મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્રના આરાધના સભાખંડમાં, વિવિધ ક્ષેત્રના વિદ્વાનો, અનેક સામજિક, ધાર્મિક અને સાહિત્યની સંસ્થાના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં જ્યારે પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈને અર્હમ્ સ્પિરિચ્યુઅલ સેન્ટર અને અન્ય સંસ્થાઓ દ્વારા ‘શ્રુતનિધિ’ ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો ત્યારે સભાખંડની દરેક વ્યક્તિઓએ ઊભા થઈ એ ક્ષણને વધાવી લીધી હતી,ત્યારે મુનિશ્રી સંતબાલજીની તપોભૂમિમાં ‘અનુમોદના….અનુમોદના’ના કોમળ શબ્દવ્યંજનો વાયુમંડળને પવિત્ર કરીરહ્યા હતા.આ પ્રસંગના સાક્ષી બનવાનું સૌને સૌભાગ્ય મળ્યું તેનો આનંદ હતો, કારણ કે એક ભંડાર જેનામાં છે એવા વ્યક્તિત્વને શ્રુતનિધિ ઍવૉર્ડ અર્પણ કરવામાં આવી રહ્યો હતો. શ્રી કુમારપાળભાઈએ સાહિત્યના દરેક ક્ષેત્રે અને દરેક વિષયનો સ્પર્શ કર્યો છે. ધર્મ, અધ્યાત્મ, શિક્ષણ, પત્રકારત્વ અને વર્તમાને જે વિષય વિશ્વના ફલક ઉપર ચર્ચા થઈ રહી છે તે ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી’ પર પણ તેમના મનનીય વિચારોના લેખ આપણને મળે છે.
ક્રિકેટની રમત પરનાં લખાણો, નાટકોની વણસ્પર્શી વાતો ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહો પરનાં લખાણોમાંથી એક ઉત્કૃષ્ટ પત્રકારની ભૂમિકાનાં આપણને દર્શન થાય છે. જૈન જ્યોતિર્ધર વીરચંદ રાઘવજી ગાંધીએ વિદેશમાં જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો સાચો પરિચય આપવાનું કાર્ય કર્યું. એ વીસરાઈ ગયેલી પ્રતિભાને ઉજાગર કરવાનું કાર્ય ડૉ. કુમારપાળ દેસાઈએ કર્યું; એટલું જ નહીં, પરંતુ વિશ્વના અનેક દેશોની યાત્રા કરી, પોતાનાં પ્રવચનો દ્વારા આ મિશનને આગળ ધપાવવાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું. એ ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખસ્થાન શોભાવી કુમારપાળભાઈએ સમગ્ર જૈન સમાજને ગૌરવ અપાવ્યું છે. એમના વ્યક્તિત્વમાંથી સરળતાનું સૌંદર્ય નીતરતું હોય છે. એમનો વિચાર, વાણી અને વહેવાર એક સમાંતર રેખા પર ચાલતો હોય છે. એમના વિચારનું પ્રતિબિંબ એમની વાણીમાં જોવા મળે અને વાણીનો પ્રતિછંદ વહેવારમાં હોય.
એકવાર ગુજરાત વિશ્વકોશના પરિવાર મિલનમાંની ગોષ્ઠીમાં જવાનું થયું ત્યારે સંસ્થાના સ્ટાફ, કર્મચારીઓની હૃદયની વાતો તેના વક્તવ્યમાં સાંભળવા મળી.
એક બહેને કહ્યું, ‘હું આ ફિલ્ડમાં નવી હતી. મને કશું આવડતું ન હતું. હું હતાશ થઈ ગઈ. હું આ સર્વિસ નહીં કરી શકું એમ મેં સરને કહી દીધું.’ સર કહે, ‘તને બધું જ આવડી જશે, ધીરજ રાખ.’ સરના માર્ગદર્શન હેઠળ હું સ્થિર થઈ ગઈ. એક-એક સ્ટાફ મેમ્બરોના અનુભવ સાંભળી મને પ્રતીતિ થઈ કે કુમારપાળભાઈના આ સ્વભાવને કારણે વિશ્વકોશના એક આત્મીય પરિવારનું દર્શન થયું, એટલું જ નહીં, એનામાં મૅનેજમેન્ટની દક્ષતાનાં દર્શન થયાં.
