પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ એક શીલભદ્ર સારસ્વત છે. પિતાશ્રી જયભિખ્ખુના ધર્મ, સાહિત્ય અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને તેમણે ઉજાળ્યો છે. એ સાહિત્ય, ધર્મ અને સંસ્કારને વરેલા છે. મેં હમણાં જ એક મિત્રના સંદર્ભમાં એમને કહ્યું હતું કે તે રંગદર્શી છે અને તમે શિષ્ટતાવાદી છો. કુમારપાળ શિષ્ટ અને મિષ્ટ સાહિત્યકાર અને સ્નેહીજન છે. એમણે રસ અને પુણ્યની પાળ કદી ઓળંગી નથી. એ જડ કરતાં જીવંત-ચેતનને અને જીવન કરતાંય જીવનમૂલ્યોને વિશેષ મહત્ત્વ આપતા માણસ છે. એ મૂલ્યનિષ્ઠ માણસ છે, મૂલ્યનિષ્ઠ અધ્યાપક છે, મૂલ્યનિષ્ઠ સાહિત્યકાર છે. એમણે વ્યાપક જીવનદર્શન અપનાવ્યું છે અને સઘળી મૂલ્યનિષ્ઠા જાળવી છે. સામાન્ય રીતે એ સંઘર્ષના માણસ નથી, સંવાદના માણસ છે. પણ જ્યાં સંઘર્ષ કરે છે ત્યાં મૂલ્ય માટે જ કરે છે. એમને ગમે-તેમ લખવાનું ફાવતું નથી. એ સદાય પ્રેરણાપ્રદ સાહિત્ય લખે છે. ‘ઈંટ અને ઇમારત'ના કે એમના અન્ય વિભાગોના લેખો દ્વારા એ સમાજને અને વિશેષતઃ નવી પેઢીને જીવનમૂલ્યોનો બોધ આપે છે. એમની એકેય વાત કે દૃષ્ટાંતકથા એવી નથી હોતી, જેમાંથી ધ્વનિ રૂપે કોઈ જીવનમૂલ્ય સ્ફુટ ન થાય.
કુમારપાળ એક સાંસ્કૃતિક વ્યક્તિ છે. મુખ્યત્વે ભારતીય સંસ્કૃતિ અને તેના જ અંશ એવા જૈન ધર્મદર્શનને પુરસ્કારીને ચાલે છે.‘અહિંસા પરમો ધર્મઃ’ એ એમનું જીવનસૂત્ર છે. અને અહિંસાને તે વ્યાપક પ્રેમધર્મ તરીકે વિસ્તારે છે. એમને આપણી સંસ્કૃતિનાં સત્યનિષ્ઠા, સૌંદર્યનિષ્ઠા, સમન્વયભાવના, મૂલ્યનિષ્ઠા, વિદ્યા, કલા, શીલ, સાહિત્ય, તત્ત્વજ્ઞાન વગેરે માટે ભારોભાર ગૌરવ છે. એ સાંસ્કૃતિક સમુદ્ધાર માટે લખે છે, એટલે સાંપ્રત જીવનમાં જ્યાં જ્યાં સંસ્કૃતિનો અને વ્યાપક માનવતાનો દ્રોહ થતો દેખાય છે, ત્યાં આપણા સાંસ્કૃતિક જીવનની સમીક્ષા કરે છે. ‘કેમ જીવવું ?'નો ઉત્તર એમના જીવન અને સાહિત્યમાંથી જડી રહે. એ ‘સાહિત્યને ખાતર સાહિત્ય’માં માનતા નથી. ‘કલાને ખાતર કલા' એ એમનું ધ્યેય જ નથી. ગાંધીજીએ કહ્યું હતું કે જીવન સૌ કલાથી અદકું છે. ઉત્તમ જીવી જાણે તે જ ઉત્તમ કલાકાર. કુમારપાળનો પુરુષાર્થ આ જીવનમાં મીમાંસક અને કલાકાર થવાનો છે.‘સાહિત્ય એટલે જીવનની સમીક્ષા’ એવી સમજ સાથે તે સાહિત્યનું સર્જન કરે છે. ટૉલ્સ્ટૉયની જેમ સાહિત્ય દ્વારા ભાવાત્મક ઐક્ય ઊભું કરવા માગે છે. એ સાંસ્કૃતિક હેતુપુરઃસર લખે છે, વ્યાખ્યાનો આપે છે અને દેશ-વિદેશમાં સાંસ્કૃતિક પરિવ્રાજક તરીકે વિચરે છે.
