મારી સંવેદના

Life is nothing but the death begun. જિંદગી એ કંઈ જ નથી, પરંતુ મૃત્યુની શરૂઆત છે અને જે કોઈ પણ આ વિશ્વમાં જન્મે છે તેઓ તમામ પોતાના લલાટ ઉપર મૃત્યુ અવશ્ય અંકિત કરીને આવે છે, પરંતુ તેઓ તમામનાં જીવન ધન્ય બની જાય છે જેઓ ભાઈશ્રી કુમારપાળની જેમ પોતાનું સમસ્ત જીવન સંસ્કારસિંચક સાહિત્યસર્જન કરવામાં વ્યતીત કરે છે.
ભાઈ શ્રી કુમારપાળે બાળપણથી જે લેખનકળા સિદ્ધ કરી હતી અને તેથી જ તો તેઓ લગભગ ૪૦ વર્ષથી લગાતાર ગ્રંથોનું સર્જન કરી શક્યા છે જેની સંખ્યા એકસોથી વધુ છે. તેમણે જીવનચરિત્રક્ષેત્રે ભગવાન ઋષભદેવ, ભગવાન મલ્લિનાથ, ભગવાન મહાવીર, મહારાજા કુમારપાળ વગેરે અનેક મહાપુરુષોનાં જીવનચરિત્રો સુંદર, રોચક અને ભાવવાહી શૈલીમાં આલેખ્યાં છે. તેમના તત્ત્વજ્ઞાન ઉપરના ચિંતનલેખો અદ્ભુત હોય છે. જેનો ‘ગુજરાત સમાચાર' વગેરેના હજારો-લાખો વાચકોને અનેક દાયકાઓથી પ્રત્યક્ષ પરિચય છે. તેઓ ભારતીય સંસ્કૃતિ, જૈન દર્શન અને જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી છે. અમેરિકા, હૉંગકૉંગ, એન્ટવર્પ, ઇંગ્લૅન્ડ વગેરે દેશ-વિદેશમાં દરેક વર્ષે પર્યુષણની વ્યાખ્યાનમાળામાં જાતે જઈ અને જૈન ધર્મનું, તપશ્ચર્યાનું તથા પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ સચોટ રીતે સમજાવે છે. તેના પરિણામે પરદેશમાં વસતાં જૈન બહેનો તથા બાળકો સારી એવી તપશ્ચર્યા કરતાં થઈ ગયાં છે. દરેક સ્થળે જૈન દેરાસરો તથા ઉપાશ્રયો બનાવવામાં આવેલ છે. તેમની આ રીતની અદ્ભુત પદ્ધતિથી હજારો, લાખો આત્માઓને જૈન દર્શનનું અણમોલ જ્ઞાન અને વિજ્ઞાન પોતાની રસાળ શૈલીમાં પીરસી તેઓ જૈન શાસનની મહત્તા પ્રગટ કરી રહ્યા છે. હિંદુસ્તાનનાં લગભગ તમામ શહેરોમાં તથા નાનાં-નાનાં ગામડાંઓમાં પણ તેમણે પોતાના અદ્ભુત વક્તવ્યના માધ્યમથી જૈન સંસ્કૃતિનો ફેલાવો કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. વિશ્વભરમાં અહિંસા, અનેકાંતવાદ, અપરિગ્રહ અને ભગવાન મહાવીરના વૈજ્ઞાનિક કર્મવાદના સિદ્ધાંતનો યોગ્ય પ્રચાર કરવામાં તેઓએ પોતાની તમામ શક્તિઓ લગાડી છે તેમ કહું તો અતિશયોક્તિ નથી. અને તેથી જ તેમની યોગ્ય કદર રૂપે હિંદુસ્તાન તથા વિશ્વભરના ઇંગ્લૅંન્ડ વગેરે અનેક દેશોએ તેમને અનેક ઍવૉર્ડોથી વિભૂષિત કર્યા છે. અમારા દિવાળીબહેન મોહનલાલ મહેતા ચૅરિટેબલ ટ્રસ્ટે પણ તેમને મૂલ્યલક્ષી સાહિત્યસર્જન અને આધ્યાત્મિક ભાવનાઓના પ્રસાર માટે કરેલા અણમોલ પ્રદાન બદલ ઍવૉર્ડ પ્રદાન કર્યો હતો. ૨૦૦૩ની તા. ૨૩ માર્ચના રોજ આઝાદ મેદાનમાં શ્રી કુમારપાળ દેસાઈને જૈન સમાજની ૧૦૨ વર્ષની ગૌરવશાળી પરંપરા ધરાવતી અખિલ ભારતીય સંસ્થાભારત જૈન મહામંડળે’ જૈન દર્શન માટે વૈશ્ચિક કાર્યો માટે એનો સર્વપ્રથમ સર્વોત્કૃષ્ટ જૈન ગૌરવ ઍવૉર્ડ પરમ પૂજ્ય આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીની નિશ્રામાં આપેલ હતો.
