કુમારપાળ દેસાઈ, તેમનાં ખમીર અને ખમીરવંતી દેશદાઝથી રંગાયેલા, આઝાદી ચળવળના સાક્ષી અને સહભાગી કુટુંબની સાથે મારો પરિચય ઘણાં લાંબાં વર્ષોનો છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી અમે તેમની સાથે એક જ સોસાયટીમાં રહીએ છીએ.
તેમની બાલ્યાવસ્થાથી અત્યાર સુધીનાં વિરાટ કદમોને નજીકથી જોવાનો લ્હાવો મળ્યો તે પણ એક કુદરતી સંકેત જ. બગીચાના કોક અણજાણ ખૂણે જન્મેલા ગુલાબને પોતાની હાજરીની નોબત વગાડવી પડતી નથી. એનું કામ તો પવન જ કરી આપે છે. સારાં કામના કરનારને બોલવું પડતું નથી, એનું કામ જ બોલે છે અને આ રીતે કુમારપાળનું કામ જ એના નામની આહલેક પોકારે છે.
તેમના પરિચયના ત્રણ તબક્કા જણાવતાં મને વધુ આનંદ આવશે. પ્રથમ તબક્કો ૧૯૭૫ સુધીનો, બીજો તબક્કો ૧૯૯૦ સુધીનો, ત્રીજો તબક્કો ૨૦૦૪ સુધીનો. આ દરમિયાન તેમની ઇમારતનું સર્જન જૈન દર્શનની પરિભાષામાં કહું તો શિલાસ્થાપનથી આકાશને આંબતી ઇમારતનાં ચણતર ઊંચાં ને ઊંચાં થતાં ગયાં અને અમારા સહુનો તેઓને સ્વજનરૂપે પામવાનો આનંદ પણ વધતો રહ્યો.
પ્રથમનો તબક્કો કુમારભાઈના શિક્ષણનો અને તે સમયે હું પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. બંને વચ્ચે માત્ર ચાર વર્ષનો ગાળો એટલે અભ્યાસ અંગેનો પરિચય રહેતો, પણ વધુ પરિચય તેઓનાં પિતાનો તથા માતાનો. કોઈ પણ પ્રસંગે તેઓને મળ્યા વગર અથવા તો તેઓની સલાહ વગર આગળ વધવાનું જ નહીં. ત્યાં સુધી કે એન્જિનિયર થયા બાદ પણ પ્રથમ ક્યાં સર્વિસે જવાનું તે પણ તેમના પિતાએ જ નક્કી કર્યું હતું. તેઓનાં માતુશ્રી એટલે સ્વસ્થતાનું સરનામું. તેમના માટે કોઈ વ્યક્તિ અલાયદો નહીં કે કોઈ જુદો નહીં. આવા વાતાવરણમાં થયેલો તેમનો ઉછેર દીપકમાં જ્યોત પ્રમાણે ઝગમગી રહ્યો. તે દરમિયાન કુમારપાળ વાચન અને લેખનની અનેક પ્રવૃત્તિમાં સતત ડૂબેલા જોવા મળતા. ખૂબ જ શરમાળ પ્રકૃતિ અને ગાઢ આત્મીયતા તેમના લોહીમાં જ.
આ દરમિયાન તેમના પિતાશ્રીએ મને નોકરીમાંથી રાજીનામું આપીને અંગત સાહસ કરી વ્યવસાય કરવાની સલાહ આપી. જો એ સ્વીકારી ન હોત તો અત્યારે આટલી પ્રગતિ પ્રાપ્ત કરી છે, તે થઈ ન હોત. આ તેમના કુટુંબનો અમારા પરનો ઉપકાર. કુમારપાળની લેખનપ્રવૃત્તિ ચાલતી રહી અને અમે એ પ્રવૃત્તિથી અલગ હોવા છતાં એમના દરેક પુસ્તકની પ્રત અચૂક પહોંચાડે અને તે રીતે તેઓની સાહિત્યિક પ્રવૃત્તિથી માહિતગાર રાખતા રહે. બિલકુલ અભિમાન નહીં અને પ્રવૃત્તિનું ગુમાન પણ નહીં. આ રીતે કુમારપાળની સર્જનયાત્રા વિશાળ ફલકને આંબતી રહી. આજે એમના પિતાશ્રી હાજર હોત તો તેઓ કેટલા બધા ખુશ થયા હોત ! લાલ ગુલાબ'થી કુમારપાળ વધુ ખ્યાતિ પામ્યા.આનંદઘનજી’નાં પદો અને સ્તવનોથી અને અનેક હસ્તપ્રતોના અભ્યાસથી તેઓએ પીએચ.ડી.ની પદવી પણ પ્રાપ્ત કરી અને યોગી આનંદઘનજીના કવિત્વની આછેરી ઝલકનો પ્રકાશ સમાજને આપ્યો.
