બાત નિકલેગી તો દૂર તક લે જાયેગી… કુમારપાળભાઈ સાથેની પહેલી મુલાકાત હજી એવી ને એવી યાદ છે. પાંચ દિવસની ખેડ યુવા શિબિરમાં કુમારપાળને અમે વક્તા તરીકે બોલાવાનું નક્કી કરેલું. અને આ સંદર્ભે કુમારપાળભાઈને મળવા હું ગુજરાત યુનિવર્સિટી ગયેલો ને કુમારપાળભાઈને મારો આછેરો પરિચય આપી – શિબિર વિશે વાત કરી. શિબિરની એક બેઠકમાં સંવાદ કરવા આવવા કહેલું ને ત્યારે કુમારપાળભાઈએ શિબિરમાં આવવાની હા પાડતા હોય એટલા જ પ્રેમથી શિબિરમાં આવવાની ના કહ્યાનું મને બરોબર યાદ છે ! ખરેખર ના પણ આટલા પ્રેમથી પાડી શકાય એ મને ત્યારે ખબર પડેલી…પણ મારા માટે અને વિશ્વગ્રામ માટે કુમારપાળભાઈની એ છેલ્લી ના હતી.
‘ના’માં જ એટલો પ્રેમ હતો કે ‘હા’માં કેટલો પ્રેમ હોય એ તો એ પછીનાં વીતેલાં 32 જેટલાં વરસોમાં લગભગ બધી જ મુલાકાતોમાં અમે કાયમ અનુભવતા આવ્યા છીએ. સતત અમારી કાળજી રાખતા હોય એવા વડીલ તરીકે અમે એમને અનુભવ્યા છે.
જ્યારે જ્યારે વિશ્વકોશમાં મળવા જવાનું થાય ત્યારે ત્યારે અમે બહારગામથી આવ્યા છીએ તેવા ખ્યાલ સાથેની એમની કાળજી સતત અનુભવાય. ચા-કૉફી વગેરેની સાથે એમના ટેબલ અંદર મૂકેલા ડબ્બાઓમાંથી નાસ્તો કાઢી આગ્રહપૂર્વક ખવડાવે જેથી અમે મોડી સાંજે કે રાત્રે અમદાવાદથી વિશ્વગ્રામ પહોંચીએ ત્યાં સુધીમાં ભૂખ્યા ના થઈએ !
જ્યારે જ્યારે વિશ્વકોશ અને વિશ્વગ્રામે સાથે મળીને કાર્યક્રમ યોજ્યો હોય એ પછી કુમાર પ્રશાંતની ગાંધીકથા હોય કે ગુલઝાર અહમદ ગનાઇનું કાશ્મીરી લોકગાન, સૂફીગાન કે પછી કોરોનામાં મા-બાપ ગુમાવનાર બાળકોને લઈને યોજેલ કાર્યક્રમ ત્યારે પણ એમની સતત કાળજી એ જ કે વિશ્વગ્રામને કોઈ આર્થિક બોજ ના પડે ! આ કાળજીની સાથે સાથે કામ કરવા-કરાવવાની કુશળતા પણ એટલી જ. 2011માં કીર્તિમંદિરથી ગાંધીઆશ્રમ સુધીની એક સ્નેહ-શાંતિ-સદભાવયાત્રા વિશ્વગ્રામે યોજેલી. શ્રદ્ધેય મોરારિબાપુએ આ યાત્રાને પ્રસ્થાન કરાવેલું અને સમાપન સ્વ. ચંદ્રશેખર ધર્માધિકારી દ્વારા થયેલું. લગભગ એક મહિના સુધી ચાલનારી આ વાહનયાત્રા વિશે કુમારપાળભાઈએ જેવું જાણ્યું કે તરત જ મને કહ્યું કે સંજય આ યાત્રામાં વિશ્વકોશના સઘળા ગ્રંથો લઈ જઈને એનું પ્રદર્શન ના યોજાય ? (આ લાંબી યાત્રામાં 80 હજારથી પણ વધુ લોકો સાથે આપણે વાર્તાલાપ યોજેલો અને આમાંના ઘણાબધા વિશ્વકોશનાં પાનાંઓને સ્પર્શેલા) સાથે સાથે પેલી કાળજી તો ખરી જ કે આ યાત્રામાં શામિલ એક વાહનનો ખર્ચ વિશ્વકોશ વહન કરશે. અલબત્ત, અમારા વિવેકે અમને એમ કરતાં રોકેલા !
કેમ ચાલે છે બધું ? કંઈ કામકાજ હોય તો કહેજે ! વિશ્વકોશમાં કોઈ કાર્યક્રમ રાખવો હોય તોપણ કહેજે ! વિશ્વકોશ દ્વારા શરૂ થયેલ સમાજસેવાનો સૌથી પહેલો ઍવૉર્ડ વિશ્વગ્રામને મળેલો. એમાં પણ વિશ્વકોશના સૌ વડીલોનો વિશેષ સ્નેહ કારણભૂત ખરો જ !
તુલા-સંજય
વિશ્વગ્રામ સંસ્થાના સ્થાપક અને સામાજિક કાર્યકર