ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનના અધ્યક્ષ ડૉ. કુમારપાળ દેસાઈ, વિશ્વકોશના સહયોગી કુમારપાળ, ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ ઉપાધ્યક્ષ કુમારપાળ અને જૈન તત્ત્વચિંતનના આરાધક અને ઉપાસક કુમારપાળ એમની બહુમુખી પ્રતિભા માટે દેશ અને પરદેશમાં જાણીતા છે. કેટલાક મિત્રો તો એમને ‘વિશ્વપ્રવાસી' કહે છે. આજે અમદાવાદમાં જોવા મળતા કુમારપાળભાઈ બે દિવસ પછી તમને અમેરિકાના કોઈ સ્ટેટમાં જૈન તત્ત્વચિંતન વિશે પ્રવચન આપતા જોવા મળે. એમની વિશેષતા એ કે અમેરિકાના પ્રવાસે જાય, પ્રવચનો પૂરાં થતાં તરત ભારત આવીને પ્રવૃત્તિમાં ડૂબી જાય. આથી બીજી વ્યક્તિઓના પરદેશ-પ્રવાસ બે-ત્રણ મહિનાના હોય, જ્યારે કુમારપાળ પંદર દિવસમાં ભારત આવી જાય. ઘણી વાર તો વિમાનમાંથી ઊતરીને સીધા પ્રવચન-સ્થળે જાય છે.
તેઓ ખૂબ જ પ્રભાવક વક્તા તો છે, પરંતુ સાથે સાથે ઊંડા અભ્યાસી પણ છે. છેલ્લાં ચાળીસ વર્ષથી તેઓશ્રીએ પ્રેરક, મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક સાહિત્યસર્જન કરીને દેશ-વિદેશમાં ખૂબ જ ખ્યાતિ મેળવી છે. એમનાં પુસ્તકો ગુજરાતી ઉપરાંત હિંદી અને અંગ્રેજીમાં પણ પ્રગટ થયાં છે.
સાહિત્યસર્જનનો વારસો તો તેમને તેમના પિતાશ્રી ‘જયભિખ્ખુ’ પાસેથી મળ્યો હતો. તેઓશ્રી પણ એક સફળ અને યશસ્વી સર્જક હતા.
બાળપણથી જ કુમારપાળભાઈમાં ત્યાગ અને શૌર્યની વાતોનું આકર્ષણ હતું. કારણ કે તે શૂરા અને સંતોની ભૂમિ સૌરાષ્ટ્રની ધરતીના પનોતા પુત્ર છે. આ ઉપરાંત આ સાહસિક સર્જકને ‘કુરબાનીની કથા'ના સર્જક ઝવેરચંદ મેઘાણી, સાગરકથાઓના સર્જક ગુણવંતરાય આચાર્ય, ખ્યાતનામ વાર્તાકાર ‘ધૂમકેતુ’ અને કવિ દુલા કાગ જેવા સમર્થ સાહિત્યસ્વામીઓનું સાંનિધ્ય સાંપડ્યું અને આ પ્રેરણાબળે જ એમના સાહિત્યસર્જનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
બાળસાહિત્યક્ષેત્રે કુમારપાળભાઈનું પ્રદાન યશસ્વી અને નોંધપાત્ર રહેલું છે. એમના બાળસાહિત્યના સર્જનમાં એમની આગવી દૃષ્ટિનાં આપણને દર્શન થાય છે. ગુજરાતી બાળસાહિત્યને કાલ્પનિક પરીકથાને બદલે વાસ્તવિક જગત પર લાવનાર કુમારપાળ છે.
એમણે લખેલાં જીવનચરિત્રો પણ એટલાં જ આવકારણીય અને અભિનંદનીય બની રહ્યાં છે. પછી એ ‘વીર રામમૂર્તિ'ની કથા હોય,‘સી. કે. નાયડુ’ની કથા હોય કે ‘બાળકોના બુદ્ધિસાગરજી'ની કથા હોય, ગુજરાતી બાળસાહિત્યના વાચકો માટે તો તે પ્રેરણાસ્રોત બની રહ્યા છે, જે આજે પણ આપણાં બાળકો ખૂબ હોંશે હોંશે વાંચે છે. ચરિત્રસાહિત્યમાં એમનું એક વિશિષ્ટ સર્જન છે ‘અપંગનાં ઓજસ.’ આ પુસ્તક બ્રેઇલ લિપિમાં અને ‘અપાહિજ તન, અડિગ મન' હિંદીમાં પણ અનૂદિત થયું છે. એમના ચરિત્રસાહિત્યમાં અપાર વૈવિધ્ય છે. આજથી ૧૦૦ વર્ષ પૂર્વે આફ્રિકામાં જઈને આફ્રિકનોને ઉદ્યોગના અજવાળાનો પરિચય કરાવનારા પ્રેમચંદ વ્રજપાળ શાહનું ચરિત્ર ‘માનવતાની મહેંક’માં મળે, તો વર્તમાન સમયમાં શારીરિક-આર્થિક અને માનસિક વિટંબણાઓને પાર કરીને વિશાળ ઉદ્યોગનું સર્જન કરનારા યુ. એન. મહેતાનું ચરિત્ર ‘આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર'માં મળે છે. મહાત્મા ગાંધીજીના માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજીનું ‘મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર’ નામનું ચરિત્ર મળે છે, તો માત્ર છ ચોપડી ભણેલા પણ સરસ્વતીના કૃપાપ્રસાદને કારણે ૧૩૦ જેટલા ગ્રંથોના રચયિતા આચાર્ય બુદ્ધિસાગરજીનું ચરિત્ર મળે છે. ભગવાન મહાવીર વિશેનું એમનું ગુજરાતી-અંગ્રેજીમાં લખાયેલું પુસ્તક ‘તીર્થકર મહાવીર' આ વિષયના સર્વશ્રેષ્ઠ પુસ્તક તરીકે આંતરરાષ્ટ્રીય નામના પામ્યું છે.
