નવોદિતોને ઉત્તેજન આપવામાં અગ્રેસર એવા જયભિખ્ખુ ભડભાદર હતા. માતા-પિતાના સદ્ગુણો સંતાનોમાં ઊતરે જ તેવું હંમેશાં બનતું નથી, પણ આ એક વિરલ ઘટના છે કે કુમારપાળમાં માતા-પિતાના સદ્ગુણો સોળે આની નહીં, પણ વીસે આની ઊતર્યા છે. જયાબહેન ખૂબ જ માયાળુ – પ્રેમાળ, વાત્સલ્યથી સભર અને આતિથ્યભાવથી ભરપૂર; તો બાલાભાઈ નિખાલસ, નિર્મળ અને સહૃદય સર્જક અને માણસભૂખ્યા. મિત્રમંડળ બહોળું – વૈવિધ્યભર્યું ઉપર કહ્યું છે તેમ. કુમારપાળ તેમનાં માતા-પિતાનો સંસ્કારવારસો માત્ર ઝીલીને અટક્યા નહીં, પરંતુ તેને વિસ્તાર્યો.
બાલાભાઈનું અવસાન થયું (૧૯૬૯) ત્યાં સુધી તો કુમારપાળનો પરિચય આછોપાતળો જ રહ્યો, કારણ કે તે સમય તેમનો અભ્યાસકાળ હતો. આ કિશોર પિતાના સંબંધો જાળવી રાખશે બલકે તેને વધુ આત્મીયતાથી વિસ્તારશે તેવી તો તે વખતે કલ્પના પણ નહીં કરેલી, પરંતુ આછા પરિચયમાં પણ એક ઘેરી છાપ માતા-પિતાના એક આજ્ઞાંકિત પુત્ર તરીકે તો પડેલી જ.
કુમારપાળનો પરિચય થતો ગયો ત્યારે મહદંશે તે સ્પૉર્ટ્સના વિષય પર જ લખતા. ‘ગુજરાત સમાચાર' જેવા પત્રમાં તેમના લેખનની – પ્રકાશનની શરૂઆત થવાથી તેમને કારકિર્દીના આરંભથી જ પ્રસિદ્ધિ મળવી શરૂ થઈ ગઈ. દરમિયાનમાં એમની કૉલેજ– યુનિવર્સિટીની કારકિર્દી પણ ઘણી જ તેજસ્વી હતી. કુમારપાળે ‘આનંદઘન’ ઉપર પીએચ.ડી. કર્યું હતું. તેમના સુંદર અક્ષરોમાં લખાયેલી સંશોધન-પ્રતને થોડાં આલેખનોથી મેં સુશોભિત કરી હતી. તે નિમિત્તથી નજીક આવવાના સંજોગો સાંપડતા ગયા.
બાલાભાઈના આકસ્મિક અવસાનથી એમના કુટુંબ પર વજ્રઘાત થયો. હજી તો યૌવનના – જીવનના ઉંબરે માંડ ડગ દીધાં ત્યાં કુટુંબની મોટી જવાબદારી આવી પડી. કૉલેજમાં નોકરીની તો શરૂઆત થઈ ગઈ હતી. કુમારપાળ માતા-પિતાનું એકમાત્ર સંતાન હતા. એટલે આમ જોઈએ તો કુટુંબ નાનકડું કહેવાય. ઘરનું ઘર તો હતું જ, આર્થિક મૂંઝવણ એ રીતે ન ગણાય – છતાં ગણાય એવી વાસ્તવિકતા હતી. કારણ કે, ઘેર એક જ દીકરો હોવા છતાં બાલાભાઈ – જયાબહેનના પિતરાઈઓ – કુટુંબીજનોનું બહોળું કુટુંબ. સ્નેહસંબંધો અને આવરોજાવરો પણ એવો કે ઘર સદાય ભરેલું હોય. અમદાવાદમાંથી ને દેશમાંથીય મહેમાનો આવે. રાતવાસો કરે, રહે, જમે એવા સંબંધો. મિત્રમંડળ પણ મોટું. આ રીતે કુમારપાળ પર માતાપિતાનું આ ‘રજવાડું’ ચલાવવાની જવાબદારી આવી પડી. સામાન્ય રીતે પિતાની વિદાય પછી વખત વીતતાં તેમના કૌટુંબિક સંબંધો – વહેવારો ઓછા થવા લાગે છે, પણ સંબંધો બાંધવાની, સાચવવાની, નિભાવવાની, આત્મીય કરવાની અને વિસ્તારવાની પિતાની કળા ગળથૂથીમાં સહજ રીતે કુમારપાળે પીધી હોય તેમ એ વારસો જાળવવાનો આયાસ કરવો પડ્યો હોય એવું ક્યારેય જાણ્યું નથી.
