આગવી પ્રતિભાની અમીટ છાપ

ડૉ. કુમારપાળ દેસાઈ એટલે સાહિત્ય, સંશોધન, શિક્ષણ, સેવા અને સૌજન્યનો અખંડ સ્રોત, શબ્દના સમ્રાટ અને સંસ્કારિતાના મહાસાગર.

અન્ય માટે લખેલા એમના જ શબ્દોમાં થોડા ફેરફાર સાથે કહી શકાય કે કુમારપાળ દેસાઈના સાહિત્ય અને સંસ્કારિતાના સંગમતીર્થ પાસે આપણે ઊભા રહીએ ત્યારે આપણી અંજલિમાં જે આવે છે તે શબ્દોની પાછળ રહેલી સાધના, સ્વાર્પણ, સૌહાર્દતા, નિસ્પૃહતા અને શુદ્ધ નિષ્ઠાભર્યાં વિચાર, વાણી અને વર્તનમાંથી ઝરતા ગાઢ અનુભવોનો માત્ર ચમકારો છે.

એમનું કાર્યક્ષેત્ર વિશાળ છે. વિવિધ ક્ષેત્રનું એમનું યોગદાન વિશિષ્ટ અને અગ્રેસર છે. આમાંના કોઈ પણ એક જ ક્ષેત્રનું કામ ગુજરાતની અર્વાચીન સંસ્કૃતિના નકશા પર એમની અમીટ છાપ આંકવા માટે પૂરતું છે. સાહિત્યસર્જન, સંશોધન, પત્રકારત્વ, શિક્ષણ, રમતનું મેદાન અને સેવાની વિવિધ પ્રવૃત્તિઓ એમની પરિધિમાં આવી જાય છે. આટલી વિવિધતાની વચ્ચે પણ એમના દરેક કાર્યમાં જૈન દર્શન અને જૈન ધર્મના આદર્શો પ્રત્યેના એમના પ્રેમની સૌરભ મહેકતી હોય છે.

આવા બહુમુખી પ્રતિભાશાળી કુમારપાળભાઈ દેસાઈની લોકચાહના પણ અપ્રતિમ છે. પરગજુ સ્વભાવ એમને માતા-પિતા પાસેથી વારસામાં મળેલો છે. કોઈ પણ કામ હોય, તેઓ હંમેશાં મદદ કરવા માટે તૈયાર હોય જ. યુનિવર્સિટી, ગુજરાતી વિશ્વકોશ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી તેમજ સાહિત્યિક, ધાર્મિક, સામાજિક, પ્રવચન, પ્રવાસ કે પુસ્તક-પ્રકાશન જેવી અનેક પ્રવૃત્તિઓ એમને પૂરો સમય વ્યસ્ત રાખતા હોવા છતાં, ૧૦૦ ટકા સમર્પિત થઈને કામ પાર પાડી આપવું એ એમની વિશેષતા છે. મારા સદ્ભાગ્યથી, એમણે આવા સુખદ અનુભવ મને વારંવાર કરાવ્યા છે.

