ગુજરાતના પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ

ડૉ. કુમારપાળ દેસાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા ગુજરાતી છે, ભારતીય છે અને વિશ્વનાગરિક છે. તેમના વિશે વિવિધ ગ્રંથો અને લેખો દ્વારા ઘણું લખાયું છે. તેઓ માત્ર વ્યક્તિ જ નથી, પણ સંસ્થા છે, અને એક સામાજિક, શૈક્ષણિક, બૌદ્ધિક અને સાંસ્કૃતિક ફિનોમીના છે. આવાં કારણોસર આ લેખમાં પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલના ખ્યાલ(Concept)ને કુમારપાળની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સાંકળવામાં આવ્યો છે.

પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે શું ?

‘જાહેર બૌદ્ધિક’ એને કહેવાય જે વ્યક્તિગત તો સંસ્થાઓના સંદર્ભમાં સમાજનાં વિવિધ અંગોને જોડે છે. તેમજ પોતાનાં લખાણો, વક્તવ્યો, વાર્તાલાપો અને નૈતિક મૂલ્યોને આધારે સમાજને વધારે સારા, માનવતાવાદી અને પ્રગતિશીલ માર્ગ દરફ દોરે છે. અમેરિકન એજ્યુકેશનલ સાઇકોલૉજિસ્ટ એડવર્ડ થોર્નડાઇક (1874-1949), ઇટાલી માર્ક્ સવાદી બૌદ્ધિક એન્તોનિયો ગ્રાકશી (1891-1937), પેલેસ્ટીનિયન-અમેરિકન બૌદ્ધિક અને સાહિત્યકાર એડવર્ડ સઇદે (1935-2003) ‘પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ’નો ખ્યાલ સમજાવ્યો છે. તે મુજબ :

‘The public intellectual is a kind of an organic intellectual who accomplishes the function of connecting the masses of population through a web of social, emotional and literary relationship… A public intellectual is a person who engages in critical thinking, research and reflection about the reality of society. He connects people and provides them a new vision and direction for a better individual and revial life and order.’

સમાજમાં વિવિધ પ્રકારના જાહેર બૌદ્ધિકો પેદા થતા હોય છે. તેમની વિચારસરણી અને શૈલીમાં ફેર હોઈ શકે, પણ તેમની વચ્ચે શક્ય એ છે કે તેઓ વ્યક્તિગત રીતે તેમજ સંસ્થાઓ દ્વારા વધારે કલ્યાણકારી દિશામાં લોકમત ઘડે છે. આ દૃષ્ટિએ દલપતરામ અને નર્મદ 19મા સૈકાના જાહેર બૌદ્ધિકો હતા – તેમની મેથડ ભિન્ન હતી. ત્યારબાદ રણજિતરામ વાવભાઈ મહેતા ગુજરાતના જાહેર બૌદ્ધિક હતા. ગાંધી યુગમાં ઇન્દુલાલ યાજ્ઞિક, આચાર્ય ક્રીપલાની, કાકાસાહેબ કાલેલકર, કનૈયાલાલ મુન્શી, ઉમાશંકર જોશી, સ્વામી આનંદ અને રામલાલ પરીખ જેવા જાહેર બૌદ્ધિકોએ ગુજરાતનું ઘડતર કર્યું હતું. તેમણે ગાંધી વિચારસરણીને પાયામાં રાખીને નૈતિક, સાહિત્યિક અને વૈચારિક પ્રવાહો ફેલાવ્યા હતા. આ વિભાવનાને મંત્ર વધારે તીવ્ર અને સૂક્ષ્મ બનાવવા તેને એડવર્ડ થોર્નડાઇકના ઉદ્ગારો સાથે સાંકળીશું કે જેથી શ્રી કુમારપાળ વિશે માટે જે કહેવું છે તે અતિશયોક્તિ જેવું ના લાગે :

‘Public intellectualism is the ability to understand and manage men, women and institutions, and to act wisely in human relationship. No one is born a social and public intellectual. It is cultivated over a period of time. It evolves as a set of skills that an individual learns over time and connects different threads of society for a noble common cause.’