‘રણજિતરામ સુવર્ણચંદ્રક’, ‘નર્મદ પારિતોષિક’, ‘જૈનરત્નઍવૉર્ડ’, ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’, ‘શ્રુતનિધિ ઍવૉર્ડ’, ‘આચાર્ય તુલસી ઍવોર્ડ’ અને વિશ્વના સર્વોચ્ચ ‘અહિંસા ઍવૉર્ડ” પ્રાપ્ત કરનાર કુમારપાળભાઈ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના ટ્રસ્ટીના હોદ્દા પર છે. એમનાં સર્જન-સંપાદનોની યાદી ૧૫૦ ઉપર થવા જાય છે તો દેશ- વિદેશનાં અનેક સામયિકોમાં એમના ચિંતનસભર લેખો પ્રગટ થતા હોય છે. વ્યાખ્યાનમાળાઓ, પ્રવચન, ત્રિદિવસીય જૈન કથાઓ અને ઇન્ટરનેટ દ્વારા ઑનલાઇન, ઝૂમ કે યૂટ્યૂબ દ્વારા લાખો શ્રોતાઓ તેમને સાંભળતા હોય છે.‘ગુજરાત સમાચાર’ના લાંબા સમયની વિક્રમસર્જક લોકપ્રિય કટારના લેખક છે. હોદ્દો, પ્રતિષ્ઠા કે વિદ્વત્તાના ભાર વિના ચાલવાવાળો આ મહામાનવ છે.
એક દિવસ અમદાવાદના એમના નિવાસસ્થાને હું એમની સાથે બેસીને વિશ્વકોશના આગામી કાર્યક્રમ વિશે ચર્ચા કરી રહ્યો હતો એવામાં ત્રણ-ચાર ભાઈ-બહેનો એમને ત્યાં આવ્યાં. તેમની સાથેની વાતચીત પરથી જાણ્યું કે તેઓ એન્ટવર્પથી આવ્યાં છે અને બન્ને ડાયમંડના પ્રતિષ્ઠિત વેપારી છે અને ત્યાંના દેરાસરના ટ્રસ્ટી છે. તેઓ દેરાસરના ભાવિ કાર્યક્રમ વિશે કુમારપાળભાઈ સાથે સલાહ-વિમર્શ કરવા આવ્યાં હતાં. કુમારપાળભાઈએ એક યુવાનને કહ્યું કે,’ભાઈ, તારો અવાજ બહુ ભારે છે. તને શરદી થઈ ગઈ લાગે છે.’ તેનાં પત્ની કહે, ‘હા સાહેબ, ગઈકાલથી તેને ભારે શરદી થઈ ગઈ છે અને ગળું પણ ખરાબ છે.’ કુમારપાળભાઈનાં પત્ની પ્રતિમાબહેને એ સાંભળ્યું અને તરત કહે, બધાં માટે ચા લાવું છું, પણ એમને માટે કાઢો બનાવું છું. ગરમ ગરમ કાઢો લઈને આવ્યાં અને કહે કે, આ લેશો એટલે ગળાને રાહત થશે અને શરદીમાં પણ ફેર પડશે. તેઓ જતાં હતાં ત્યારે પ્રતિમાબહેને હળદરવાળું દૂધ અને કેટલીક આયુર્વેદ ટૅબ્લેટ તેમને આપીને કહે કે, ‘અમદાવાદમાં તમારે અલગ અલગ જગાએ જવાનું હશે, પણ આ ત્રણ વાર લેવાનું ભૂલશો નહીં જેથી કાલે સાજા થઈ જાઓ.’
