સ્નેહથી મઘમઘતો સંબંધ

તબિયત અત્યંત નાદુરસ્ત છે અને સ્મૃતિ પણ થોડો સાથ આપતી નથી, પરંતુ કુમારપાળભાઈ સાથેના સંબંધો એટલા ગાઢ છે કે એમના થોડાક પ્રસંગો અને થોડીક વાતો લખી રહ્યો છું.

તેઓ લેખક અને વક્તા તરીકે ગુજરાત, ભારત અને વિદેશોમાં પ્રસિદ્ધ છે. સોનામાં સુગંધ ભળે તેમ નિત-નિત નૂતન ગ્રંથો આપીને એમણે અણમોલ રત્નોની શોધ કરી છે. એમનાં પુસ્તકો એમની કલમની કરામતની કલ્પના જ કરવી રહી. આવી વ્યક્તિને ગમે તેટલાં અભિનંદન આપીએ કે અભિવાદન કરીએ તો તે ઓછાં જ પડે.

જેમ ચંદનની સુવાસ ધૂપસળીની માફક મહેકતી રહે છે તેવા કુમારપાળભાઈ ઇષ્ટ, મિષ્ટ અને શિષ્ટમાંથી પસાર થઈને વિશિષ્ટ વ્યક્તિ તરીકે જૈન સમાજમાં ઊભરી આવ્યા છે. કેવળ જૈન-સમાજ પૂરતા જ નહીં, પણ સાહિત્યની સુરભિ સાથે સમગ્ર સમાજમાં શિરમોરરૂપ રહ્યા છે. એમનાં અનેકવિધ પાસાંને અનેકાંત નજરે નિહાળવાનો આનંદ અમે અનુભવ્યો છે.

પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વર્ષો સુધી ટાઉનહૉલમાં વિતાવેલી એમની સાથેની ક્ષણો યાદ આવે છે. અમે લૉસ-એન્જલસના પ્રવાસમાં પણ સાથે હતા અને એ સમયે ડિઝનીલૅન્ડમાં એમનાં પત્ની સાથે હરવા-ફરવાનો આનંદ પ્રાપ્ત કર્યો હતો. આચાર્ય મહાપ્રજ્ઞજીના દર્શનાર્થે જયપુર, જોધપુર, સરદાર શહેર જેવાં અનેક સ્થળોએ અમે સતત સ્વાધ્યાય કર્યો હતો. એ જ રીતે કોબા, વડોદરા, મુંબઈ, રાજકોટ વગેરે શહેરોમાં પ્રવચનોનો જે પમરાટ અનુભવ્યો તે આજ દિવસ સુધી ભૂલ્યો ભુલાય તેમ નથી.

પર્યુષણ વ્યાખ્યાનમાળા, ભારત જૈન મહામંડળ, અણુવ્રતસમિતિ વગેરેમાં એમણે વ્યાખ્યાનો આપ્યાં અને લોકપ્રિયતાના શિખરે પહોંચ્યા, કેવળ ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં વિહાર કરીને તેમણે પોતાના વિચારો અને વાણીની અણમોલ ભેટ આપી. તેમના પરિવાર સાથેનો સંબંધ દૂધમાં સાકર જેવો રહ્યો. એમનાં માતુશ્રી જ્યારે જ્યારે તેમના નિવાસસ્થાને જઈએ ત્યારે ભાવભર્યા મીઠા ભોજન વગર આવવા દેતાં નહીં. એ જ રીતે એમનાં ધર્મપત્ની હસતે મુખે મીઠું મોં કર્યા વગર આવવા દેતા નહીં. એમની મહેમાનગતિ સૌરાષ્ટ્રની રસધાર જેવી મિષ્ટ છે. એમના વ્યક્તિત્વના અંશોમાં અદબ ભરેલી રીતભાત, વિવેકપૂર્ણ વાણી, વચનની અમીરાત અને વ્યવહારની ઉષ્મા સદાય જોવા મળી છે.

અભિનંદન આપવા જેવું અને માગવા જેવું અમારી વચ્ચે કશું નથી. હવે કેવળ આનંદ માટે નહીં પણ પરમ આનંદના પંથે તેમનો અભ્યુદય થાય એ જ પ્રાર્થના.

ડૉ. મનહરભાઈ શાહ

પૂર્વ ધારાસભ્ય, ધર્મધારા સામયિકના તંત્રી, ઉદ્યોગપતિ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