મારી શુભકામનાઓ

આપણા સ્વજન, આપણા વડીલ અને આપણા જૈન સમાજનું ગૌરવ એવા કુમારપાળભાઈને ભારત સરકારે ‘પદ્મશ્રી’થી નવાજ્યા છે, એ પણ ભારતનો અત્યંત પ્રતિષ્ઠિત ઍવૉર્ડ છે. એ પછી બ્રિટિશ પાર્લમેન્ટમાં એમને અહિંસા ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે, તે આપણા સૌને માટે ગૌરવની બાબત છે. કુમારપાળભાઈનું વાંચન, લેખન, એમના વિચારો, વ્યાખ્યાનો બધું જ પ્રભાવશાળી છે. સાહિત્યના ક્ષેત્રમાં એમને ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ પારિતોષિક રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે, તો શિક્ષણક્ષેત્રે પણ ગુજરાત યુનિવર્સિટીના ડીન અને અહિંસા યુનિવર્સિટીના પ્રોજેક્ટના ચેરમેન તરીકે એમણે કાર્ય કર્યું છે. એમના માર્ગદર્શન હેઠળ 22 વ્યક્તિઓએ પીએચ.ડી.ની પદવી મેળવી છે. વિશેષ તો એમાં પાંચ જૈન સાધ્વીજીઓ છે. આજે એમની રાહબરી હેઠળ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ગુજરાતની એક અગ્રણી સંસ્થા બની રહ્યું છે અને માતૃભાષા ગુજરાતીનું અનેક રીતે સુંદર રીતે કાર્ય થાય છે.

વળી જૈન તત્વદર્શનનો ઊંડો અભ્યાસ કરીને પછી લેખન દ્વારા એમણે એક વિશ્વફલક પર મૂકી આપ્યું છે. વિશ્વમાં પર્યુષણપર્વ નિમિત્તે કે અન્ય પ્રસંગે એમનાં અનેક વ્યાખ્યાનો થતાં રહે છે. હું માનું છું કે સાધુ-સંતો સિવાય બહુ ઓછા ગૃહસ્થો આ ભૂમિકામાં કામ કરતા હોય છે, તેમાંના એક કુમારપાળભાઈ છે. સાહિત્ય પર એમનું પ્રભુત્વ છે. ગુજરાત વિશ્વકોશ દ્વારા ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ જાળવવાનો પ્રયાસ કર્યો છે. આવું ન થાય તો ધીરે ધીરે ભાષા લુપ્ત થઈ જાય. આપણી ભાષા અત્યંત સમૃદ્ધ છે. આચાર્ય હેમચંદ્રાચાર્યજીના વખતથી આ બધું સચવાતું આવ્યું છે. એમણે કરેલાં કાર્યો, એમણે કરેલી મહેનત કુમારપાળભાઈ જેવા લોકોએ હજી સાચવી છે. હું માનું છું કે સાહિત્યમાં એમનું બહુ મોટું યોગદાન રહ્યું છે. ભગવાન મહાવીરના સંતાન તરીકે પણ ભગવાન મહાવીરનો સંદેશ એમના વિચારો અને આપણી જૈન આધ્યાત્મિક દૃષ્ટિને એમણે જે રીતે ફલિત કરી છે અને એમના દ્વારા બહુ મોટું કામ થયું છે. કેવું જીવો એ બહુ મહત્વનું છે. એમના જીવનનાં બધાં કામોને/કાર્યોને આજે એક સ્તરે કુમારપાળભાઈ લઈ ગયા છે. વર્તમાનપત્રોમાં આવતાં એમનાં વૈવિધ્યસભર કૉલમ ગુજરાતી પ્રજાને સંસ્કારસભર વાતાવરણ પૂરું પાડે છે. એમને અનેક જગ્યાએથી ઍવૉર્ડથી નવાજ્યા છે. અહિંસા જ્યારે આખી દુનિયા અપનાવશે ત્યારે જ દુનિયામાં શાંતિ થવાની છે. અહિંસા જેટલી વિશાળ છે એટલી સૂક્ષ્મ પણ છે. આ અહિંસાને સાચા અર્થમાં સમજીને જનસમુદાય સમક્ષ મૂકવી એ ઘણું અઘરું છે. ભગવાન મહાવીરના કાનમાં કાષ્ટશૂળ ખોસ્યા ત્યારે એમને પીડા થઈ હશે, એમણે સહન કર્યું તો ભગવાન મહાવીર થયા. મહાત્મા ગાંધીથી માંડીને નેલ્સન મંડેલા સુધીના લોકોએ ઘણું બધું સહન કરીને પણ અહિંસાને છોડી નહિ. અહિંસા એ જ ઉકેલ છે ત્યારે આવો ભવ્ય ઍવૉર્ડ એમને પ્રાપ્ત થયો છે એ આપણા બધા માટે ખૂબ ખુશીની વાત છે. મારા હસ્તે વિશ્વગુજરાતી સમાજનો ‘કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા’ ઍવૉર્ડ કુમારપાળભાઈને એનાયત થયો, ત્યારે મેં કહ્યું હતું કે જેમના હાથે અમે ઍવૉર્ડ લેવા ઇચ્છીએ, એમને આજે ઍવૉર્ડ આપવાની તક મળી રહી છે.

કુમારપાળભાઈને ખૂબ શુભકામનાઓ પાઠવું છું. હજુ વધુ ને વધુ એમના દ્વારા લોકસેવાનાં કાર્યો થાય અને ઈશ્વર એમને તંદુરસ્તી અને દીર્ઘ આયુષ્ય બક્ષે તેવી પ્રાર્થના કરું છું.

વિજય રૂપાણી

પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