ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક અને ઉમદા સર્જક એવા શ્રી બાલાભાઈ દેસાઈ ‘જયભિખ્ખુ'ના ઉચ્ચ સંસ્કારો અને અનન્ય સર્જનશીલતાને નસેનસમાં ઉતારી પુત્ર કુમારપાળ દેસાઈએ સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ, રમતજગત તથા ધર્મદર્શન જેવાં વિવિધ ક્ષેત્રોમાં એકસાથે ખેડાણ કરી ગુજરાતી સાહિત્ય અને જૈન ધર્મને ઉત્કૃષ્ટ અને ચિરકાલીન સર્જનોનું પ્રદાન કર્યું છે. વિવિધ ક્ષેત્રોમાં ઊંડાણપૂર્વકના સર્જન અને ધર્મસાહિત્ય તથા શિક્ષણને સમગ્ર જીવન સમર્પિત કરી દેનાર ડૉ. કુમારપાળ દેસાઈને ભારત સરકારે ‘પદ્મશ્રી’નો ખિતાબ આપવાની ઘોષણા કરી એક નખશિખ સાહિત્યકારનું યથાયોગ્ય બહુમાન કર્યું છે ત્યારે સમગ્ર ગુજરાત અને ગુજરાતી સાહિત્યજગત માટે આ ગૌરવપ્રદ ઘટના છે.
એક જાગ્રત પત્રકાર તરીકેની ઓળખ તેઓની વિવિધ દૈનિકોમાં ચાલતી કૉલમ દ્વારા મળી રહી છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્થાપનાકાળથી તેઓ ટ્રસ્ટી છે. વિશ્વકોશની રચનામાં અને સમગ્ર સંસ્થાના સંચાલનમાં મહત્ત્વપૂર્ણ હિસ્સો કુમારપાળભાઈનો રહ્યો છે. વિશ્વકોશના ભૂમિખંડ અને ૧થી ૧૮ ગ્રંથો પ્રકાશિત થયા છે, તેમાં ડૉ. કુમારપાળ દેસાઈનું મહત્ત્વનું યોગદાન છે. સાહિત્ય ઉપરાંત રમતગમત, ધર્મદર્શન વગેરે વિષયોના વિશ્વકોશના સંપાદક તરીકે પોતાની કીમતી સેવા આપી રહ્યા છે.
ડૉ. કુમારપાળ દેસાઈએ આજ સુધીમાં એકસોથી પણ વધુ પુસ્તકો આપ્યાં છે. મોટા ભાગનાં ગુજરાતી પુસ્તકોની સાથે દસ પુસ્તકો અંગ્રેજીમાં આપ્યાં છે, જે પૈકીનું ‘Glory of Jainism' જૈન ધર્મનાં મૂલ્યો અને જૈન ચરિત્રોની દૃષ્ટિએ નોંધપાત્ર પ્રસિદ્ધિ પામ્યું છે. વિવેચન, સંશોધન, ચિંતન, અનુવાદ, ચરિત્ર, ધર્મદર્શન, નવલિકા, પ્રૌઢ અને બાળસાહિત્ય, રમતગમત વગેરે વિશે પુસ્તકોનું સર્જન કર્યું છે. જૈન દર્શન વિશેનાં પુસ્તકોએ જૈન સાહિત્યમાં આગવી ભાત પાડી છે. એમની રસાળ, પ્રવાહી અને રસપ્રદ શૈલીએ કેટલાંય જૈન કથાનકો અને ચરિત્રોને ઘેર ઘેર જાણીતાં કર્યા છે. જૈન સાહિત્યમાં જૂની ભાષા અને પારિભાષિક શબ્દોના ભારથી દબાઈ ગયેલી શૈલીને કારણે વર્તમાન સમયનો વાચકવર્ગ એને માણી શકતો ન હતો, તેવે સમયે પારિભાષિક શબ્દજાળમાં વાચકને ગૂંચવવાને બદલે એની સાહજિક સમજણ આપીને આલેખન કરવાની એમની પદ્ધતિએ જૈન સાહિત્યને વધુ વ્યાપક બનાવ્યું છે. વળી માત્ર લેખન સંદર્ભે જ પરિવર્તન કરીને તેઓ અટક્યા નથી, કિંતુ પુસ્તકની સામગ્રીની ગોઠવણી, સુંદર લે-આઉટ, સચિત્રતા અને મજબૂત બાઇન્ડિંગ – આવી બાબતોની પણ ચીવટ જોવા મળે છે. આથી જ એમનો ‘Tirthankara Mahavir’ ગ્રંથ એ આંતરરાષ્ટ્રીય કક્ષાનું મુદ્રણ ધરાવતો સિદ્ધ થયો છે. આવાં પુસ્તકોનું સર્જન કરી દેશ-વિદેશમાં જૈન ધર્મની સુવાસ પ્રસરાવી ડૉ. કુમારપાળ દેસાઈએ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગુજરાત સરકારે અહિંસા યુનિવર્સિટી સ્થાપવા અંગે આયોજન હાથ ધરી યુનિવર્સિટીનો ઍક્ટ ઍન્ડ પ્રોજેક્ટ તૈયાર કરવા સમિતિ રચી હતી, જેના અધ્યક્ષ તરીકે
શ્રી કુમારપાળ દેસાઈને નીમ્યા હતા. કુલપતિ, પૂર્વકુલપતિ અને વિદ્વાનોની આ સમિતિએ માત્ર ૪૦ દિવસમાં જ આ રિપોર્ટ સરકારને આપ્યો હતો.
