તાજગી અને પ્રસન્નતાનું પર્મનન્ટ એડ્રેસ

પરમ આદરણીય પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ સાથે મારે અડધી સદીથી નાતો છે. 1973માં નવગુજરાત આર્ટ્સ કૉલેજ(અમદાવાદ)માં મેં પ્રવેશ મેળવ્યો ત્યારથી અમારો નાતો છે. એ વખતે હું અઢાર વર્ષનો હતો, અત્યારે અડસઠ વર્ષનો છું. કુમારપાળભાઈ મારા ગુરુજી તરીકે તો ખરા જ, પિતાજી જેવા પણ ખરા. વાત્સલ્યભાવે મારી સંભાળ તેઓ આજે પણ લેતા રહે છે. મારા એ સદ્ભાગ્યની મને પોતાને જ ઈર્ષા થાય છે !

'આનંદઘન : એક અધ્યયન' વિષય ઉપર એમણે પીએચ.ડી. માટે શોધનિબંધ લખવાનું શરૂ કર્યું, ત્યારે અમારો પરિચય પ્રગાઢ બન્યો. મહિનાઓ સુધી એમના ઘેર નિયમિત જવાનું બન્યું. દરરોજ સાથે બેસીને અમે ભોજન કરીએ. જયા બા અને પ્રતિમાબહેનના સંયુક્ત વાત્સલ્યની મીઠાશ ભોજનમાં ભળે.

ભગવાન મહાવીરે કહ્યું છે કે પળનોય પ્રમાદ ન કરશો. ડૉ. કુમારપાળ દેસાઈએ પ્રમાદને કદીય પોતાની પાસે ફરકવા દીધો નથી. સતત પુરુષાર્થ, સતત લેખન, સતત ચિંતન, સતત વ્યાખ્યાનો અને સતત સાહિત્યિક કાર્યક્રમો – એ બધાંની વચ્ચે વ્યવહારકુશળતા પણ એટલી જ સઘન. સારામાઠા પ્રસંગે એમની ઉપસ્થિતિ હોય જ ! સમયને સતત પડકારતું એક સમર્થ વ્યક્તિત્વ એટલે ડૉ. કુમારપાળ દેસાઈ. સમય સ્વયં એમની પાછળ પાછળ દોડતો હોય એમ લાગે !

ડૉ. કુમારપાળ દેસાઈની અગણિત સિદ્ધિઓનું એક રહસ્ય એ છે કે તેમની પાસે ગજબની સંયોજનશક્તિ છે ! કયા કામને ક્યારે, કેટલું પ્રાધાન્ય આપવું અને નિશ્ચિત સમયમર્યાદામાં કઈ રીતે ઉત્કૃષ્ટ રૂપે તે કાર્ય સંપન્ન કરવું એની કુનેહ તથા ચીવટ એમની પાસેથી મને પણ શીખવા મળી છે. એમની ડિસિપ્લિન સૌ કોઈ માટે અનુકરણીય. વડીલોનો આદર કરવામાં તો એમને કોઈ ન પહોંચે !

ડૉ. કુમારપાળ દેસાઈની દરેક સિદ્ધિ વિશિષ્ટ છે, છતાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના, એના સંચાલન-સંવર્ધન માટે તેઓ હંમેશાં અવિસ્મરણીય રહેશે. અનેક સાહિત્યિક, સાંસ્કૃતિક અને કલા-પોષક પ્રવૃત્તિઓ માટે ગુજરાત વિશ્વકોશ આજે પ્રેરક-પ્રોત્સાહક પ્લૅટફૉર્મ બની રહ્યું છે. લગભગ દરરોજ સાંજે પાંચ વાગે કોઈ ને કોઈ વ્યાખ્યાન કે અન્ય કાર્યક્રમ ત્યાં હોય જ. ઑડિયન્સ પણ સમયસર ઉપસ્થિત થઈ જ જાય ! અન્યત્ર આવી સંસ્થાઓ જવલ્લે જ જોવા મળે !

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેની કામગીરી હોય કે ગુજરાત વિદ્યાસભાની, એમની સક્રિયતા ભરપૂર જ હોય ! જ્યાં કુમારપાળભાઈ હોય ત્યાં કશી ઊણપ કે કચાશ ન રહે.કુમાર’, બુદ્ધિપ્રકાશ' જેવાં સામયિકોના વિકાસમાં તેમનો પ્રત્યક્ષ-પરોક્ષ સહયોગ કેન્દ્રમાં રહ્યો છે.વિશ્વવિહાર’, વિશ્વગુર્જરી' અને હવે તોવિશ્વા’ સામયિક પણ એમના નેતૃત્વમાં ધબકશે.

કુમારપાળભાઈ સામાન્ય વાતચીતમાંય રમૂજ અને હળવાશ સતત ઠાલવતા જ રહે, છતાં કદીય કોઈ કાર્યની ગંભીરતા જોખમાવા ન દે. એમની સાથે થોડીક ક્ષણો બેસીએ એટલે આપણા બધા તાપ-સંતાપ ઓગળી જાય અને તાજગીનું છલોછલ ભાથું મળી જાય.