પિતાના અવસાનના આઘાતમાંથી મુક્ત થવાનાં પરિબળો વિશે હું ભલે ઝાઝું જાણતો ન હોઉં પણ એક વાત જે મારા મનમાં વસી છે તે આ છે. ‘ગુજરાત સમાચાર'ના તંત્રી શ્રી શાંતિલાલ શાહે –‘જયભિખ્ખુ’ના અવસાન બાદ તરત જ ‘ગુજરાત સમાચાર'માં પ્રગટ થતી ‘જયભિખ્ખુ’ની ખૂબ જ લોકપ્રિય કૉલમ ‘ઈંટ અને ઇમારત' સંભાળી લેવાની કુમારપાળને ઑફર કરી તે. મારા મતે તેમના જીવનમાં આ એક ખૂબ જ મહત્ત્વનો વળાંક હતો.
પિતાના સાહિત્યસર્જન-પત્રકારત્વનો વારસો જાળવવાની તેમને એક મહામૂલી તક સાંપડી અને સાથે એક મોટો પડકાર પણ. માધુર્યભરી – નજાકતભરી રમતિયાળ શૈલીના સ્વામી એવા મોટા ગજાના સાહિત્યકાર પિતાના પેંગડામાં નાનકડા પગ ગોઠવી – પિતાના જ આશીર્વાદથી તેને વિસ્તારવાની વિધાતાએ જાણે તક આપી ! આ દરમિયાન કુમારપાળે બાળસાહિત્યનું ખેડાણ કરવાનું તો શરૂ કરી જ દીધું હતું. તે જાળવવાની સાથે સાથે મોટેરાં માટેના સાહિત્યનું સર્જન કરવાની સરવાણી વહેવા લાગી. સાહિત્યકાર થવાની ક્ષમતાને ખાતર, પાણી ને સૂર્યપ્રકાશ મળ્યાં. તેમણે સાહિત્યના અનેક પ્રકારોમાં ખેડાણ કર્યું છે.
વ્યક્તિને ઘણી વાર ઊજળી તક સાંપડતી હોય છે. અનુકૂળ સંજોગો પણ પ્રાપ્ત થતા હોય છે, પરંતુ એ ફળદાયી ત્યારે જ થાય છે – જો તે વ્યક્તિમાં સચ્ચાઈનો, નિષ્ઠાનો, પુરુષાર્થનો, હિંમતનો અને મહત્ત્વાકાંક્ષાનો સરવાળો થતો હોય. કુમારપાળમાં આ પંચશીલ તો હતા જ, પરંતુ એ ઉપરાંત તેમની નખશિખ સજ્જનતા, સહૃદયતા, ઊંચી રુચિ, અન્યને ઉપયોગી થવાની વૃત્તિ અને વ્યવહારકુશળતાના બીજા ‘પંચશીલ’ જૂથનો પણ સરવાળો હતો.
કુમારપાળમાં ઘણી ક્ષમતા છે. જેનો – તેમની કારકિર્દીના આરંભે ભાગ્યે જ કોઈને અંદાજ હતો. અમદાવાદની નવગુજરાત કૉલેજમાંથી અધ્યાપનકાર્ય શરૂ કર્યું. તે દરમિયાન શિક્ષણજગતમાં પોતાની શક્તિઓનો પરિચય કરાવ્યો. ત્યાં શરૂ થયેલા મલ્ટિકોર્સ અને જર્નાલિઝમના અભ્યાસક્રમોમાં ઊંડો રસ લીધો. શિબિરો અને સેમિનારોનું આયોજન કર્યું. ત્યાંથી તેમની મજલ યુનિવર્સિટી સુધી પહોંચી. ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કરતાં કરતાં ત્યાં જ ‘રીડર', ગુજરાતી વિષયના હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ અને છેલ્લે ભાષાભવનના સર્વોચ્ચ પદ ડિરેક્ટર અને પછી આર્ટ્સ ફૅકલ્ટીના ડીન સુધી પહોંચ્યા.
