કુમારપાળના પિતાશ્રી બાલાભાઈ દેસાઈ ‘જયભિખ્ખુ'નો હું ઉત્સાહી વાચક હોવાને કારણે છેક ૧૯૩૯થી જાણું. એમની ‘લીલો સાંઠો’ જેવી વાર્તા મને ખૂબ સ્પર્શી ગયેલી. કામપ્રસંગે અમદાવાદ જવાનું થાય ત્યારે ગૂર્જરની મુલાકાત, શરાબી પીઠાની મુલાકાત લે તે રીતે અવશ્ય લઉં; ત્યાં અનેક વખત બાલાભાઈ મળી જાય.
1959ના જુલાઈમાં આપણા સુપ્રસિદ્ધ પ્રાધ્યાપક અનંતરાય રાવળની જામનગરની ડી. કે. વી. કૉલેજના આચાર્યપદે નિમણૂક થતાં, મારી બદલી ગુજરાત કૉલેજ – અમદાવાદમાં કરવામાં આવી. મેં 22 જુલાઈ, 1959ના રોજ મારું કામ સંભાળ્યું ને વળી યોગાનુયોગે મને બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાં મોકલવામાં આવ્યો. 16મી નવેમ્બર, 1959ના રોજ મેં અમદાવાદ છોડ્યું. આમ અમદાવાદનો મારો નિવાસ પોણાચાર મહિના પંદર અઠવાડિયાં જેટલો ટૂંકો. મારે કૉલેજના પ્રથમ વર્ષના વર્ગમાં દક્ષિણ આફ્રિકાના 'સત્યાગ્રહનો ઇતિહાસ’ વાંચવાનો હતો. તે માટે અઠવાડિયામાં એક તાસ ફાળવવામાં આવ્યો હતો. મારે વધુમાં વધુ 10-11 તાસ, એ વર્ગમાં જવાનું બન્યું હોય. કુમારપાળનો એ વર્ગમાં મને પરિચય પણ થયો.
અનંતરાયભાઈ જેવા પ્રસિદ્ધ અધ્યાપકનું સ્થાન લેવાનું હોવાથી, આરંભનો આછો સંકોચ, તરત જ દૂર થઈ ગયો હતો, પણ આટલા ટૂંકા ગાળામાં અને આટલા તાસમાં કોઈ વિદ્યાર્થીના નિકટના પરિચયમાં આવવાનું શક્ય જ નહિ, અલબત્ત, કુમારપાળ સાથે, જયભિખ્ખુના એ સુપુત્ર હોવાથી, બે-ત્રણ વખત વાતચીત થઈ હતી, પણ એમનું વિદ્યાર્થી તરીકેનું ગજું કેવું તે વિશે હું કહું તે યોગ્ય ન ગણાય. અલબત્ત, આટલો ટૂંકો સમય જ, મારા વર્ગમાં બેસવાનું બન્યું હોવા છતાં, 16 નવેમ્બર, 1959 પછીનાં 45 વર્ષ જેટલા લાંબા ગાળામાં કુમારપાળને મળવાનું થયું હોય ત્યારે અને એવું મળવાનું અવારનવાર થતું રહ્યું છે, એમણે પોતાની જાતને મારા વિદ્યાર્થી તરીકે જ ઓળખાવી છે. મિત્રો પાસે મને પોતાના એક શિક્ષક તરીકે હંમેશાં પ્રસ્તુત કર્યો છે. શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટના ઉપક્રમે ભાવનગરમાં યોજાતા વાર્ષિક વ્યાખ્યાન પ્રસંગે એ ભાવનગર આવે, કોઈ વખત પૂ. સ્વામીશ્રી સચ્ચિદાનંદજી ઉપસ્થિત હોય; કોઈ વખત ધીરુભાઈ ઠાકર હોય; અમે મળીએ. જયભિખ્ખુ ટ્રસ્ટ નિબંધસ્પર્ધા યોજે તો એ નિબંધોના નિર્ણાયક તરીકે મને નિમંત્રે, આનંદઘનજી જેવા ઘન-અવધૂત કવિનાં કાવ્યો વિશે એમણે કાર્ય કર્યું હોવાથી, જૈન સાહિત્ય, જૈન દર્શન વગેરેમાં અંતરનો લગાવ હોવાથી, અનેક જૈન સંસ્થાઓ, દેશ-વિદેશમાં તેમને નિમંત્રે, તેમ ભાવનગરની સંસ્થાઓ પણ નિમંત્રે; અધ્યાપકમંડળની પ્રવૃત્તિઓ, સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમીની પ્રવૃત્તિઓ મિલનયોગ સાધી આપે. હંમેશ નમ્ર, મિતભાષી, આંખમાં સ્મિત સાથે, પ્રસન્ન ચિત્તે મળે, જે મહત્તા તેમને પુરુષાર્થથી પ્રાપ્ત થઈ, બાલાભાઈનું નામ ઉજાળ્યું. તેનો ભાર સાથે લઈને એ કોઈ દિવસ ના ફર્યા; હંમેશાં હળવાફૂલ રહ્યા. નરસિંહ મહેતાએ કહ્યું છે તેમ એ ‘હળવા કર્મ’ના જૈન દર્શને પ્રબોધેલ ‘હળુ કરમી’ જીવ રહ્યા. આ નમ્રતાએ, આ સૌજન્યે તેમને વિકસિત થવામાં યારી આપી.
