મિત્ર પન્નાલાલનો સવારે ફોન આવ્યો. કહેઃ ‘તમારા અમિતાભ આજે સવારે અમદાવાદથી આવ્યા છે, સાંજે અન્નમેળ કરીશું ?‘
અને મનમેળવાળા અમે સાંજે ચોપાટી-બિરલામાં મળીએ અને અન્નમેળ કરીએ. હા, મારા એ અમિતાભ. આ બંને અમિતાભ વચ્ચે ઘણું સામ્ય, શરીરની ઊંચાઈ સિવાય. અમિતાભ જાતજાતના, અભિનય કરે અને દરેક પાત્રમાં સાંગોપાંગ ઊતરી રસાનંદ કરાવે. એમ અમારા આ કુમારપાળ સાહિત્યનાં અનેક ખેડાણો પૂર્ણતાપૂર્વક ખેડે અને સર કરે. બાળસાહિત્ય, નિબંધ, ચિંતન, સંપાદન, વિવેચન, સંશોધન, જીવનચરિત્ર, પત્રકારત્વ, વાર્તા, અનુવાદ અને અંગ્રેજીમાં પણ સર્જન ! રમતગમત અને ક્રિકેટમાં તો ઑલરાઉન્ડર ! અઢાર વર્ષની ઉંમરથી નિયમિત કૉલમિસ્ટ અને ૧૯૭૦થી શરૂ થયેલી ‘ઈંટ અને ઇમારત’ તો આજે પિરામિડ બની ગઈ !
અમારા આ સવાઈ અમિતાભનો પ્રથમ લેખ ‘ઝગમગ'માં છપાયો ત્યારે કોને ખબર કે આ લેખના લેખક આટલા બધા ઝળહળશે અને ઝગમગશે ! આ બંને અમિતાભ ઊડાઊડ કરે.... !! આ બે અમિતાભમાં બીજું એક વિરલ સામ્ય ! બંનેના પિતા પ્રસિદ્ધ સાહિત્યકાર, સ્વભાવમાં બંને મિતભાષી, ઉત્તરમાં થોડું સ્મિત આપી દે !! અને વર્તનમાં નખશિખ આભિજાત્ય !
જ્ઞાનની વાત કહું તો, આપણા આ સવાઈ અમિતાભ સાથે આપણા સંત અમિતાભજી યાદ આવી જાય ! સંતજી તો યાત્રાના શિખર ઉપર બિરાજે છે અને આપણા આ અમિતાભ એ જ યાત્રાના યાત્રી ! ઍવૉર્ડ અને માન-ચાંદની બાબતમાં પણ અમારા અમિતાભ સવાઈ જ, અમારા સવાઈ પાસે ‘પદ્મશ્રી’ છે.
અને સમજદારીમાં અમારા આ સવાઈ વધુ સમજદાર. એ કાંઈ કોઈ મિત્રતાની લાગણીમાં આવીને જ્યાં-ત્યાં ન ઝંપલાવી દે, કે ગણતરી કર્યા વગરની મહત્ત્વાકાંક્ષા સેવીને મુશ્કેલીઓનો પહાડ પોતાના માથે ન ખડકી નાખે ! એવું કર્યું હોત તો આપણા આ અમિતાભને પણ ‘ખજૂરાદર્શન'નો પૂરો ચાન્સ હતો, તો વળી લાલબત્તીવાળી ગાડીમાં ફરતા થઈ જાત અને..... જવા દો... આપણા આ અમિતાભ એમ જલદી ‘ખજૂર’ ખાવાની ઉતાવળ ના કરે, એ તો ‘સાચા રાહ'ની રાહ જોવામાં માને ! કાળને ઓળખે તે જ્ઞાની ! कालौ तस्म्य नमः । એટલે આપણા આ સવાઈનું જીવન સંઘર્ષનું નહિ, સમજણનું જીવન ! સમજદાર તો એવા કે – અમારા ગુજરાતી સાહિત્ય જગતમાં એવું છે ને કે એક વખત ‘જૈન સાહિત્યકાર’નું લેબલ લાગે એટલે મૂર્ધન્ય સાહિત્યકારો એમને સાહિત્યકાર માને જ નહિ, પછી ભલે ને એમણે જીવનભર સાહિત્યનું સંશોધન કરીને લિપિઓ ઉકેલી હોય ! એટલે આપણા આ સવાઈએ સૌ પહેલાં ગુજરાતી સાહિત્ય પરિષદનું મંત્રીપદ ગજવામાં મૂક્યું અને પરિષદને પ્રાણવાન બનાવી. વડોદરામાં ગુજરાતી સાહિત્ય પરિષદમાં મેં એમને સઘન કાર્ય કરતા જોયા છે ! ગુજરાતની કૉલેજો અને ગુજરાત યુનિવર્સિટી અને ભાષાસાહિત્યભવનના ફેલો, લેક્ચરર, પ્રોફેસર, અધ્યક્ષ, ડીન અને પીએચ.ડી.ના માર્ગદર્શક આપણા ડૉ. કુમારપાળ દેસાઈ ! એટલે ‘જૈન સાહિત્યકાર'નું લેબલ લાગે એ પહેલાં ઘણાં લેબલો કારકિર્દીમાં વણી લીધાં ! અને હજુ કદાચ કોઈ કાંઈ ખસેડે એ પહેલાં તો ‘વિશ્વકોશ’નો વિરાટ હિમાલય એના ઉપર મૂકી દીધો ! આવી જાવ…
