કુમારપાળ, કુમારપાળ જ છે. એક ઐતિહાસિક મહાપુરુષ જેણે શાસ્ત્રો અને સાહિત્યને હાથીની અંબાડીએ શોભિત કરી સન્માન કર્યું તો બીજા સાહિત્યને સર્જનાર. એક પ્રજાપ્રેમી રાજા તો બીજા સાહિત્યપ્રેમી રાજા. એક ભૂતકાળ તો બીજા વર્તમાન. ભૂતકાળ યશસ્વી છે, ભુલાય તેવો નથી તો વર્તમાન વાગોળ્યા કરવાનું મન થાય એવો છે. વ્યક્તિ ધારે તો જીવનમાં મહારાજા બની શકે છે. ભૂતકાળના કુમારપાળને રાજપાટ વારસામાં મળ્યાં તો સુશાસન દ્વારા ધર્મપ્રેમી રાજા બન્યા – તો આપણા કુમારપાળને પિતા ‘જયભિખ્ખુ'નું સાહિત્યસર્જન વારસામાં મળ્યું તે સર્જનને હિમાલયની ટોચે પહોંચાડનાર સર્જક બની ધર્મદર્શન માટે ઉલ્લેખનીય પ્રદાન કર્યું. મારા જીવનમાં કોઈ સાહિત્યસર્જકનો બચપણમાં પરોક્ષ પરિચય થયો હોય અને આગળ જતાં ખૂબ નજદીકથી પ્રત્યક્ષ પરિચય થયો હોય. કુમારપાળભાઈના જીવન-વ્યક્તિત્વના પાયામાં ખમીર અને ખુમારી કોઈને પણ સ્પર્શી જાય તેવાં છે.
હું નવગુજરાત કૉમર્સ કૉલેજમાં ભણતો. આર્ટ્સના મિત્રો મળતા ત્યારે કુમારપાળ દેસાઈના સફળ અને સારા પ્રાધ્યાપક તરીકે વખાણ કરતા. અમે કેટલાક મિત્રો તેમના ગુજરાતી વિષયના પીરિયડમાં કૉમર્સમાં હોવા છતાં આર્ટ્સ ફૅકલ્ટીમાં પહોંચી જતા. એક નિષ્ઠાવાન પ્રાધ્યાપક તરીકે ગુરુ-શિષ્યના સંબંધો કેવા હોય તેની મીઠાશ અમને તેમની પાસેથી માણવા મળતી હતી. સરળતા તો કુમારપાળભાઈના જીવન સાથે વણાયેલો વણલેખ્યો નિયમ છે તેની પ્રતીતિ વિદ્યાર્થીજીવનમાં અનુભવેલી, એક વખત પીરિયડ પૂરો થતાં રિસેસ પડતાં અમે કેટલાક વિદ્યાર્થીઓ લૉબીમાં જ વિષયની ચર્ચામાં ઊતરી ગયા. પ્રા. કુમારપાળભાઈ ત્યાંથી પસાર થતા હતા તે ઊભા રહી ગયા અને સમજી લ્યો કે અમને ત્યાં જ ભણાવવા બેસી ગયા. તેઓ માત્ર વિષયને પરીક્ષા માટે ભણાવવાનું ધ્યેય નહોતા રાખતા પણ વિષય સમજવો, સમજાવવો અને જીવનમાં ઉતારવો તેની ભાષા અને પરિભાષા સમજાવતા. વિદ્યાર્થી-જીવનમાં કુમારપાળભાઈને અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાતીમાં ક્રિકેટની કૉમેન્ટ્રી આપતા જોવા એ અદ્ભુત લ્હાવો અમે માણ્યો છે. માન્યતા એવી કે ક્રિકેટની કૉમેન્ટ્રી અંગ્રેજીમાં જ આપી શકાય, કારણ તેના ટૅક્નિકલ શબ્દપ્રયોગો તે ભાષામાં છે ત્યારે આ પડકારને ઉપાડી કુમારપાળભાઈએ ગુજરાતી ભાષા પરના પોતાના પ્રભુત્વ અને આગવી છટાથી સૌને તે જમાનામાં મોહિત કરી દીધા હતા. તેઓની ‘રમતનું મેદાન’ કૉલમથી રમતગમતમાં ગુજરાતી યુવાનોને રુચિ પેદા કરવાની હોય કે ‘ઈંટ અને ઇમારત'થી અનેકના જીવનમાં વીરતા, શૂરવીરતા અને ઇતિહાસનાં સુવર્ણ પૃષ્ઠોને આલેખવાનું શ્રેય કુમારપાળભાઈને જાય છે. મારા જીવનમાં બચપણથી હું જેમને પરોક્ષ રીતે જાણતો થયો, યુવાનીમાં તેમને પ્રાધ્યાપક તરીકે જાણ્યા તો સાહિત્યકાર તરીકે માણ્યા થોડા દૂરથી થોડા નજદીકથી. એ જ વ્યક્તિ સાથે ખૂબ જ નજદીકથી મિત્રાચારી બંધાઈ જ્યારે હું ગુજરાત વિધાનસભાનો અધ્યક્ષ બન્યો. તેઓ જૈન અગ્રણી તરીકે સૌ આગેવાનો સાથે આવતા, મળતા થયા. મેં તેમને સાહિત્યિક, સામાજિક અને સંસ્કારલક્ષી વિવિધ પ્રવૃત્તિના વિકાસ વિશે ચિંતા અને ચિંતન કરતાં ખૂબ જ નજદીકથી નિહાળ્યા છે. તેમના જીવનના બે મહત્ત્વના ગુણો નિરભિમાનીપણું અને સ્વાભિમાન-નાં દર્શન મને તેમની નજદીક આવવાથી જાણવા અને જોવા મળ્યાં. સરકાર પાસેથી પણ રજૂઆતમાં દીર્ઘદૃષ્ટિપૂર્ણ રીતે તમામ તાર્કિક મુદ્દાઓ સાથે પોતાની વાત રજૂ કરતાં મેં ત્યારે અનુભવ્યા જ્યારે તેઓ ૨૬૦૦મી ભગવાન મહાવીર જન્મકલ્યાણક ઉજવણી અંગે અહિંસા યુનિવર્સિટી’ના અભ્યાસક્રમની રજૂઆત કરી રહ્યા હતા. અડચણો છતાં અડગ રીતે આગળ વધી શકાય છે એ હકીકત તેમનામાં રહેલ આંતરિક શક્તિનાં દર્શન કરાવે છે.
