સાહિત્ય, શિક્ષણ, ધર્મદર્શન, પત્રકારત્વ, સંસ્થાસર્જન અને સામાજિક સેવાના ક્ષેત્રે ડૉ. કુમારપાળ દેસાઈએ ગુજરાતના સાહિત્ય-પત્રકારત્વ ક્ષેત્રમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. નવગુજરાત કૉલેજના મારા વિદ્યાર્થીકાળમાં મને પહેલાં એમની લેખનશક્તિનો અને પછી પ્રત્યક્ષ રીતે એમનો પરિચય થયો. તેઓ જે કોઈ ક્ષેત્રમાં કાર્ય કરે, એમાં ખૂંપી જવાની અને એ ક્ષેત્રને નવા મુકામ પર પહોંચાડવાની અપ્રતિમ શક્તિ ધરાવે છે. મેં જોયું કે અખબારોમાં એમનાં લખાણથી એમણે બહોળી લોકચાહના મેળવી, કારણ કે એમના વિષયોનો વ્યાપ એટલો બધો છે કે કલ્પના પણ ન આવે ! જૈન ધર્મ હોય કે શ્રીમદ્ ભગવતગીતાની વાત હોય, પત્રકારત્વના નવા પ્રવાહોની ચર્ચા હોય, સ્પોર્ટ્સની સમીક્ષાના લેખો હોય કે પછી આધ્યાત્મિક લેખો હોય – બધી જ બાબતો એમની બહુમુખી પ્રતિભા અને લેખનશૈલીમાં વિવિધતા અને ઊંડાણનો આપણને પરિચય કરાવે છે.
માત્ર બાર વર્ષની વયે લેખનકાર્યનો પ્રારંભ કરનાર એમણે વિપુલ સાહિત્યસર્જન કર્યું છે, જેનું સૌ કોઇ સાક્ષી છે. દર અઠવાડિયે ‘ઈંટ અને ઇમારત’, ‘જાણ્યું છતાં અજાણ્યું’, ‘પારિજાતનો પરિસંવાદ’, ‘ઝાકળ બન્યું મોતી’ અને ‘આકાશની ઓળખ’ એમ પાંચ-પાંચ કૉલમ ‘ગુજરાત સમાચાર’માં નિયમિત રીતે પ્રગટ થાય છે. એમાં કેટલીક કૉલમ તો અડધી સદીથી વધુ સમયથી ચાલે છે. ‘ઈંટ અને ઇમારત’ છેલ્લાં 54 વર્ષથી તેઓ લખે છે, જે દર ગુરુવારે નિયમિત રૂપે ‘ગુજરાત સમાચાર’માં પ્રગટ થતી રહે છે. એવી જ રીતે’જાણ્યું છતાં અજાણ્યું’ કૉલમ પણ તેઓ ‘મુનીન્દ્ર’ના ઉપનામથી લખે છે તે 50 વર્ષથી વધુ સમયથી આધ્યાત્મિક જિજ્ઞાસુઓને આકર્ષતી રહી છે. ઘણાં વર્ષો સુધી દર રવિવારે ક્રિકેટજગતનાં એમનાં જે લેખો આવતા તેમાં ધુરંધર ક્રિકેટરોની અંગત ખાસિયતો, વર્ષો જૂના રેકૉર્ડની તવારીખો અને ક્રિકેટ શૃંખલાઓનું એમનું જે ઍનાલિસીસ આવતું તે અદ્વિતીય અને માહિતીસભર રહેતું જે ખાસ કરીને ક્રિકેટનાં શોખીનો માટે માહિતીના સંગ્રહસ્થાન જેવું ગણાતું હતુ. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિ અને જૈનદર્શનના પ્રચાર- પ્રસાર માટે એમણે દેશ અને વિદેશમાં પ્રવચનો આપ્યાં છે. 1893માં સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ પરિષદમાં વક્તવ્ય આપીને ભારતની સંસ્કૃતિનો જયનાદ કર્યો હતો, તો 1993માં કુમારપાળભાઈએ સ્વામી વિવેકાનંદજીના શતાબ્દી પ્રસંગે વક્તવ્ય આપ્યું હતું.
એમનાં હસ્તે લખાયેલ દોઢસો જેટલા એમના ગ્રંથોમાં કેટલાકની બે-બે અને ત્રણ- ત્રણ આવૃત્તિઓ થયેલી છે. તેઓ મારા ગુરુજન છે. હંમેશાં શાંત, સ્વસ્થ પ્રકૃતિ, અવિરત કર્મયોગ અને સહુને સાથે લઈને ચાલવાની કુશળતા એ એમની ખાસ લાક્ષણિકતા છે, વર્ષ 2004માં એમની યશસ્વી લેખન કામગીરી સંદર્ભમાં ભારત સરકાર તરફથી એમને ‘પદ્મશ્રી’ ના ખિતાબથી નવાજવામાં આવ્યા. તાજેતરમાં બ્રિટનની પાર્લમેન્ટના વિલ્સન હૉલમાં એમને “અહિંસા ઍવૉર્ડ” એનાયત કરવામાં આવ્યો. આજે એમની રાહબરી હેઠળ “ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સંસ્થા” સમગ્ર ગુજરાતી સાહિત્ય, કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતી એક વટવૃક્ષ સમાન સંસ્થા બની ગઈ છે. તેઓશ્રી દ્વારા સંપાદિત થયેલ સંખ્યાબંધ પુસ્તકોનો વ્યાપ જોતાં તેમનું ૨સક્ષેત્ર કેટલું વિશાળ છે તેનો અંદાજ આવે છે.
એમની એક વિશિષ્ટ સિદ્ધિ ગણાવું તો ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ, જૈનદર્શન,ગાંધીસંશોધન અને શાંતિ- સંશોધન –એમ પાંચ વિષયોમાંપીએચ.ડી.ની ડિગ્રી માટે તેઓએ ‘ગાઇડ’ તરીકે સેવાઓ આપી છે અને તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ 22 થી વધારે વિધાર્થીઓએ ‘ડૉક્ટરેટ’ની પદવી પ્રાપ્ત કરી છે, ઉપરાંત વર્ષ 2022માં ચાર સાધ્વીજીઓએ પણ પીએચ.ડી.ની પદવી મેળવી.
ડૉ. કુમારપાળ દેસાઈ હજી વર્ષોવર્ષ સુધી તેમની આગવી લેખનશૈલી અને વિવિધતાસભર મૂલ્યવાન લેખનશક્તિથી ગુજરાતના સાહિત્યજગતને વધુને વધુ સમૃદ્ધ બનાવે અને તે માટે એમને સ્વસ્થ, તંદુરસ્ત, દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય એવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
નરહરિ અમીન
સંસદ સભ્ય, રાજ્યસભાના પૂર્વ નાયબ મુખ્યમંત્રી, ગુજરાત