શ્રી કુમારપાળભાઈ દેસાઈને એ વાત હંમેશાં મૂંઝવતી રહી છે કે આબાલવૃદ્ધ સહુને રસ પડે તેવું ભગવાન મહાવીરનું અત્યંત પ્રેરક, રોમાંચક અને માર્ગદર્શક, ચિત્રમય પુસ્તક આપણી પાસે કેમ નથી ? આજ સુધી કોઈએ બહાર ન પાડ્યું હોય તેવું, ભગવાન મહાવીર વિશે અનુપમ અને અદ્વિતીય પુસ્તકના લેખન અને પ્રકાશનની એમની ઘણા સમયથી અંતરની ઇચ્છા હતી. ભગવાન મહાવીરના જીવન અને સંદેશને સચિત્ર રૂપે, આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વરૂપ આપીને અંગ્રેજી વાચકો સમક્ષ રજૂ કરવાનું એમનું સ્વપ્ન હતું, જે એમના પુસ્તક Tirthankara Mahavira રૂપે ૨૦૦૩ની સાલમાં સાકાર થયું. તીર્થસ્થાનોના સુંદર ફોટા, પ્રાચીન હસ્તપ્રતોમાંથી બહુરંગી પ્લેટ્સ તેમજ કલાત્મક અને આકર્ષક સજાવટથી Tirthankara Mahavira પુસ્તક અનેરી ભાત પાડે છે. ભાષાનું લાલિત્ય, રસ અને વિષયની માવજત, કાળજીભર્યું અને અધિકૃત સંશોધન, સુરુચિપૂર્ણ લે-આઉટ અને મુદ્રણ, અવતરણો અને કલાત્મક ચિત્રો, આકર્ષક ઉઠાવ અને બાંધણી, એમ દરેક રીતે કોઈ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના પુસ્તકની ટક્કર ઝીલે તેવું અદ્ભુત પુસ્તક Tirthankara Mahavira એમની અડધી સદીની સાહિત્યસેવાનું સર્વોચ્ચ શિખર છે અને સાથે-સાથે ભગવાન મહાવીર પ્રત્યેનાં એમનાં ભક્તિ, પ્રેમ અને સમર્પણનું ચરમબિંદુ છે.

આવી એમની મહાન કૃતિ (Magnum Opus) તૈયાર કરી રહ્યા હશે ત્યારે કુમારપાળભાઈ કેટલા વ્યસ્ત રહેતા હશે ! પોતાના કામમાં કેટલા ડૂબેલા રહેતા હશે !

એ દિવસોમાં હું એમના રોજના સંપર્કમાં હતો અને તેઓ કેટલા વ્યસ્ત હતા એ પણ હું જાણું છું. પૂ. જયંતમુનિજીપ્રેરિત અને વીરસ્તુતિ' પર આધારિતકહો, કેવા હતા પ્રભુ મહાવીર ?’ પુસ્તક માટે એમણે મને પૂરો સમય અને શક્તિ આપ્યાં છે.

જ્યારે મેં એ પુસ્તકની તૈયારી શરૂ કરી ત્યારે મને જરા પણ અણસાર ન હતો કે કુમારપાળભાઈએ Tirthankara Mahaviraની ભગીરથ તૈયારી શરૂ કરી દીધી છે, છતાં તેઓ વીરસ્તુતિ' પુસ્તક માટે મારી સાથે સતત સાત મહિના સુધી જોડાયેલા રહ્યા હતા.

જૈન એકૅડેમી, કોલકતાના ઉપક્રમે પૂ. જયંતમુનિજી પ્રેરિત જૈન સાહિત્યના પ્રકાશનમાં મને એમનો અપૂર્વ સાથ, સહકાર, પ્રેરણા અને માર્ગદર્શન મળતાં રહ્યાં છે. આવા વિવેચનાત્મક પુસ્તકના લેખન, સંપાદન અને પ્રકાશનમાં ઘણી જ સાવધાની અને ચીવટ રાખવી પડતી હોય છે અને તેની તૈયારીમાં છ મહિનાનો સમય થતો હોય છે. એ સમયે ઘણી જ ધીરજ અને વિશિષ્ટ માર્ગદર્શનની આવશ્યકતા હોય છે, જે કુમારપાળભાઈ સવાઈ જહેમત લઈને પૂરાં પાડે છે. વિષયની તલસ્પર્શી ચર્ચા અને સૂચનો ઉપરાંત, ટાઇટલ પેજની ડિઝાઇનથી લઈને પ્રકરણના લે-આઉટ સુધીના દરેક તબક્કે પૂરો રસ લઈને પ્રકાશનકાર્યમાં તેઓ ઓતપ્રોત થઈ જતા હોય છે.

જ્યારે જ્યારે હું કોઈ ચિંતા વ્યક્ત કરતો ત્યારે કુમારપાળભાઈ સૌમ્ય ભાવે, શાંતિથી, આછા સ્મિત સાથે એક જ ઉત્તર આપતા - બધું જ બરાબર ગોઠવાઈ જશે અને ખરેખર, એમણે બધું જ સમયસર અને વ્યવસ્થિત ગોઠવી આપ્યું.કહો, કેવા હતા પ્રભુ મહાવીર?’ પુસ્તકનું વિમોચન 11 ઑગસ્ટના રોજ થયું. જ્યારે એમના Tirthankar Mahaviraનું વિમોચન 4 દિવસ પછી 15 ઑગસ્ટના રોજ થયું !