જૈન દર્શનના એ ઊંડા અભ્યાસી છે અને એ દ્વારા સમગ્ર આર્ય સંસ્કૃતિને તે વિશ્વમાં વિસ્તારે છે. એ જીવન-પ્રબોધક પરિવ્રાજક આચાર્ય છે. મોટે ભાગે એ જીવનનાં સનાતન મૂલ્યો માટે મથે છે અને તેને આધુનિક જીવનના સંદર્ભમાં પણ જાળવી રાખવા માગે છે. એ માનવતાના પ્રતિબદ્ધ સારસ્વત છે. એમના સાહિત્યમાંથી ભૂલેચૂકેય કોઈને ખોટો જીવનસંદેશ ન પહોંચે. એમની સાહિત્યછાબ પણ પત્રપુષ્પવાળી આ 'શ્રીમાળી તણી છાબ છે.'
એમનું સઘળું સાહિત્ય જીવનલક્ષી છે. બાળકોને પ્રેરણા આપે એવી સામગ્રી પીરસી છે. બાળક કેમ ‘ડાહ્યોડમરો’ થાય અને આ વતનનું રતન બની રહે, નાની ઉંમરે પણ મોટું કામ કરે અને નાના હૈયામાં પણ મોટી હિંમત લઈ આગળ વધે, સાચના સિપાહી બને એને માટે તેમણે પ્રેરણાત્મક વાર્તાઓ, પ્રસંગો, ચરિત્રો અને દૃષ્ટાંતકથાઓ આપ્યાં છે. નવશિક્ષિતોમાં 'માનવતાની મહેક' મહેકે એ માટે 'બિરાદરી’ ને ‘મોતીની ખેતી' જેવા પદાર્થપાઠ આપ્યા છે. 'અપંગનાં ઓજસ’ જેવાં પ્રેરણાપ્રદ ચરિત્રો આપ્યાં છે. ચિંતનાત્મક સાહિત્ય પણ સારું એવું સર્જ્યું છે. કેમ કરીને ‘ઝાકળ'મોતી” બને તેની ચિંતા સેવી છે, ને ચિંતન કર્યું છે. એમણે એકાંતે કોલાહલ'ની વાર્તાઓ લખી છે એ પણ મહદંશે જીવનલક્ષી જ છે. જીવન અને ઉજ્જ્વળ જીવનને બાજુ પર મૂકીને એમણે 'કક્કાનો ક’ પણ માંડ્યો નથી.
હા, કુમારપાળનું અધઝાઝેરું સાહિત્ય જીવનલક્ષી છે, પણ એ સાવ લલિતેતર નથી. એમાં ભારોભાર લાલિત્ય છે. રસ ન પડે એવું તો તે કંઈ લખતા જ નથી. એ ખરું કે તે કવિતા, નાટક કે નવલકથાના સર્જક નથી. એ અર્થમાં તેમને રસાત્મક અને કલાત્મક સાહિત્યના સર્જક ન કહી શકાય. એ કવિ નથી, નાટ્યકાર નથી, નવલકથાકાર નથી. જ્યભિખ્ખુનો એક સમર્થ નવલકથાકાર અને નાટ્યકાર તરીકેનો વારસો એમણે આત્મસાત્ કર્યો નથી. જયભિખ્ખુની કથાસૃષ્ટિ અને સર્જનાત્મક ગદ્યથી એ દૂર જ રહ્યા છે. ‘બાપ તેવા બેટા' એ સર્વાંશે તો ન જ હોય ને ! પણ જયભિખ્ખુએ નહોતી કરી તે ક્રિકેટ-સમીક્ષા અને સાહિત્ય-સંશોધન-વિવેચન કુમારપાળે કર્યાં છે. કવિતા તો બાપ-દીકરાએ કોઈએ કરી નથી. હા, ક્યારેક કાવ્યાત્મક ગદ્ય આવે છે.