વિદેશની લાઇબ્રેરીઓ અને મ્યુઝિયમમાં જૈન ધર્મની અમૂલ્ય હસ્તપ્રતો છે. એના કૅટલૉગ અંગે અને આ હસ્તપ્રતોના કાર્ય અંગે સમગ્ર ભારતમાં જાગૃતિ સર્જવા માટે અને આ કાર્યની મહત્તા દર્શાવવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીએ વિશાળ પાયા પર હાથ ધરેલા કાર્યક્રમના આયોજનમાં ડૉ. કુમારપાળ દેસાઈનો મહત્ત્વનો ફાળો રહેલ છે.
જૈન ધર્મ અને તેના પ્રસાર માટે અથાક મહેનત કરનાર શ્રી દેસાઈ અમેરિકા, હૉંગકૉંગ, ઇંગ્લૅન્ડ, કેનિયા, દુબઈ, સિંગાપોર, કૅનેડા સહિતના દેશોમાં અનેક વખત પ્રવાસ કરી વિશ્વના પ્રાચીન એવા જૈન ધર્મ અને તેના તત્ત્વદર્શનનો સમગ્ર વિશ્વમાં પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીના ભારતના બૉર્ડ ઑફ ટ્રસ્ટીઝમાં કાર્યરત ડૉ. કુમારપાળ દેસાઈ રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દીપચંદ ગાર્ડી જૈન રિસર્ચ સેન્ટરના કમિટી મેમ્બર છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીના કો-ઑર્ડિનેટર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે જૈનદર્શન અને તેના પ્રસારમાં તેમજ જૈન સંસ્થાઓના સંગઠનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ડૉ. કુમારપાળ દેસાઈને અમેરિકાની ‘જૈના' સંસ્થા દ્વારા પ્રેસિડન્ટ સ્પેશિયલ ઍવૉર્ડ, વડાપ્રધાનના હસ્તે ‘જૈનરત્ન ઍવૉર્ડ’ તથા સાહિત્ય તેમજ પત્રકારત્વ ઉપરાંત મૂલ્યનિષ્ઠ લેખન માટે પણ અનેક ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીની ભારતની શાખાના આધારસ્થંભ બની રહ્યા છે. ડૉ. કુમારપાળ દેસાઈને સમગ્ર જૈન સમાજની એક સદી જૂની અખિલ ભારતીય સંસ્થા ભારત જૈન મહામંડળે `જૈન ગૌરવ ઍવૉર્ડ’ આપ્યો છે.
ગુજરાતના મહાવિનાશક ધરતીકંપ સમયે અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાનું સેવાકાર્ય ડૉ. કુમારપાળ દેસાઈએ હાથ ધર્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છના અસરગ્રસ્તોને પંદર લાખથી વધુ સહાય ડૉ. કુમારપાળ દેસાઈએ ઉપલબ્ધ કરાવી હતી. ગુજરાતના આ સાહિત્યકારે કરેલું અનુકંપાનું આ કાર્ય અવિસ્મરણીય બની રહ્યું છે. કોઈ સર્જક કે પત્રકારે સ્વપ્રયત્નથી આટલું ભંડોળ એકઠું કર્યું હોય, તેવું હજી સુધી જાણ્યું નથી.
રાજકોટ શહેરની ખાસ વાત કરું તો ડૉ. કુમારપાળ દેસાઈના અવારનવાર અનેક કાર્યક્રમો યોજાતા રહ્યા છે અને રાજકોટની બૌદ્ધિક તેમજ ધર્મપ્રિય પ્રજામાં તેમના વિચારોનો ઊંડો પ્રભાવ છે. એક ઉત્તમ વક્તા અને વિદ્વાન હોવાને નાતે તેઓના અનુભવોનો નિચોડ રાજકોટની પ્રજાને તેઓ આપતા રહ્યા છે.
ભગવાન મહાવીરના ૨૬૦૦મા જન્મકલ્યાણક નિમિત્તે રાજકોટમાં પ્રવચન, સંગીત અને ચિત્રદર્શનનો એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જૈન એકૅડેમી, રાજકોટ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ત્રિવિધ પ્રકારના કાર્યક્રમમાં ડૉ. કુમારપાળ દેસાઈએ ભગવાન મહાવીરસ્વામીના જીવન ઉપર ચિંતનાત્મક અને મનનીય પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે ડૉ. શેફાલીબહેનનાં કર્ણપ્રિય સ્તવનો રજૂ થયાં હતાં અને શ્રી કુમારપાળ દેસાઈએ ભગવાન મહાવીરસ્વામીના અહિંસા, અનેકાંત તથા અન્ય સિદ્ધાંતોની પ્રસંગો દ્વારા માર્મિક રજૂઆત કરી હતી. આ પ્રસંગે ભગવાન મહાવીરસ્વામીના જીવન પરની ચિત્રમય ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.
