શ્રી કુમારપાળ દેસાઈને ‘પદ્મશ્રી' એનાયત થયો એનાથી સાહિત્ય તેમજ વિદ્યાજગતમાં સર્વત્ર આનંદની લાગણી પ્રસરી ગઈ છે. શ્રી કુમારપાળભાઈની લેખન-કારકિર્દીના છેલ્લા ચાર દાયકા સતત વિકાસશીલ રહ્યા છે. તેમની આ વિકાસયાત્રાના સાક્ષી થવાનું મને સદ્ભાગ્ય સાંપડ્યું છે. એક વાચક તરીકે અમેજયભિખ્ખુ’ની કલમથી પરિચિત. જયભિખ્ખુ'ના દેહાવસાન બાદ 'ગુજરાત સમાચાર’માં 'ઈંટ અને ઇમારત' કૉલમનો સંસ્કારવારસો જાળવવાનો સર્જનાત્મક પડકાર ! યુવાન કુમારપાળે ઝીલી લીધો. પિતાશ્રીની સંપત્તિના વારસ બનવાનું સૌને માટે સરળ હોય પણ સંસ્કારવારસાનું, વિદ્યાવારસાનું જતન કરવાનું કાર્ય કસોટી માગી લે તેવું હોય છે. કુમારપાળભાઈએ સજ્જતાપૂર્વક લેખન દ્વારા ‘ઈંટ અને ઇમારત’ની લોકપ્રિયતા વધારી. અધ્યાપક તરીકે તથા સાહિત્યકાર તરીકેની કુમારપાળભાઈની પ્રતિભાની આગવી ઓળખ છે. જૈન દર્શન સંદર્ભે વિચારીએ તો આજ સુધી આપણને ઘણા સંશોધકો મળ્યા છે. જૈન દર્શન આગમના વિદ્વત્તાપૂર્ણ ગ્રંથો મળ્યા છે. પણ જૈન દર્શન, સર્જનાત્મક સાહિત્ય અને જૈન દર્શનમાં પ્રસાર-પ્રચાર બાબતે વૈશ્વિક પ્રદાનની વાત કરવાની થાય ત્યારે કુમારપાળભાઈનું નામ અચૂક લેવું પડે.
સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં તેમનું પ્રદાન મૂલ્યવાન છે. બાળસાહિત્ય અને પ્રૌઢ સાહિત્ય – એ બે ઉપેક્ષા પામેલાં સાહિત્યક્ષેત્રોને તેમની સક્રિયતા થકી પોષણ મળ્યું. મૂલ્યનિષ્ઠ સાહિત્ય દ્વારા લોકશિક્ષણનું કામ કરવાની જવાબદારી નિભાવવામાં 'ગુજરાત સમાચાર' જેવા અખબારનો સહયોગ મળ્યો. 'ગુજરાત સમાચાર’ અને કુમારપાળ દેસાઈ પરસ્પરને માટે પૂરક સાબિત થયાં. શિક્ષણ અને સાહિત્યક્ષેત્રે વિસ્તરતી ક્ષિતિજોમાં સુખ્યાત બનેલું પ્રેરણાત્મક પુસ્તક ‘અપંગનાં ઓજસ'નો ઉલ્લેખ આ તબક્કે નોંધપાત્ર સ્મરણ રૂપે અનિવાર્ય બને છે. અમારી સંસ્થા ‘અનેકાન્ત ભારતી પ્રકાશન’ મુખ્યત્વે ક્રાંતિકારી પ્રયોગધર્મા સંત આચાર્ય મહાપ્રજ્ઞનાં હિંદી પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદ કરાવીને પ્રકાશન કરતી સંસ્થા છે. કુમારપાળ દેસાઈ સાથે ચાર દાયકાનો સંબંધ. 'અપંગનાં ઓજસ' પુસ્તકનો અનુવાદ ગુજરાતીમાંથી હિંદીમાં થાય એવી યોજના થઈ. 'અપંગનાં ઓજસ’ શીર્ષકનો સર્જનાત્મક હિંદી અનુવાદ ઘણો કઠિન હતો. આખરે ડૉ. ભોળાભાઈ પટેલે શીર્ષકનો અનુવાદ કર્યો : ‘अपाहिज तन, अडिग मन’ પુસ્તક પ્રગટ થયું. તેની બીજી આવૃત્તિ ટૂંક સમયમાં જ પ્રગટ થવામાં છે. ‘અપંગનાં ઓજસ’નું હિંદી રૂપાંતરણ હિંદી સાહિત્યમાં પણ વ્યાપક આવકાર પામ્યું છે.