મારો એમનો પ્રથમ પરિચય ક્યારે થયો ? અમને બંનેને યાદ નથી. પૂ. કલ્યાણચંદ્રજી બાપાના સોનગઢ આશ્રમમાં થયો. જૈન સાહિત્ય સમારોહ યોજાયો, ત્યારે ત્યાં એમણે કહેલું કે પોતે નાના હતા ત્યારે પિતાશ્રી જયભિખ્ખુ સાથે ત્યાં આવે, ડેલા પાસે સાંજે પૂ. બાપા, પૂ. કારાણીસાહેબ અને પૂ. જયભિખ્ખુજી સાથે છાપા-વાંચન ચાલે ત્યારે વિદ્યાર્થીઓ વૉલીબૉલ રમે ત્યારે એમાં બધા સાથે એ પણ રમવા ભળે, ત્યારે હું પણ ત્યાં હતો. મને શી ખબર કે અડધી ચડ્ડીવાળા આ કુમારપાળ મોટા થઈને આવા ઝભ્ભા'વાળા થઈ જશે !! ખબર હોત તો ત્યારે જ હું ધબ્બો’ મારી દેત ને !
એ વખતે ગુજરાતી સાહિત્યકારોમાં શૈલીને કારણે પૂ. જયભિખ્ખુજીનું મને ગજબનું આકર્ષણ. જીવનને પ્રેરણા અને ચેતના આપે એવું એમનું સાહિત્ય. એમની નવલ ગીત-ગોવિંદ' તો મેં બે-ત્રણ વાર વાંચેલી ! જૈન સાહિત્યના મર્મજ્ઞ કૃષ્ણભક્તિને આટલી બધી આત્મસાત્ કરી શકે ? એ કૃતિને આકાર આપવાની મને ખૂબ ઇચ્છા થયેલી, હજુ છે, પણ.... એક વખત પરિવાર સાથે હું મહુડી ગયેલો. ગભારામાં શ્રી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શન કરવા ઊભો રહ્યો, બાજુમાં ધ્યાનસ્થ મુદ્રામાં કુમારપાળ ઊભા હતા. મેં એમના ધ્યાનમાં ખલેલ ન પહોંચાડી. થોડી વારે મેં આંખ ખોલી, તો એઓ ગાયબ ! પછી ઘણા શોધ્યા, ન મળ્યા, ન જડ્યા. પણ એ એમની ધ્યાનમુદ્રા મારા હૃદયમાં આજેય એટલી અકબંધ છે ! ચિત્રકાર હોઉં તો ચિત્ર દોરી બતાવું. એમની આવીધ્યાન’મુદ્રા – જુઓને આજે એમને કેટલી સિદ્ધિઓ પાસે લઈ આવી ! સાધના વગર સિદ્ધિ ન સંભવે !
અમારા આ સવાઈને સર્વપ્રથમ પરદેશનું આમંત્રણ મળ્યું, ત્યારે અમારા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ધોબી-તળાવ મુંબઈની ઠક્કર હોટલમાં એક નાનો જમણ-સમારોહ યોજાયો. ત્યારે પૂ. રમણભાઈએ આશીર્વાદ આપતાં કહ્યું હતું કે હવે કુમારપાળ દર વરસે પરદેશ જશે અને આપણી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપણને એમની ગેરહાજરી વરતાશે.' અને પૂ. રમણભાઈનાં એ વાક્યો પૂર્ણતઃ સાચાં પડ્યાં :હીરાને હાથમાં લેતાં જ ઝવેરી હીરાને પારખી જાય અને એની તેજયાત્રાની શ્રદ્ધા વ્યક્ત કરી દે.’
કુમારપાળ અને અમે નિયમિત જૈન સાહિત્ય સમારોહમાં મળીએ, વ્યસ્ત હોય તોય, એકાદ સવાર કે સાંજ ડોકિયું કરી જાય અને બધાંને એમના જ્ઞાનની પ્રસાદી આપી જાય.
આપણા આ સવાઈ સંબંધો જાળવણી'ના જ ઇસમ નથી, સંબંધોને બીજા માટેફાળવી’ દેનાર દિલદાર દોસ્ત પણ છે.
