પ્રેમભીની મૈત્રી

લોક ક્યારેક પૂછે છે – તમે કુમારપાળ દેસાઈને ઓળખો છો ખરા ? તમારે તેમની સાથે પરિચય ખરો ?

અને ત્યારે મારે, આટલાં વર્ષો સુધી ગુજરાતીના અધ્યાપક રહ્યા છતાંય, સાર્થ ગુજરાતી જોડણીકોશમાં ઓળખાણ કે પરિચય શબ્દનો અર્થ જોવા બેસવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે.

હા, કુમારપાળ સાથે પરિચય છે, એક અજબનો પરિચય. આમ તો વયભેદ હોવા છતાંય કુમારપાળ આત્મીય બની ગયા છે, આત્મીય સ્વજન અને સંનિષ્ઠ મિત્ર. મૂળ તો પરિચય સદ્ગત ‘શ્રી જયભિખ્ખુ' સાથે – આકાશવાણીને કારણે અને શારદા સોસાયટીમાં નિવાસ રહ્યો ત્યારેય પરિચય તો એમની સાથે જ, પણ પછી કુમારપાળ સાથે સંનિષ્ઠ મૈત્રીનો તંતુ ક્યારે જોડાયો તેનું લગીરે સ્મરણ નથી. માત્ર તેની મૈત્રીનો ભારોભાર – જબરદસ્ત અનુભવ જ માણ્યો છે.

કદાચ, અમારી અધ્યાપકીય કારકિર્દી તેમાં નિમિત્ત બની હશે. જે હો તે, પણ કુમારપાળે મૈત્રીનો હાથ સતત લંબાવ્યે જ રાખ્યો છે. પ્રેમનું ઝરણું સતત વહે છે તે મૈત્રીમાં સ્મિતનાં રત્નો તો ખર્યાં જ કરે છે.

ફોનમાંય તે પ્રેમ અને સ્મિત તો વહેતાં જ હોય. અમારી મૈત્રી વિશિષ્ટ છે, સદાયની ટેલિફોનિક મૈત્રી. કશુંય કામ ન હોય તોય એ ફોન કરે, ખબર-અંતર પૂછે અને પછી પ્રવૃત્તિઓની વાતો વહેવા દે. મારું પણ એવું જ. ગમે ત્યારે એમનું સ્મરણ જાગે ને ફોન. ફોન પર સાંપ્રત સાહિત્યની-પરિસ્થિતિઓની વાતચીત, અંગત નૈકટ્ય અને નિરાંતે મળવાના વાયદા, પરંતુ વાયદા પાળવા કરતાંય વાયદા આપવાનો જ અમને બંનેને આનંદ. એ જ આનંદ ! અમારી મૈત્રીનો પણ છે. એ આજે અતિ પ્રવૃત્ત છે – વ્યસ્ત છે. હું હતો. આજે નિવૃત્તિ સમયે મને સમય છે, થાક છે તોપણ અમારી આ ટેલિફોનિક મૈત્રી સતત અમને નિરાંતે મળવા દે છે, અમે નિરાંતે મળીએ જ છીએ.

આટલાં વર્ષોના સંબંધો. મળીએ, ન મળીએ તોય એમણે સતત, નિઃસ્વાર્થ પ્રેમ અને લાગણી વરસાવ્યાં છે. સતત મારો જ ખ્યાલ રાખ્યો છે ! કયા પ્રસંગોનું સ્મરણ કરું?

એક પ્રસંગ યાદ આવે છે. યુનિવર્સિટીની પરીક્ષામાં અમે પરીક્ષકો હતા. હું અધ્યક્ષ હતો. સહુ પરીક્ષકો સાથે પ્રશ્નપત્રો તો કાઢ્યાં, પણ કોઈ કારણસર એક પ્રશ્નપત્રની પરીક્ષા ફરી લેવાનો ! નિર્ણય લેવાયો. અન્ય પરીક્ષકો પરગામ હતા. મેં કુમારપાળને ફોન કર્યો,‘આપણે ફરી પ્રશ્નપત્ર કાઢવાનું છે ? શું કરીશું ?’

તમારે કશું જ નહીં કરવાનું. હું પ્રશ્નપત્ર કાઢીશ. તમને બતાવી જઈશ. ફેરફાર કરવો હોય તો ઠીક. નહિતર કરજો માત્ર સહી. તમારે સહી કરવાની. 'હું હોઉં પછી તમારે વળી મહેનત કરવાની હોય ?' કેવી લાગણી ! કેવો પ્રેમ ! ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ ત્યારે અમે બંને પ્રથમ પાંચ વર્ષમાં તેના સભ્યો હતા. ત્યારે, પુસ્તકાલયોને પુસ્તકો ખરીદવા અંગે આર્થિક સહાય આપવાની પેટાસમિતિમાં અમારી નિયુક્તિ થઈ. હું શહેરની કૉલેજમાં આચાર્ય અને એ યુનિવર્સિટીમાં. એકાએક એમનો ફોન આવ્યો. પહેલાં તો સંબંધના શબ્દો. પછી કહે, ‘મેં વ્યવસ્થા કરી છે, આપણે ગાંધીનગર નથી જવાનું. તમારી કૉલેજમાં જ મિટિંગ. હસુભાઈ યાજ્ઞિક સાથે વાત થઈ ગઈ છે.’

