મિત્ર, દાર્શનિક તથા માર્ગદર્શક

કુમારપાળ દેસાઈ એક બહુમુખી પ્રતિભા છે. કર્તવ્યનિષ્ઠ પ્રાધ્યાપક, વિનમ્ર તત્ત્વચિંતક તથા લબ્ધપ્રતિષ્ઠિત લેખક કુમારપાળભાઈએ સાહિત્યક્ષેત્રે પોતાના પિતાશ્રી જયભિખ્ખુનો વારસો ઉજાળ્યો છે. ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે ખભા મિલાવી ગુજરાતી વિશ્વકોશના નિર્માણનું ભગીરથ કાર્ય તેમની કારકિર્દીની યશસ્વી કલગી છે. વળી વિશ્વના ખૂણે ખૂણે ભારતીય સંસ્કૃતિ તથા જૈન ધર્મ અને દર્શનના પ્રસાર માટે તેમણે જે પુરુષાર્થ કર્યો છે તે સ્વામી વિવેકાનંદ તથા શ્રી વીરચંદ રાઘવજી ગાંધીના સમકક્ષ ગણી શકાય તેમ છે. અનેકવિધ પ્રવૃત્તિઓમાં રત રહેવા છતાંય તેઓ સંવેદનાપૂર્વક માનવકલ્યાણની પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે યોગદાન કરી રહ્યા છે.

મારું સદ્ભાગ્ય છે કે મને જૈન દાર્શનિકો તથા વિદ્વાનોનો પરિચય કરવાની તક સાંપડેલી છે. બાલ્યાવસ્થાથી પરમ પૂજ્ય ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ તથા પૂજ્ય ગુરુદેવ સંતબાલજીના વાત્સલ્યને હું પામ્યો હતો. વર્તમાનમાં અમિયાપુર (કોબા) સ્થિત તપોવન સંસ્કારપીઠના સલાહકાર તરીકે હું પૂજ્ય પં. ચંદ્રશેખર મહારાજના સંતસમાગમનો લાભ મેળવી શક્યો છું. પૂ. પિતાશ્રીને લીધે વિદ્યાર્થીકાળમાં પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી તથા પં. બેચરદાસ દોશીના પરિચયમાં આવ્યો હતો. ૧૯૮૦માં જૈન જાગૃતિ સેન્ટર – નવરંગપુરાના ઉપક્રમે અમે જૈન તત્ત્વવિચાર પરિષદ યોજી, ત્યારે ડૉ. કુમારપાળ દેસાઈના નિકટના પરિચયમાં તો આવ્યો, પરંતુ સાથે સાથે તેમના સહયોગથી પં. દલસુખભાઈ માલવણિયા, શ્રી રતિલાલ દી. દેસાઈ, પૂ. આત્માનંદજી, શ્રી રમણભાઈ ચી. શાહ વગેરે વિદ્વાનોનો પણ પરિચય થવા પામ્યો. આ પરિષદના આયોજનમાં ડૉ. કુમારપાળે મને સક્રિય સાથ અને સહકાર આપ્યો હતો.

જૈન જાગૃતિ સેન્ટર – નવરંગપુરામાંથી મુક્ત થઈ અમે ૧૮ સપ્ટેમ્બર ૧૯૮૩ના રોજ જૈન જાગૃતિ સેન્ટર, કર્ણાવતીની સ્થાપના કરી. ડૉ. કુમારપાળ દેસાઈએ દીપ પ્રગટાવી નવા સેન્ટરનો મંગળ પ્રારંભ કર્યો હતો. ૩૧ માર્ચ, ૧૯૮૫ના રોજ આ સેન્ટરે ટાગોર મેમોરિયલ થિયેટરમાં અમદાવાદના ૧૪ જૈન જ્યોતિર્ધરોનું જાહેર અભિવાદન કર્યું હતું. ડૉ. કુમારપાળ દેસાઈ આ પૈકી એક જ્યોતિર્ધર હતા. આ કાર્યક્રમ માટે તેમણે અત્યંત ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. મારા પ્રત્યેના સ્નેહ તથા સદ્ભાવને કારણે જૈન જાગૃતિ સેન્ટર – કર્ણાવતીના નીચે દર્શાવેલા કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લઈ તેમણે વિદ્વત્તાપૂર્ણ વક્તવ્યો આપ્યાં હતાં :

૧. જુલાઈ ૧૯૮૬ : પરિસંવાદ : ‘ધર્મ વિશ્વશાંતિ લાવી શકશે ?'

ર. માર્ચ ૧૯૯૧ : વિચારગોષ્ઠિ : ‘મારા જીવનઘડતરમાં જૈન ધર્મનો પ્રભાવ’

૩. જુલાઈ ૧૯૯૫ : ‘પ્રશ્નોત્તરી આધારિત ચર્ચા – જૈનોની સળગતી સમસ્યાઓ.'

