મારા ભાઈ

ગુજરાતમાં, ગુજરાતની બહાર અને દેશ-વિદેશમાં જ્યાં ગુજરાતી અને જૈન સમાજ વસે છે ત્યાં તો શ્રી કુમારપાળભાઈનું નામ ખૂબ જાણીતું છે. એમને અને ચીનુભાઈને પરસ્પર લાગણી, એકબીજાના માટે માન હતું. શ્રી કુમારપાળભાઈએ ઘણી નાની ઉંમરથી જ પોતાના પિતાશ્રી જયભિખ્ખુના પ્રદાનથી લખવાનું શરૂ કર્યું અને ઘણા આગળ વધ્યા.

ભારતને સ્વરાજ્ય મળ્યું પછી શ્રી ગણેશ વાસુદેવ માવલંકર – માવલંકરદાદા પાર્લમેન્ટના સ્પીકરપદે નિમાયા, પછી એમની ઇચ્છાથી ચીનુભાઈને વિદ્યાસભાના પ્રમુખ બનાવ્યા. પછી શ્રી શાંતિભાઈના નિમંત્રણથી ‘ગુજરાત સમાચાર'ના ચૅરમૅન થયા. 'શ્રી જયભિખ્ખુ’, શ્રી કુમારપાળભાઈ અને અન્ય વિદ્વાનોના સમાગમમાં વધારે આવ્યા.

પોતાના પિતાશ્રી 'જયભિખ્ખુ' પછી શ્રી કુમારપાળ-ભાઈએ 'ઈંટ અને ઇમારત’ કૉલમ ‘ગુજરાત સમાચાર'માં ચાલુ રાખી. ઘણાબધા મિત્રો અને અમે સૌ આ અને એમના બીજા લેખો વાંચવાની આતુરતાથી રાહ જોતાં હોઈએ. ગુરુવારની એ કેટલી બધી, વર્ષો જૂની કૉલમમાં રસપ્રદ ઐતિહાસિક વાર્તાઓ વાંચવા મળે છે. તેની શૈલી ખૂબ જ રસપ્રદ હોય છે, સાથે સાથે સારા સંસ્કારો મળે તેવા બોધપાઠો અંદર વણાઈ જાય છે. એ બોધપાઠ ઠસાવતા નથી, પણ સારું-ખોટું સમજવાની સરળતાથી સમજણ આપે છે. અત્યારના બદલાતા સમયમાં ધર્મ, સત્ય, મદદ, સારાં કર્મો કરવાં એ બધાંની જરૂરત વધતી રહી છે. ચીનુભાઈની યાદગીરીમાં વિદ્યાસભાના હૉલની મરામત કરીને તે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવો બનાવવો અને તેને ‘શ્રી ચીનુભાઈ ચીમનભાઈ સભાગૃહ’ નામ આપવું એવું શ્રી શ્રેણિકભાઈનું સૂચન એની કમિટીએ અને અમે સૌ કુટુંબીજનોએ સ્વીકારી લીધું, હૉલ તૈયાર થયો ત્યારે એના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીને બોલાવવાનો વિચાર આવ્યો. સ્વામીજી એક વાર ચીનુભાઈના સંપર્કમાં ઘેર આવી ગયા હતા. સ્વામીજી સાથે કેવી રીતે વાત કરવી તે અંગે શ્રી કુમારપાળભાઈને પૂછ્યું. શ્રી કુમારપાળભાઈએ સ્વામીજીનો સંપર્ક કર્યો અને બધી વિગતો સમજાવી. મારે પણ તેમની સાથે કેવી રીતે અને ક્યાં સંપર્ક કરવો, અમદાવાદથી કોના તરફથી સંપર્ક કરવો, એમનું રહેઠાણ તથા ટેલિફોન નંબર – એમ બધું ગોઠવી આપ્યું. હૉલના ઉદ્ઘાટન પ્રસંગે પણ કુમારપાળભાઈએ ચીનુભાઈનો આકર્ષક ઢબે વિગતપૂર્ણ પરિચય અને તેમની ખાસ વિશિષ્ટતાઓની સભાજનોને જાણ કરી.