તેઓએ પ્રૌઢ સાહિત્યસર્જન સાથે બાલસાહિત્યસર્જન પણ સુંદર શૈલીમાં કરેલ છે. તેઓ અદ્ભુત સંપાદક છે અને અખબારોમાં અનેક વર્ષોથી જુદા જુદા વિષયો ઉપર અનેક ધાર્મિક, આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને ક્રિકેટને લગતી કૉલમો લખી રહ્યા છે જેનો હજારો વાચકો દેશ-વિદેશમાં લાભ લઈ રહ્યા છે. ક્રિકેટના વિષય પર પણ તેમની સારી ફાવટ છે. તેઓ એક ઉત્તમ કક્ષાના ક્રિકેટ કૉમેન્ટેટર પણ છે તેનો કદાચ ઘણા ઓછાને ખ્યાલ હશે. ટૂંકમાં તેઓ એક વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા All Rounder લેખક અને વક્તા છે.
કુમારપાળના સમગ્ર પરિવાર સાથે મારે ગાઢ સંબંધ છે. એ મુંબઈ આવે ત્યારે અને હું અમદાવાદ જાઉં ત્યારે સાથે નિરાંતે ભોજન પણ લઈએ છીએ. એન્ટવર્પમાં પર્યુષણ પર્વ દરમિયાન રોજ સવારે અને સાંજે એમનાં પ્રવચનો નિયમિતપણે સાંભળ્યાં હતાં. ધર્મની સાથે માનવકરુણાનો સંબંધ જોડવાની એમની ભાવના મને હંમેશાં સ્પર્શી ગઈ છે. બીજી બાજુ ધાર્મિક દૃષ્ટિએ અમુક મૂલ્ય અને જીવનશૈલી જાળવવી જરૂરી હોય, ત્યાં તેઓએ તે માટે હિંમતપૂર્વક આગ્રહ સેવ્યો છે.
ભાઈશ્રી કુમારપાળમાં વિદ્વત્તા અને સરળતા, બુદ્ધિમત્તા અને નિષ્કપટતાના અજોડ સદ્ગુણો છે. તેમનું જીવદળ ઉચ્ચકક્ષાનું છે. તેમનામાં માનવતા, સરળતા, નિખાલસતા, સાહજિકતા, ભદ્રિકતા, કોમળતા અને વિનમ્રતાના જે ગુણો છે તે ખરેખર પ્રશંસનીય છે. તેઓએ જાહેરજીવનમાં પણ અનેક સુંદર અને અનુમોદનીય કાર્યો કર્યા છે તેનાથી જાહેરજનતા ભાગ્યે જ અજાણ હશે.
ભારત સરકારે યોગ્ય રીતે જ યોગ્ય વ્યક્તિ એવા ભાઈ કુમારપાળને ‘પદ્મશ્રી’ ઍવૉર્ડ અર્પિત કરી પદ્મશ્રી ઍવૉર્ડનું ગૌરવ વધારેલ છે અને ભાઈ કુમારપાળ, હજુ પણ વિશ્વનાં સર્વોચ્ચ આધ્યાત્મિક સોપાનો સર કરી ભગવાન મહાવીરની આજ્ઞા મુજબ આત્મપરિણતિની નિર્મળતા પ્રાપ્ત કરી, ભાવપૂર્વકની અમૃત-ક્રિયાઓનું આરાધન કરી, સંયમયોગને પ્રાપ્ત કરી, અશુભ કર્મોનો ક્ષય કરી, પરંપરાએ અનંતસુખના ધામ એવા મોક્ષના મંગલદ્વારમાં પ્રવેશ કરવામાં કામયાબ બનો એ જ હાર્દિક ભાવના, શુભેચ્છા અને આશીર્વાદ સાથે મારી સંવેદના પૂર્ણ કરું છું.

મફતલાલ એમ. મહેતા (મફતકાકા)

હીરા ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિ, જીવદયા અને માનવતાના કાર્યો કરનાર.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