કુમારપાળ :
કુમારપાળનું પત્રકારત્વ, સાહિત્ય આધ્યાત્મિક દર્શન, બાળસાહિત્ય, સંસ્થાઓ સાથેના સંબંધો, નવી નવી સંસ્થાઓ ઊભી કરવાની કળા, અસંખ્ય લોકો સાથેના તેમના સંબંધો (connectivity) અને ‘હું પદ’નો અભાવ વગેરે બાબતોને લક્ષ્યમાં લઈને જો સાંકળવામાં આવે તો તે ‘કુમારપાળ ફિનોમીના’ની સમજ માટે ઉપયોગી બની શકે તેમ છે. વૈચારિક દૃષ્ટિએ જોઈએ તો કુમારપાળ અહિંસાને વરેલી જૈન પંરપરા, મહાજન પરંપરા અને ગાંધી પરંપરાના વારસદાર છે. તેમના 11 (1953) વર્ષથી શરૂ કરીને આજ દિન સુધી (2023) તેમની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અહિંસા અને સર્વધર્મસમભાવની ભાવનાની સાથોસાથ આધુનિક વિજ્ઞાન અને ટૅક્ નૉલૉજીવિષયક મૂલ્યોને પુષ્ટ કર્યાં છે. તેમાં ક્રિકેટ જેવી યુવા પેઢીને આકર્ષનારી રમતગમતનો પણ સમાવેશ થાય છે.

કુમારપાળનાં મૂલ્યોની ખૂબી એ છે કે તે સ્પિરિટ્યુઅલ અને ‘સેક્યુલર’ વિચારને જોડે છે. કુમારપાળની નેતાગીરીમાં વળી તેમનાં પૂર્વજો અને માતાપિતાનાં મૂલ્યોએ ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમની મોટી ખાસિયત એ છે કે તેઓ ઘણા મહાન છતાં ઘમંડી બૌદ્ધિકોની જેમ આકાશ તરફ નજર કરીને વાત નથી કરતા. તેઓ કોઈને ઉતારી નથી પાડતા. બીજાઓને સાંભળે છે અને તેમની સાથે વાર્તાલાપ સાધે છે. જાહેર નેતાગીરીની તેમની ખાસિયત એ છે કે તેઓ વિવિધ વર્ગો, જ્ઞાતિઓ, કોમો અને ધર્મો ધરાવતાં સ્ત્રીપુરુષ અને બાળકોને સાંકળે છે. વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ, દાનેશ્વરી અને લૅક્સિકોગ્રાફર શ્રી રતિલાલ ચંદરયાએ એમને માટે સાચું જ કહ્યું છે : ‘કુમારપાળ એટલે આગળ નહિ પણ સાથે ચાલનારી એક અનોખી વ્યક્તિ.’

આજના સમયની વાત કરીએ તો શ્રી કુમારપાળ દેસાઈએ પ્રાચીન જૈન અને ભારતીય પરંપરાનું સંયોજન અહિંસા, સર્વધર્મ સમભાવ અને વિશ્વશાંતિનાં મૂલ્યો સાથે કરીને દેશ-વિદેશમાં લાખો લોકોમાં નવો આત્મવિશ્વાસ ઉત્પન્ન કર્યો છે. તેનો વિશ્વસનીય પુરાવો ડૉ. પ્રવીણ દરજી અને ડૉ. બળવંત જાનીએ સંપાદિત કરેલો ગ્રંથ શબ્દ અને શ્રુત' છે. 543 પૃષ્ઠ ધરાવતા આ બહુમૂલ્ય ગ્રંથમાં ગુજરાતના નામાંકિત સાહિત્યકારો, કેળવણીકારો, સમાજસેવકો, તત્ત્વચિંતકો, કલાકારો, પત્રકારો, રમતવીરો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ડૉક્ટરો, વકીલો અને બૌદ્ધિકોએ કુમારપાળે વિવિધ ક્ષેત્રોમાં બજાવેલી સેવાને બિરદાવી છે. ભારતના રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામે 2004માં કુમારપાળને પદ્મશ્રી અવૉર્ડ એનાયત કર્યો. તેને નિમિત્ત બનાવીને આ ગ્રંથનું આયોજન થયું હતું. ત્યાર બાદ કુમારપાળને બ્રિટિશ પાર્લમેન્ટ દ્વારા તા. 16 નવેમ્બર, 2022ના રોજ વિશ્વપ્રસિદ્ધઅહિંસા અવૉર્ડ’ આપવામાં આવ્યો હતો. આ અવૉર્ડ અગાઉ નેલ્સન મંડેલા અને દલાઈ લામાને અર્પણ કરવામાં આવ્યો હતો.