કૉલેજમાં અધ્યાપકના પ્રાથમિક સ્થાનથી ડીનના સર્વોચ્ય સ્થાન સુધીની યાત્રા સીધી રેખામાં વહેતી સરળ અને ટૂંકી નથી. એ દીર્ઘ યાત્રામાં ક્રમાનુસાર દરેક પદને પામવામાં, તે ૫દ શોભાવીને તેને સર્વથા યોગ્ય બની રહેવામાં તેમણે નિષ્ઠા દાખવી છે અને ભારે પરિશ્રમ પણ કર્યો છે. આ સઘળું પ્રાપ્ત કરવામાં તેમણે આસપાસના સંબંધિત સૌ કોઈનો સદ્ભાવ પણ મેળવ્યો છે. યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય અને ‘ગુજરાત સમાચાર’માં કટારલેખનથી તેઓ સુકીર્તિત તો બની ચૂક્યા જ હતા, પરંતુ હજી બીજાં બે ક્ષેત્રો તેમની ક્ષમતામાંથી રસ-કસ ખેંચવા આતુર હતાં. તેમાંનું એક સાહિત્ય પરિષદ-સાહિત્ય અકાદમીનું ક્ષેત્ર અને બીજું જૈન ધર્મદર્શન-ચિંતન અને તેનો પ્રસાર.
શિક્ષણ, સાહિત્યલેખન અને પત્રકારત્વ ક્ષેત્રે તેમના અવિરત પ્રદાન ઉપરાંત તેમનામાં સુષુપ્ત એવી વહીવટી દક્ષતાને કામે લગાડવાનું હજી બાકી હતું. ૧૯૭૯માં તેઓ રઘુવીર ચૌધરી સાથે સાહિત્ય પરિષદમાં મંત્રી બન્યા. લગાતાર ત્રણ ટર્મ – પૂરાં છ વર્ષ સુધી મંત્રીપદ સંભાળી નમૂનેદાર કામગીરી કરી. એ દરમિયાન જ – એક જમાનામાં એચ. કે. કૉલેજના એક ખંડમાં ચાલતી ગુજરાતી સાહિત્ય પરિષદની ઑફિસ ખસીને સાબરને તીરે ભવ્ય ભવનમાં ગોઠવાઈ. ૧૯૦૫માં શરૂ થયેલી સાહિત્ય પરિષદને તેને શોભે તેવું સુંદર ભવન મળ્યું. તેમાં તત્કાલીન બંને મંત્રીઓનો સિંહફાળો હતો. આ માટે નાણાં-ધન મેળવવાં, તેને સુયોગ્ય વહીવટ કરી આવડી મોટી ઇમારત બાંધવી અને તે પણ નકારાત્મક વલણ ધરાવતા શુભેચ્છકો અને ઈર્ષાળુઓની ટીકા-ટિપ્પણનો સામનો કરી – તે કપરું કામ હતું. પણ તેમણે એ પાર પાડ્યું. પરિષદના મંત્રીપદ પછી કુમારપાળ ૧૯૯૮માં ગુજરાત રાજ્યની સાહિત્ય અકાદમીમાં ઉપપ્રમુખ થયા. તેમની ટર્મ દરમિયાન પ્રમુખ શ્રી ભોળાભાઈ સાથે રહી અનેક કાર્યક્રમો કરી અકાદમીને જાગતી કરી. અનેક પ્રકાશનો કર્યાં – ઇનામ-વિતરણના અને ગૌરવ-પુરસ્કારના જાહેર કાર્યક્રમો યોજી તેને જીવંત અને ગર્વીલા બનાવ્યા.