ગુજરાતી વિશ્વકોશ'નાં આયોજન અને સંચાલનનું કાર્ય શ્રી ધીરુભાઈ ઠાકર અને શ્રી કુમારપાળભાઈ વર્ષોથી કરે છે. લગભગ અઢીસો સાક્ષરોના સાથ-સહકાર અને સુમેળથી એનો એક એક ખંડ પ્રગટ થાય છે. આ ઘણું અઘરું કામ ખૂબ ચોકસાઈથી બંને જણા કરે છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશિત પુસ્તક ‘ડૉ. વિક્રમ સારાભાઈ’ શ્રી મૃણાલિનીબહેનને તેમજ ‘ગુજરાતી વિશ્વકોશ'નો ગ્રંથ ચીનુભાઈને અર્પણ કરેલો. થોડા સમય પહેલાં તે વખતના મેયર શ્રી હિંમતભાઈનો ટેલિફોન આવ્યો કે હું આપને મળવા માગું છું. મારે એમની સાથે ખાસ પરિચય નહિ છતાં મળવા બોલાવ્યા. વાતવાતમાં એમણે કહ્યું કે ચીનુભાઈના નામનું સ્મારક કરવાનું વિચાર્યું છે. મારી સંમતિ માટે પૃચ્છા કરી. ટાગોરહૉલની બાજુમાં આવેલ સંસ્કાર કેન્દ્રનું નામાભિધાન ‘મેયર શ્રી ચીનુભાઈ શેઠ સંસ્કાર કેન્દ્ર’ એમ કરવાનું મ્યુનિસિપલ સ્ટૅન્ડિંગ કમિટીએ સર્વાનુમતે પસાર કર્યું.

શ્રી કુમારપાળભાઈએ ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનોલૉજીની ઑફિસનું ઉદ્ઘાટન કર્યું, ત્યારે ઉદ્ઘાટન માટે ડૉ. એલ. એમ. સિંઘવીજી આવેલા. મેં શ્રી કુમારપાળભાઈને પૂછ્યું કે નામાભિધાનના કાર્ય માટે આવતા ડૉ. એલ. એમ. સિંઘવીજીને સવારે જાત્રા કરવી છે, તમે સિંઘવીજી સાથે જશો ? બંને પોતાના ક્ષેત્રમાં મોટી હસ્તીઓ તેથી મને વિચાર આવેલો. બંને જઈ આવ્યા. સંસ્કાર કેન્દ્રના નામાભિધાન પ્રસંગે પણ શ્રી કુમારપાળભાઈએ ચીનુભાઈની ખાસ વિગતો કહીને સુંદર ભાષણ કર્યું. મ્યુનિસિપાલિટીએ એમને ફૂલોથી બિરદાવ્યા.

મારા ભાઈ સમજીને હું એમને પૂછતી કે શું કરવું, કેમ કરવું. પછીથી ઘણી વાર વિચાર આવતો કે હું સમય માગું છું ને તરત હા પાડે છે. કેવો સરળ, નિખાલસ સ્વભાવ ! વિદ્યાર્થીઓને એમના જૈનોલૉજીના કે યુનિવર્સિટીના કાર્યાલયમાં પીએચ.ડી.ના માર્ગદર્શન માટે બોલાવે; વિશ્વકોશમાં પણ હાજરી આપવી; જાતજાતનું વાંચન કરવું; લેખો માટેની માહિતી શોધીને લખીને મોકલવી – આ બધું કેવી રીતે કરતા હશે એનું કુતૂહલ થાય. કોઈ વાર પૂછું તો માત્ર સ્મિત રેલાવે. કોઈ જ ફરિયાદ નહિ. આટલી બધી સંસ્થાઓમાં વ્યસ્ત રહેવું, દેશ-વિદેશ જાય ત્યાં પણ બધાં એમને સાંભળવા આતુર. ત્યાં હોય તોપણ લેખો નિયમિત આવે જ.

મારા પોતાના ભાઈ તો મુંબઈમાં, પણ અહીં તો શ્રી કુમારપાળભાઈ મારા ભાઈ. કોઈ દિવસ અગવડ હોય તોપણ ના નથી પાડી, પોતાનો કાર્યક્રમ ફેરફાર કરીને ગોઠવી દે. પ્રતિમાબહેનને પણ હંમેશાં લાગણીસભર અને હસતાં જ જોયાં છે. આ બધું ભગવાનની દેન, જન્મનાં, કર્મનાં અને અથાગ મહેનતનાં ફળ.

પદ્મશ્રી ઍવૉર્ડ શ્રી કુમારપાળભાઈને મળ્યો એ જાણીને સમગ્ર ગુજરાત, અમદાવાદ ઉપરાંત દેશ-વિદેશના ગુજરાતીઓ અને જૈનો તેમજ એમને જાણનાર સર્વ મિત્રમંડળને આનંદ થયો.

પ્રભાબહેન ચીનુભાઈ

સમાજસેવિકા, ભગિની સમાજના અગ્રણી.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