એમનું એક પુસ્તક મને અને મારાં પત્નીને ખૂબ ગમ્યું. ફોન ઉપર મેં વાત કરી અને બીજે અઠવાડિયે એ પુસ્તકની દશ નકલ મારા ઘરમાં ! એટલે એમને કાંઈ કહેવામાં પણ સંકોચ રાખવો પડે. સહેજ ઇચ્છા કરી અને પોતાના હૃદયના દરવાજા ખોલીને પ્રેમનું પૂર વહાવે.
મુંબઈમાં એક વખત અમારે કોઈ કામે એક દાનવીરને મળવા જવાનું થયું. એ પહેલાં મારા ઘેર અમે જમ્યા. મારાં પત્ની તો હોંશીલાં બની ગયાં. જમી લીધા પછી મારાં પત્ની કહે, કુમારપાળ લખે છે બહુ સારું', પણ ખાય છેઓછું’. મેં કહ્યું, જ્ઞાની માણસો મિતાહારી હોય ! પછી અમે એ શ્રેષ્ઠીને ત્યાં ગયા. બે કલાક એ શ્રેષ્ઠીવર્યની શિખામણો અને એમની યોજનાઓ અમારે સાંભળવી પડી. હું આકળ-વિકળ થાઉં, પણ આપણા આ સવાઈ તો સ્થિતપ્રજ્ઞ ! નીચે ઊતરી મેં કહ્યું, શું મળ્યું?' તો કહે. આપણે સારા શ્રોતાઓ છીએ એની પણ આપણે પ્રતીતિ કરાવવી જોઈએ ને !
હું કાર્ટૂનિસ્ટ નથી, હોઉં તો આપણા આ સવાઈનું ચિત્ર આવું દોરું : પગમાં બે સ્કેટિંગ બૂટ, બે હાથમાં બે પાંખો, બે બગલથેલા, એકમાં જૈન સાહિત્ય અને બીજામાં ગુજરાતી સાહિત્ય, ગળામાં ક્રિકેટનું બૅટ, સાફામાં વચ્ચે વિશ્વકોશ અને ઉપર એક પદ્મ, મોઢામાંથી ઝરતાં ફૂલ અને આંખોમાંથી વરસતો પ્રેમ.... પ્રેમ..... !! અને હૃદયમાંથી નીકળતી કલમ....
આ સવાઈની દીર્ઘ સમજ તો એવી કે દોઢેક દાયકા પહેલાં અમારાં ગીતાબહેને અખિલ ભારતીય જૈન પત્રકાર સંમેલન યોજવાનું સ્વપ્નું સેવ્યું. એમણે મહેનત કરી. દિલેરદિલી બીજા કુમારપાળ શાહે ધંધુકામાં ત્રણ દિવસ માટે બધાં – લગભગ સોએક જેટલા પત્રકારો માટે બાદશાહી સગવડ કરી, કુમારપાળ મને કહે,આ સંઘ શેત્રુંજય નહીં પહોંચે’, દ્વારકાની જગ્યાએ શેત્રુંજય શબ્દ વાપર્યો – બહેનની મહેનત બહેનને જ પીડશે.' અને બન્યું પણ એવું. બંધારણ અને કારોબારીની રચનામાં, ધબાય નમઃ –Two intelligence person never sit together’ – અને આ તો પાછા, બુદ્ધિશાળી કૉલમિસ્ટ અને કલમિસ્ટોનો શંભુમેળો ! બધા કટારલેખકો તો ખરા જ ! આ કટારલેખક શબ્દ કોણે શોધ્યો હશે ?
જવા દો એ બધી વાતો. આપણી સરકારની ટોચે બિરાજે છે કલામ'. કલમના કસબીને કમળ (પદ્મ) આપે એ કંઈ કમાલ નથી, પણ કર્તવ્યનિષ્ઠાની પૂરી કદર છે. આવોપદ્મ’ આપીને, આપણા આ સવાઈમાં પ્રગટેલી પદ્મ' અનેશ્વેત’ લેશ્યાનું આપણને દર્શન કરાવ્યું છે, એ આપણા માટે ઓચ્છવનો પ્રસંગ છે, પણ આપણા આ તો, અવધૂ આનંદઘનના અનુરાગી, એ હુજૂરને પામવાની તાલાવેલીવાળા; એમને હાજર સાથે શું લેવાદેવા ?
હવે એમનો હુજૂર એમનામાં હાજર થાય એ જ શુભેચ્છા ! ત્યારે સવાઈ અને કુમારપાળ બંનેનો છેદ ઊડી જશે. આપણા `આ’ એ પંથના જ પ્રવાસી છે ! ઋતુંભરા પ્રજ્ઞા ત્યાં બિરાજતી હશે.