તદુપરાંત ૧૯૯૬થી ૨૦૦૧ દરમિયાન પ્રતિવર્ષ ચૈત્ર સુદ ૧૩ એટલે કે ભગવાન મહાવીર જન્મકલ્યાણક નિમિત્તે તેમણે જૈન જાગૃતિ સેન્ટર, કર્ણાવતી તથા વિદ્યાવિકાસ ટ્રસ્ટના ઉપક્રમે જે જાહેર પ્રવચનો આપ્યાં હતાં તે ખૂબ જ લોકપ્રિય સાબિત થયાં હતાં. આ પૈકી બે કાર્યક્રમોમાં ઠાકોરભાઈ દેસાઈ હૉલમાં ડૉ. કુમારપાળ દેસાઈના ગદ્ય તથા શ્રી સૌમિલ મુનશીના પદ્યની અલૌકિક જુગલબંધીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પવિત્ર દિવસે અખિલ ભારતીય જૈન મહામંડળ પણ મહાવીર જન્મકલ્યાણકનો કાર્યક્રમ યોજતું હતું. શ્રી કુમારપાળભાઈ અમારા કાર્યક્રમને પૂર્ણ કરીને ત્યાં વક્તવ્ય આપવા જતા હતા.

શિક્ષણ, સાહિત્યસર્જન, વિશ્વકોશનિર્માણ તથા પ્રકાશન તેમજ ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો પ્રસાર ડૉ. કુમારપાળભાઈનાં જીવન તથા કાર્યનાં બહુ જાણીતાં પાસાં છે, પરંતુ એક ઓછું જાણીતું પાસું છે સમાજસેવા. ડૉ. કુમારપાળભાઈ અને હું વિવિધ ઉદ્દેશો તથા કાર્યક્ષેત્ર ધરાવતા ચાર પબ્લિક ચૅરિટેબલ ટ્રસ્ટોના ટ્રસ્ટીઓ તરીકે વર્ષોથી સાથે કામ કરી રહ્યા છીએ.

મહાવીર માનવ-કલ્યાણ કેન્દ્ર કુદરતી તથા માનવસર્જિત આપત્તિઓ સમયે સહાય કરવા સ્થપાયેલ સંસ્થા છે. આ કેન્દ્ર અસાધ્ય અને કષ્ટસાધ્ય રોગોની સારવાર માટે પણ મદદ કરવાનું કાર્ય કરે છે. શ્રી ચંપકલાલ ચુનીલાલ શાહ કલ્યાણ કેન્દ્ર નાના પાયા પર ધંધો તથા વ્યવસાય કરવા માટે વગર વ્યાજની લોન આપી આર્થિક સ્વાવલંબનના પથ પર જવા માટે પ્રેરે છે.

સુલભ હાર્ટ અૅન્ડ હેલ્થકેર ફાઉન્ડેશન પણ અસાધ્ય તથા કષ્ટદાયક રોગોની સારવાર માટે નાણાકીય સહાય આપવાની કામગીરી બજાવી રહેલ છે. ફાઉન્ડેશને છેલ્લા દાયકામાં ગુજરાત અને વિશેષ કરીને અમદાવાદની જનતા માટે વિના મૂલ્યે સર્વરોગ નિદાન, બે વખત હાર્ટ સર્જરી નિદાન, ઘૂંટણ તથા થાપાની સર્જરી માટે નિદાન, યુરોલૉજી તથા નેફ્રોલૉજી, જયપુર ફૂટ તથા બે વખત પ્રભા ફૂટ એન્ડ લિમ્બ કૅમ્પો સફળતાપૂર્વક યોજેલ છે. વળી ફાઉન્ડેશને કૅમ્પના લાભાર્થીઓને તબીબોએ સૂચવેલી સારવાર કે સર્જરી માટે નાણાકીય સહાય આપવાની જે કામગીરી કરેલ છે તે ફાઉન્ડેશનની વિશેષતા છે. આમાં ટ્રસ્ટી તરીકે કુમારપાળભાઈની સેવા મળી રહી છે.

