મોંઘી મિરાત

કુમારપાળ દેસાઈને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા તેથી એ ખ્યાતનામ થતા નથી, પણ ખ્યાતનામ હોવાથી તેમને આ અલંકરણથી નવાજવામાં આવ્યા છે.’ ભલે. આનંદની વાત છે.કુમારપાળ આપણા સંસ્કૃતિ-પ્રસારક પ્રતિનિધિ સમા વિશ્વવ્યાપી છે.’ બરાબર છે.

'કુમારપાળ એમની અનેકવિધ પ્રશસ્ય પુરુષાર્થી પ્રવૃત્તિઓને કારણે આપણા સન્માન્ય’ જ નહીં પણ બહુસન્માનિત વ્યક્તિવિશેષ ગણાય.’ ઉચિત છે. આપણને એનું ગૌરવ પણ થાય એ સ્વાભાવિક છે.

'કુમારપાળ દેસાઈની ધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ, સંસ્થા-સંચાલન, રમતગમત એવી અનેકક્ષેત્રીય તજ્જ્ઞતા અને યશસ્વી કાર્યદક્ષતા વિવિધ દૃષ્ટિએ કીર્તિમાનોને પાત્ર લેખાઈ છે.'

– નિર્વિવાદ હકીકત છે.

– અને હજી આવાં વિધાનો ઉમેરી શકાય.

આ બધાં યથાર્થ છે એ તો લોકસ્વીકૃત હકીકત છે. પદ્મશ્રી-સન્માન પણ એ જ સ્વીકૃતિ પર ઉમેરાતી મહોર છે.

પણ માફ કરજો... સહેજ અંગત રીતે કહું ? આ બધું જ આનંદપ્રદ અને અભિનંદનીય છે... પણ અંગત રીતે મારે મન કુમારપાળનું જે સૌથી મૂલ્યવાન પાસું છે તે સ્નેહાળ સ્વજનનું ! તુલસીદાસજી કહે છે તેમ હેતુ રહિત ‘અનુરાગ’નો – નિર્વ્યાજ સ્નેહનો અનુભવ જીવનમાં વિરલ વ્યક્તિઓ પાસેથી સાંપડે છે. મને, મારાં કુટુંબીજનો ઉપરાંત, જે થોડીક વ્યક્તિઓ પાસેથી આવો સ્નેહાનુભવ સાંપડ્યો તેમાં કુમારપાળ અગ્રણીઓમાંના એક છે. એટલે મારે મન એમના વ્યક્તિત્વની એ મધુર-શાંત-પ્રસન્ન પ્રભા જ સૌથી આકર્ષક અને મૂલ્યવાન છે.

જોકે, એમની સ્નેહાભિવ્યક્તિ નિર્ભેળ નથી. એમાં એમનો મારા પ્રત્યેનો આદર સતત ઓગળેલો હોય છે ! મારી વયકક્ષા એનું કારણ હોઈ શકે, પણ શું થાય ? ન હું એ સમયગાળાને દૂર કરી શકું, ન કુમારપાળના વિનયી સૌજન્યશીલ સ્વભાવને બદલી શકું ! એટલે હું તેમને મિત્રભાવથી જ પ્રમાણું છતાં તે મને સાદર 'સ્નેહ'થી જ પ્રમાણે તો મારે એટલું અંતર નભાવી લેવું જ રહ્યું! જોકે એમાંય આનંદ છે – નરવો આનંદ. હા, એમને મળવાનું થાય ત્યારે એમનો સ્નેહભાવ ભલે મમત્વ-પૂર્ણ લાગે, પણ એમ ‘મૈવ’ જ છે એવું સમજવાની ભૂલ ન કરું, કારણ કે આટલાં (અને કેટલાં બધાં ?!) વર્ષોથી એમના નિકટના પરિચયમાં હોઈ સમજી ગયો છું કે સ્નેહાળતા એમના વ્યક્તિત્વનો આગવો અંશ છે અને સૌજન્ય એમના સ્વભાવની લાક્ષણિકતા છે. તથા એ બન્ને એમની પાસે એટલા અમેય પ્રમાણમાં છે કે એમના સમુદાર હૃદયને એમાં કૃપણતા દાખવવાની જરૂર જ ન પડે. એટલે માનું છું કે જે અનુભવ – ‘મમ-ત્વ'નો – મને થાય છે તેવો એમના નિકટ સંબંધમાં આવનાર પ્રત્યેકને – અને એમ અનેકને થતો હશે ! એમના બહોળા સંબંધવર્તુળનું આ પણ રહસ્ય હોઈ શકે !

તેમ છતાં – મને મારા પૂરતો જે અનુભવ થાય છે તે ઓછો કે અપૂર્ણ - આંશિક – નથી હોતો, અશેષ લાગે છે, એ જ મારે મન મોટી મિરાત છે – મોટી અને મોંઘી.

