ઉપનિષદમાં કહ્યું છે, ‘मातृवान्, पितृवान, आचार्यवान् पुरुषो वेद’ અર્થાત્ માતૃવાન, પિતૃવાન અને આચાર્યવાન પુરુષને જ્ઞાન થાય છે. માબાપ તો બધાને જ હોય છે, પણ ઉપનિષદ દૃષ્ટિસંપન્ન માબાપની વાત કરે છે.' દૃષ્ટિશૂન્ય માબાપ માટે સુભાષિતકાર કહે છે :
माता शत्रु पिता वैरी येन बालो न पाठितः । न शोभते सभामध्ये हंसमध्ये बको यथा ।।
અર્થાત્જે પોતાના સંતાનને યોગ્ય શિક્ષા અને દીક્ષા આપતા નથી તે માતા શત્રુ અને પિતા એના વેરી છે. એમનું સંતાન હંસોમાં બગલાની માફક વિદ્વદ્સભામાં શોભતું નથી.’
રામાયણમાં કહ્યું છે કે, જો બાળક ઉન્મત્ત થાય તો એ માતાનો દોષ ગણાય અને જો મૂરખ થાય તો એ પિતાની ખામી ગણાય. ભાઈશ્રી કુમારપાળની વિનમ્રતા અને માતાની દેન છે તો એમની વિદ્વત્તા એ પિતાનો વારસો છે. વિત્તનો વારસો આપનારાં માતાપિતા વિરલ હોય છે. કવિએ યોગ્ય જ કહ્યું છે :
કોઈના પિતા બંગલા આપેકોઈના ખેતરવાડી,કોઈના મોટી મિલ મૂકી જાયકોઈના મોટરગાડી,કોઈના ધીકતો ધંધો મૂકેકોઈના બૅંકમાં ખાતું,તમે પિતા મને હૃદય આપ્યું,રાત ને દિવસ ગાતું ।
જીવનનું ગીત-સંગીત કે લય આપી જનારાં માબાપ ભાગ્યશાળીને સાંપડે છે. જીવનનો લય જેને સાંપડ્યો હોય તે ઝૂંપડીમાં પણ મસ્ત રહે છે અને લય ન પામેલો માણસ મહેલમાં પણ ત્રસ્ત હોય છે :
મહેલના ખ્વાબ ઘણા ભડકે બળે છે જગે,કુટિયા કો' ઘાસ તણી હસતી મેં જોઈ છે;એક રંગ કંકુ ને એક રંગ લોહી છે,ભૂલ કેમ ખાઉં ? કહો, દુનિયા મેં જોઈ છે !
ગળામાં દસ તોલાની સોનાની ચેઇન હોય અને મન બેચેન હોય એનો શો અર્થ ? પિતાશ્રીની આ મૂલ્યનિષ્ઠા કુમારપાળે આત્મસાત્ કરી છે અને તેથી જ એમનાં વિચાર, વાણી અને વર્તન એક અનોખું પરિણામ સાધે છે.
મનુભગવાન મનુસ્મૃતિમાં કહે છે :
लालयेत् पंचवर्षाणि दशवर्षाणि ताड्येत् । प्राप्ते तुं षोडषे वर्षे पुत्रं मित्रवदाचरेत् ।।
અર્થાત્,પાંચ વર્ષ લાલન (માતાના ખોળામાં – સાંનિધ્યમાં) પછી દશ વર્ષ પાલન (શિસ્ત અને સંયમ પિતાના સાંનિધ્યમાં) પામેલું બાળક સોળમે વર્ષે પુખ્ત બની જાય છે અર્થાત્ મિત્રની કક્ષાએ પહોંચી જાય છે.’ સોળ વર્ષનું સંતાન એક અંગત મિત્રની જેમ સલાહ-સૂચન આપવા જેટલું સક્ષમ બની જાય છે.
કુમારપાળના જીવનઘડતરમાં માતાપિતાનો ફાળો બહુમૂલ્ય છે. પિતા પાસેથી કલમનો કસબ સાંપડ્યો તો માતાએ કાવ્યામૃતની કરુણાથી ભીતરી સંવેદનાને સંકોરી. પુત્રનાં લક્ષણ પારણામાંથી' એ ન્યાયે અગિયાર વર્ષની કુમળી વયે એમણે લેખનકાર્યના શ્રીગણેશ કર્યા. પિતા તરફથી વારસામાં મળેલાં ખમીર અને ખુમારીને એમણે અધિક ઉજ્જ્વલ કરી બતાવ્યાં.