રાજકોટમાં જૈન એકૅડેમીના સહયોગથી ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીએ યોજેલ કાર્યક્રમમાં ડૉ. એલ. એમ. સિંઘવીએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે ચોમેર હિંસા, આતંક અને ધમકીનું વાતાવરણ છે ત્યારે અહિંસા જ આ દિશાને ઉગારી શકે તેમ છે. આ કાર્યક્રમના આયોજન તેમજ સફળતાપૂર્વક પૂર્ણ થવામાં ડૉ. કુમારપાળ દેસાઈનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો.
રાજકોટમાં જૈન એકૅડેમી અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીના સંયુક્ત ઉપક્રમે યોજેલ કાર્યક્રમમાં નમસ્કાર મહામંત્ર ઉપર ડૉ. કુમારપાળભાઈ દેસાઈએ દરેક પદના વિગતવાર પ્રવચન તેમજ અર્થસહિત નમસ્કાર મહામંત્રની વિસ્તૃત છણાવટ આપેલ હતી. તેમની સાથે સાથે ડૉ. શેફાલીબહેન શાહે જુદાં જુદાં ભક્તિગીતો દ્વારા નમસ્કાર મહામંત્ર મધુર સંગીતમાં રજૂ કર્યો હતો.
ડૉ. કુમારપાળ દેસાઈ સાથે વર્ષોથી ગાઢ મિત્રતાના નાતે અમારા બંને પરિવારો હૃદયપૂર્વક એકબીજા સાથે જોડાયેલા છે. તેમના બૌદ્ધિક અને વિદ્વત્તાપૂર્ણ સાંનિધ્યને કારણે મને પણ જૈન સમાજ અને જૈન ધર્મમાં આગળ વધવામાં ભરપૂર મદદ મળી અને તેમના માર્ગદર્શક વિચારોથી લાભ થયો છે. મિત્રતામાંથી પારિવારિક સંબંધો સર્જાયા છે. બન્ને પરિવારો વચ્ચે અવારનવાર થતી મુલાકાતોને કારણે ધર્મચર્ચાઓનો દોર શરૂ થયો. જૈન દર્શન વિશે અવારનવાર ચર્ચા કરતા રહેતા હોય. મારા પરિવારને પણ અનેક વખત ડૉ. કુમારપાળ દેસાઈ દ્વારા સમસ્યાઓના હલ મળ્યા છે.
ડૉ. કુમારપાળ દેસાઈ વિશે જેટલું કહું કે લખું તે સદાય ઓછું જ રહેવાનું, પરંતુ અંતમાં એટલું જ કહેવાનું કે અસંખ્ય ઍવૉર્ડને તેમની પાસે જતાં ગૌરવ પ્રાપ્ત થયું છે. તેવા ડૉ. શ્રી કુમારપાળ દેસાઈએ આટલી સફળતા અને બહુમાનો છતાં પણ પોતાનામાં એક સાલસ, સરળ અને નિર્દંભ તથા પારદર્શક માનવીને જીવતો રાખ્યો છે. એક ઉત્તમ માનવી અને ખરેખર તો વિભૂતિ એવા ડૉ. કુમારપાળ દેસાઈ સાથેની પ્રત્યેક મુલાકાત જીવનમાં નવા વિચારો વહેવડાવે છે. એમની સાથેની પ્રત્યેક મુલાકાત યાદગાર સંભારણું બની જાય છે અને મન સદૈવ તેમના માર્ગદર્શક વિચારો અને તેમના મુખેથી વહેતા જૈન દર્શનને સાંભળવા આતુર રહે છે.
એક ઉમદા પત્રકાર, ઉત્કૃષ્ટ લેખક, ઉચ્ચકક્ષાના વક્તા, દાર્શનિક તથા તત્ત્વચિંતક ઉપરાંત સમાજસેવક તરીકે પોતાના જીવનને સમાજમાં પ્રકાશ ફેલાવતી જ્યોતનું સ્વરૂપ આપનાર ડૉ. કુમારપાળ દેસાઈએ વિશ્વભરમાં માત્ર ગુજરાત, ગુજરાતી સાહિત્ય કે જૈન ધર્મનું જ નહીં, પરંતુ જૈન ધર્મના બહોળા પ્રચાર-પ્રસાર દ્વારા સમગ્ર ભારતના અમૂલ્ય વારસાનો વિદેશોમાં પરિચય આપી દેશનું નામ રોશન કર્યું છે.
પ્રવીણ પુંજાણી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જૈન એકેડેમી રાજકોટના પૂર્વ ચેરમેન, તથા જૈન સોશિયલ ગ્રૂપના અગ્રણી