પ્રશ્ન એ થાય છે કે કુમારપાળને બ્રિટિશ પાર્લમેન્ટના બ્રિટનના મિનિસ્ટર ઑફ ફ્રેઇથ બૅરોનેટ સ્કોટ દ્વારા ભરી સભામાં અહિંસા અવૉર્ડ કયાં કારણોસર અપાયો હતો. તેનાં બે કારણો છે – કુમારપાળની વ્યક્તિગત જિનિયસ અને જૈનોએ હજારો વર્ષથી વિકસાવેલી પરંપરા. માતાપિતાના સંસ્કાર તો ખૂબ જ. બૌદ્ધિકોને અપીલ કરે અને તેની સાથે સામાન્ય માણસ સમજી શકે તેવી કલમ, વાણી અને વર્તન દ્વારા કુમારપાળે તેમની સાથે સતત અને ઘનિષ્ઠ સંવાદ રચ્યો છે. ભારે સજ્જતા, સર્જકતા અને માનવપ્રેમ વગર આ વાત શક્ય નથી. વાસ્તવિક હકીકત એ છે કે કુમારપાળે છેલ્લાં 50 વર્ષથી જૈન ધર્મ, અધ્યાત્મ, ફિલૉસૉફી, દર્શન અને ઇતિહાસને કેન્દ્રમાં રાખીને તેમ જ તેની સાથે વિવિધ ધર્મોમાંથી, પાંગરતી અહિંસાની ફિલૉસોફીનું સંકલન કરીને વિશ્વશાંતિ સર્વધર્મ સમભાવ, અહિંસા, પ્રેમ અને સદ્ભાવનો મહિમા ગાયો છે. આજનાં પ્રવર્તમાન યુદ્ધો અને આતંકવાદને ખાળવા માટે આ જ એકમાત્ર વિકલ્પ છે. કુમારપાળના વ્યક્તિત્વ અને માનસ ઉપર અશો જરથ્રુષ્ટ, બુદ્ધ, મહાવીરસ્વામી, સૉક્રેટિસ, ઈસુખ્રિસ્ત અને હજરત મોહંમદ પયગંબર, આચાર્ય હેમચંદ્ર, આનંદઘન અને હીરવિજયસૂરીથી શરૂ કરીને ગાંધીજી જેવા સત્યશોધકોનો ઊંડો પ્રભાવ છે. કુમારપાળ માત્ર બૌદ્ધિકોના જ નહીં, પણ બહુજનસમાજના પ્રતિનિધિ છે. આવાં કારણોસર કુમારપાળની જૈન ફિલોસૉફી વ્યાપક વૈશ્વિક ચિંતન ઉપરાંત આચારવિચારની દૃષ્ટિએ સાર્વત્રિક તેમ જ વિશ્વસનીય બની છે. જૈન ડાયસ્પોરાના સંદર્ભમાં જો વાત કરવી હોય તો કુમારપાળે 2009માં પ્રસિદ્ધ કરેલો ગ્રંથ ભારતીય સંસ્કૃતિનો આત્મા ઃ શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું ચરિત્ર' છે. વીરચંદ ગાંધી (1864-1901) વિશ્વપ્રસિદ્ધ ફિલૉસૉફર હતા અને તેમણે સપ્ટેમ્બર 1983માં અમેરિકાના શિકાગો નગરમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદની જેમ જૈન ફિલૉસૉફી અને ભારતીય સંસ્કૃતિ ઉપર વ્યાખ્યાનો આપીને શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી નાખ્યા હતા. કુમારપાળના શબ્દોમાં  : 'ઈ.