ડૉ. કુમારપાળ દેસાઈએ સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત, જૈન ધર્મદર્શન જેવાં અનેક ક્ષેત્રોમાં પ્રભુત્વ મેળવ્યું છે એને કારણે ‘પદ્મશ્રી’ ઍવૉર્ડના તેઓ અધિકારી બન્યા છે એવું જરૂર કહી શકાય, પરંતુ જો ડૉ. કુમારપાળ દેસાઈને ઓળખવા હોય તો હું એમને એક સ્વજન અને સૌજન્યશીલ, શાંત, સ્નેહાળ વ્યક્તિ તરીકે ઓળખાવું. ભલે એ સાહિત્યકાર, સર્જક, વિવેચક, પત્રકાર, સમાજસેવક કે જૈન ધર્મદર્શનના જ્ઞાતા હોય, છતાં એ બધા અનુભવો અને જ્ઞાનનો નિચોડ એટલે જ સ્વજન અને સૌજન્યશીલ વ્યક્તિ.
બહુ જ નાના હતા ત્યારે મેં એમને જોયેલા. એક વાર કોઈ કામ પ્રસંગે એમના પિતા શ્રી જયભિખ્ખુ તથા માતા જયાબહેનને હું મળવા ગઈ ત્યારે એક નાનકડો છોકરો છાનોમાનો, ધીમે પગલે, શરમાતો-શરમાતો પસાર થઈ ગયો તેની ખબરેય ન પડી. એ જ છોકરો તે આ કુમારપાળભાઈ. આજે મોટી વયે પણ એવા જ શાંત, શરમાળ પ્રકૃતિના, ઓછાબોલા, મંદ સ્મિતથી, પ્રેમથી, ગૌરવયુક્ત પ્રતિભા અને સંસ્કારથી સૌજન્યશીલ સ્વજન તરીકે હું એમને નિહાળું છું.
ન કોઈ અભિમાન, ન કોઈ આડંબર, ન કોઈ મોટાઈ, ન કોઈ પોતાનું મહત્ત્વ દેખાડવાની પ્રબળ ભાવના – એવા કુમારપાળભાઈમાં જે ઉત્કૃષ્ટ ગુણો છે એ જ એમની ઓળખ છે અને એ જ એમનો ઍવૉર્ડ છે.
એમનો સૌથી શ્રેષ્ઠ ગુણ નમ્રતાનો. જ્યારે-જ્યારે સામા મળે ત્યારે કેમ બહેન ! કેમ છો ?” આ આવકાર એવો તો મીઠો અને લાગણીસભર હોય કે સ્વજનની પ્રતીતિ કરાવે.
કોઈ સમારંભમાં જઈએ, ત્યાં પણ તરત જ આગળ આવીને પૂરા વિવેકથી આદર સાથે આવો બહેન' કહી બોલાવે. આ એમનું સૌજન્ય હૃદયને સ્પર્શી જાય – આ એમનો બીજો ગુણ જે બહુ જ ઓછા લોકોમાં જોવા મળે છે.
એમનો ત્રીજો ગુણ છે મોટાઈનો અભાવ અને નમ્રતાનો ભાવ. કોઈ એમને આવકારે, બોલાવે, માન આપે એવું એમનામાં છે જ નહિ. કોઈ પણ સમારંભમાં મુખ્ય વક્તા હોય ત્યારે ઘણીયે વાર મેં જોયું છે કે તેઓ ચૂપચાપ આવીને શાંતિથી બેસી જાય. જો કોઈ એમને માનભેર બોલાવવા આવે ત્યારે પણ તેઓઠીક છે, બરોબર છે” – બસ એટલું જ બોલીને જે જગ્યાએ સ્થાન લીધું હોય ત્યાં બેસી રહે અથવા તો તેમની સાથે તેઓ જઈ જ્યાં બેસાડે ત્યાં બેસી જાય.
એમનો ચોથો ગુણ નિયમિતતા. કોઈ પણ કાર્યક્રમમાં નિયમસર એમની હાજરી હોય જ. ગળાબૂડ કામમાં હોવા છતાં એમનું હકારાત્મક વલણ દાદ માંગી લે છે. જ્યારે-જ્યારે કોઈ સેમિનાર કે વ્યાખ્યાન માટે આમંત્રણ આપવા જાઉં ત્યારે તેનો એમણે સ્વીકાર કર્યો છે. આવીશ, જરૂર આવીશ. પણ મને થોડો સમય આપશો ?'' અને એ પ્રમાણે નાનકડાં સ્ત્રીમંડળોમાં પણ જ્યારે એમને બોલાવવામાં આવ્યા હોય ત્યારે પ્રેમથી આમંત્રણ સ્વીકારી લે. અને, માત્ર ટેલિફોન ઉપર પણ કહીએ તો કહેશે હું આવી જઈશ. ધક્કો ન ખાશો.” ને સમય પ્રમાણે તે જાતે હાજર થઈ જ જાય.
જૂના સંબંધોને સાચવી રાખવાનો પણ એક વિશિષ્ટ ગુણ એમનામાં છે. દરેક પ્રસંગોમાં યાદ કરે જ. એટલું જ નહિ પણ કાર્ડમાં જરૂર આવજો' એવા એમના હસ્તાક્ષર પણ હોય જ. તદુપરાંત જ્યારે તેઓ આમંત્રણ આપે ત્યારે બહેન માટેઆદરણીય” શબ્દ વાપરે આવું એમનું સૌજન્ય કોને ન ગમે?
અરે, એક વખત મારું બહાર પડનારું પુસ્તક ‘ઝૂરતી વેદનાઓ’ વિશે મેં કંઈક લખી આપો એવું કહ્યું ત્યારે વિશ્વકોશ'ના કામમાં અત્યંત વ્યસ્ત હોવા છતાંય સમય કાઢીને પણ ત્રણ-ચાર દિવસમાં જ કંઈક લખીને મને મોકલી આપ્યું ત્યારે મારા મનમાં એક જ વાત ઊભરાઈ આવી – આનું નામ તે સ્વજન. આસ્વજન’નો સંબંધ બાંધવો કે બંધાવવો સહેલો નથી.
શૈક્ષણિક ક્ષેત્રે ફેલોથી શરૂઆત કરીને ગુજરાત યુનિવર્સિટીના આર્ટ્સ ફૅકલ્ટીના ડીન તરીકેના ઊંચા પદને શોભાવનાર, કેટકેટલીય સંસ્થાઓમાં સભ્ય, સલાહકાર, ટ્રસ્ટી, પ્રમુખ, સ્થાપક તરીકે રહીને અવિરત કાર્યનો વહીવટ કરનાર, સાહિત્યમાં સાહિત્યકાર, સંશોધક, વિવેચક, સંપાદક અને સર્જક તરીકે વિપુલ સાહિત્ય સમાજને આપનાર; લોકજીવનની આપત્તિ વેળાએ અનેક પ્રકારની સહાયો આપનાર અને આ કાર્યો કરતા-કરતા અનેક પ્રકારનાં પારિતોષિકો, ઍવૉર્ડો મેળવવા છતાંય એ સફળતા અને સિદ્ધિને નમ્ર ભાવે સ્વીકારીને શ્રી કુમારપાળભાઈએ ગુજરાત, ભારત અને પરદેશમાં, સૌનું હિત કરે તે સાહિત્ય'નું સર્જન કરીને એક 'સ્વજન' તરીકે પોતાનું વ્યક્તિત્વ ઉપસાવ્યું છે એ જ એમનો મોટો ઍવૉર્ડ છે એમ કહું તો ખોટું નથી.
આવા સાદા, સીધા, શાંત, વિનયી, નિરભિમાની, સમયના આગ્રહી, સ્ત્રીઓનું સૌજન્ય સાચવનારા, સ્વજનપ્રેમી કુમારપાળભાઈને હંમેશાં સ્પર્ધા અને સંઘર્ષોથી દૂર રહેનારા એક અનોખા માનવી તરીકે મેં જોયા છે અને ઓળખ્યા છે એ જ એમની પ્રતિભા છે. હું માનવી માનવ થાઉં તો ઘણું’ – કવિ સુન્દરમ્ની આ કાવ્યપંક્તિ એમને માટે યથોચિત છે એમ હું કહી શકું છું.
પિતાનું ઔદાર્ય અને માતાનું વાત્સલ્ય આ બન્ને ગુણોથી ઘડાયેલ કુમારપાળભાઈ શત્રુને પણ વહાલા લાગે એવું એમનું વર્તન અને એવું જ એમનું કર્તવ્ય ડગલે ને પગલે એમનામાં દૃષ્ટિગોચર થયા વિના રહેતું નથી.
માનવી સંપત્તિ પ્રાપ્ત કરી શકે અનેક સિદ્ધિઓ મેળવી શકે ઊંચી અને શ્રેષ્ઠ પદવીઓ પ્રાપ્ત કરી શકે, પરંતુ અન્ય જનોના એક મૂઠી જેવડા હૃદયમાં સ્વજન તરીકે પોતાનું સ્થાન મેળવી શકે એવા તો કોઈક જ વિરલા હોય. કુમારપાળભાઈ એવા જ એક વિરલા સ્વજન છે.
પદ્મા ફડિયા
પૂર્વ નિવૃત્ત આચાર્ય, નવલકથા, નિબંધ, વાર્તાસંગ્રહો આપનાર