સ્વજન સમા સ્નેહી અને કૌટુંબિક મિત્ર એવા કુમારપાળભાઈ સાથે અમારો પરિચય મારા પિતાજી થકી થયો હતો. અવારનવાર એકબીજાના ઘેર આવવા જવાનું થતું. ત્રણ-ચાર દિવસે તેઓ અમારે ઘેર આવે અને મારા પિતાશ્રી સાથે બેસીને ચા પીતા અને બંને વચ્ચે વ્યવસાયનો કોઈ સબંધ ન હોવા છતાં ખૂબ સારા મિત્ર બની ગયા હતા. મને યાદ છે, જ્યારે ઘણી વખત કુમારપાળભાઈ સાંજે આવ્યા હોય અને વાતો કરતા કરતા થોડું મોડું થઇ જાય અને હું ઘેર હોઉં તો મુલાકાત પછી કુમારપાળભાઈને ઘેર મૂકવા જતો,ત્યારે તેમની સાથે રસ્તામાં પણ ઘણી વાતો થતી. જૈન ધર્મને લગતા કાર્યક્રમમાં અથવા સામાજિક પ્રસંગોમાં પણ બંને સાથે જાય અને આવીજ રીતે સંબંધો ગાઢ થતા ગયા. તે દિવસોથી આજ સુધી એમની સાથે સ્નેહતંતુ બંધાયેલો છે.
કુમારપાળભાઈ અને મારા પિતાજી વાતો કરતા કરતા પોતાના અનુભવો અને જીવન વિશે ચર્ચા કરતા. ચર્ચાઓ દરમિયાન મારા પિતાજીએ તેમને કરેલા સંઘર્ષો તથા જીવનના અનુભવો વિશે કુમારપાળભાઈએ જાણ્યું ત્યારપછી તેમના જીવનચરિત્રને પુસ્તકરૂપે પણ આલેખ્યું. આ માટે કુમારપાળભાઈએ પિતાજીના સંપર્કમાં આવેલા ઘણા ગામના લોકો, ડૉક્ટરો તથા દેશ-વિદેશમાં બધા મળી લગભગ છપ્પન જણાની રૂબરૂ મુલાકાત લઈને આ પ્રેરણાદાયક જીવનચરિત્ર પોતાની આગવી શૈલીમાં પુસ્તકરૂપે લખ્યું છે. મારા પિતાજીની આ જીવનકથા દ્વારા તેમણે કોઈ આફતોથી ઘેરાઈ ગયું હોય, કોઈ નિરાશાના મહાસાગરમાં ડૂબી ગયું હોય કે કોઈ વ્યસનના ગુલામ હોય કે સતત બીમારી સામે જંગ ખેલતું હોય તેને આ જીવનકથામાંથી આશાનું કિરણ મળી રહે, જીવનયુદ્ધ ખેલવાનું બળ મળી રહે અને નિરાશ થયા વિના ઝઝૂમતા રહેવાની પ્રેરણા પ્રાપ્ત થાય, તેવું સુંદર આલેખન કર્યું છે.
સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ, ધર્મદર્શન, રમતગમત અને માનવકલ્યાણ જેવાં ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર ‘પદ્મશ્રી’થી સમ્માનિત ડૉ. કુમારપાળ દેસાઈ સાથે આત્મીય સંબંધ બંધાઈ ગયો છે. ગુજરાતી સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં વિરલ વ્યક્તિઓને જ આ સન્માન પ્રાપ્ત થયું છે. ખાસ કરીને અમારા જ્યારે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય ત્યારે એમની હાજરી અચૂક હોય.
મારા પિતાશ્રી, તેમના મિત્ર એવા ડૉ મણીભાઈ મહેતા પાસે ઇલાજ માટે લૉસએન્જલીસ ગયા હતા, એ પછી એમના આગ્રહથી કુમારપાળભાઈ પણ પર્યુષણ પર્વ નિમિત્તે આઠ દિવસ લેક્ચર માટે લૉસએન્જલીસ ગયા હતા, જ્યાં ઘણા જૈન ધર્મના અગ્રણીઓની ઉપસ્થિતિ પણ હતી. સર્જન, વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદ, અધ્યયન-અધ્યાપન વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવા છતાંય કુમારપાળભાઈ તરુણના તરવરાટથી સામાજિક-સાંસ્કૃતિક ઉત્થાનના નવા નવા પ્રકલ્પો કરવા હંમેશાં તત્પર રહે છે. ડૉ. કુમારપાળ દેસાઈએ પાંચ દાયકાના સમયગાળામાં માત્ર ગુજરાત રાજ્ય કે દેશમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રેરણાદાયી, આધ્યાત્મિક અને મૂલ્યવાન સાહિત્યના લેખક તરીકે ખ્યાતિ મેળવી છે. તેમણે સો કરતાં વધુ પુસ્તકો લખ્યાં છે, જેમાં જીવનચરિત્ર, વિવેચન, સંશોધન, અનુવાદ, નવલકથા, ધર્મ અને બાળસાહિત્યનો સમાવેશ થાય છે. તેમનાં પાંચ પુસ્તકોને કેન્દ્ર સરકારના પુરસ્કારો અને ચારને રાજ્ય સરકાર દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યા છે. તેમના વૉલ્યુમ ‘નાની ઉંમર, મોટું કામ’ ને ભારતની તમામ ભાષાઓમાં બાળકોના શ્રેષ્ઠ પુસ્તક તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. કુમારપાળભાઈના માર્ગદર્શન હેઠળ બાવીસથી વધુ વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. તેમની બીજી રચના ‘અપંગનાં ઓજસ’ને શારીરિક રીતે અશક્તોના પરિપ્રેક્ષ્યમાં શ્રેષ્ઠ પુસ્તક તરીકે બિરદાવવામાં આવ્યું છે અને તેની હિન્દી અને અંગ્રેજી બ્રેઇલ આવૃત્તિ પણ બહાર પાડવામાં આવી છે. તેમને અનેક ઍવૉર્ડ, ચંદ્રકો અને પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે છતાં અભિમાન તેમને સ્પર્શી શક્યું નથી. જ્યારે પણ મળે ત્યારે તેમના ચહેરા પર સ્નેહાળ સ્મિત જોવા મળે અને આ તેમના પ્રસન્ન વ્યક્તિત્વ અને સાથે જીવનશૈલીનો મર્મ પ્રગટ કરે છે.
ઘણા અલગ અલગ પ્રસંગોએ મારે કુમારપાળભાઈ સાથે જવાનું થાય અથવા તેઓ મુખ્ય વક્તા તરીકે હાજર હોય એવા કાર્યક્રમોમાં જવાનું થયું છે. એમનાં સંશોધનાત્મક અને માહિતીસભર વક્તવ્યો સાંભળવાનો લાભ મને મળ્યો છે. તેમની આગવી દૃષ્ટિ અને અનેકવિધ વિષય પર તેમનાં મંતવ્યો ક્યારેય ન ચુકાય તેનો હું હંમેશાં ખ્યાલ રાખું છું.
સુધીર મહેતા
ઉદ્યોગપતિ, ટોરન્ટ ગ્રૂપના ચૅરમેન એમરિટ્સ, ઔદ્યોગિક અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણી