શબ્દની સાધના અને અર્થની અભિવ્યક્તિની સિદ્ધિ જેના જીવનનું અવિભાજ્ય અંગ છે એ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની ઓળખ આપવી એટલે પતંગિયાની અવકાશયાત્રા બની જાય. મારી પાસે શબ્દો ટાંચા પડે છે.
ગુજરાતીના પ્રાધ્યાપક અને અનેક વર્તમાનપત્રોમાં નિયમિત કૉલમોમાં અને અનેક સામયિકો સાતત્યપૂર્વક લેખો પ્રદાન કરનાર કુમારપાળભાઈ મને તો ગંગાના સતત વહેતા પ્રવાહ જેમ શબ્દની સરિતા વહાવનાર એક સિદ્ધહસ્ત કલાકાર જણાયા છે.
ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે અને હવે સ્વયં પોતે વિશ્વકોશની પ્રવૃત્તિમાં સતત પ્રવૃત્ત રહ્યા અને આજે પણ છે. તેઓ વિશ્વવિશ્રુત, વિશ્વપ્રવાસી અને વિશ્વગુર્જરીના ઉપાસક છે. નિયમિતતા એમનો પર્યાય છે.
સત્ય અને પ્રિયસત્ય કેમ ઉચ્ચારવું તે પણ ‘અભય’ બનીને એ આપણે એમની પાસેથી શીખવું રહ્યું. મિત્રતાથી મશાલ એ સતત પ્રજ્વલિત રાખે છે.
કહેવાય છે કે પ્રાચીનનો અર્વાચીન સાથે સંયોગ થાય, ત્યારે શાશ્વતીનો અવતાર થાય છે. એમના લેખોમાં વેદ, ઉપનિષદ, ધમ્મપદ કે ઉત્તરાધ્યયનસૂત્ર યોગ કે ગીતા ઉપરાંત અનેક આધુનિક વિષયો અને વિદ્વાનોનો – તેઓના મતો કે માન્યતાઓનો નદી-નાવ સંયોગ છે. જે શાશ્વતનું સર્જન કરે છે.
સૌજન્ય જેનું બીજું નામ તે કુમારપાળ દેસાઈ. એમની સજ્જનતા મેં અનેકવાર માણી છે. મારા માટે તો એ SOS– સંકટની સાંકળ બન્યા છે. જ્યારે જ્યારે મેં એમનો પ્રત્યક્ષ કે દૂરભાષથી પરોક્ષ સંપર્ક કર્યો છે, ત્યારે ત્યારે હું એમની પાસેથી કાંઈક મેળવતો જ રહ્યો છું.
એમના સૌજન્યની પરાકાષ્ઠા મેં માણી. જ્યારે મારાં પત્ની શ્રીમતી નીલમનો દેહવિલય થયો, ત્યારે અત્યંત વ્યસ્ત હોવા છતાં મારે ઘેર પધાર્યા અને મને હૈયાધરણ મળે માટે એકથી દોઢ કલાક સુધી મિત્રગોષ્ઠી કરી, શાસ્ત્રચર્ચા પણ હળવાશથી કરી અને મારા અંગત દુઃખના ભાગીદાર પણ થયા, હું પણ હળવો થયો.
એમને ઈ. સ. 2005માં ‘પદ્મશ્રી’ મળ્યો તેનો આનંદ છે, પણ મને લાગે છે કે એ પુરસ્કારથી વિભૂષિત નથી થયા. પુરસ્કાર એમનાથી વિભૂષિત થયો છે અને ‘પદ્મશ્રી’ પણ મને તો એમની પ્રતિભા જોતાં નાનો લાગે છે.
તેઓ જીવનમાં હજુય અનેક ઊંચાઈને આંબી લે તેવી શુભેચ્છા અને પ્રભુપ્રાર્થના.
ડૉ. ગૌતમ પટેલ
સંસ્કૃતભાષાના પ્રખર વિદ્વાન, રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત અને સંસ્કૃત સેવા સમિતિના સ્થપક પ્રમુખ