ઉત્તમ, સન્નિષ્ઠઅને માર્ગદર્શક નાગરિક

હું શ્રી કુમારપાળ દેસાઈને છેલ્લાં વીસ કરતાં પણ વધારે વર્ષોથી ઓળખું છું. ‘ગુજરાત સમાચાર'માં તેમના લેખો ‘ઈંટ અને ઇમારત’, ‘રમતનું મેદાન', ‘ઝાકળ બન્યું મોતી’, 'આકાશની ઓળખ', 'પારિજાતનો પરિસંવાદ’ – નિયમિત રીતે વાંચું છું.

તેમનાં બધાં લેખોમાં, પુસ્તકોમાં, પ્રવચન તથા ભાષણોમાં માહિતી, સ્પષ્ટતા, ચોકસાઈ અને જાગૃતિ મને હંમેશાં આકર્ષતાં રહ્યાં છે. જુદા જુદા પ્રસંગોએ તેમને સાંભળવાની તક મળી છે અને તેમને સાંભળવા તે પણ સ્મરણીય પ્રસંગ હોય છે. ગુજરાતી ભાષા પર તેમનો કાબૂ અજોડ છે.

વળી છેલ્લા ચાર દાયકાથી જુદી જુદી શિક્ષણસંસ્થાઓમાં પ્રાધ્યાપક તરીકેના તેમના અનુભવને લીધે તે દરેક વાત સરળતાથી સચોટ રીતે પોતાનાં વક્તવ્યોમાં સામાન્ય પ્રજાજન અને બાળક પણ સમજી શકે તે રીતે રજૂ કરે છે. શ્રોતાઓની સમજદારીના સ્તર પ્રમાણે તે પોતાનાં વક્તવ્યો રજૂ કરે છે.

તેઓ હમેશાં હકારાત્મક વલણ રાખે છે. રાષ્ટ્રમાં તથા સમાજમાં નીતિનાં ધોરણો તથા મૂલ્યો સચવાઈ રહે તે માટે આગ્રહી રહ્યા છે. તેમનાં પુસ્તકોમાં તેમજ વિવિધ સામાજિક ક્ષેત્રોની તેમની પ્રવૃત્તિઓમાં સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાની તેમની ધગશ દેખાઈ આવે છે.

જે વ્યક્તિઓને શારીરિક કે બીજી ખોડ હોય તેવી વ્યક્તિઓના મનોબળને તથા પોતાના લક્ષ્યને સિદ્ધ કરવાના પુરુષાર્થને શ્રી કુમારપાળભાઈ પોતાનાં લેખોમાં, પુસ્તકોમાં તથા વક્તવ્યોમાં સુંદર રીતે બિરદાવે છે. આ રીતે અશક્ત તથા સશક્ત બધાને પોતપોતાની સુષુપ્ત શક્તિઓને વિકસાવવા તથા બહાર લાવવા પ્રેરણા આપે છે.

શ્રી કુમારપાળભાઈ દીવાન બલ્લુભાઈ શાળામાં પ્રાથમિક તથા માધ્યમિક વિભાગમાં વિદ્યાર્થી તરીકે ભણ્યા હતા. વિદ્યાર્થી તરીકે તેમની કારકિર્દી સુંદર હતી. જે જે શિક્ષકોના હાથ નીચે તે આ શાળામાં ભણ્યા હતા તે શિક્ષકો પ્રત્યે તેમના આદર તથા ગુરુભક્તિ જેવાં ને તેવાં જ છે. આ શાળાજીવનનાં તેમનાં સંસ્મરણો તે વાગોળે છે તે પણ સાંભળવા જેવાં છે.

શ્રી કુમારપાળભાઈ જેવા ઉત્તમ, સંનિષ્ઠ અને માર્ગદર્શક નાગરિકો વધારે ને વધારે સંખ્યામાં ગુજરાત તથા ભારતને મળતા રહે એ જ પ્રભુ પાસે પ્રાર્થના.

બી. જે. દીવાન

શૈક્ષણિક સંસ્થાઓના રાહબર, નિર્ભિક ન્યાયાધીશ.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