કુમારપાળના બહોળા સંબંધ વર્તુળના કારણમાં એમના વ્યક્તિત્વનો એક બીજો વિશેષ પણ કારણભૂત જણાય છે – મધુર સૌજન્ય ! એમના સૌજન્યમાં માધુર્ય હોય છે, તેમ માધુર્યમાં સૌજન્ય હોય છે. જેમની સાથે તે સાદર સંમત છે તેમને પહેલા પ્રકારનો અનુભવ થતો હશે, જ્યાં તે અસંમત હોય ત્યાં બીજા પ્રકારનો ! વ્યવહારદક્ષતાને નામે ઓળખાતો એમનો ગુણ વાસ્તવમાં સૌજન્ય છે. એ અસંમત હોય તો તેને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાનું સાહસ ધરાવે છે, પણ એ અસંમતિને અનાઘાતક રીતે વ્યક્ત કરવાનું પણ તે જાણે છે. આથી તે ઉગ્ર વિરોધીઓને પણ દૃઢ છતાં મધુર રજૂઆતથી નિઃશસ્ત્ર કરી શકે છે. પરિણામે ‘મમ-ત્વ’ ‘મમત'માં પરિણમતાં નથી અને અસંમતિ પણ ‘અવિરોધેન’ વ્યક્ત થઈ જતાં સામા સમસમી ન જતાં સમજી જાય છે !

કુમારપાળ સતત કર્મશીલ છે, અને સફળ પુરુષાર્થી છે. તેમની એ સફળતાનું મૂળ તેમની આ મધુર પ્રવૃત્તિમાં છે. જોકે, એ પુરુષાર્થોની સફળતાનું પ્રબળ કારણ તો તેમની નિષ્ઠા છે. તે જે કામ લે છે તે નિર્વ્યાજ અને નિરંકુશ નિષ્ઠાથી નભાવે છે. આ નિષ્ઠા તેમને વ્વવહારની આવશ્યક મર્યાદાથી વધુ એવી મૂલ્યોમાં બાંધછોડ કરવા દેતી નથી, આથી જ તેમના સૌજન્યશીલ અને શાંત પ્રતિવાદમાં, કે અસંમતિમાં પણ દઢતા પારખી શકાય છે. એમની નમ્રતામાં અવિચળતા અવશ્ય ઓળખાય છે.
એ સતત કાર્યશીલ છે. સ્વભાવની કેટલીક ખાસિયતો અને દક્ષતા કેટલેક અંશે તેમને પિતાશ્રી પાસેથી વારસામાં પણ મળી હશે. પણ એમને મળેલી વારસાગત ઇમારતની ઈંટો તેમણે ખરવા તો નથી દીધી, એટલું જ નહીં પણ એ ઇમારતને વધુ ને વધુ વિકસાવી છે તે જો સર્વસ્વીકૃત હકીકત ન હોત, તો પ્રજાએ તેમને આટઆટલાં સન્માનોથી પુરસ્કૃત કર્યા હોત – બિરદાવ્યા હોત ખરા ?

કુમારપાળને જ્યારે મળવાનું થાય ત્યારે એમ જ લાગે કે તે ખૂબ જ કામમાં છે. તેમને મળવાથી ખલેલ કરતા હોઈશું. તે સતત કાર્યરત હોય છે એ હકીકત છે, તો એટલા કામ વચ્ચે પણ જ્યારે તેમને મળીએ ત્યારે જાણે તે આપણને મળવા, નિરાંતથી વાત કરવા બેઠા હોય એવાે અનુભવ થયા કર્યો છે તે પણ હકીકત છે !

આટલી પ્રવૃત્તિ છતાં તે આવી નિરાંત જાળવી શકે, આટલા સફળ પુરુષાર્થો ને પ્રગતિ છતાં જે આટલી સૌજન્યશીલતા, નમ્રતા અને સાદર સ્નેહપૂર્ણતા દર્શાવી શકે એવા વ્યક્તિત્વને પ્રમાણવાનું થાય એ પણ લ્હાવો છે.

તેમને દૃઢ થતા જોયા છે, ઉગ્ર થતા જોયા નથી. અસંમત થતા અને નકાર કરતા જોયા છે, તોછડા થતા જોયા નથી. વિરોધ સામે કે પડકાર સામે કમર કસતા જોયા છે, પણ પ્રત્યાઘાતક થતા જોયા નથી. તેમને હંમેશાં માધુર્યની ઢાલ જ વાપરતા જોયા છે. કઠોર તલવાર વાપરતા જોયા નથી.

એટલું જ સૂચન કરવાનું મન થાય છે કે કુમારપાળને કોઈ ઉશ્કેરીને આઘાત કરી શકે – કઠોર અથવા કટુવાણી વાપરવા મજબૂર કરી શકે તેને માટે પારિતોષિક જાહેર કરવું જોઈએ.

ખરું ને કુમારપાળ ?

વિનોદ અધ્વર્યુ

અધ્યાપક, વિવેચક, નાટ્યકાર અને સંપાદક.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