પ્રાકૃત ભાષાના મહાપંડિત શ્રી બેચરભાઈ દોશીએ લખ્યું છે કે કુમારપાળ દેસાઈનો સંશોધનપ્રેમ અને સંશોધનપ્રવૃત્તિને ખંતથી વેગ આપવાની શક્તિ એમના પુસ્તકમાં ઝળકતી હોય છે. કુમારપાળભાઈના આ સંશોધનપ્રેમ અને ખંતને મેં પ્રત્યક્ષ જોયા છે અને તેનો મને લાભ પણ મળ્યો છે.

ગુજરાત વિશ્વકોશ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીની વિદેશમાં રહેલી મૂલ્યવાન જૈન હસ્તપ્રતોનો Project કુમારપાળભાઈ દેસાઈના આ સંશોધનપ્રેમ, ખંત, આત્મવિશ્વાસ અને કર્તવ્યપરાયણનાં ચરમબિંદુ છે. પૂરું જીવન ઓછું પડે એવી આ બંને વિશાળ યોજનાને એમણે વ્યવસ્થિત રૂપે કાર્યાન્વિત કરીને, વેગીલી ગતિ અને સુનિશ્ચિત દિશા આપી છે. 15 વર્ષથી ચાલતી વિશ્વકોશની યોજનામાં એમનું યોગદાન અગ્રેસરનું છે. જેમ આચાર્ય હેમચંદ્રાચાર્યની સિદ્ધહેમની રચના ગુજરાતી ભાષાની અનન્ય સિદ્ધિ છે. જેણે ગુજરાતી ભાષાને અપૂર્વ ગૌરવ આપ્યું અને ઊંચી અંબાડી પર બેસાડી, તે જ રીતે ગુજરાતી વિશ્વકોશની યોજના 800 વર્ષ પછી ગુજરાતી ભાષા અને ગુજરાતી અસ્મિતાને એવું જ ચિરસ્મરણીય ગૌરવવંતું સ્થાન આપતું મહાઅભિયાન છે.

વિશ્વકોશનું કાર્ય સમર્થ ભાષાપ્રેમીને પણ પૂરો સમય વ્યસ્ત રાખે તેટલું વિશાળ છે, ત્યારે એવું જ મહત્ત્વાકાંક્ષી કાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીના જૈન હસ્તપ્રતોના પ્રોજેક્ટનું છે, જેણે કુમારપાળભાઈના સંશોધનકાર્યની ક્ષિતિજને વિશ્વના છેડા સુધી લંબાવી દીધી છે. આ બને કાર્યક્રમો એમની અસીમ શક્તિ, ધગશ, સૂઝ અને બહુમુખી પ્રતિભાનું જ્વલંત ઉદાહરણ છે. તેથી પણ વિશેષ સર્વોચ્ચ લક્ષ્ય પર ટકી રહેવાની અને હાથ ધરેલા દરેક કાર્યમાં પ્રાણ રેડીને તેને શ્રેષ્ઠતાના શિખર પર સ્થાપવાની અને કંઈ પણ ઓછું ન સ્વીકારવાની એમની ટેકનો ઉત્કૃષ્ટ પરિચય છે.

જ્યારે કુમારપાળભાઈ દેસાઈની યાત્રા સફળતા અને શ્રેષ્ઠતાના શિખર તરફ આગળ વધી રહી છે ત્યારે એમની દૃષ્ટિ તો ધરતી તરફ જ હોય છે. શાણા અને વ્યાવહારિક લોકો જેને સફળતા કહે છે, એ જેમને હાથતાળી દઈને નાસી ગઈ હોય એવા અજાણ્યા પણ ઉમદા માનવવીરોને ખોળી કાઢવાની ગજબની કુનેહ કુમારપાળભાઈ ધરાવે છે. આવા અજાણ્યા અને અજ્ઞાત એકલવીરોમાં વીરચંદ રાઘવજી ગાંધીનું નામ મોખરે છે.