ઉમાશંકરભાઈ, યશવંતભાઈ, ધીરુભાઈ, નગીનદાસ પારેખ, પં. બહેચરદાસજી, ડૉ. ભોગીલાલ સાંડેસરા, ડૉ. પ્રબોધ પંડિત, પ્રજ્ઞાચક્ષુ સુખલાલજી જેવાના એ પ્રીતિભાજન બની રહ્યા.
પાંચેક વર્ષ પહેલાં ભાવનગરની એક જૈન યુવક સંસ્થાએ તેમનું બહુમાન કરવાનો કાર્યક્રમ યોજ્યો. સાથે પ્રા. ડૉ. મહેબૂબ દેસાઈ અને મને પણ સાંકળ્યા, ત્યારે ઠીક ઠીક વખત એક મંચ પર બેસવાનું બન્યું છે તેમ, તે વખતે પણ બન્યું. ને તે વખતે ભાવનગરના જૈન અગ્રણીઓ, પ્રા. તખ્તસિંહ પરમાર વિશે જે નિખાલસતાથી વાત કરે એના કરતાં વધારે નિખાલસતાથી કુમારપાળે વાત કરી. દાદાસાહેબ જૈન દેરાસરમાં કે અન્યત્ર એ બોલવાના હોય, ત્યારે મને એમને સાંભળવાનું ગમતું હોવાથી, હું પણ જાઉં ને પ્રવચનને અંતે એ નમીને મળે.
વિદ્યાર્થીઓની અનેકવિધ પ્રવૃત્તિઓમાં મને રસ એટલે એમની ‘ખેલજગત’ કટાર. ‘ઈંટ અને ઈમારત’ કે અન્ય તો ગમે જ, મને ખૂબ ગમે, આશ્ચર્ય થાય, આનંદ થાય. વીગત-ખચિત પ્રમાણભૂત લખાણ વાંચવાથી અપંગનાં ઓજસ’ મને ખૂબ ગમેલું.
વિદ્યાર્થીઓની અનેકવિધ પ્રવૃત્તિઓમાં મને રસ એટલે એમની ‘ખેલજગત’ કટાર, ‘ઇંટ અને ઇમારત’ કે અન્ય તો ગમે જ. મને ખૂબ ગમે. આશ્ચર્ય થાય, વીગત-ખચિત પ્રમાણભૂત લખાણ વાંચવાથી ‘અપંગના ઓજસ’ મને ખૂબ ગમેલું.
મને એક વાતની ખાસ નોંધ લેવાનું મન થાય છે. મને લાગ્યા કર્યું છે કે જૈનો પોતાના ધર્મના નીતિ-નિયમો પાળવામાં, દેરાસર જવામાં, ચુસ્ત હોવામાં, લગભગ મુસલમાન ભાઈ-બહેનો જેવા જ આગ્રહી હોય છે અનેકાન્તવાદના તત્ત્વજ્ઞાનનું ઠીક-ઠીક વિસ્મરણ થતું હોય છે; સંભવ છે કે મારી ક્યાંક સમજફેર હોય, સંભવ છે કે જૈન મતાવલંબીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી હોવાથી એમ કરવાનું જરૂરી બન્યું હોય: પણ કુમારપાળમાં મને મતાંધતા, જડતાઈ દેખાઈ નથી. દેશ-વિદેશમાં વરસો-વરસ જૈન દર્શન અંગે પ્રવચનો કરતાં જૈન દર્શનમાં જે ઉદારતાની વૃત્તિ છે; એની જે અહિંસાની વિચારણા છે; એ કાયરનો નહિ પણ વીરનો ધર્મ છે; તે ખ્યાલ કુમારપાળે બરાબર ઉપસાવ્યો છે; કદાચ એ જગત-નાગરિકની કોટિએ પહોંચ્યા છે. નિર્ગ્રંથ સ્થિતિને ભગવાન મહાવીરે બહુમૂલ્ય ગણાવી છે, આવી ગાંઠ વગરની નિર્ગ્રંથવૃત્તિ કુમારપાળમાં સાચા પ્રમાણમાં જોવા મળે છે. એવી વીરની નિર્ગ્રંથવૃત્તિ એમનામાં વિકસતી રહી ધર્મના તત્ત્વનું સર્વ ધર્મ સમભાવનું એ બરાબર આકલન કરે; એ શતાયુ બને, નિરામય રહે, સપરિવાર કુશળ રહે, એમનાં માન-સન્માન થતાં રહે, એ ઝિલાતાં રહે, એનાં સાંભળનાર મતાંધતાથી મુક્ત થતાં રહે, એમનાં સંપાદન-સર્જન-વિવેચન દ્વારા માનવતા એ પ્રબોધતા રહે અને જે માન-સન્માન; ઇનામ-અકરામ-ખિતાબ એમને પ્રાપ્ત થયાં છે તેમાં અનેકગણો વધારો થાય, ને કુમારપાળના મુખ પરનું સ્મિત, એમનું સૌજન્ય એવાં ને એવાં અકબંધ રહે; ગુજરાત-ભારત તેમનાં પ્રદાનથી ગૌરવાન્વિત બને તેવી શુભકામનાઓ.
તખ્તસિંહ પરમાર
અધ્યાપક, વિવેચક, સંપાદક અને અનુવાદક.