વિશિષ્ટ યોગદાન

કુમારપાળ નામનો ઉલ્લેખ થતાં જ જૈનોની આંખમાં ચમકારો થાય ને કાનમાં ઘંટારવ થાય. આરતી પછી ગવાતા મંગળ દીવામાં શબ્દો આવે – ‘આરતી ઉતારી રાજા કુમારપાળે રે.' પાટણના રાજ્યપાલ કુમારપાળની આરતીના ઉલ્લેખ વગર કદાચ જૈન પૂજાપાઠ અધૂરાં ગણાય તો આધુનિક સમયમાં ડૉ. કુમારપાળ દેસાઈના નામ વગર સાહિત્યજગત અધૂરું ગણાશે. ભારતની ભૂમિમાં અનેક સંતો, મહાત્માઓ અને સાહિત્યસર્જકો પાક્યા. એટલે જ ચારણ કવિ માતાની કુક્ષીને બિરદાવતાં કહે છે કે - “જનની જણ તો સંત જણ, કાં દાતા કાં શૂર, નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર.” કવિ તો માતાને સંત, દાનવીર અથવા શૂરવીર સંતાનને જન્મ આપવાનું કહે છે, પણ નીડર પત્રકાર અને લેખક 'સ્વ.જયભિખ્ખુ’ અને માતા જયાબહેનના આ સુપુત્ર ડૉ. કુમારપાળભાઈમાં આ ત્રણે ગુણોનો ત્રિવેણીસંગમ છે. કુમારપાળભાઈના જ શબ્દોમાં કહીએ તો કલમનો અમર વારસો તો એમને પિતા સ્વ. જયભિખ્ખુ તરફથી મળ્યો તો માતાની શિખામણ કે ‘સારું જુઓ, સાચું જુઓ અને સહુનું જુઓ' એ તેમને ત્રણેત્રણ ભૂમિકાઓ ભજવવા સક્ષમ કરી દીધા.‘સારું જુઓ’ એટલે કે જગતમાં હંમેશાં વિધાયક અને રચનાત્મક દૃષ્ટિએ વિચાર કરવો. પ્રત્યેક વ્યક્તિના પૉઝિટિવ અંશને જોવો. જે સાચું, યોગદાન હોય, તે વિશે વિચારવું અને તેને પડખે ઊભા રહેવું.‘સહુનું જુઓ’ એટલે કે માત્ર સ્વસુખ કે સ્વહિતનો વિચાર કરવાને બદલે સર્વસુખ અને સર્વહિત વિશે વિચારવું અને તે માર્ગે વધુ ને વધુ સદ્કાર્ય કરવાં.
૧૯૬૫થી લખવાની શરૂઆત કરી અને આજે ૧૦૦થી વધારે પુસ્તકોમાં એમની કલમનો કસબ કંડારાયેલો છે. ૧૧ પુસ્તકો અંગ્રેજીમાં તો બે પુસ્તકો હિંદીમાં લખી જુદી જુદી ભાષાઓ પરનું એમનું પ્રભુત્વ સિદ્ધ કર્યું. ૯ પુસ્તકોને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ચુનંદાં પુસ્તકો તરીકે પસંદ કરીને ઇનામોથી નવાજવામાં આવ્યાં. એમણે કરેલા વિશાળ બાળસાહિત્યસર્જનનું આજે હિન્દી અને અંગ્રેજીમાં રૂપાંતર કરવામાં આવ્યું છે.
ગુજરાતીના પ્રોફેસર હોવાની સાથે સાથે ડૉ. કુમારપાળ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીના ફૅકલ્ટી ઑફ આર્ટ્સના ડીન અને યુનિવર્સિટી સ્કૂલ ઑફ લૅગ્વેજીસના ડાયરેક્ટર પણ છે. નવા નવા અભ્યાસક્રમોને દાખલ કરી વિદ્યાર્થીઓને ભણતરની ઉત્તમમાં ઉત્તમ તક પૂરી પાડવી એ શિક્ષક તરીકે એમનું સર્વોત્તમ લક્ષ્ય છે. આજે અપભ્રંશ ભાષામાં સર્ટિફિકેટ કોર્સ એ એમના જ વિચારોની ફલશ્રુતિ છે. પીએચ.ડી.ના વિદ્યાર્થી માટે ગાઇડ તરીકે ૧૬ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે તેમજ ગુજરાત યુનિવર્સિટી, રાજસ્થાનની જૈન વિશ્વભારતી યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના માન્યતા પ્રાપ્ત ગાઇડ છે. ગુજરાતી સાહિત્ય, પત્રકારિત્વ અને જૈન દર્શન એ એમના ગાઇડ તરીકેના વિષયો છે. મધ્યકાલીન જૈન કવિ આનંદઘનજી ઉપર એમણે કરેલું સંશોધન પીએચ.ડી.ની ડિગ્રી માટે અત્યંત વખણાયું છે. તેઓ ખૂબ જ બાહોશ અને નીડર વક્તા પણ છે.