૧૮૯૩માં શિકાગોમાં વિશ્વધર્મ પરિષદ મળી હતી, ત્યારે સ્વામી વિવેકાનંદની જેમ વીરચંદ રાઘવજી ગાંધી પણ એ સભામાં ઉપસ્થિત હતા. જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે આ વિશ્વધર્મ પરિષદને તેમણે પોતાની વિદ્વત્તા, વિચારોની ઉદારતા, ગહનતા અને સૂક્ષ્મતાથી આંજી દીધી હતી. તેઓ અમેરિકા અને ઇંગ્લૅન્ડના અનેક વિદ્વાનોને મળ્યા અને તેમની પ્રશંસા મેળવી. માત્ર જૈન દર્શન પર જ નહીં, બલકે અન્ય ભારતીય દર્શનો પર વિદ્ધતાપૂર્ણ પ્રવચનો આપ્યાં. આ સમર્થ જૈન વિદ્વાનની એ સમયના જૈન સમાજે આજે કોઈ નોંધ ન લીધી, જ્યારે સ્વામી વિવેકાનંદના નામનો પૂરા વિશ્વમાં ડંકો વાગ્યો હતો. આ સમયે વીરચંદ રાઘવજી ગાંધીને સમર્થન આપવાને બદલે જૈન સમાજે તેમની ઉપેક્ષા કરી. જ્યારે કોલકતામાં મહિનાઓ સુધી રહીને, તેમણે જૈનોના પવિત્ર યાત્રાધામ સમેતશિખરમાં અંગ્રેજોએ નાખેલા ચરબીના કારખાનાને બંધ કરાવ્યું, ત્યારે જૈન સમાજે બદલામાં તેમને પરેશાન કર્યા. વીરચંદ રાઘવજી ગાંધીનું કરેલું બધું જ ભુલાઈ ગયું, ભૂંસાઈ ગયું. કુમારપાળભાઈએ તેમના કાર્યની મહત્તા જાણી, સમજી અને તેની કદર કરી.

એક સદી પહેલાં થઈ ગયેલા આવા અજ્ઞાત, અપરિચિત અને અપ્રશંસિત એકલવીરની પ્રતિષ્ઠા સ્થાપિત કરવા કુમારપાળભાઈએ કમર કસી. સમાજ મોડે-મોડે પણ પોતાના સમર્થ અને તેજસ્વી, પણ વીસરાયેલા વીરના હીરને ઓળખે એ માટે કુમારપાળભાઈના પ્રયત્નો સતત ચાલુ જ છે.

આવા ઉપેક્ષિત, અજ્ઞાત, ભૂતકાળમાં દટાયેલા અને ભુલાયેલા પાસેથી શું મળે ? તેમને પુનઃપ્રસ્થાપિત કરવામાં પોતાને માટે હાડમારી, પરેશાની અને ગાંઠના ગોપીચંદન સિવાય શું મળવાનું છે ? એ જાણતા હોવા છતાં વીરચંદ રાઘવજી ગાંધીના સન્માન માટે કુમારપાળભાઈ જેવા નિસ્પૃહી જ સમય અને શક્તિ વાપરે.

મધ્યકાલીન સંતોનું અઢળક સાહિત્ય હસ્તપ્રતોમાં સચવાયેલું છે. સંશોધનના કાર્ય દરમિયાન એમણે સેંકડો હસ્તપ્રતોનો અભ્યાસ કર્યો છે. મરમી સંત કવિ આનંદઘનજી પરના એમના સંશોધન વિશે પોતાનો અભિપ્રાય આપતાં પંડિત બેચરદાસ દોશી લખે છે કે એમની સંશોધનશક્તિ ઘણી ઊંડાણ સુધી પહોંચેલી છે. પરોક્ષ રૂપે રહેલા શ્રી આનંદઘનજીને આપણી સમક્ષ પ્રત્યક્ષ ખડા કરવા કુમારપાળભાઈએ કરેલો કઠોર પરિશ્રમ નજરે દેખાય છે.

