કુમારપાળભાઈનું નામ તો ખૂબ સાંભળેલું. તેમના લખો વાંચવાનું પણ પ્રસંગોપાત્ત બનતું. કોઈ ને કોઈ કાર્ય નિમિત્તે તેઓને અલપ-ઝલપ મળવાનું પણ થયા કરતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રારંભથી ૨૭ વર્ષથી પણ વધુ સમય સુધી મારે સિન્ડિકેટ સભ્ય તરીકે સેવાઓ આપવાનું બન્યું હતું, તે સમયે પણ વિદ્યાજગતમાં તેમનું નામ ભારે આદરથી લેવાતું અનુભવેલું. યુનિવર્સિટીમાં ચાલતી શ્રી નાનજી કાળીદાસ વ્યાખ્યાનમાળામાં તેમણે અત્યંત મનનીય પ્રવચન આપેલું. પછી તો અમે અહીં યુનિવર્સિટીમાં શ્રી દીપચંદભાઈ ગાર્ડીના અનુદાનથી ભાષા-સાહિત્યભવનમાં રુક્મિણીબહેન દીપચંદભાઈ ગાર્ડી 'ભારતીય સાહિત્ય સંસ્કૃતિ સંસ્થાન'માં જૈન એકૅડેમીનો પ્રારંભ કર્યો એટલે એની કમિટીમાં તેઓ હોવાથી પણ સતત મળવાનું થયા કરતું. ત્યારે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતનો કાર્યવાહક (જનરલ સેક્રેટરી) હતો. તેઓ મારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કામગીરીની નિકટતા અને પ્રતિબદ્ધતાથી પરિચિત હોવા છતાં ક્યારેય છોછ રાખ્યા વગર છૂટથી નિરાંતે મળતા અને મિત્રતા રાખતા હતા. તેમનું આ પારદર્શી વલણ ખૂબ જ સ્પર્શી ગયેલું. એક દાયકા અગાઉ અમદાવાદના ‘સંસ્કારધામ’માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘશિક્ષા વર્ગોના સમારોહ પ્રસંગે તેમને અતિથિવક્તા તરીકે નિમંત્રવાનું નક્કી થયેલું ત્યારે ખૂબ જ રાજી થયેલો. પણ ખરો રાજીપો તો જ્યારે તેમને સાંભળ્યા ત્યારે થયેલો. એ સમયે ભારતની એન.ડી.એ. સરકારે અણુવિસ્ફોટ કરેલો. એના પડઘા સમગ્ર વિશ્વમાં ગુંજતા હતા. આ સમયનું થયેલ વાતાવરણ દેશપ્રેમ અને દેશદાઝથી તરબતર હતું. આવા સમયે તેઓને અતિથિવક્તા તરીકે સંઘ તરફથી નિમંત્રણ મળ્યું, જેનો એમણે સહર્ષ સ્વીકાર કરેલો. સંધની શિસ્ત અને સમયપાલનના સંદર્ભે તેઓ બિલકુલ સમયસર આવેલા. હું પ્રમુખ વક્તા હતો, પણ તેમણે ૨૦ મિનિટના અતિથિવક્તા તરીકેના વક્તવ્યમાં સંઘ-વિચારને એવો તો વણી લીધેલો હતો કે મારા ઉપરાંત અન્ય અધિકારીગણના તથા તમામ સ્વયંસેવકોનાં હૃદય જીતી લીધાં. તમામને લાગ્યું કે જાણે સંઘના કોઈ અધિકારી વિચાર મૂકી રહ્યા હોય, તેમણે જણાવેલો સંઘવિચાર હકીકતે તો હતું જૈન દર્શન એ હિંદુત્વ-દર્શનનું કેવું ઊંડાણથી અને અસરકારક રીતે પરિચય કરાવનારું છે તેનો પરિચય મને ત્યારે થયેલો. તેમણે જૈન દર્શનને ખરા અર્થમાં પચાવ્યું હોય તેમ લાગ્યું.
હિંદુત્વના સંદર્ભમાં ભારતીય જીવનમૂલ્યો કે હિંદુત્વનો વિચાર કેવી રીતે જૈન દર્શનમાં પડઘાય છે તેનો તેમણે અસરકારક શૈલીમાં પરિચય કરાવ્યો હતો. હિંદુત્વની વિચારધારામાં વણાઈ ગયેલ સત્ય, અહિંસા, સેવા, કરુણા, તપ, દાન આદિ ભાવને અને આપણી પરાક્રમ અને દાનશીલતાને તેમણે ઉદાહરણ સહિત સમજાવેલા. કુમારપાળભાઈનું આ દૃષ્ટિબિંદુ મને ખૂબ જ સ્પર્શી ગયું અને ત્યારથી તો અમે એકબીજાની ખૂબ નિકટ આવ્યા. તેઓ અહીં રાજકોટ આવ્યા હોય ત્યારે કે હું કર્ણાવતી – અમદાવાદ ગયો હોઉં ત્યારે ક્યારેક ક્યારેક નિરાંતે મળવાનું અને વિચારોની આપલે કરવાનું બન્યા કરતું.