શિક્ષણક્ષેત્રે વ્યાખ્યાતા, રીડર અને પ્રોફેસરપદ ઉપરાંત વિભાગ અધ્યક્ષ, ભાષાસાહિત્યભવનના ડાયરેક્ટર અને ગુજરાત યુનિવર્સિટી આર્ટ્સ ફૅકલ્ટીના ડીન તરીકેની ઉત્તરોત્તર પ્રગતિ ઉપરાંત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ જેવી અસંખ્ય સંસ્થાઓમાં તેમની અધિકૃત સક્રિયતા તેમને વહીવટી કુશળતાવાળા સંસ્કારપુરુષ તરીકે પ્રતિષ્ઠિત કરે છે.
ડૉ. કુમારપાળ દેસાઈ જૈન ધર્મના વિવિધ ફિરકાઓમાં એકસરખો આદર પામ્યા છે. જૈન દર્શનના સર્જનાત્મક તેમજ સંશોધન-સાહિત્ય ક્ષેત્રે તેરાપંથ સંપ્રદાય છેલ્લા પાંચ દાયકાથી અગ્રેસર છે. આચાર્ય તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞ જેવા ક્રાન્તદ્રષ્ટા સર્જક સંતોની સર્જનયાત્રાના સાક્ષી બની રહેલા ડૉ. કુમારપાળ દેસાઈએ એમના ગ્રંથોના અભ્યાસથી તેમના બિનસાંપ્રદાયિક વિદ્યાતપનો પરિચય કરાવ્યો છે. અમારા સંબંધનાં ચાળીસ વર્ષોમાં વિવિધ કામગીરીમાં તેમનું મૂલ્યવાન માર્ગદર્શન મળ્યું છે. જૈન દર્શન અને સમાજના સાંસ્કૃતિક અસ્મિતાના અગ્રદૂત તરીકે ડૉ. કુમારપાળ દેસાઈ સાર્વત્રિક આદર પામ્યા છે. તેમની વ્યાપક પ્રતિષ્ઠાના આ દિવસોમાં હૃદયપૂર્વક અભિનંદન આપવાની સાથે સહજતાથી એક સૂચન કરવાનું મન થાય કે સમસ્ત જૈન સમુદાયના સર્વમાન્ય પ્રતિનિધિ તરીકે રાજ્યસભાના સભ્ય તરીકે તેમની નિયુક્તિ થાય એવી લોકલાગણી જૈન સમાજમાંથી જન્મે અને ડૉ. કુમારપાળ દેસાઈ આ લાગણીમાં સહમત થાય તો તેમની વહીવટી કુશળતાનો લાભ સહુને વ્યાપક રીતે પ્રાપ્ત થાય. ઘણા બધા પુરસ્કારોથી શોભિત એવા વિરલ સાહિત્યકાર, સન્મિત્ર, સ્વજન ડૉ. કુમારપાળ દેસાઈને ભાવપૂર્વક અભિનંદન.
શુભકરણ સુરાણા
શ્રી અનંકાંત ભારતી પ્રકાશનના પ્રણેતા, આ. શ્રી. મહાપ્રજ્ઞજીના ગ્રંથોનો ગુજરાતીમાં અનુવાદ કરાવનાર