કુમારપાળભાઈના નિકટના પરિચયમાં આવનાર દરેકનો અનુભવ છે કે એમણે મધ્યકાલીન સંત અને કવિઓના જીવન અને કવનનું ફક્ત સંશોધન નથી કર્યું, પણ તેમની આધ્યાત્મિક અનુભૂતિના રંગથી ખુદ રંગાઈ ગયા છે. મસ્ત યોગી આનંદઘનજીના ઉદ્ગાર અબ હમ અમર ભયે'ની ઝલક અને આંતરિક ખુમારી એમના પોતાના જીવનમાં પણ દેખાય છે.

એમની કારકિર્દીના મહત્ત્વના તબક્કે બનેલી એક ઘટના છે. જ્યારે વરિષ્ઠપદ પર નિમણૂક કરવાની હતી ત્યારે ડૉ. કુમારપાળભાઈ દેસાઈ દરેક રીતે એ પદ માટે યોગ્ય હતા, તેમજ બીજા દરેક ઉમેદવાર કરતાં શ્રેષ્ઠ હતા. એ પદ પર કુમારપાળભાઈની જ નિમણૂક થશે એવો બધાને વિશ્વાસ હતો. ત્યારે કોઈ અકળ કારણસર, છેવટની ઘડીએ એવી વ્યક્તિની નિમણૂક કરવામાં આવી કે જે કોઈ પણ માપદંડથી કુમારપાળભાઈની હરોળમાં આવી જ ન શકે. એમના મિત્રો અને ચાહકો આ ઘોર અન્યાયથી સ્તબ્ધ થઈ ગયા. કુમારપાળભાઈ સ્વયં થોડી વાર માટે વિચારમાં પડી ગયા.

કુમારપાળભાઈના મિત્રોએ કહ્યું કે અન્યાયનો પ્રતિકાર ન કરવો એ વધારે મોટો અન્યાય છે. દરેકનો એક જ મત હતો કે એમણે આ અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઈએ અને ચાલી રહેલી ગેરરીતિ અને પક્ષપાત તરફ જગતનું ધ્યાન દોરવું જોઈએ.

કુમારપાળભાઈને વર્તમાનપત્રો સાથે ઘણો જ ઘનિષ્ઠ સંબંધ છે.ગુજરાત સમાચાર’ના તંત્રીશ્રીએ સ્વયં રોષ ઠાલવ્યો અને તેમને કડક આલોચના કરતો લેખ લખવા કહ્યું.

એ ક્ષણે કુમારપાળભાઈ પોતાને થયેલા અન્યાયને પ્રગટ કરવા તૈયાર થઈ ગયા, પણ બીજી જ ક્ષણે એમની વિવેકબુદ્ધિએ એમને ઢંઢોળ્યા. અન્યાય સામે રજૂઆત તો થવી જ જોઈએ, પણ મનમાં પ્રશ્ન થયો કે આપણા દેશમાં અન્યાયનો ભોગ થનારની જે મોટી સંખ્યા છે તેમાંથી કેટલાને અખબારનો ટેકો મળે છે ?

આ એક વિચારથી કુમારપાળભાઈ અટકી ગયા. મનમાંથી બધો જ ખટકો એમણે ઝાપટીને દૂર કરી દીધો. આ છે એમના જીવનમાં ઊતરેલી આનંદઘનજીની ખુમારીની ઝલક અને એમની પોતાની ક્ષમાપનાની વિભાવના.
પછી તો વરિષ્ઠ અધિકારીએ સ્વયં એમની સમક્ષ ખેદ વ્યક્ત કર્યો અને ભૂલ સુધારી લીધી. કુમારપાળભાઈએ એ ઘડી સંભાળી લીધી અને વધારે ઊંચા માનવી પુરવાર થયા. આજે પદ અને પ્રતિષ્ઠા સ્વયં એમના ચરણે આવી રહ્યાં છે. એમની વિકાસયાત્રા આવા અનેક અનુભવોના ભાથા સાથે આગળ વધી રહી છે.

