ઈશ્વરે આપણને સૌને એક નિરાળું અને અદ્ભુત વ્યક્તિત્વ આપ્યું છે. આપણાં ચારિત્ર્ય, જ્ઞાનવૃત્તિઓ, વલણ, વિચારો, પુરુષાર્થ અને સેવાભાવનાનો સરવાળો કરીએ એટલે વ્યક્તિત્વ બને. માઇકલૅન્જેલોને કોઈકે પૂછ્યું, ‘તમે આ નિર્જીવ પથ્થરોમાંથી આવી સુંદર મૂર્તિઓનું ઘડતર કેવી રીતે કરો છો ?’ માઇકલૅન્જેલોનો જવાબ હતો, ‘આ સુંદર પ્રતિમાઓ તો પથ્થરોમાં હોય જ છે. હું તો માત્ર તેને ઢાંકી રાખતાં આવરણો દૂર કરું છું.’ આ ઉત્તર શિક્ષણ માટે વ્યક્તિત્વના ઘડતર માટે ખૂબ ઉપયોગી સંદર્ભ પૂરો પાડે છે.
લાખ ચોરાશી ભવોના ફોગટ ફેરા બાદ અતિ દુર્લભ માનવજન્મ પ્રાપ્ત થાય છે તેને સાર્થક કરવામાં આપણે સૌએ આપણા વ્યક્તિત્વનું ઘડતર ખૂબ કાળજીપૂર્વક કરવું જોઈએ. ડૉ. કુમારપાળ દેસાઈ એટલે વ્યક્તિત્વઘડતરના શ્રેષ્ઠ શિલ્પી. આપણે જ્યારે આપણી રુચિ અને ક્ષમતાને ઓળખીને જીવનના ઉચ્ચ આદર્શો સાકાર કરવા અવિરત પુરુષાર્થ કરીએ તો આપણે ડૉ. કુમારપાળ દેસાઈ જેવું બહુઆયામી વ્યક્તિત્વ ઘડી શકીએ.
ડૉ. કુમારપાળભાઈની જન્મજાત અને પરિવારના માહોલમાં રહેલી અભ્યાસવૃત્તિ, પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી જેવા પાસેથી પ્રાપ્ત થયેલી દિવ્યદૃષ્ટિ, પિતાશ્રીએ વારસામાં આપેલી ધીરજ અને પરિશ્રમવૃત્તિ, માતા તરફથી મળેલ સમતા અને સંબંધો ખીલવવાની કળા અને ધર્મના ઊંડા અભ્યાસ બાદ નક્કી કરેલાં ધ્યેયોને કારણે તેમણે અનેકવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું તે ઘટના ગુજરાતના ઇતિહાસની એક આગવી હકીકત છે.
સમર્થ લેખક, સજ્જ પત્રકાર, ઉત્તમ સાહિત્યસર્જક, કુશળ સંચાલક, વિદ્યાસંગી અને વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક, ધર્મ અને અધ્યાત્મને સામાન્ય લોકો સુધી પહોંચાડી તેમની સમજ કેળવનાર, રમતગમત – ખાસ કરીને ક્રિકેટની લોકપ્રિય રમતનાં તમામ પાસાંઓની રસપ્રદ છણાવટ, ગુજરાત વિશ્વકોશ મારફત ગુજરાતી ભાષાના શબ્દો અને જ્ઞાનના સીમાડાઓનો વિસ્તાર કરનાર અનેક સામાજિક સેવાના પ્રકલ્પોમાં કાર્યરત એવા ડૉ. કુમારપાળભાઈની સિદ્ધિઓની યાદી ખૂબ લાંબી બને. એક વાક્યમાં કહી શકીએ તો અનેક ક્ષેત્રોમાં પ્રવેશતા યુવાઓ માટે ડૉ. કુમારપાળભાઈ જેવા થવાની ખેવના મનમાં હોય છે. અગણિત લોકોના જીવનના આદર્શ (રોલ મૉડલ) બનવાની તેમની સિદ્ધિ એ જ એમના પુરુષાર્થનું મધુર ફળ.
ડૉ. કુમારપાળભાઈને પદ્મશ્રી, અહિંસા ઍવૉર્ડ સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માન-સન્માન પ્રાપ્ત થયાં છે. આટલાં સન્માન અને સફળતા બાદ તેમણે જાળવી રાખેલી નમ્રતા, સૌજન્યશીલતા અને વિશ્વસનીયતા સૌને આશ્ચર્યમાં મૂકી દે છે. ગુજરાતમાં જ નહીં પણ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં ડૉ. કુમારપાળભાઈની ઓળખ જ્ઞાની પુરુષ, પ્રભાવક વક્તા, નખશિખ સજ્જન; સાદગી, સમતા અને સંયમના ત્રિવેણીસંગમ તરીકેની છે.
છેલ્લા ત્રણ દાયકાના આત્મીય, પારિવારિક સંબંધો બાદ હું એટલું જ કહી શકું કે મારા જીવનના અહોભાગ્ય તરીકે મને ડૉ. કુમારપાળભાઈ સાથે નિકટનો પરિચય થયો. તેમની સાથે કામ કરવાનો લ્હાવો અને અનેક બાબતો જાણવા-શીખવા મળી છે.
સૌ સ્નેહી શુભેચ્છકો આ ગ્રંથ દ્વારા ડૉ. કુમારપાળ દેસાઈ પ્રત્યેની તેમની લાગણીઓ વ્યક્ત કરે છે ત્યારે તેમાં મારો સૂર પુરાવું છું. પ્રભુ તેમને નિરામય, દીર્ઘાયુ આપે અને સૌને તેમની સેવાનો લાભ મળતો રહે તેવી પ્રાર્થના.
પ્રવીણ ક. લહેરી
ગુજરાતના પાંચ પૂર્વ મુખ્ય પ્રધાનોના ચીફ સેક્રેટરી, લેખક, ચિંતક, સોમનાથ તીર્થના ટ્રસ્ટી