૧૯૯૧માં હું એચ. એલ. કૉમર્સ કૉલેજના આચાર્યપદેથી નિવૃત્ત થયો ત્યારે ઠાકોરભાઈ દેસાઈ હૉલમાં મારો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ડૉ. કુમારપાળભાઈ પ્રેરક હતા. તેમણે મારા મિત્રો, સાથીઓ તથા શુભેચ્છકો સાથે અનેક મિટિંગો યોજી સમગ્ર કાર્યક્રમને ઓપ આપ્યો હતો. આ નિમિત્તે તેમણે પહેલ કરી. શ્રી અનિલભાઈ બકેરી તથા શ્રી ધીરજલાલ સી. શાહ વગેરેના સહયોગથી વિદ્યાવિકાસ ટ્રસ્ટની રચના થઈ. વિદ્યા એ કુમારપાળભાઈ તથા મારી પ્રિય પ્રવૃત્તિ છે. આ ટ્રસ્ટ કૉલેજના વિદ્યાર્થીઓ તથા યુનિવર્સિટીના સ્નાતકો માટે અંગ્રેજી ભાષા તથા કૉમ્યુનિકેશનના તાલીમવર્ગો યોજે છે તથા પ્રતિવર્ષ એક લબ્ધપ્રતિષ્ઠ શિક્ષણવિદ્‌નેસારસ્વત ગૌરવ ઍવૉર્ડ’ અર્પણ કરે છે. છેલ્લા દાયકામાં ડૉ. આઈ. જી. પટેલ, પ્રો. પી. સી. વૈદ્ય. સ્વ. ડૉ. ઉષાબહેન મહેતા, સ્વ. પ્રો. સી. એન. પટેલ, પ્રો. ધીરુભાઈ ઠાકર, પ્રો. ભીખુ પારેખ તથા પ્રો. ભોળાભાઈ પટેલને આ ઍવૉર્ડ અર્પણ કરવામાં આવેલ છે.

મારા આત્મચરિત્ર ‘પ્રતીતિ અને પ્રતિબિંબ'નાં લેખન, પ્રકાશન તથા લોકાર્પણના પ્રત્યેક તબક્કે શ્રી કુમારપાળભાઈએ મને જે માર્ગદર્શન તથા સહકાર આપ્યાં છે તે હું કદીય વીસરી શકીશ નહિ. આ પુસ્તક માટે તેમણે જ ભાવવાહી પ્રસ્તાવના લખી છે. લોકાર્પણનો કાર્યક્રમ એમના જ પ્રમુખપદે ૧ ફેબ્રુઆરી, ૨૦૦૩ના રોજ અમદાવાદ મૅનેજમેન્ટ ઍસોસિયેશનના સભાખંડમાં યોજવામાં આવ્યો હતો અને તે ખૂબ સફળ રહ્યો હતો.

મારા જીવનમાં કેટલીક કટોકટીની પળોએ ડૉ. કુમારપાળભાઈ મિત્ર તથા માર્ગદર્શક સ્વરૂપે મારી પડખે ઊભા રહ્યા છે. મને કમરના દુઃખાવાની તકલીફ શરૂ થઈ ત્યારે તેઓ મને ખેડા પાસે પલાણા સારવાર અર્થે લઈ ગયા હતા. તેવી જ રીતે મને ઢીંચણના ઓસ્ટિયોઆર્થરાઇટીસની પીડા થઈ ત્યારે શેલ્બી હૉસ્પિટલમાં ડૉ. વિક્રમભાઈ શાહ પાસે સર્જરી કરાવવા માટે પ્રેરણા આપનાર મિત્રોમાં તે એક હતા.

મારા જીવનમાં ડૉ. કુમારપાળભાઈ એક સાચા મિત્ર, દાર્શનિક તથા માર્ગદર્શક (friend philosophar and guide) તરીકે છવાઈ ગયેલ છે. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૪ના રોજ જ્યારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપવાની જાહેરાત થઈ ત્યારે મેં ખૂબ પ્રસન્નતા અનુભવી. મને ઋણ અદા કરવાની એક અનેરી તક સાંપડી. જૈન જાગૃતિ સેન્ટર, કર્ણાવતી તથા તેને સંલગ્ન ચાર ચૅરિટેબલ ટ્રસ્ટોના ઉપક્રમે અમે ૧૫ ફેબ્રુઆરી ૨૦૦૪ના રોજ ડૉ. કુમારપાળ દેસાઈના જાહેર અભિવાદનનો સમારોહ યોજ્યો. અમદાવાદ શહેરના અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રદ્ધેય શ્રી આત્માનંદજી, શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, ડૉ. ચંદ્રકાંત મહેતા તથા મેં શ્રી કુમારપાળભાઈની સિદ્ધિઓને બિરદાવી હતી. આ સમારોહ પણ ખૂબ સફળ રહ્યો હતો.

ડૉ. કુમારપાળભાઈ સફળતાનાં ઉન્નત શિખરો સર કરતા રહે તે અભ્યર્થના.

રજનીકાંત એલ. સંઘવી

એચ. એલ. કૉમર્સ કૉલેજના પૂર્વ આચાર્યશ્રી, સંસ્થાઓના સ્થાપક, અર્થશાસ્ત્રના તજ્જ્ઞ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