એમના સંશોધન અને રસના વિષય મધ્યકાલીન સાહિત્ય હોવા છતાં એમની દૃષ્ટિ અને અભિગમ હંમેશ અર્વાચીન, ઊર્ધ્વમુખી અને પ્રગતિશીલ રહ્યાં છે. ડ્યૂક ઑફ એડિનબરો પ્રિન્સ ફિલિપ હોય, નામદાર પોપ સાથે મુલાકાત હોય, કે યુનાઇટેડ નૅશન્સના ચૅપલમાં પ્રવચન હોય – દરેક સ્થળે કુમારપાળભાઈ પોતાની આગવી પ્રતિભાની અમીટ છાપ મૂકતા જાય છે.
કુમારપાળભાઈ મતમતાંતર, સાંપ્રદાયિકતા, સંકુચિતતા અને ગઠબંધનથી સદા દૂર રહ્યા છે. એમના કોઈ પણ પુસ્તક કે પ્રવચનોમાં કે અંગત વાતચીતમાં ક્યારેય પણ સંકુચિતતા કે સાંપ્રદાયિકતા દેખાતી નથી. એમના ચિંતનમાંથી હંમેશ વિચારોની વિશાળતા અને ઉદારતા ઊભરાતી હોય છે. એમના જીવનમાં કથની અને કરણીનો દુર્લભ અને વિરલ સુમેળ ઝળકતો હોય છે.

ગુજરાતી ભાષા, સાહિત્ય અને પત્રકારત્વમાં કુમારપાળભાઈનું નામ અગ્રેસર છે જ, સાથે સાથે જૈન સાહિત્યકાર, સંશોધક, વિદ્વાન અને ચિંતક તરીકે પણ એમનું સ્થાન ટોચનું છે. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી અને પંડિત દલસુખભાઈ માલવણિયાના પ્રત્યક્ષ આશીર્વાદ પામેલા કુમારપાળભાઈ ગૌરવવંતું સ્થાન શોભાવી રહ્યા છે. આ બંને મહાનુભાવોએ જૈન આગમ અને દર્શનના અભ્યાસને સાધુ-સાધ્વીજીઓના સ્વાધ્યાય ખંડથી આગળ વધારીને મહાવિઘાલય અને યુનિવર્સિટીના અભ્યાસખંડ સુધી વિસ્તાર્યા હતા. કુમારપાળભાઈએ આ વિષયોને વિદ્ધાનોની પરિધિમાંથી અને હસ્તપ્રતના ભંડારોમાંથી બહાર લાવીને લોકભોગ્ય બનાવ્યા અને જન-જનનાં હૈયાં સુધી પહોંચાડ્યા છે.

કુમારપાળભાઈએ તેમની મૃદુતા, ઋજુતા, નિસ્પૃહતા, સોહાર્દપૂર્ણ સૌમ્ય વાણી અને વર્તનથી વિદ્વાનો અને શ્રેષ્ઠીઓ, સાહિત્યકારો અને સાહિત્યરસિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કેળવણીકારો – એમ સમાજના દરેક સ્તરની ચાહના મેળવી છે. ચારેતરફથી હૂંફાળો આવકાર અને સદ્ભાવ મેળવવાનું વિરલ સૌભાગ્ય એમને પ્રાપ્ત થયું છે. ચંદ્રકો અને માનપત્રો સ્વતઃ એમની પાસે આવતાં રહ્યાં છે. આચાર્ય મહાપ્રજ્ઞજીએ કહ્યું છે કે કુમારપાળભાઈનું સન્માન કરવાથી સંસ્થાનું ગૌરવ વધે છે. ક્યારેક કોઈ સંસ્થા કોઈ અગમ્ય કારણો કે દબાણવશ ભૂલથાપ ખાઈ જાય તો કુમારપાળભાઈ સાહજિકતા અને સમભાવથી વાતને વિસારે પાડી દે છે. એમની પ્રસન્નતામાં કોઈ ઓટ આવતી નથી. સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો તેમના જીવનમાં પ્રતિક્ષણ પ્રતિબિંબિત થતાં રહે છે. ધર્મનાં તત્ત્વોને એમણે સાચા અર્થમાં જીવનમાં ઉતાર્યાં છે. ક્ષમાપના અને પ્રતિકમણ એમને માટે કોઈ પરંપરા કે રૂઢિગત ક્રિયાકાંડ નથી, પણ શ્વાસોચ્છ્ વાસ જેમ જીવનમાં અંતરંગ વણાયેલા છે. એમનાં વાણી અને વર્તનમાં સચ્ચાઈનો રણકાર છે. હૃદય કહે તેમ જ કરવું અને અંતરાત્માના અવાજને વાચા આપવી એમને માટે સહજ છે. એમની દૃષ્ટિએ સત્ય અને મૃદુતાના સંમિશ્રણમાંથી જ સાચી ક્ષમાપના જન્મે છે. કુમારપાળભાઈના વ્યક્તિત્વમાં જે નિસ્પૃહતા, સરળતા, પરિસ્થિતિનો સાહજિક સ્વીકાર ઇત્યાદિ ગુણો જોવા મળે છે તે એમની ક્ષમાપનાના આગવા અભિગમમાંથી વિકસ્યા છે અને આત્મસાત્‌ થયા છે.