વાર્તાસર્જનક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે અને આ વાતની પ્રતીતિ કરાવે છે એમનો વાર્તાસંગ્રહ ‘એકાંતે કોલાહલ.’ આ વાર્તાસંગ્રહ ગુજરાતી ભાષાના નોંધપાત્ર વાર્તાસંગ્રહોમાં સ્થાન પામ્યો છે.
તેઓશ્રી ભારતીય સંસ્કૃતિ, જૈન દર્શન અને જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી છે. તેમના અભ્યાસનિબંધો, ચિંતનલેખોનો એક મોટો વાચકવર્ગ છે. તેમના ચિંતનલેખોના સંગ્રહ ‘ઝાકળ-ભીનાં મોતી'(ત્રણ ભાગ), ‘મોતીની ખેતી’, ‘માનવતાની મહેક’, 'તૃષ્ણા અને તૃપ્તિ', ‘ક્ષમાપના’, 'શ્રદ્ધાંજલિ', ‘જીવનનું અમૃત’, ‘દુઃખની પાનખરમાં આનંદનો એક ટહુકો', ‘ઝાકળ બન્યું મોતી’ ખૂબ જ લોકભોગ્ય બન્યા છે.
અન્ય ભાષામાં પણ તેમનાં પુસ્તકોના અનુવાદ થયા છે. આ ગુજરાતી ભાષાનું ગૌરવ છે. ‘ગુજરાત સમાચાર' જેવા ખૂબ જ વંચાતા દૈનિકમાં સૌથી વધુ કૉલમ લખનાર લેખક તરીકે તેમનું નામ મોખરે છે. પત્રકારત્વક્ષેત્રના તેમના ખેડાણની વાત કરીએ તો ‘અખબારી લેખન’ વિશે તેમણે એક પુસ્તક લખ્યું છે તથા 'સાહિત્ય અને પત્રકારત્વ' નામના ગ્રંથનું તેમણે સંપાદન પણ કર્યું છે. પરદેશમાં જૈન ધર્મના તત્ત્વજ્ઞાન વિશેનાં એમનાં પ્રવચનો ખૂબ જ આવકાર પામ્યાં છે. અને એમની આ શક્તિને બિરદાવતાં ઇંગ્લૅન્ડની ચૌદ ભારતીય સંસ્થાઓએ મળીને એમને ‘હેમચંદ્રાચાર્ય’ પુરસ્કારથી નવાજ્યા પણ છે.
આ ઉપરાંત તેઓશ્રીને કૅલિફૉર્નિયાના જૈન સેન્ટર દ્વારા 'ગૌરવ પુરસ્કાર', ‘જૈન જ્યોતિર્ધર ઍવૉર્ડ’ તેમજ અમેરિકા અને કૅનેડાનાં તમામ કેન્દ્રોને આવરી લેતી ફેડરેશન ઑફ જૈન અમેરિકા ઍસોસિએશન ઑવ્ નૉર્થ’ (જૈના) દ્વારા અમેરિકા સિવાયના અન્ય દેશોમાં જૈન સાહિત્યમાં સંશોધન અને દર્શન અંગે અગત્યની કામગીરી કરનારને અપાતો પ્રેસિડેન્ટ ઍવૉર્ડ એનાયત થયેલ છે.
આમ અનેક પુસ્તકોના લેખક, અનેક ઍવૉર્ડના વિજેતા, રમત-ગમત ક્ષેત્રે જેમનું પત્રકારત્વ દાદ માગી લે તેવું છે, તેમજ જૈન ધર્મના ઊંડા અભ્યાસી, ચિંતક કુમારપાળભાઈને અંતરના ઉમળકાથી આવકારીએ અને પરમકૃપાળુ પરમાત્મા એમને દીર્ઘાયુ, સુખમય સ્વાસ્થ્ય અને વિધવિધ ક્ષેત્રે યશદાયી સફળતા બક્ષે તેવી પ્રભુપ્રાર્થના સાથે વિરમીએ.
યશવંત કડીકર
બાળસાહિત્યકાર, પત્રકાર, નવલકથાકાર અને સંપાદક.