અહીં પ્રતિમાબહેનના હૈયામાંથી સ્નેહ અને વાત્સલ્યની પાવન સરવાણી મેં નિહાળી. એમનો આતિથ્યભાવ ગજબનો છે. એમના ડ્રાઇવર કે નોકર પ્રત્યે પણ એવો જ સ્નેહભાવ. કુમારપાળભાઈને ગૃહઆંગણે પ્રસન્ન દામ્પત્યની ખળખળ વહેતી સરિતાનાં દર્શન થાય. ગમે તેવી વ્યસ્તતામાં પણ દેશ-વિદેશમાં રહેલ તેમના પૌત્રો કે પૌત્રી સાથે સમય કાઢીને અચૂક વાત કરે.
સાહિત્ય સંમેલનો કે જ્ઞાનસત્રોમાં બે-ત્રણ દિવસ સાથે રહેવાનો અવસર મળે. એવા એક પ્રસંગે એક વયસ્ક અને અશક્ત વિદ્વાન બહેનની ટૅક્સી તેને લેવા આવી. ફોન મળતાં બહેને પોતાનો સામાન નીચે કાર સુધી લઈ જવા અતિથિગૃહના નોકરને બોલાવ્યો, તે સમયસર ન આવતાં બહેન વ્યથિત હતાં. કુમારપાળભાઈ ત્યાંથી પસાર થતા હતા ને તેમણે આ વાત જાણી. તરત જ બહેનનો સામાન ઊંચકીને તેમની સાથે ધીરે ધીરે ચાલીને તેને ટૅક્સીમાં બેસાડ્યાં. વૃદ્ધા કહે, ‘તમને કેટલી બધી તકલીફ પડી ! અતિથિગૃહનો માણસ સમયસર ન આવ્યો.’ કુમારપાળભાઈએ હસતાં હસતાં કહ્યું, ‘કાંઈ વાંધો નહીં. હુંય માણસ છું ને ?’ કેટલી સરળતા ! બહેને ઘરે પહોંચીને મને ફોનમાં આ વાત કરી ત્યારે મને લાગ્યું કે, જે આકાશની ઊંચાઈએ જેના ગુણો ઝળકે છે તે વ્યક્તિનાં પગલાં ધરતીને સ્પર્શ કરીને ચાલે છે એનામાં ગર્વ નથી. આ મૂઠી ઊંચેરો માનવ આપણો પરમ સખા છે, તેનું આપણને ગૌરવ છે – અહીં આપણને કલ્યાણ મિત્રની કરુણાનાં દર્શન થાય છે અને એવું લાગે છે કે સ્વર્ગથી કોઈ ફરિશ્તો ધરતી પર ઊતર્યો છે !
સાહિત્યસત્રોમાં ગોષ્ઠિના સમયે બધા વિદ્વાનો, શ્રેષ્ઠીઓ, મહેમાનો સાથે બેઠા હોય,હળવાશનું વાતાવરણ હોય, ત્યારે કુમારપાળભાઈને જેની જે આવડત, કલા કે વિશિષ્ટતાની જાણ હોય તેની પાસે તે વાર્તા, દૃષ્ટાંત, ગીત, સંગીત, યોગ, તે વિશે વાત કરવા કહે ને તેની કલાને ઉજાગર કરવાનો પ્રયત્ન કરે.
નવા ચહેરા કે યુવાન વિદ્વાનોને આદર્શ વક્તાનું ઉપનિષદ સમજાવે. તેણે જે વક્તવ્ય આપ્યું હોય તેની સરાહના કરી પ્રોત્સાહિત કરે, ત્યારે મને કુમારપાળમાં પ્રતિભાબીજની માવજત કરનાર એક માળીનાં દર્શન થાય છે.
રાજકોટનું જૈન સાહિત્ય જ્ઞાનસત્ર પરમ ગુરુદેવ પૂ. નમ્રમુનિ મ.સા.ની નિશ્રામાં રાજકોટ મુકામે યોજાયું હતું. એ સમયે ડૉ. કુમારપાળ દેસાઈએ તેના કી-નોટ પ્રવચનમાં જૈન ધર્મના એન્સાઇક્લોપીડિયાનો ઉલ્લેખ કર્યો હતો. બીજે દિવસે પૂ. નમ્રમુનિ મહારાજસાહેબે કુમારપાળભાઈના સમાપન પ્રવચન વેળા કહ્યું કે ‘ગઈકાલે તમે જે એન્સાઇક્લોપીડિયાનો ઉલ્લેખ કરેલો અને તમે કહ્યું કે આવી ગ્રંથમાળા જૈન ધર્મની હોવી જોઈએ. તો તમે આની સમજ અને રૂપરેખા આપો.’