સ. 1893ની 11મી સપ્ટેમ્બરે અમેરિકાના શિકાગો શહેરની આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટના કોલંબસ સભાગૃહમાં ત્રણ હજાર શ્રોતાજનોની ઉપસ્થિતિમાં સત્તર દિવસ ચાલનારી વિશ્વ ધર્મપરિષદનો પ્રારંભ થયો. આમાં હિંદુ સમાજના સ્વામી વિવેકાનંદ, જૈન ધર્મના વીરચંદ ગાંધી, બ્રહ્મોસમાજના પ્રતાપચંદ્ર મજમુદાર, શ્રીલંકા વતી બૌદ્ધ ધર્મના મંત્રી એચ. ધર્મપાલ, બ્રહ્મોસમાજના પ્રતિનિધિ શ્રી બી. આર. નાગરકર, પુનાથી આવેલા ખ્રિસ્તી ધર્મના પ્રતિનિધિ કુ. જિન સોરાબજી, અલ્હાબાદના થિયોસોફી વિશે વક્તવ્ય આપવા આવેલા સી. એન. ચક્રવર્તી, પંજાબના રાહજરામ, મદ્રાસના રેવરન્ડ મોરિસ ફિલિપ્સ અને જિંદા રામ અેેમ દર વ્યક્તિઓ વિશ્વ ધર્મપરિષદનાં પ્રારંભ ટાણે મંચ પર બિરાજમાન હતા. 29 વર્ષના યુવાન વીરચંદ ગાંધીની વિદ્વત્તા અને વાગ્ધારાને સહુએ સ્તબ્ધ કરી દીધા.' શ્રી કુમારપાળે ઉમેર્યું છે  : 'વીરચંદ ગાંધી ઇંગ્લૅન્ડમાં વિવિધ સમયે રહ્યા હતા અને યુરોપમાં ફર્યા હતા. તેમણે અમેરિકા અને ઇંગ્લૅન્ડના શ્રોતાજનો સમક્ષ પોતાના વિદેશપ્રવાસોમાં 650 જેટલાં વક્તવ્યો આપ્યાં અને પ્રત્યેક વક્તવ્યમાં વિષયની નવીનતા, પ્રસ્તુતિની પ્રવાહિતા અને પોતાના અભ્યાસ અંગેનો આત્મવિશ્વાસ પ્રગટ કર્યો.' ઉપરોક્ત વિધાન જરા ધ્યાનથી વાંચીએ તો જરૂર એમ લાગે કે કુમારપાળ અજાણપણે એમને પોતાને વિશે લખી રહ્યા છે. વીરચંદ ગાંધી અને કુમારપાળ દેસાઈ વચ્ચે સમયનું આટલું બધું અંતર હોવા છતાં તેમની વચ્ચેનો માનસિક, આધ્યાત્મિક, નૈતિક અને બૌદ્ધિક સેતુ ગજબનો રચાયો છે. કુમારપાળે જ્યારે 2009માં વીરચંદ ગાંધીનું જીવનચરિત્ર પ્રસિદ્ધ કર્યું તે સમયે તેમ જ એમણે તે અગાઉ 1993માં શિકાગોની પાર્લમેન્ટ ઑફ વર્લ્ડ રિલિજિયન્સમાં તથા 1999માં દક્ષિણ આફ્રિકાના કૅપ ટાઉનમાં ફિલૉસૉફી અને ભારતીય સંસ્કૃતિ અંગેનાં વ્યાખ્યાનો આપ્યાં તે સમયે કુમારપાળના મગજમાં કલ્પના પણ નહોતી કે હું બ્રિટિશ પાર્લમેન્ટ 16 નવેમ્બર, 2022ના રોજ એમને ‘અહિંસા અવૉર્ડ’ આપીને એમનું તેમ જ સમગ્ર ભારતવર્ષનું બહુમાન કરશે ! જૈન ડાયસ્પોરાને વ્યવસ્થિત અને વિશ્વસનીય રીતે સમજવામાં વીરચંદ રાઘવજી ગાંધી અને કુમારપાળ દેસાઈના જીવનને જોડવા જેવાં છે. શ્રી કુમારપાળની વ્યક્તિગત જિનિયસ ખરી, પણ જો તે 95 ટકા હોય, તો પાંચ ટકા માર્ક્ સ તેમની ઉપર છવાયેલી જૈન, ભારતીય અને વૈશ્વિક પરંપરાને પણ આપવા પડે. એમનાં માતાપિતા અને કુટુંબીજનોને પણ માર્ક્ સ આપવા પડે. કુમારપાળે જૈન પરંપરાને આગળ ધપાવી છે.