એમની સાથેની નિકટતામાં અભિવૃદ્ધિ તો ૨૬૦૦મી 'મહાવીર જન્મ-કલ્યાણક મહોત્સવ ઉજવણી' માટે ગુજરાત સરકારે નિયુક્ત કરેલી સમિતિના સભ્યથી થઈ. અમે એમની કાર્યવાહક સમિતિમાં પણ હતા. શ્રી શ્રેયાંસભાઈ શાહ, હું, શ્રી કુમારપાળભાઈ અને શ્રી બળવંતભાઈ જાની અવારનવાર મળતા અને વાર્તાલાપ કરતા. પણ એથીય વધુ નિકટતા તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ‘અહિંસા યુનિવર્સિટી’ ઍક્ટ બનાવવાની કામગીરીમાં અમારી વચ્ચે થઈ. 'ગુજરાત વિશ્વકોશ'ના કાર્યાલયમાં એમની સાથે મળવાનું બનતું. આ સમયે પરિચય થયો તેમના ગુણોનો; જેવા કે સિદ્ધહસ્ત લેખક, વિદ્વત્તા, સાક્ષરતા. વળી સમયપાલનના આગ્રહી તેમજ સૌને પ્રેમથી હળવું-મળવું વગેરે. ક્યારેય તેમનામાં ઉતાવળાપણું, અસ્વસ્થતા કે અકળામણ જોવા મળ્યાં નથી. અહિંસા યુનિવર્સિટીના ઍક્ટ ઘડવાની પ્રક્રિયાએ અમને એકબીજાની ખૂબ જ નજીક લાવી દીધા. છેલ્લા એકાદ દાયકાથી અને તેમાંય છેલ્લાં બે-ચાર વર્ષથી એમને વાંચવાનું પણ ખૂબ બને છે. ભારતીય જીવનમૂલ્યોને વર્તમાન સમય સાથે સાંકળીને આપણી સેવા-પરંપરા, દાન-પરંપરા અને પરાક્રમ-પરંપરાને વિષય બનાવીને લખાતાં એમનાં લખાણો ખૂબ ગમ્યાં છે. તેઓ ખરેખર રાષ્ટ્રપ્રેમી છે અને રાષ્ટ્રીય ચારિયના ઘડતરની બહુ મોટી પ્રવૃત્તિ લેખન તેમજ પ્રવચન દ્વારા કરી રહ્યા છે. વિદેશનાં સગાં, સ્નેહી, સંબંધીઓ પણ જ્યારે તેમના વિશે આદરથી ઉલ્લેખ કરે છે ત્યારે કદમાં નાના એવા આપણા કુમારપાળભાઈ વિશ્વમાં મોટા થઈ ગયા છે તેનો પરિચય અપાવે છે. તેમની નખશિખ ભારતીય જીવનપ્રણાલી ન કેવળ જૈન જીવનપદ્ધતિનો જ પરિચય કરાવે છે; તે સાચા અર્થમાં ભારતીય વ્યક્તિત્વનું જીવતું-જાગતું, હરતું-ફરતું ઉદાહરણ પૂરું પાડે છે. તેમના દ્વારા આપણા દાર્શનિકોના અપાતા પરિચયથી આપણે આપણા કોઈ પણ દાર્શનિકો સમગ્ર વિશ્વનો, જીવમાત્રનો કેવો ઊંડાણથી, ઉદારતાથી વિચાર કરનારા અને અમલમાં મૂકનારા હતા તેનાથી પરિચિત થઈએ છીએ. વળી આ કારણે જ કદાચ જૈન દર્શનના એક સુશ્રાવક એક સાચ્ચી ભારતીયતામાં અને તેને કારણે વૈશ્વિકતાના બૃહદ વર્તુળમાં પ્રવેશી ચૂક્યા છે. આવાં કારણોનુસાર તેઓ સૌ કોઈના પ્રીતિપાત્ર બન્યા છે. તેમજ તેમનું નખશિખ ભારતીય વ્યક્તિત્વ રાષ્ટ્ર માટે અસ્કામતરૂપ બન્યું છે. આવા ભાતીગળ ભારતીય વ્યક્તિત્વને ભારત સરકારપદ્મશ્રી’થી પોંખે તે સ્વાભાવિક જ છે. અને આજે જ્યારે તેઓ પદ્મશ્રીથી પોંખાય છે ત્યારે અમારી કાઠિયાવાડી ભાષામાં કહું તો `મારી છાતી ગજ ગજ ફૂલે, મારા કેડિયાની કહુ ફાટફાટ થાય.’
પ્રવીણભાઈ ર. મણિયાર
એડવોકેટ, અગ્રણી નેતા અને શૈક્ષણિક સંસ્થાઓના સ્થાપક.