ડૉ. કુમારપાળભાઈએ ‘જૈન વિશ્વકોશ’ તૈયાર કરવાની આખી પ્રક્રિયા સમજાવી એટલું જ નહીં તેમાં કયા કયા વિષયો, ચિત્રો વગેરે આવે તેની સંપૂર્ણ રૂપરેખા પોતાના પ્રવચનમાં જણાવી.
થોડા દિવસ પછી પૂ. ગુરુદેવે કહ્યું કે, કુમારપાળભાઈને જ્યારે સમય હોય ત્યારે રાજકોટ આવે. આપણે જૈન વિશ્વકોશ અંગે ચર્ચા કરવી છે. મેં ડૉ. કુમારપાળભાઈને જાણ કરી, એ તરત આવ્યા ને પૂજ્યશ્રીએ ડૉ. કુમારપાળભાઈને જણાવ્યું કે ‘જૈન વિશ્વકોશ’ સમગ્ર જૈન સમાજ અને જૈનશાસન માટે અત્યંત જરૂરી છે. આપે જે રૂપરેખા અને પ્રક્રિયાની વિગત આપી છે, તેનાથી મને ખૂબ સંતોષ થયો છે તો આ કામ કરવાની આપને પ્રેરણા આપું છું. આપના તરફથી આ કામ ખૂબ સુંદર રીતે થશે તેની મને શ્રદ્ધા છે એમ કરી આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આપણા આ પ્રોજેક્ટમાં મુંબઈથી ગુણવંતભાઈ આપ જે કહેશો તે પ્રમાણે સંપાદનમાં મદદરૂપ થશે.
આ પ્રેરણાને ડૉ. કુમારપાળભાઈએ ઝીલી લીધી. 7 વર્ષથી આ પ્રોજેક્ટ ડૉ. કુમારપાળના નેતૃત્વમાં સુંદર રીચે ચાલી રહ્યો છે, જેમાં દેશ-વિદેશના 70 વિદ્વાનોએ અધિકરણો આપ્યાં છે અને ચાર સંતો અને બે સતીજીઓએ પણ આશીર્વાદ સહ અધિકરણો આપ્યાં છે.પાંચ ખંડ પ્રગટ થઈ ગયા છે. ત્રણ ખંડ પ્રેસમાં છે અને છેલ્લા ત્રણ ખંડની સંપાદનપ્રક્રિયા ચાલુ છે.આમ કુમારપાળભાઈના સંપર્ક પુરુષાર્થથી ‘જૈન વિશ્વકોશ’નું એક ઐતિહાસિક કામ પૂર્ણતાને આરે છે.
કુમારપાળભાઈ, તમને નિરામય દીર્ઘ આયુષ્ય સાંપડે, શ્રુત-સમાજના અને શાસનના કાર્યમાં તમારા યોગદાનનું સાતત્ય રહે તેવી પરમાત્માને પ્રાંજલ પ્રાર્થના. તમારા જ્ઞાનના દીપકના સ્પર્શથી અમારા જેવાં અનેક કોડિયાં પ્રગટી રહ્યાં છે.
તમારા જીવનમાં સરળતાનું સૌંદર્ય, શ્રુતની સરિતા, સંસ્કારની સુવાસ રૂપી દીપકની જ્યોતજલતી રહી છે.
અંતમાં એટલું જ કહીશ કે –
અમને મળ્યો છે ઉજાસ, તમારા દિવ્ય દીપકથી
હા,
અમને મળે છે ઉજાસ તથા દિવ્ય દીવાથી.
ગુણવંત બરવાળિયા
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લેખક, જ્ઞાનસત્રના આયોજક, સામયિકોના સંપાદક