સ્વામી પ્રેમપુરી આશ્રમના માધ્યમ દ્વારા ડૉ. કુમારપાળ દેસાઈના પરિચયમાં આવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. અંદાજે તેમના પરિચયમાં છેલ્લાં ૧૦ વર્ષથી છું. તેમની વિદ્વત્તા, સરળતા અને તેમનું વ્યક્તિત્વ કોઈને પણ તેમના પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરે તેવાં છે. તેમના વ્યક્તિત્વનું ઊડીને આંખે ચડે તેવું પાસું તેમની સુઘડતા અને સાદાઈ છે. તેમની એકસરખી વેશભૂષા – સફેદ પૅન્ટ અને સફેદ બુશશર્ટ ઘણી વાર જોવા મળે. સપ્રમાણ ઊંચાઈ અને શરીરનો મધ્યમ બાંધો, ખૂબ જ દેખાવડો ચહેરો તથા ચીવટપૂર્વક ઓળેલા વાળ સૌને મોહિત કરે તેવા છે. વિદ્વત્તા સાથે તેમની રજૂઆતની શૈલી અને ભાષા ઉપરનો કાબૂ વિષયને પૂરો ન્યાય આપે. તેમનો સ્વભાવ આડંબરરહિત અને તેમનો અભિગમ હંમેશાં હકારાત્મક વલણવાળો હોય છે. તેમના વર્તનમાં અત્યંત સાહજિકતા હોય છે અને તેમનો હંમેશાં હસતો ચહેરો સંપર્કમાં આવનાર સૌને પ્રભાવિત કરે છે.
પ્રેમપુરીની સાથેનો તેમનો સંબંધ સેવાભાવનાનો છે અને તે રીતે તેઓ કોઈ પણ પ્રકારની અપેક્ષા સિવાય તેમનાં પ્રવચનો આપવા પ્રેમપુરીમાં આવે છે. તેમની ચોકસાઈ, ચીવટ, કાળજી તેમના દરેક કાર્યમાં જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સક્રિય હોવા છતાં તેમનાં વાણી કે વર્તનમાં તેનો બોજો દેખાતો નથી. તેઓ કોઈ પણ વિષય ઉપર – આધ્યાત્મિક, ધાર્મિક કે સામાજિક તથા રમતગમતના ક્ષેત્ર વિશે – પ્રવચનો આપી શકે છે અને તેનો લાભ પ્રેમપુરીના શ્રોતાઓને વર્ષોથી મળી રહ્યો છે.
વ્યક્તિ તરીકે તેમના પરિચયમાં આવનાર દરેકને તેમની મૂળભૂત ખાનદાની તથા સેવાભાવનાનો અનુભવ થાય છે. સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, રમતગમત એવાં અનેક ક્ષેત્રોમાં તેમનું મહત્ત્વનું યોગદાન છે અને તે બધું હોવા છતાં તેઓ ખૂબ વિનમ્ર અને વિનયી વર્તન રાખે છે.
મુંબઈના પ્રેમપુરી આશ્રમમાં બહોળો શ્રોતાવર્ગ તેમનો ચાહક છે. તેમના પ્રવચનમાં જે દૃષ્ટાંતો આપે છે તે રોજિંદા જીવનમાં બનતા પ્રસંગોનાં હોવાને કારણે ખૂબ જ અસરકારક બની રહે છે અને પ્રવચનને થોડું હળવું કરવામાં ઉપયોગી થાય છે.
મને અંગત રીતે તેમના પરિચયથી ઘણું જાણવા-શીખવા મળેલ છે અને મારું સદ્ભાગ્ય છે કે તેમનો નિર્વ્યાજ પ્રેમ મને હંમેશાં મળતો રહે છે. જૈન ધર્મનું તેમનું જ્ઞાન વિશ્વસ્તરે આદર પામેલ છે અને તેમને અનેક પારિતોષિક અને ઍવૉર્ડો મળ્યાં છે. તેમના વિશે તેમની પ્રવૃત્તિના જુદા-જુદા ક્ષેત્રના પ્રદાનને દર્શાવતું પુસ્તક પ્રગટ થાય તે ખૂબ જ યોગ્ય છે અને તે સૌને પ્રેરણાદાયક તથા આદર્શરૂપ થાય તેવું છે.
આ પ્રસંગે તેમના પ્રત્યેનો મારો આદરભાવ વ્યક્ત કરતાં આનંદ અનુભવું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ હંમેશાં તંદુરસ્ત રહે, દીર્ઘાયુ થાય અને જીવનનાં જુદાં-જુદાં ક્ષેત્રે તેઓ વધુ ને વધુ યોગદાન આપતા રહે.
નટવરલાલ સી. દેસાઈ
જુદી જુદી સામાજિક સંસ્થાઓ અને શ્રી પ્રેમપુરી આશ્રમમાં સેવાકાર્ય કરનાર