આટલી બધી સિદ્ધિઓ પામતાં પહેલાં કુમારપાળભાઈએ કેટલાં અને કેવાં સ્વપ્ન જોયાં હશે ? જે સ્વપ્નને નક્કર અને વાસ્તવિક સ્વરૂપ આપતા હોય છે એમનું માનસપટ હંમેશ નિર્મળ, સરળ, સૌમ્ય અને શાંત હોય છે. ત્યાં બિનજરૂરી વિચારોનો કોલાહલ નથી હોતો. એટલે આશ્ચર્ય કહો કે વિસ્મય, કુમારપાળભાઈને ઊંઘમાં ક્યારે પણ કોઈ સ્વપ્ન આવતાં જ નથી ! એમનું દરેક સ્વપ્ન જાગ્રત અવસ્થામાંનું છે, વિચાર અને ચિંતનના મંથનમાંથી ઊભરી આવતા જીવંત અને તરવરતા ભવિષ્યનું નિર્માણ કરવા સર્જાયેલા ઊર્ધ્વગામી તરંગો છે એટલે જ એમનાં તમામ સ્વપ્નો સાકાર થાય છે.

કુમારપાળભાઈની વાત કરીએ ત્યારે પ્રતિમાબહેનને કેમ ભુલાય ? જે સૌમ્યતા અને પ્રસન્નતા કુમારપાળભાઈમાં ઝળકતી દેખાય છે તેવાં જ શાંતમૂર્તિ પ્રતિમાબહેન છે. તેમના સશક્ત ટેકાથી જ એમનાં સિદ્ધિનાં સોપાન સરળ થતાં ગયાં છે. આવા પરમ સ્નેહી, સંસ્કારમૂર્તિ, સુહૃદ કુમારપાળભાઈ દેસાઈને પદ્મશ્રી ઍવૉર્ડ એનાયત થયો, ત્યારે હૈયું હર્ષથી પુલકિત થઈ ગયું. પરગજુ, ઘરનું દિવેલ બાળી બીજાના ઘરમાં પ્રકાશ પાથરનાર, ભાંગ્યાના ભેરુ, મસ્ત કવિ આનંદઘનજીની જેમ સંકુચિતતાની દીવાલોને અને બાહ્ય અવરોધોને ફગાવી દઈને મુક્ત વિહાર કરનાર ડૉ. કુમારપાળભાઈ દેસાઈની ઊર્ધ્વગામી યાત્રામાં પદ્મશ્રીનો ઍવૉર્ડ એક વિશિષ્ટ સીમાચિહ્ન છે.

હર્ષદ દોશી

જૈન ઍકેડેમી, કોલકાતાના પૂર્વ પ્રમુખ, જૈન ગ્રંથોના લેખક-સંપાદક વ્યવસાયે એંજિનિયર.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