શિક્ષણ, સાહિત્ય અને ધર્મનો ત્રિવેણીસંગમ એમના વ્યક્તિત્વમાં સતત મઘમઘતો રહ્યો છે. અનેક ટ્રસ્ટો, સંસ્થાઓ સાથે એ સક્રિય રૂપે સંકળાયેલા છે. અખબારી લેખન માટે સતત જાગ્રત રહેવું પડે. રમતગમત વિશેનું લેખન કરવા માટે છેલ્લામાં છેલ્લી માહિતી મેળવવી પડે અને તેનો સંગ્રહ પણ કરવો પડે. એમના અંગત પુસ્તકાલયમાં એટલો બધો ખજાનો છે કે એને જોનાર ઘડીભર તો દંગ રહી જાય ! કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જમાનો નહોતો ત્યારે પણ દરેક માહિતી એમની પાસે અલગ અલગ કવરમાં સચવાયેલી રહેતી. ગમે ત્યારે ગમે તે ચીજનો ખપ પડે ત્યારે ગણતરીની ક્ષણોમાં તે મળી જાય ! કશુંય અસ્તવ્યસ્ત નહિ. જરાય ગાફેલપણું નહિ. ચીવટ અને ચોકસાઈના શહેનશાહ એટલે ડૉ. કુમારપાળ દેસાઈ ! આ માટે મદદરૂપ થાય એવો સ્ટાફ પણ એમણે રાખ્યો છે. માણસની પરખશક્તિ પણ ગજબની ! એમને ત્યાં કામ કરતા ઑફિસબૉય સાથે અને ઘરકામ કરનાર સાથે પણ માનવતાભર્યો વ્યવહાર એ રાખે. તુલસીભાઈ, જીવણભાઈ, જલી વગેરેને એ વખતે મારે ઘણી વખત મળવાનું થયું હતું. અત્યારે વિશ્વકોશના સ્ટાફ સાથે પણ એમની આત્મીયતા એવી માનવતાસભર કે કોઈ પણ સમયે કોઈ પણ કામ માટે કોઈ વ્યક્તિ તૈયાર જ હોય !

ડૉ. કુમારપાળ દેસાઈનાં લગભગ તમામ પુસ્તકો પુરસ્કૃત થયાં છે. દેશ-વિદેશમાં એમનું વારંવાર સન્માન-બહુમાન થયું છે. સાંપ્રત સમયમાં જૈન ધર્મનો વિદેશોમાં પ્રચાર-પ્રસાર કરવામાં તેમનો ફાળો એવો ગૌરવવંતો છે કે ઇતિહાસે તેની નોંધ લેવી જ પડશે. પિતા જયભિખ્ખુ પાસેથી મળેલા સાહિત્યવારસાનું તેમણે સુગંધમય સંવર્ધન કર્યું છે. વર્ષો સુધી દૈનિકપત્રોમાં લેખમાળાઓ લખવી અને લોકપ્રિયતા સતત વધતી રહે એ રીતે એની માવજત કરવી એ જેવુંતેવું કામ નથી. નવા સંબંધો સ્થાપવા અને જૂના સંબંધોની સઘનતા અકબંધ રાખવી એ સિદ્ધિ અન્યત્ર દુર્લભ જ હશે !

ડૉ. કુમારપાળ દેસાઈને પદ્મશ્રી ઍવૉર્ડ મળે એ આનંદની વાત અવશ્ય છે, પણ આશ્ચર્યની વાત જરાય નથી. હજી એમને જે જે ઍવૉર્ડ્ સ મળ્યા નથી એ મળવામાં થતો વિલંબ જરૂર આશ્ચર્યપ્રેરક છે. વૃક્ષ ઉપર જેમ જેમ તાજાં ફળોની સંખ્યા વધતી જાય… વૃક્ષ જેમ જેમ ફળસમૃદ્ધ થતું જાય તેમ તેમ એની શાખાઓ નીચે ઝૂકતી જાય છે. ડૉ. કુમારપાળ દેસાઈની નમ્રતા નમૂનેદાર છે. એમના વ્યક્તિત્વનો ભાર એમની પાસે રહેતી વ્યક્તિને જરાય પજવતો નથી. કોઈ શ્રીમંત શ્રેષ્ઠી સાથે એ જેટલી સહજતાથી વર્તે એટલી જ સહજતાથી એમની પાસે કોઈ માર્ગદર્શન મેળવવા આવેલી વ્યક્તિ પાસે પણ વર્તે. વડીલો અને વિદ્વાનોનો આદર કરવાનું એ કદીય ન ચૂકે. જેમ-જેમ એમને ઇનામો-પુરસ્કારો મળતાં ગયાં, જેમ જેમ એમનાં સન્માન-બહુમાન થતાં ગયાં, તેમ તેમ એ વધુ ને વધુ વિનમ્ર બનતા રહ્યા છે.