પણ ગુજરાતી ભાષામાં વિકાસની દૃષ્ટિએ વિશ્વભરના ડાયસ્પોરિક ગુજરાતીઓમાં જો કોઈએ સહુથી વધારે ઊંચું સ્થાન રોશન કર્યું હોય તો તે રતિલાલ ચંદરિયા (1922-2013) હતા. તેમણે પોતાની ગાંઠના બે કરોડ રૂપિયા ખર્ચીને અને 20 વર્ષ સુધી તપશ્ચર્યા કરીને ‘આજની અને આવતીકાલની પેઢીને એન્સાઇક્લોપીડિયા'ની ગરજ સારે તેવી ગુજરાતી ડિક્સનરીનું સર્જન કર્યું છે અને ગુજરાતી લેક્સિકોનને ઇન્ટરનેટ ઉપર મૂકીને ગુજરાતનું અને ગુજરાતી ભાષાનું જોડાણ વિશ્વના વિવિધ દેશોમાં વસતા ગુજરાતીઓના લાભ માટે કર્યું છે. એમણે લંડનમાં 1985માં ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી’ સ્થાપીને જૈન અભ્યાસોને ઉત્તેજન આપ્યું છે. આવું જ કામ કુમારપાળ દેસાઈએ ‘ગુજરાતી વિશ્વકોશ’ અને અન્ય સંસ્થાઓ દ્વારા કર્યું છે. તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીના ટ્રસ્ટીમંડળના સભ્ય છે. વિશ્વ ગુજરાતી સમાજે જ્યારે જાન્યુઆરી 2010માં રતિલાલ ચંદરિયાનું બહુમાન કર્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘કુમારપાળ દેસાઈ ગુજરાતી ભાષા અને વિશ્વસંસ્કૃતિ તથા ગુજરાતી સંસ્કૃતિને આગળ ધપાવી રહ્યા છે.' કુમારપાળે રતિલાલ સાથેનાં એમના સંબંધોને યાદ કરીને કહ્યું હતું કે,‘વૈશ્વિક ગુજરાતી ડાયસ્પોરાને ભાષા દ્વારા રતિલાલ ચંદરિયાએ જોડ્યો છે.’ કુમારપાળ મધ્યમ વર્ગના બૌદ્ધિક અને રતિલાલ અત્યંત શ્રીમંત વર્ગનાં દાનેશ્વરી અને ભાષાપ્રેમી. કુમારપાળે પર્યુષણ પર્વ નિમિત્તે ભારત ઉપરાંત બ્રિટન, અમેરિકા, કૅનેડા, સ્વિટ્ઝર્લૅન્ડ, ન્યૂઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશોમાં યાદગાર વ્યાખ્યાનો આપીને જૈન ધર્મ, કર્મ અને ફિલૉસૉફીને જૈનો તેમ જ જૈનેતર લોકો સુધી વહેતી કરી છે. અગાઉ જણાવ્યું છે તે મુજબ તે અગાઉ આવું સૂક્ષ્મ કામ કરનાર સહુ પ્રથમ વિશ્વનાગરિક વીરચંદ રાઘવજી ગાંધી હતા.

