કુમારપાળ દેસાઈના પિતાશ્રી બાલાભાઈ ‘જયભિખ્ખુ'ને પ્રથમ વાર મળી ત્યારે એક ઓછા ઉજાસવાળા પ્રેસના રૂમમાં મિત્રો વચ્ચે એ બેઠા હતા. આંખે જાડાં ચશ્માં હતાં. આવી અંધારી ઑફિસમાં આનંદથી કામ કરતા એમને જોઈને મેં પૂછયું,‘આ આંખે આટલો પરિશ્રમ કરો છો તો પ્રકાશિત ઓરડામાં બેસો ને !’ એમણે કહ્યું, ‘અહીં જચી ગયું છે. એકલી આંખને ક્યાં જીવનમાં શ્રમ આપ્યો છે ? એ તો મગજ દોડે છે, પેન દોડે છે એની સાથે મૂંગે મૂંગું કામ કરે છે.’ ત્યાર પછી તો અનેક વાર એમને મળવાનું થયું. એમનાં પત્ની જયાબહેનનો પણ પરિચય થયો. એમની મહેમાનગતિ ચાખી અને ઘરમાં સુખી દાંપત્યનાં દર્શન કર્યાં. બાલાભાઈ ‘ગુજરાત સમાચાર’માં 'ઈંટ અને ઇમારત' લખતા અને જે પદ્ધતિથી તેઓ લખતા તે જ ભાઈ કુમારપાળે વારસાગત રીતે ચાલુ રાખી છે. બોધાત્મક ટૂંકી વાર્તા, બીરબલની હાજરજવાબી એ સહુ કોઈનું આકર્ષણ છે. આજે ગુરુવાર છે એ ચોકસાઈ 'ઈંટ- ઇમારત’ ઉપરથી નક્કી થતું. વર્તમાન સંજોગો પ્રમાણે વાર્તાના આધારે એ નાનકડી કૉલમ જનતાને ઉદ્દેશીને કેટલું બધું કહી જાય છે ! પેનની તાકાતનો પરિચય આ ટૂંકી કૉલમમાં જોવા મળે છે. પિતા-પુત્રને સરસ્વતીનું વરદાન મળ્યું છે અને કુમારપાળ જનભોગ્ય સાહિત્ય સાથે વાચકોને વિકાસના પંથે લઈ જવાનું કાર્ય કરે છે.
બાલાભાઈ અત્યંત પ્રેમાળ, ઉદાર અને અન્યના ઉપયોગમાં આવવાનું કાર્ય કરતા. ગળાની તકલીફને કારણે એમના અવાજમાં ઘરઘરાટ રહેતો, પણ એમનું લખાણ સ્વચ્છ, મુદ્દાસર અને સરળ હતું. મહિલાઓ સરસ કાર્ય કરે તો તેઓ તેને પ્રોત્સાહિત કરતા. ‘ચારુમતી યોદ્ધા ગુજરાતનું રત્ન છે' એમ લખી એમણે એમને બિરદાવ્યાં. ધોતિયું, કફની બંડી અને ખાદીની સફેદ ટોપી સાથે બાલાભાઈ આકાશવાણીમાં પ્રવેશ કરે ત્યારે એમની વાતો સાંભળવા કાર્યક્રમ-નિયોજકો ભેગા મળતા. ડાયરો જમાવી અનેક સુંદર પ્રસંગકથાઓ કરતા. એમનાં લખાણ માટે ક્યારેય સ્મૃતિપત્ર પાઠવવો પડ્યો નથી. નિયમ અને સમયમાં ચૂક નહિ. મુદ્દાસર લોકબોલીમાં સરળ ભાષામાં તેમનું લખાણ શ્રોતાઓને અત્યંત પ્રિય હતું.
કુમારપાળની પાસે આ બધા વારસાગત લાભ હોવા સાથે વાણીની છટા અને વિનોદ જગાવતા ટુચકા એ એમની વિશિષ્ટતા છે. એમનું વક્તવ્ય હંમેશાં મુદ્દાસર અને સમયપાલનને અનુસરતું હોય છે. ક્યારે સમાપ્ત કરવું એની આગવી સૂઝ એમના વક્તવ્યમાં હોય છે અને એના કારણે જ શ્રોતાજનો ઇચ્છતા હોય કે તેઓ હજી બોલે, ત્યારે તેઓએ પૂર્ણવિરામ મૂકી દીધું હોય. સારા વક્તાએ ક્યાં, ક્યારે અને કેમ અટકવું એનો ખ્યાલ હોવો જોઈએ, જે કુમારપાળના વક્તવ્યમાં હંમેશાં જોવા મળે. સ્પષ્ટવક્તા, મધુર ખુલ્લો અવાજ, નવીન વિચારધારા – આ બધાંને કારણે તેઓ ઉત્તમ વક્તા છે. ઊંડા અભ્યાસી હોવાના કારણે દેશ-પરદેશમાં પણ તેઓએ સરસ નામના મેળવી છે. આત્મીયતા એ પિતા-પુત્રનો સરસ વારસો છે. તમે પરિવારના જ હો એવી ભાવના સાથે તમારો સંબંધ ચાલુ રાખે એ એમની વિશિષ્ટતા છે. મેં ક્યારેય પિતા-પુત્રને લઘરવઘર જોયા નથી.