કુમારપાળભાઈ ખૂબ સારા વક્તા છે. ભારતીય સંસ્કૃતિ, જૈન દર્શન અને જૈન સાહિત્યના અભ્યાસી છે. તેમનો પોતાનો એક આગવો શ્રોતાવર્ગ ગુજરાત, ભારત અને વિદેશમાં ઊભો થયેલ છે જૈની અનુભૂતિ મને અનેક કાર્યક્રમો વખતે થઈ છે. અમે નોર્થ અમેરિકાની ૬૩ જૈન સેન્ટરોના ફેડરેશનની સંસ્થા ‘જૈના'ના સંમેલનમાં ગયા હતા. કુમારપાળ પ્રવચન કરવા ઊભા થયા. આખોય હૉલ ચિક્કાર ભરાયેલ. નવયુવાનોથી માંડી વડીલો સુધીના તમામે તેમને ભરપેટ સાંભળ્યા.
તાળીઓના ગડગડાટથી વધાવતા રહ્યા અને છેલ્લે તમામે ઊભા થઈને તેમને (Standing Ovation) સન્માન આપ્યું. આ રીતે તેમણે અમેરિકા, ઇંગ્લૅન્ડ, પૂર્વ આફ્રિકા, કૅનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હૉંગકૉંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા જેવા વિવિધ દેશોમાં પર્યુષણ નિમિત્તે તેમજ પરિસંવાદ આદિ નિમિત્તે આપેલાં વ્યાખ્યાનો ખૂબ પ્રશંસા પામ્યાં છે. ૧૯૯૦માં બકિંગહામ પૅલેસમાં ડ્યૂક ઑફ એડિનબરો પ્રિન્સ ફિલિપનેજૈન સ્ટેટમેન્ટ ઑન નેચર’ અર્પણ કરવા ગયેલ પાંચ ખંડના જૈન પ્રતિનિધિ મંડળમાં તેઓ હતા. તો વળી ‘વર્લ્ડ પાર્લમેન્ટ ઑફ રિલિજિયન્સ'માં શિકાગો તથા દક્ષિણ આફ્રિકાના કૅપટાઉનમાં સક્રિય ભાગ લીધેલ; તો વળી વૅટિકનમાં પોપ જ્હૉન પૉલ(દ્વિતીય)ની મુલાકાત દરમિયાન ધર્મદર્શન વિશે સાર્થક ચર્ચા કરી હતી.ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી’ નામની વિશ્વવ્યાપી સંસ્થાના તેઓ ભારત ખાતેના કૉ-ઑર્ડિનેટર અને ટ્રસ્ટી છે. આધુનિક યુગમાં જૈનિઝમને સીમાડાઓ પાર કરાવનાર અભ્યાસુ, તેજસ્વી અને વિચક્ષણ વ્યક્તિ તરીકે કુમારપાળભાઈએ ઇતિહાસમાં પોતાનું આગવું સ્થાન અને પ્રતિભા પ્રસ્થાપિત કર્યાં છે.
તેમની સૌથી મોટી મૂડી તેમનું સહજ અને સ્નેહાળ સ્મિત છે. એક ટીવી-ઇન્ટરવ્યૂ આપવા ગયો ત્યારે ઇન્ટરવ્યૂ લેનારે કહ્યું, ‘સાહેબ, સહજ સ્મિત કરો.‘ મારાથી પુછાઈ ગયું :કેવું ?’ તેણે કહ્યું, ‘કુમારપાળ દેસાઈ જેવું’. તેમનું સ્નેહસ્મિત નાનાથી મોટા સૌને સ્પર્શી જાય તેવું છે. તેમના જીવનમાંથી જીવન જીવવાની કળા તેઓ પ્રસન્ન વ્યક્તિત્વ અને પ્રેમપૂર્વકના ઉષ્માપૂર્ણ વ્વવહારથી તેમના પરિચયમાં આવનાર સૌને શીખવી જાય છે. કુમારપાળ દેસાઈ જીવનમાં મિત્ર તરીકે મળ્યા તેને હું મારું સૌભાગ્ય સમજું છું અને ગૌરવ અનુભવું છું.
ધીરુભાઈ શાહ
ભૂતપૂર્વ અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા, જૈન ધર્મના પ્રચાર-પ્રસારમાં યોગદાન.