કુમારપાળે એક પ્રેમકાવ્ય કે ભજન પણ નથી લખ્યું, એ સાલે છે. પણ કદાચ એમને કવિતાવેડા પસંદ જ નહીં હોય. વ્યક્તિત્વ જ શિસ્તબદ્ધ વિદ્યાર્થી, અધ્યાપક અને સામાજિક માણસનું, તે એમને કવિતા, વાર્તા, નવલકથા, નાટકની દુનિયા સાથે કામ પાડવાનું ન ફાવે. એમણે મોટે ભાગે લલિતેતર સાહિત્યસ્વરૂપો સાથે કામ પાડ્યું છે, અને એમાં લાલિત્ય સંભર્યું છે. બાળ-પ્રૌઢ સાહિત્ય, ચરિત્ર, રેખાચિત્ર, ચિંતન વગેરેમાં સર્જનકલ્પ રસિકતા નિષ્પન્ન કરવી એ જેવું તેવું કામ નથી.
એમણે સંશોધન-વિવેચનક્ષેત્રે જે કામ કર્યું છે તે નોંધપાત્ર છે.‘આનંદઘન : એક અધ્યયન’ એ તો એમનો પીએચ.ડી.નો મહાનિબંધ. પણ એ ઉપરાંત પણ એમણે સંશોધનકાર્ય ચાલુ રાખ્યું છે. હમણાં એ વિદેશોમાં પડેલી ઢગલાબંધ ભારતીય હસ્તપ્રતોની યાદીનું ભગીરથકાર્ય કરી રહ્યા છે. અધ્યાપક અને તે પણ અભ્યાસી અધ્યાપક છે. એટલે તેમણે ‘શબ્દસંનિધિ', 'ભાવન-વિભાવન’ ને 'શબ્દસમીપ' જેવા વિવેચનસંગ્રહો આપ્યા છે, પણ એ સાહિત્યમીમાંસક કે મોટા ગજાના વિવેચક નથી. એમના પીએચ.ડી.ના ગુરુ ડૉ. ધીરુભાઈ ઠાકરને એ પૂરા અનુસર્યા નથી. કુમારપાળ સ્વભાવે જવિવેચક’ ઓછા છે. બાકી એમણે ઢગલાબંધ સાહિત્યિક વ્યાખ્યાનો આપ્યાં છે અને અન્ય વિષયક લોકભોગ્ય રસિક વ્યાખ્યાનોના તો લોકપ્રિય વક્તા છે.
હા, કુમારપાળ એક સારા વ્યાખ્યાતા છે. વર્ગમાં એ ઉત્તમ વ્યાખ્યાતા છે અને ખૂબ નિયમિત વ્યાખ્યાતા છે. એમનામાં ઊંચી કર્તવ્યનિષ્ઠા છે. એટલે કે અનેકવિધ પ્રવૃત્તિઓમાં ગળાબૂડ હોવા છતાં અધ્યાપક તરીકે કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવે છે. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને વિનયન વિદ્યાશાખાના ડીન થયા ત્યારે જ કહેતા હતા કે કંઈક સારું કામ કરવું છે ને કરી રહ્યા છે. ગુજરાતી વિશ્વકોશનું સાફલ્ય પણ એમની કર્તવ્યનિષ્ઠાને કારણે છે, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીની વિવિધ પ્રવૃત્તિઓના મૂળમાં કુમારપાળ પણ ખરા. ઉમાશંકર કહેતા હતા કે અમને આવા વિચારો જ નહોતા આવતા. એમની સંપાદન અંગેની અને સંસ્થા-સંચાલન અંગેની કામગીરી પણ નાનીસૂની નથી. જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ તો એ ચલાવે જ. અનેક ટ્રસ્ટોના એ ટ્રસ્ટી, મંત્રી અને હોદ્દેદાર. એ એક ટ્રસ્ટવર્ધી ટ્રસ્ટી છે, મહાજનની પરંપરાના માણસ છે.
કુમારપાળ પિતાશ્રી જયભિખ્ખુની ‘ઈંટ અને ઇમારત'ની કૉલમ તો ‘ગુજરાત સમાચાર’માં ઐતિહાસિક રીતે ચલાવી રહ્યા છે. એટલું જ નહિ, એ ‘ગુજરાત સમાચાર'માં સૌથી મોટા કૉલમિસ્ટ છે. છાપાં લેખકોને ખાઈ જાય છે કેટલીક વાર. પણ એમની લેખમાળાઓ પસ્તી થવાને બદલે લોકપ્રિય પુસ્તકો બને છે, એ એમની વિશેષતા છે. એમને પત્રકારત્વ સાથે સારું પનારું પડ્યું છે. એ લેખો તો લખે છે જ, યુનિવર્સિટીઓમાં પત્રકારત્વના અધ્યાપક પણ ખરા. ‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ'ના લેખક તરીકે વિશેષ ખ્યાતનામ છે. એમણે પત્રકારત્વમાં સાહિત્યતત્ત્વ ઉમેરીને એને વધુ સત્ત્વશીલ બનાવ્યું છે. એ એમના પત્રકારત્વનાં લખાણોને સાહિત્યિક સુવાસથી ચિરંજીવી બનાવે છે.