કુમારપાળ પાટલૂન-બુશર્ટમાં, માથાના વાળ જરાય વિખરાયા ના હોય અને તાજા જ સ્નાન કરીને આવ્યા હોય એવા સ્ફૂર્તિદાયક જોવા મળે. શાલીનતા, સુજનતા અને નમ્રતા એમની રક્તવાહિનીઓમાં છે. તેઓ જે સમિતિમાં હોય એ સમિતિનો અભ્યાસ કરી સમયબદ્ધ રીતે હાજરી આપી કાર્ય પૂરું કરે. એમનું સમિતિમાં હોવું એ ગૌરવ છે. જૈન સાહિત્યનો એમનો અભ્યાસ ઊંડો અને વિશિષ્ટ છે. એના પ્રચારક કરતાં એનું ઊંડાણ સમજાવવાનો એમનો પ્રયત્ન પાવનકારી છે. આ અભ્યાસ દ્વારા તેઓ સતત જીવનમૂલ્યોની સમજ કેળવતા રહ્યા છે. કુમારપાળે પદ્મશ્રી સ્વીકારવાની સંમતિ આપી ગુજરાતને ગૌરવ બક્ષ્યું છે.
એમને અનેક ઍવૉર્ડો પ્રાપ્ત થયા છતાં અહમ્ ભાવ કે આછકલાપણું એમનામાં ડોકાતું નથી. પિતાજીને કારણે અને એમના સ્વવર્તુળને કારણે અનેક વિશિષ્ટ વ્યક્તિઓના પરિચયમાં આવવાનું થયું એને તેઓ સદ્ભાગ્ય અને જીવનની ધન્યતા સમજે છે. વિવિધ ક્ષેત્રનો એમનો અભ્યાસ, શિક્ષણ, સાહિત્ય, આધ્યાત્મિક અને સાથે જીવનનો ઉમંગ, રમતગમતના પણ તેઓ ઊંડા અભ્યાસી છે. ગુજરાતમાં કિકેટ-પ્રેમીઓને રમત વિશે વિવિધ માહિતી પૂરી પાડવામાં તેમનો ફાળો અમૂલ્ય છે.
કાર્ય એ જ પ્રાર્થના છે’ એ સૂત્રને વરેલા પિતા-પુત્રની બેલડી જીવનમાં પણ સેવામંત્રને સદાય પ્રાધાન્ય આપતા રહ્યા છે. સ્વચ્છતા, સુદૃઢતા, સરળતા અને શાલીનતા એમના રોજિંદા સાથીઓ છે. મને એક વાતનો અફસોસ એ છે કે હું જ્યારે મુંબઈ હતી ત્યારે બાલાભાઈએ ખાસ આગ્રહ કરી મને મજાદર દુલાભાઈ કાગને ત્યાં આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. મુંબઈના વ્યસ્ત જીવન પછી અમદાવાદનું આકર્ષણ એવું હતું કે હું અમદાવાદમાં આવી અને મજાદર ન ગઈ. મારા જેટલો જ રંજ એમને રહ્યો. તેની વાતો તેઓ અનેક વાર કરતા અને મારી ગેરહાજરીની નોંધ અંગે દિલસોજી વ્યક્ત કરતા. બાલાભાઈનું અવસાન અને એમની આખરી છબિ આજે પણ તાદૃશ છે. એમના જેવા આપ્તજન ગુમાવ્યા એનો ખાલીપો છે તો પુત્રરત્ન વારસામાં આપી એમણે એ ખોટ પૂરી કરી છે. ભાઈ કુમારપાળ કોઈ પણ ઍવૉર્ડથી ફુલાઈ જતા નથી કે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત ન થતાં દુઃખી થતા નથી, પણ એમને જે કંઈ પ્રાપ્ત થાય છે તેનાથી આપ્તજન અતિ આનંદ અનુભવે છે. ગુણકારી વ્યક્તિની પ્રતિષ્ઠા થવી જ જોઈએ. તો જ રત્ન જળવાઈ રહે. ભાઈ કુમારપાળ – આવું જ એક રત્ન ગુજરાતને સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા અર્થે પ્રાપ્ત થયું છે.
વસુબહેન
આકાશવાણીમાં વિશિષ્ટ આયોજનો કરનાર, સાહિત્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે કાર્ય કરનાર.