લખવા ખાતર લખવું અને પ્રેરણાદાયી લખવું, એમાં જમીન-આસમાનનો ફરક છે. એમના વાઙ્ મયવૈપુલ્યની જોડે સદા એક વિશિષ્ટ દૃષ્ટિ રહેલી છે. મરીઝ લખે છે :
પરિશ્રમ, જાગરણ સાહિત્યનો કાનૂન માગે છે, બીજા શબ્દોમાં કહીએ તો જિગરનું ખૂન માગે છે; નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી, નથી આકાશ ભીંજાતું કદી વાદળનાં પાણીથી !
વાદળથી ઉપર પણ એક નિરભ્ર અને નિર્મળ આકાશ હોય છે તે રીતે સુખદુઃખનાં વાદળિયાં જૈને સ્પર્શી શકતાં નથી એવું હૃદયાકાશ જૈની પાસે હોય તે નિર્ભેળ અને નિર્મળ સાહિત્ય સર્જી શકે. સાહિત્યસર્જનમાં કેવળ ચાતુર્ય નહિ, ચારિયનો પણ મહિમા છે. એમના વાઙ્ મયની માફક એમનાં વ્યાખ્યાનો પણ હૃદયસ્પર્શી અને ચિરપરિણામી હોય છે. તપશ્ચર્યાના પીઠબળ વગરનાં વિચાર કે વાણી બહુ અસરકારી બનતાં નથી.
તપસ્વી વાણી તો જીવન તણો આધાર માગે છે, નહીં તો શબ્દો મોટા-મોટા કેવળ ભાર લાગે છે!
કુમારપાળ ભારતીય સંસ્કૃતિ, જૈનદર્શન અને જૈનસાહિત્યના અભ્યાસી છે. આનંદઘનનાં જીવન અને કવન પર પીએચ.ડી. કરનાર કુશળ અધ્યાપક ડૉ. કુમારપાળના હાથ નીચે સંશોધન કરીને પંદરેક અભ્યાસી છાત્રોએ પણ પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. સર્જન, વિવેચન, સંપાદન, અધ્યાપન બધે પહોંચી વળતી એમની બહુ-આયામી પ્રતિભા નીરખતાં કોઈને પણ સંતર્પક આનંદ થાય તેવું છે.જયભિખ્ખુ વ્યાખ્યાનમાળા” નિમિત્તે ત્રણ-ચાર વખત વ્યાખ્યાન આપવા જવાનું થયું ત્યારે એમનો નજીકથી થયેલો પરિચય સંતોષપ્રદ રહ્યો. એમની સરળતા, સહજતા, નિખાલસતા કોઈને પણ સ્પર્શી જાય તેવી છે.
એમના વક્તૃત્વને કર્તૃત્વનું પીઠબળ હોવાથી એમનામાં સહજ નેતૃત્વ પાંગર્યું છે. પોતે કામ કરે છે તેમજ બીજાઓ પાસે કામ લઈ પણ શકે છે. જૈનદર્શન ઉપરનાં લખાણો, વ્યાખ્યાનો અને વિદેશ પ્રવાસો દ્વારા એમણે જૈન ધર્મની અદ્ભુત સેવા કરી છે. સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની અનેક સંસ્થાઓમાં સક્રિય રીતે જોડાઈને એમણે સમાજમાં મૂલ્યસંવર્ધનનું અમૂલ્ય કામ કર્યું છે.
ખેલ સાથે સંકળાયેલા માણસ ખેલદિલ હોય એ ખૂબ જ સ્વાભાવિક છે. એમની વ્યાપક જીવનદૃષ્ટિ મહાવીરના અનેકાંતની નીપજ છે તો એમનું ઔદાર્ય, દિલની વિશાળતા ખેલનું પ્રદાન છે.
कुलं पवित्रं जननी कृतार्था, वसुंधरा पुण्यवती च येन ।
કુળને પાવનતા, જનનીને કૃતાર્થતા અને મા વસુંધરાને પ્રસન્નતા બક્ષનાર – બહુરત્ના વસુંધરાનું આ રત્ન સદસર્વદા પ્રજ્વલિત રહીને સમાજને ઉજાગર કરતું રહે એ પરમકૃપાળુ પરમાત્માના ચરણે હાર્દિક પ્રાર્થના.
હરિભાઈ કોઠારી
પ્રખર ચિંતક, પ્રભાવશાળી વક્તા, સંસ્કૃતિ વિચારક અને લેખક