કૉલેજમાં મિટિંગ ગોઠવાઈ. બધું જ વ્યવસ્થિત કરીને એ લાવેલા. આવ્યા, બેઠા, કહે, 'હું, હોઉં ત્યારે તમારે ચિંતા કરવાની હોય ? હું તો સાથે ચા પીવા આવ્યો છું. બધું જ ગોઠવાઈ ગયું છે. સહી જ કરવાની છે તમારે.'

મેં જોયું. અકાદમીની સૂચના પ્રમાણે, તેના નિયમો પ્રમાણે બધું નક્કી કરીને એ આવ્યા હતા. મેં સહી કરી ત્યારે કહે,‘સરકારે સાથે ચા પીવાનો મોકો આપ્યો એ જ આપણી ધન્યતા.’ ને પાછું પેલું સ્મિત.

છેલ્લી અકાદમીમાં એ ઉપાધ્યક્ષ. એક વાર, ફોનમાં વાત કંઈ ‘શબ્દસૃષ્ટિ'ની નીકળી. મેં એમને જણાવ્યું કે પ્રથમ અંકથી મળતું ‘શબ્દસૃષ્ટિ’ કોઈ કારણસર મળતું નથી.

હોય નહિ. તમને નથી મળતું ? મળશે. 'વ્યવસ્થા થઈ જશે.' આજ સુધી તે મને મળતું જ રહ્યું છે. મારે શું કહેવાનું ? પરિચય-ઓળખાણ અને સંબંધની વ્યાખ્યા ક્યાં શોધવાની ?

ગુજરાતના ભૂકંપ સમયે સામો ફોન કરીને સાહિત્યકાર મિત્રોના અને પરિસ્થિતિઓના સમાચાર મને આપવાનું કર્તવ્ય પણ એ ચૂક્યા નહોતા.

મને ૭૫મું વર્ષ બેઠું. અમે ક્યાંક મળી ગયા. સાથે મારો દીકરો હતો. દીકરાના બાળકાવ્યસંગ્રહ વિશે વાત કરી, ત્યારે વિમોચન પ્રસંગે ન આવી શક્યાની દિલગીરી વ્યક્ત કરી અને દીકરાની સર્જનપ્રક્રિયા વિશે માહિતી ન આપ્યાનો રોષ પણ ઠાલવ્યો. ત્યાં જ દીકરાએ ૭૫મા વર્ષની વાત કરી.

‘તો તો ઊજવવાનું જ.’ એમના શબ્દો.

પપ્પા ના પાડે છે.' દીકરાનો ઉત્તર.

‘એ તો ના પાડે, તું તારીખ જ નક્કી કર.’

પંચોતેરમું પૂરું તો થવા દો.' મેં કહ્યું.

‘બેઠું તે જ મહત્ત્વનું છે’, મને કહ્યું અને દીકરાને કહે, ‘હું પપ્પા વિશે બોલીશ.'

બોલ્યા પણ ખરા. પ્રેમભીની મૈત્રી અને મૈત્રીપ્રેમના શબ્દો વહાવ્યા.

આજે પણ એ જ મૈત્રી – ટેલિફોનિક મૈત્રી ચાલુ જ છે.

કુમારપાળ સાહિત્યકાર, અધ્યાપક, ડીન, ભાષાભવનના અધ્યક્ષ આદિ ઘણું છે પણ અમારી મૈત્રી વચ્ચે આ કશું આવતું નથી. અમારા બંનેનું વ્યક્તિત્વ એ જ અમારો સંબંધસેતુ. ‘પદ્મશ્રી’ મળ્યાના અભિનંદનનો ફોન કર્યો, ત્યારે પણ એ જ સ્મિતનો રણકો. ‘ક્યારે મળીએ ? કાર લઈને આવું ?’ એ પ્રશ્ન અને મારું મૌન – એક શ્રદ્ધા સાથે કે આ બધી જ વ્યસ્તતાને ઓળંગી દઈને અમે નિરાંતે મળીશું.

રવીન્દ્ર ઠાકોર

પ્રાધ્યાપક, નવલકથાકાર, વાર્તાકાર અને અનુવાદક.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