૧૯૬૯માં પત્રકાર-લેખક પિતાના અવસાન પછી ડૉ. કુમારપાળ દેસાઈએ ગુજરાત સમાચારમાં ‘ઈંટ અને ઇમારત' દૈનિક કટાર લખવાનું શરૂ કર્યું. પોતાનાં અનેક પુસ્તકો અને લખાણો દ્વારા સમાજને દાન આપીને ચારણ કવિની દાનવીરની અપેક્ષા ડૉ. કુમારપાળ દેસાઈએ પૂરી કરી છે. એમના લેખો બહુ વેધક, વિચારસભર અને રચનાત્મક હોય છે. એમના લખાણની શૈલી સુંદર, સાદી અને મોહક છે. જૈન સાહિત્યમાં પણ ડૉ. કુમારપાળભાઈનું અદ્ભુત ખેડાણ છે. અનેક જૈનાચાર્યો જેવા કે શ્રી હેમચંદ્રાચાર્ય, આનંદઘનજી, આચાર્ય બુદ્ધિસાગરજી, આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજીની જીવનકથાઓ તથા ભગવાન ઋષભદેવ અને મહાવીર સ્વામીનાં જીવનચરિત્રો તેમજ ‘મોતીની ખેતી’ અને ‘બિંદુ બન્યું મોતી' એ જૈન કથાઓ મુખ્ય છે. પ. પૂ. પંજાબકેસરી આચાર્ય શ્રીમદ્‌ વિજયવલ્લભસૂરીશ્વરજીનાં હિન્દી પ્રવચનોનો ગુજરાતીમાં અનુવાદ કરીને ત્રણ અત્યંત માર્મિક પુસ્તકો ‘ધન્ય છે ધર્મ તને’, ‘ઓજસ દીઠાં આત્મબળનાં',‘રત્નત્રયીનાં અજવાળાં’ નામે પ્રગટ કર્યાં. આવા સરળ અને રોચક અનુવાદ બદલ જૈન સમાજ ડૉ. કુમારપાળભાઈનો ઋણી રહેશે, કારણ કે હિન્દી ભાષાની ઓછી જાણકારી ધરાવનારા ભાવિકજનો પણ ગુરુદેવનાં આ અમૂલ્ય વચનોનું અમૃતપાન કરી શકશે.
તેઓ યુ.કે. યુ.એસ.એ., કૅનેડા, આફ્રિકા, બેલ્જિયમ, સિંગાપોર, હૉંગકૉંગ અને અન્ય દેશોમાં કેટલીય વખત વ્યાખ્યાનકાર તરીકે આમંત્રિત થયા છે અને આપણાં પરદેશમાં વસતાં ભાઈ-બહેનો એમની પ્રખર વિદ્વત્તા અને સચોટ વાણીથી પ્રભાવિત થયાં છે. જૈન ધર્મના પરદેશમાં પ્રસાર અંગે એમની સેવાઓ બહુ કદરદાયક છે. તેમનો ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ભાષા ઉપર ગજબનો કાબૂ છે.
મારો કુમારપાળભાઈ સાથેનો સંબંધ ઘણાં વર્ષોનો છે. ખાસ કરીને ઇન્ડોલૉજી અંગે સંશોધક તરીકે વિશેષ સંપર્કમાં આવવાનું થયું. તેઓ લંડનની ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને એમની સાથેની મૈત્રીનું મને ગૌરવ છે.
વર્લ્ડ જૈન કૉન્ફેડરેશનના કુમારપાળભાઈ શરૂઆતથી જ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય છે અને એમનું યોગદાન અમૂલ્ય છે એનો અમને સૌને ગર્વ છે.
કુમારપાળભાઈ સ્વભાવે નિખાલસ, નમ્ર, નિરભિમાની, સુશીલ, સાદા, હસમુખા અને આપણા સૌના લાડકવાયા છે. ખાસ તો પદ્મશ્રીના ઍવૉર્ડ વાસ્તે અતિઉલ્લાસથી અભિનંદન. એમને લાંબું, તંદુરસ્તીભર્યું આયુષ્ય મળે; સુખી જીવન જીવે અને હજી વધારે એમની સમાજને સેવા મળતી રહે, માન-અકરામ અને ખિતાબોની રફતાર ઉત્તરોત્તર આગેકૂચ કરતી રહે એવી મારી શાસનદેવને પ્રાર્થના અને અભ્યર્થના છે.

પ્રતાપભાઈ ભોગીલાલ

ઉદ્યોગપતિ, વર્ડ જૈન કન્ફડરેશનના ટ્રસ્ટી, દિલ્હીની બી.એલ. ઇન્સ્ટિટ્યૂટના પ્રણેતા

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