ડૉ. કુમારપાળ દેસાઈને ‘પદ્મશ્રી'નો ગૌરવવંતો ઍવૉર્ડ એનાયત થયો છે ત્યારે એમના બહુઆયામી વ્યક્તિત્વની નોંધ લેતાં હર્ષ અનુભવું છું. છેલ્લાં ચાલીસ વર્ષથી પ્રેરક, મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક સાહિત્ય સર્જતા રહીને એમણે ગુજરાત, ભારત અને ભારત બહાર આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે તેની યોગ્ય કદરરૂપ આ જાહેરાત છે. સાહિત્ય સાથે શિક્ષણ અને સંસ્કૃતિવિષયક એમની સેવાઓને પણ આ ઍવૉર્ડ માટે લક્ષ્યમાં લેવામાં આવી છે.
સાહિત્યક્ષેત્રે ચરિત્ર, વિવેચન, સંશોધન, સંપાદન, ચિંતન, અનુવાદ, બાળસાહિત્ય, પ્રૌઢ સાહિત્ય, મોટેરાંનું સાહિત્ય, નવલિકા, ધર્મદર્શન વગેરે વિષયક સોથી વધુ ગ્રંથો તેમણે લખ્યા છે.
એક કાળે અમદાવાદમાં રમણભાઈ નીલકંઠ પચાસ જેટલી જાહેર સંસ્થાઓમાં કોઈ ને કોઈ હોદ્દે રહી માર્ગદર્શન આપતા હતા, એવી સૂઝ અને સેવાભરી ટ્રસ્ટીસહાય કુમારપાળ દેસાઈ દ્વારા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, શ્રી મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, વિધાવિકાસ ટ્રસ્ટ વગેરેને મળી રહી છે. ગુજરાત સાહિત્ય સભાના તેઓ મંત્રી છે, ગુજરાતી સાહિત્ય પરિષદની કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે અને ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ ઉપાધ્યક્ષ તરીકે કે ગુજરાતી સ્ત્રીકેળવણી મંડળના સલાહકાર તરીકે, સમન્વય ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે, સમસ્ત જૈન સેવા સમાજના ઉપપ્રમુખ તરીકે એવી તો પચીસથી વધુ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જૈન સેન્ટર ઑફ નૉર્ધન કૅલિફૉર્નિયા તરફથી જૈન દર્શનના કાર્ય માટે એમને ગૌરવ પુરસ્કાર અપાયો છે તો જૈન દર્શનવિષયક એમનાં વ્યાખ્યાનો દેશ બહાર વારંવાર યોજાઈ રહ્યાં છે.
૧૯૯૩માં શિકાગોમાં અને ૧૯૯૯માં કેપટાઉનમાં યોજાયેલી ‘પાર્લમેન્ટ ઑફ વર્લ્ડ રિલિજિયન્સ’માં અને ૧૯૯૪માં વૅટિકનમાં પોપ જ્હૉન પૉલ(દ્વિતીય) ની મુલાકાત લેનાર પ્રતિનિધિમંડળના જૈન દર્શનના વિચારક તરીકે ધર્મચર્ચા કરી હતી. ગુજરાતી વિશ્વકોશ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી, ઇન્ડિયન રેડક્રૉસ સોસાયટી (બોટાદ શાખા) વગેરે સંસ્થાઓમાં તેઓ સેવારત છે. તેમની ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની કામગીરી મારે માટે એક જુદી રીતે નોંધનીય રહી છે. જૂની રંગભૂમિના ક્ષેત્રને પુનરુત્થાન કરવા માટે જે વિશિષ્ટ મદદની જરૂરત છે તેમાં તેમના હાથે એક ખાસ કામગીરી થવા પામી છે તે તરફ સમાજનું ધ્યાન દોરાય એમ ઇચ્છું છું. તેમના પિતાશ્રી ‘જયભિખ્ખુ'એ એમની રંગદર્શી શૈલીમાં જે રીતે અસાઇત અને હેમાળા પટેલની ગંગાના પ્રસંગને વાચા આપી હતી એવી જ દિલ્લગીથી કુમારપાળે એક વખતના અભિનયના દિગ્ગજ છગન રોમિયો વગેરેનાં ચરિત્રો દ્વારા જૂની રંગભૂમિ તરફ સમાજનું ધ્યાન દોર્યું છે અને સવિશેષ તો એમણે શ્રી ધીરેન્દ્ર સોમાણીની એમના જીવનની અડધી સદીની સાધનારૂપ જૂની રંગભૂમિની સાહિત્યસામગ્રી રજૂ કરતો ‘ગુજરાતી રંગભૂમિ : રિદ્ધિ અને રોનક’ નામે મૂલ્યવાન ગ્રંથ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરાવ્યો છે.
આવી જ એમની સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં સેવા-સહાય મળી છે પણ મારે મન એમના દ્વારા ગુજરાતી બાળસાહિત્યને જે નિરીક્ષણ-વિવેચન-સંમાર્જનની ઊણપ ખટકતી હતી એમાં ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કાર્યશિબિર, પરિસંવાદ જેવી સક્રિય પ્રવૃત્તિઓ અને ‘બાળસાહિત્ય સંગોષ્ઠિ' કે 'એકવીસમી સદીનું બાળસાહિત્ય’ સંપાદનગ્રંથ દ્વારા ગુજરાતી / બાળસાહિત્યને મૂઠી ઊંચેરું, મર્માળું ને મહિમાવંત કરવામાં સ્વયં ઉત્કૃષ્ટ સર્જક એેવા કુમારપાળ દેસાઈનો નાનોસૂનો ફાળો નથી.
કવિ ન્હાનાલાલે 'રાજ, કોઈ વસંત લ્યો'ની વાત કરી છે તો શતદલ પદ્મમાં ‘પોઢેલો પરિમલ દાખવો જો દીઠેલો’ની વાત કરી છે, તેવા કુમારપાળ દેસાઈના જીવનમાં જે સંવિત્ત અને સુગંધ છે એને આભારી છે. એમનો પથરાટ પ્રબળ ને પ્રોજ્વલ છે ને એટલો જ સહજસુંદર ને નિર્વ્યાજ નિર્મળ નેહયુક્ત છે. એમના સ્નિગ્ધ વ્યક્તિત્વમાં સર્જક તો વસે છે, પણ એક મંત્રદ્રષ્ટા પણ વસી રહ્યો છે. પિતા `જયભિખ્ખુ’ની પ્રચ્છન્ન આશિષ અને માતા જયાબહેન દ્વારા થયેલું ઘડતર પોતાની આ પ્રગતિનાં ગુપ્તબળ તરીકે તેઓ સ્વીકારે છે એ જ એમની વશેકાઈ છે. કુમારપાળ પૂર્વાશ્રમના તપોભંગ ઋષિઆત્મા તો નહિ હોય ? ન જાને.
રતિલાલ સાં. નાયક
અધ્યાપક, બાળસાહિત્યકાર અને કોશકાર