તેમની વહીવટી દક્ષતાનું એક મહત્ત્વનું સુફળ એટલે `ગુજરાતી વિશ્વકોશ’ ગ્રંથશ્રેણીનું પ્રકાશન. વિશ્વકોશના પ્રમુખ સંપાદક આદરણીય શ્રી ધીરુભાઈ ઠાકરના જમણા હાથ બની સંપાદનકાર્ય, પ્રોડક્શન, વેચાણ અને આ ઉપરાંત તેને માટે નાણાંની જોગવાઈ જેવાં કપરાં કાર્યો તેમણે અત્યંત કુશળતાપૂર્વક પાર પાડ્યાં છે – પાડી રહ્યા છે. તેમના જ પ્રયત્નોથી આ મહાઅભિયાન માટે જમીન-સંપાદનનું કામ થયું અને ઇમારતનું બાંધકામ પણ થઈ રહ્યું છે. સામાજિક-શિક્ષણ અને જ્ઞાન-સંપાદનક્ષેત્રે આ અભિયાન ગુજરાતની પ્રજા માટે ઉપકારક બની રહેશે તેમાં શંકા નથી.
પિતા જયભિખ્ખુ સાહિત્યકાર હોવા સાથે ધર્મમાં પણ ઊંડો રસ ધરાવતા હતા. એમના સાહિત્યમાં ધર્મ-અધ્યાત્મનો સ્પર્શ રહેલો. તેમનું અધૂરું કાર્ય પૂરું કરવાનું કામ પણ તેમણે આગળ ચલાવ્યું. ધર્મવિષયક લેખનની સાથે-સાથે પ્રવચનો કરતા થયા. અને તે સરવાણી ગુજરાતમાં, દેશમાં અને ત્યાંથી વિસ્તરી પરદેશોમાં વસતા ગુજરાતીઓ સુધી ફેલાઈ. વર્ષો પહેલાંથી પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે તેમનું નામ અગાઉથી નક્કી થઈ જતું હોય છે. એમનો પાસપૉર્ટ વિદેશપ્રધાનના પાસપૉર્ટ જેટલો સિક્કે – મઢ્યો હશે ! સુંદર, ભાવનાપ્રધાન અને અસરકારક શૈલીમાં પ્રવચનો કરીને તેઓ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી શકે છે. આ ઉપરાંત સાહિત્ય, સંસ્કૃતિ કે સામાજિક ક્ષેત્રે પણ પ્રવચન આપવા તેમણે ખૂબ પ્રવાસો કરેલા છે. તેમને સાહિત્ય-સંસ્કૃતિ-સામાજિક અને અધ્યાત્મક્ષેત્રે અનેક ઍવૉર્ડો પ્રાપ્ત થયા છે. વિવિધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા રહેવાને કારણે તેમના સંબંધો અદના માણસોથી માંડીને ઉચ્ચ પદવીધરો, શ્રેષ્ઠીઓ અને સમાજના અગ્રણીઓ સાથે વિકસ્યા છે. અમદાવાદ-ગુજરાતમાં કુમારપાળ દેસાઈ એક સુપરિચિત નામ છે.
આટલા વિવિધ મોરચા સફળતાપૂર્વક સંભાળનાર – છતાં ચહેરા પર ક્યારેય તનાવ ન દેખાય તેવા કુમારપાળની ક્ષમતા અને શક્તિ ઘણા માટે એક આશ્ચર્યસમાન છે. સાદગી, વિવેક, નમ્રતા અને નિખાલસતા તેમની અસ્કામતો છે. બહારી દુનિયામાં તેમની પ્રગટ આ શક્તિઓ, સફળતા અને સિદ્ધિનાં મજબૂત મૂળિયાં ચંદ્રનગર ખાતેના તેમના નિવાસમાં છે – જ્યાં તેમની બહિર્ગત અને અંતર્ગત એવી સકલ ક્ષણોના સાક્ષી અને સાથી પ્રતિમાબહેનનો ઊર્જાસ્રોત તેમને શક્તિમય અને તેજોમય રાખે છે.
રજની વ્યાસ
ચિત્રકાર, લેખક, સંપાદક અને પત્રકાર.