કુમારપાળની હરણફાળમાં એમના સમગ્ર કુટુંબનું યોગદાન રહ્યું છે. પ્રતિમાબહેન પણ હરહંમેશ તેઓની સાથે દોડતાં રહ્યાં અને સથવારો આપતાં રહ્યાં ! કુટુંબભાવના અનેરી. કુમારભાઈને ત્યાં જ સોસાયટીની મિટિંગો થાય અને તેમનું માર્ગદર્શન મળે. અત્યંત સૌમ્યતાથી અનેકની સાથે પ્રેમથી કુમારભાઈને કાર્ય કરતા જોવા તે પણ એક આનંદદાયક બાબત છે. સોસાયટીમાં પ્રેમાળ વાતાવરણ અને કુટુંબભાવનાનું સર્જન તેમના થકી જ થયું અને થઈ રહ્યું છે. દરેકની આગતા-સ્વાગતા એક સૌરાષ્ટ્રના નરકેસરીને શોભે તેવી. પિતા તથા માતાનાં સંસ્કારસિંચન અને આતિથ્ય તેઓમાં પણ મળે. વક્તા તરીકે બોલવાની રીત એવી કે સાંભળતાં જ રહીએ અને એકાદ-બે કલાક ક્યાં પસાર થઈ જાય તેની ખબર ના પડે. તેઓના સંસ્કાર પણ ગજબના. કુમારપાળ વિદેશના પ્રવાસે જાય ત્યારે તેમનાં માતુશ્રીને પછી પણ પહેલાં મારાં માતુશ્રીને પગે લાગીને આશીર્વાદ મેળવીને જાય. મારાં માતુશ્રી ૯૭ વર્ષનાં હતાં, ત્યાં સુધી તેઓ નમ્ર ભાવે વિદેશ જતાં પૂર્વે અચૂક આવે. આટલી આત્મીયતા અમારા પરિવાર સાથે એમની છે.
બીજા તબક્કા દરમિયાન અંગત રીતે ઘણું મળવાનું થયું. અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે, કારોબારીના સભ્યો તરીકે અગર બીજી અનેક રીતે તેઓનો પરિચય વધતો જ રહ્યો. તેઓની અનિલ ગાંધી સાથે ખાસ કરીને ‘શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શનભવન ટ્રસ્ટ'ની અનેક પ્રવૃત્તિ સાથે કરવાનો મોકો મળ્યો. તે ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે તેઓ મને ખૂબ જ લાભદાયક સહયોગ આપતા રહ્યા અને ટ્રસ્ટની અનેકવિધ પ્રવૃત્તિ દરમિયાન તેઓએ અમારા પ્રકાશનમાં અનેરું યોગદાન આપ્યું.‘Glory of Jainism’, ‘જિનશાસનની કીર્તિગાથા', ‘જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો’ વગેરે અનેક પ્રકાશનોમાં તેમણે સક્રિય ફાળો આપ્યો. અને કદાચ તેઓની પ્રવૃત્તિ અને યોગદાનથી અમારી સંસ્થાને દેશ-વિદેશમાં ખૂબ જ પ્રસિદ્ધિ અપાવી.
‘જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો' – ‘Essence of Jainism’ની ઘણી બધી પ્રતો વિદેશમાં પહોંચી અને ૧૯૯૩ની જૈન પાર્લમેન્ટમાં પણ આ ગ્રંથની બે લાખથી વધુ નકલો પહોંચી. વીરચંદ રાધવજી ગાંધીની સો વર્ષ પહેલાંની યાદગાર યાત્રાનું સ્મરણ પણ તેઓની ચીવટથી ખૂબ યોગ્ય રીતે થયું. ‘ડ્યૂક ઑફ એડિનબરો'ને પણ ૧૦૮ તીર્થદર્શનનાં ચિત્રો તેમના મારફત જ ભેટ આપી શકાયાં અને જૈન ધર્મની ઉત્તમ સેવા તેઓની ફળશ્રુતિ બની રહી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની નવમી જન્મશતાબ્દી તથા ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની ૩૦૦ વર્ષની જન્મજયંતી સમયે પણ તેઓની સાથે આ બંને સંસ્થાના સેક્રેટરી તરીકે મને પણ યોગ્ય માર્ગદર્શન મળ્યું.‘હૈમસ્મૃતિ’ અને ‘યશોભારતી'નાં પ્રકાશનમાં તેઓની સાથે કામ કરવાનો મોકો મળ્યો તે બદલ ધન્યતા અનુભવું છું. આ જ રીતે હિંદીમાં પણ जिनशासन की कीर्तिगाथा। નામક અમારા પુસ્તકમાં તેઓનું યોગદાન જ મહત્ત્વનું રહ્યું અને એ દ્વારા જૈન ધર્મના સિદ્ધાંતો અને જૈન ધર્મનાં વિભિન્ન પાસાં પર પ્રકાશ પાડ્યો છે. આ દરમિયાન તેઓનું સ્મિત અને નાનામાં નાના માણસ સાથે પ્રેમપૂર્વક વ્યવહાર અને વ્યક્તિત્વની જીવનશૈલી નજીકથી જોવાની તક સાંપડી.