કુમારપાળ એ પ્રસન્ન મુદ્રાના સ્નેહીજન છે. કોણ જાણે કેમ, મારા પ્રત્યે એમને વિશેષ સ્નેહ-સદ્ભાવ છે. હું એમનાથી બહુ મોટો નથી, પણ એ મને આદરણીય ગણે છે. એમનો વિવેક પ્રશસ્ય છે. પ્રેમ નિખાલસ છે. એ આ બાબતમાં ‘અમદાવાદી’ નથી. ઘેર લઈ જઈને, આતિથ્ય કરે એવા સ્નેહપૂર્ણ યજમાન છે. પિતાશ્રી જયભિખ્ખુના દર્શને – મુલાકાતે અનેક વાર ગયેલો, ત્યારે એમની મહાનુભાવિતાથી અભિભૂત થયેલો. કુમારપાળમાં એવું જ સ્નેહાળ સૌજન્ય છે, ઔદાર્ય છે, ઔદાત્ય છે. મારી કૉલેજમાં આવે જ, વ્યાખ્યાન આપે અને પુસ્તક પણ ભેટ આપે. હમણાં અમે વિરમગામ કૉલેજના વાર્ષિકોત્સવમાં ગયા તો ત્યાં ઠક્કરબાપા છાત્રાલયમાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શિલ્ડ ભેટ આપ્યો ! જ્યાં જાય ત્યાં સાહિત્ય, ચિંતન ને વ્યક્તિત્વની સુવાસ મૂકતા આવે. એમના પ્રિય મિત્રો પણ કેટલા બધા ! વિરમગામમાં વિકલાંગ સાહિત્યરસિક ભાઈ પંકજને સામે ચાલીને મળવા ગયા. સૌજન્ય તો જાણે એમનો સ્વભાવ જ છે. ‘પરદુઃખે ઉપકાર કરે, તોયે મન અભિમાન ન આણે રે’ એવા એ વૈષ્ણવજન વીતરાગની દિશામાં પ્રગતિ કરી રહ્યા છે. અનાસક્તિપૂર્વક સાહિત્ય, ધર્મ, સંસ્કૃતિ, સમાજ વગેરેની સેવાનો કર્મયોગ કરી રહ્યા છે. અનાસક્ત છે એટલે ઍવૉર્ડ તો એમને શોધતા આવે છે. કેટકેટલાં ઍવૉર્ડો અને પારિતોષિકો તેઓ પામ્યા છે. સ્પર્ધાત્મક પારિતોષિક મળે અને ગૌરવ પુરસ્કાર પણ મળે. તેઓ ‘જૈન જ્યોતિર્ધર' છે, 'ગુજરાત રત્ન’ છે. એમને ‘જૈન રત્ન'નો ઍવૉર્ડ માનનીય વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના હસ્તે ૨૦૦૨માં અપાયો હતો. ૨૦૦૪ના પ્રજાસત્તાક દિને ભારત સરકારે એમનું ‘પદ્મશ્રી’ ઍવૉર્ડની ઘોષણાથી સન્માન કર્યું, અને માનનીય રાષ્ટ્રપતિશ્રીના હસ્તે તેનું અર્પણ કરવામાં આવ્યું. ગુજરાતમાં પૂ, કે. કા. શાસ્ત્રી પછી કુમારપાળ આ ક્ષેત્રની સેવા બદલ પદ્મશ્રી બને છે તે ગુજરાતના સાહિત્યકારો ને સારસ્વતો માટે ગૌરવપ્રદ ઘટના છે. ડૉ. કુમારપાળને આ બહુમાન બદલ હાર્દિક અભિનંદન !
બહેચરભાઈ પટેલ
પૂર્વઆચાર્ય, નવલકથાકાર, ચરિત્રકાર અને સંશોધક.