વીરચંદ રાઘવજી ગાંધી, રતિલાલ ચંદરિયા અને કુમારપાળ દેસાઈને જોડતી કડી માત્ર જૈન ધર્મ નથી. અહિંસા, માનવતા, સદ્ભાવ, ગાંધીવિચારસરણી અને તેની સાથે જોડાયેલ નૈતિક મૂલ્યો દ્વારા તેઓ વિશ્વનાગરિકના સ્વરૂપમાં સંકળાયા છે. આ સંદર્ભમાં રતિલાલ ચંદરિયાના નીચેનાં ઉદ્ગારો ટાંકીશું  :

'કુમારપાળ સાથેના સંબંધનું સ્મરણ કરું છું ત્યારે છેક 1984નું વર્ષ મને યાદ આવે છે. એ વર્ષે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીના આયોજનથી કુમારપાળનો બ્રિટનમાં પ્રવચન-પ્રવાસ યોજવામાં આવ્યો હતો. એ સમયે ઇંગ્લૅન્ડમાં શિક્ષણ, સાહિત્ય અને ધર્મવિષયક એમનાં 35 જેટલાં વ્યાખ્યાનોનું આયોજન થયું હતું. આ પ્રવાસ સમયે કુમારપાળને પહેલી વાર મળવાનું બન્યું હતું અને મનોમન એમ પણ થયું હતું કે જો તેઓ થોડો સમય લંડન આવીને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીની પ્રવૃત્તિ સંભાળે તો સારું, પણ એમના વ્યવસાયને કારણે એ શક્ય ન બન્યું.... 1893માં શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં એક શતાબ્દી પૂર્વે એ જ શહેરમાં મને એ જ પરિષદમાં ગયેલા જૈન ધર્મના પ્રતિનિધિ શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની સ્મૃતિમાં આ સંસ્થાએ કેટલાંક કાર્યો શરૂ કર્યાં. વીરચંદ ગાંધીનાં પુસ્તકોનાં પ્રકાશન માટે કુમારપાળે પ્રયત્ન કર્યો અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીનાઅહિંસા’ સામયિકનો એક વિશેષાંક પ્રગટ કર્યો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીનું અહિંસા' સામયિક ઘણાં વર્ષો સુધી અમદાવાદથી પ્રકાશિત થતું રહ્યું, જેની સઘળી જવાબદારી કુમારપાળે સંભાળી. એ જ રીતે વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં યોજાયેલા જૈન કલાકૃતિના પ્રદર્શનમાં અત્યંત આકર્ષણરૂપ બનેલું નાનું દેરાસર પણ અમદાવાદમાં કુમારપાળે તૈયાર કરાવ્યું.... કુમારપાળ એટલે આગળ નહિ પણ સાથે ચાલનારી એક અનોખી વ્યક્તિ.''

પ્રસ્તુત લેખના સંદર્ભમાં એટલું જ કહેવાનું છે કે ગુજરાતી જૈન ડાયસ્પોરા માત્ર બ્રિટન અને અમેરિકા જેવા દેશો પૂરતો જ મર્યાદિત નથી, પણ તે વૈશ્વિક કક્ષાનો ડાયસ્પોરા છે અને તેની સફળતાની ભીતરમાં વીરચંદ રાઘવજી ગાંધી, રતિલાલ ચંદરિયા અને કુમારપાળ દેસાઈ જેવા જૈનોનો ગુજરાતી ભાષા પ્રત્યેનો તેમ જ ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો નિઃસ્વાર્થ પ્રેમ છે. અમદાવાદ-સ્થિત ગુજરાત વિશ્વકોશ અને લંડન-સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી વચ્ચે કુમારપાળે અતૂટ સેતુ સાધી આપ્યો છે. વીરચંદ ગાંધીએ શિકાગોમાં 1893માં પાર્લમેન્ટ ઑફ વર્લ્ડ રિલિજિયન્સને સંબોધી હતી, કુમારપાળે 1993માં સંબોધી હતી. વીરચંદ ગાંધી અને તેમનાં આદર્શો અને મૂલ્યોને કુમારપાળે મહાત્મા ગાંધીનાં જીવન અને કવન સાથે જોડીને સજીવન અને નવપલ્લવિત કર્યાં હતાં ! વીરચંદ ગાંધી એ ગાંધીજી પહેલાંના ગાંધી હતા.’

મકરન્દ મહેતા

જાણીતા ઇતિહાસવિદ્, ગ્રંથલેખક, પૂર્વ અધ્યાપક

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