલાથીય સંતોષ નહિ માનીને જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ તરફથી કુમારપાળે શાલ ઓઢાડીને મારું સન્માન કરી એમનો વર્ષો જૂનો સ્નેહાદર હજી કેવો તાજો જ છે તેનો સુખદ અનુભવ કરાવ્યો. એમને માટે યોગ્ય શબ્દ શ્લેષ યોજીને કહું તો એ ‘સદાબહાર' છે. વિવિધ પ્રવૃત્તિઓમાં એમનો ઘણો સમય વ્યતીત થતો હોવાથી સાહિત્યપ્રવૃત્તિમાં તે આરંભે થોડા ઉદાસીન રહ્યા હોય તેવું લાગે, પણ એમનો સાહિત્યકારનો આત્મા મૌન કેટલો સમય રહે ?

એમણે સર્જન-વિવેચન અને પત્રકારત્વનાં ક્ષેત્રે પોતાના અભ્યાસ અને અનુભવના નિચોડ રૂપે ઠીક ઠીક સંખ્યામાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. પત્રકારક્ષેત્રમાં અભ્યાસ કરી રહેલા આવતીકાલના પત્રકારોને ઉપકારક નીવડે તેવાં તેમનાં પુસ્તકો પત્રકારત્વના ક્ષેત્રે તેમના મહત્ત્વના અર્પણરૂપ છે એવું જ સાહિત્યના ક્ષેત્રે પણ બની આવ્યું છે. એમનાં પ્રકાશિત ચરિત્રો તો સુવાચ્ય છે જ, પણ ‘શબ્દસમીપ’ જેવા વિવેચનસંગ્રહમાં પણ સાહિત્યમાં તેમનો રસ કેવો જીવંત છે અને કેવી તટસ્થતાથી સહૃદયતાપૂર્વક એ કૃતિઓની સમીક્ષા કરે છે તેનો અનુભવ થાય છે, પણ સાહિત્યનાં વધુ સર્જન-વિવેચન તેમની પાસેથી મળવાં જોઈએ એવી માગણી આપણે અવશ્ય કરી શકીએ. સાહિત્યની પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે ગાઢપણે સંકળાયેલા આપણા કુમારપાળ પાસેથી એવી અપેક્ષા આપણે રાખીએ તો તે ઉચિત જ ગણાય.

કુમારપાળ માત્ર ધર્મ, સાહિત્ય કે સમાજ માટે કલમ ચલાવનારા કલમવીર નથી. એક વહીવટકાર તરીકે પણ તેમની કુશળતા એવી જ ધ્યાનપાત્ર છે. વહીવટ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે કરવાનો હોય કે ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપપ્રમુખ તરીકે કરવાનો હોય કે ગુજરાત સાહિત્યસભાનાં કાર્યો પાર પાડવાનાં હોય એમની નીતિ-રીતિ એમના વ્યક્તિત્વની દ્યોતક છે. એમના વહીવટમાં પારદર્શિતા અવશ્ય જોવા મળે. નાનામાં નાની બાબત જેમ કે, વ્યાખ્યાન માટેનાં કાર્ડ છપાવવાનાં હોય અથવા કાર્યનો એજન્ડા નક્કી કરવાનો હોય કે સાહિત્યનો મોટો સમારંભ યોજવાનો હોય, એ આદિથી અંત સુધી બધું જ વિચારીને આયોજન ગોઠવે છે. એમના સાહિત્યિક કે વહીવટી કે અન્ય લખાણમાં સુઘડતા, સ્પષ્ટતા અને શિષ્ટતા તરત જ ધ્યાન ખેંચશે.

ડૉ. ધીરુભાઈ ઠાકર આપણા એક પીઢ પ્રતિષ્ઠિત વિવેચક-નાટ્યકાર અને શિક્ષણકાર છે. ગુજરાતની અસ્મિતાનો મહિમા થાય, ગુજરાતનું ગૌરવ વધે એવી ઉચ્ચભાવનાને કારણે તેમને વિશ્વકોશના આયોજનનો વિચાર ઉદ્ભવ્યો. આ ભગીરથ કાર્ય કેમ આરંભાશે, ક્યારે પૂરું થશે તેની ચિંતા તો હતી જ, પણ એમની ભાવનાનાં રૂડાં ફળ મળ્યાં. એમણે ‘વિશ્વકોશ'નું ભવ્ય આયોજન કર્યું. આર્થિક સહાયો મળતી રહી. આ વિશ્વકોશના કાર્યમાં ધીરુભાઈ ઠાકર સાથે હૃદયપૂર્વક સહયોગ કરનારા પણ કુમારપાળ દેસાઈ જ છે. એમના અનન્ય સહકાર વિશે તો ડૉ. ધીરુભાઈ જ કહી શકે. ડૉ. ધીરુભાઈ વિશ્વકોશના આત્મા છે તો કુમારપાળ તેનું હૃદય છે. વિશ્વકોશની પ્રવૃત્તિ સતત ચાલતી રહે, તેનાં અધિકરણો વિધવિધ વિદ્યાશાખાના નિષ્ણાતો દ્વારા લખાતાં રહે, પ્રકાશનો માટે આર્થિક સહાયની ખોટ ના પડે તે માટે વિશ્વકોશના પ્રણેતા ડૉ. ધીરુભાઈની સાથે ડૉ. કુમારપાળનો સહયોગ કદી ભૂલી શકાય નહિ. કુમારપાળ વિદેશમાંય જ્ઞાનયાત્રા કરતા રહે છે, પણ તે સાથે એ દેશોની સંસ્કૃતિનો પણ પરિચય કરે છે. ત્યાંના કોઈ ખ્યાતનામ લેખકનું સર્જન તેમની દૃષ્ટિને આકર્ષે તો તેને ગુજરાતીમાં અનુવાદ રૂપે આપવાનું પણ તે ચૂકતા નથી. તાજેતરમાં જ આફ્રિકાના એક પ્રસિદ્ધ સર્જક ઓસ્ટિન બૂકેન્યાના નાટક ‘ધ બ્રાઇડ’નો અંગ્રેજી ભાષામાંથી ગુજરાતીમાં `નવવધૂ’ તરીકે અનુવાદ આપ્યો છે. આફ્રિકાની પ્રજાની રાજકીય, ધાર્મિક તેમજ સામાજિક રીતરસમનો પરિચય કરાવતું એ સુંદર નાટક છે.

આમ, બહુમુખી પ્રતિભા ધરાવનારા ગુજરાતના એક સુપ્રસિદ્ધ સાહિત્યકાર, ધર્મચિંતક અને સામાજિક-શૈક્ષણિક ક્ષેત્રે ગુજરાતની અસ્મિતા પ્રસારનાર કુમારપાળથી ગુજરાત ધન્ય બન્યું છે.

મધુસૂદન પારેખ

પ્રાધ્યાપક, હાસ્યલેખક, બાળસાહિત્યકાર, સંપાદક.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