આ જ રીતે અમારા ચંદ્રોદય ચૅરિટેબલ ઍન્ડ રિલિજસ ટ્રસ્ટ તરફથી પ્રકાશિત ‘અંગૂઠે અમૃત વસે’ પુસ્તકનું લેખન પણ તેમના ઔદાર્યપૂર્ણ સહયોગથી થયું અને આ ગ્રંથ જૈન સમાજમાં અનેરી ભાત પાડતો ગ્રંથ બન્યો. તેઓનાં સૂચન મુજબ પાનાંના અડધા ભાગમાં ચિત્ર અને અડધા ભાગમાં લખાણની આયોજન પદ્ધતિ સહુને પસંદ પડી. કુમારભાઈ ગ્રંથલેખન કરીને પોતાના કાર્યની ઇતિશ્રી માનતા નથી, બલકે સ્વયં એની ગોઠવણી અને આયોજન માટે પ્રેસમાં જઈને માર્ગદર્શન આપે છે. પરિણામે એમણે લખેલાં કે સંપાદન કરેલાં પુસ્તકો એના ઉત્કૃષ્ટ મુદ્રણ માટે પણ ધ્યાન ખેંચે છે. Glory of Jainism A Pinnacle of Spirituality કે Tirthankara Mahavira એ અંગ્રેજી ભાષામાં રચાયેલા ગ્રંથોની પાછળ એમની મુદ્રણની ઉત્કૃષ્ટ સૂઝ પ્રગટ થાય છે. તેને પરિણામે આ પ્રકાશનો આંતરરાષ્ટ્રીય સ્તરનાં બની રહ્યાં છે.
તેઓની દર વખતે નવાં સૂચનો કરવાની શૈલી અનોખી, મૌલિક તથા દૂરંદેશી બતાવનારી હોય છે. મને હરહંમેશ જણાવતા કે તમારી સંસ્થા દ્વારા એમ.એ., એમ.ફિલ. અને પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપો. મને કહેતાં આનંદ થાય છે કે તેઓએ અમારી સંસ્થા માટે અનેક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાવવા ખૂબ જ જહેમત લીધી અને અમારી સંસ્થા દ્વારા એક ઉદ્દીપકનું કાર્ય કર્યું. આવા વિરાટકાય માનવીને કેવી રીતે મૂલવવો તે જ પ્રશ્ર.
તેઓનો એક ખાસ શોખ એ છે કે તેઓ જે કાંઈ નવું વિચારે, તેમાં અમારા જેવાને અચૂક સાંકળે. તેઓની સાથે અનેક સંસ્થામાં ટ્રસ્ટી તરીકે કાર્ય કરાવવાનો ખરો યશ તેમને કારણે મળ્યો. દરેકને સારું કાર્ય કરાવવાનું પ્લૅટફૉર્મ આપીને, યોગ્ય સહયોગ આપીને અનેકને સથવારો આપવાનું અમૂલ્ય કાર્ય કરવું તે એમની એક આગવી મૂડી છે. અને સામી વ્યક્તિમાં રહેલી અખૂટ શક્તિને બહાર લાવવાનું અનેરું કાર્ય તેઓની કાર્યશૈલીનો એક ભાગ છે.
આટલી વિરાટ આગેકૂચમાં તેઓ કદી પોતાના જ્ઞાતિના બંધુજનોને વીસર્યા નથી. મારી સાથે ઝાલાવાડ વીસાશ્રીમાળી જૈનસંઘમાં ટ્રસ્ટી તરીકે અમૂલ્ય સેવા આપી રહ્યા છે. પોતાના જ્ઞાતિબંધુ માટેની અનેકવિધ પ્રવૃત્તિઓમાં, જેવી કે મેડિકલ, સાધર્મિક, શૈક્ષણિક તથા સંસ્થાના સિનિયર સભ્યોનું યોગ્ય સંકલન જાળવી રાખીને અનેક સખાવતો સાથે સલાહસૂચન આપતા રહ્યા છે. જ્ઞાતિજનોએ તેમના સન્માનની વાત કરી, ત્યારે `તમારામાંનો જ એક છું’ એમ કહીને એમણે સન્માનની વાત ટાળી હતી. પોતાના જ્ઞાતિબંધુ માટેની ખંત અને લાગણીનો ધોધ સતત વહાવતા રહ્યા છે. અંતમાં તેઓની ખૂબ પ્રગતિ થાય અને સમાજને ખૂબ જ ઉપયોગી બને તેવી અભિલાષા સેવું છું.
અનિલ ગાંધી
એન્જિનિયર, ધાર્મિક કાર્યોમાં અગ્રેસર