ડૉ. કુમારપાળ દેસાઈને મળેલાં સન્માનો, પુરસ્કારો, ઍવૉર્ડ્ સ વગેરેનો સ્કોર ઘણો સમૃદ્ધ છે. ખાસ કરીને ‘પદ્મશ્રી’, ‘અહિંસા ઍવૉર્ડ', 'ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર’, 'કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા ઍવૉર્ડ',‘જૈનરત્ન ઍવૉર્ડ',‘આચાર્ય તુલસી સન્માન’, ‘રણજિતરામ સુવર્ણચંદ્રક' વગેરેનો ઉલ્લેખ અનિવાર્યપણે કરવો જ પડે. ડૉ. કુમારપાળ દેસાઈ પાસે વિશિષ્ટ ‘નીરક્ષીરવિવેક’ વૃત્તિ છે. સમાજમાં કેટલું ઇષ્ટ પણ હોય અને અનિષ્ટ પણ હોય. કેટલુંક ગ્રાહ્ય પણ હોય અને કેટલુંક ત્યાજ્ય પણ હોય. તેઓ હંમેશાં ગુણગ્રાહી રહ્યા છે. બીજાની ખૂબીઓનો આદર કરવાની ખૂબી એ ધરાવે છે. કોઈની ટીકા-નિંદા કરવાથી એ સદાય દૂર રહ્યા છે. આ કારણે તેઓ મોટા ભાગે અજાતશત્રુ રહ્યા છે. કોઈનું દિલ ન દુભાય, કોઈની લાગણીને ઠેસ ન લાગે એવા જૈન સંસ્કારને એમણે અજવાળ્યા છે. અપ્રિય વ્યક્તિ અને અણગમતી ઘટનાઓ સાથે પનારો પડે તોય પોતાનું સૌજન્ય હેમખેમ રાખવાનું એમનું સામર્થ્ય પણ ઉદાહરણરૂપ છે. એમનાં વાણી અને વર્તન કદીય કડવાશ પેદા કરતાં નથી.

ડૉ. કુમારપાળ દેસાઈની પ્રતિભાએ સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, ધર્મ, રમતગમત, સમાજસેવા જેવાં અનેક ક્ષેત્રોને ઓજસ અને ગૌરવ અપાવ્યાં છે. એમના માર્ગદર્શનમાં મહાનિબંધ લખીને અનેક વ્યક્તિઓએ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. મારું દુર્ભાગ્ય રહ્યું કે, મેં એમના માર્ગદર્શનમાં પીએચ.ડી. માટે વિષયનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, છતાં મારી જ મર્યાદાઓને કારણે હું એ કાર્ય પાર ન પાડી શક્યો. આ વાતનો અફસોસ મને આજીવન રહેશે.

વિશ્વના અનેક દેશોમાં જૈન ધર્મવિષયક અનેક વ્યાખ્યાનો આપીને એમણે જૈન ધર્મના પ્રચારનું કાર્ય કર્યું છે. એમના સાહિત્યમાં મુખ્યત્વે બાળસાહિત્ય, ચરિત્રલેખન, દૃષ્ટાંતકથાઓ, વિકલાંગો માટે પ્રેરક સાહિત્ય ઉપરાંત અનાહતા' જેવી સુદીર્ઘ નવલકથા મુખ્ય છે. વ્યાખ્યાનો ઉપરાંત ત્રિદિવસીય કથાઓ અંતર્ગત મહાવીરકથા, ગૌતમકથા, પાર્શ્વ-પદ્માવતીકથા, નેમરાજુલકથા, વૃષભકથા, કલિકાલ હેમચંદ્રાચાર્યકથા, શ્રીમદ્ રાજચંદ્રકથા જેવી અનેક કથાઓ પણ કરી છે અને એમાં એમણેવ્યાસપીઠ’ શોભાવી છે.

આવી સાત્ત્વિક પ્રતિભાના સ્વામી કુમારપાળ દેસાઈને ભોજનમાં મીઠાઈ અને કેરીનો રસ વિશેષ પ્રિય છે. ચાના પણ શોખીન (જોકે સાંજ પછી ક્યારેય ચા નથી પીતા). એમની સૌથી મોટી વિશેષતા એ કે તેઓ કદી લઘરવઘર ન હોય. સ્વચ્છ વસ્ત્રોમાં હંમેશાં અપ-ટુ-ડેટ જ હોય. પરિવાર સાથે શરૂઆતમાં સમય ઓછો આપ્યો હશે, પણ જેટલો સમય આપે એટલો પૂરેપૂરો આપે ! આજે તો હવે `દાદા’ તરીકે પણ પરિવારમાં એમનું આકર્ષણ છે.

અંતે, ડૉ. કુમારપાળ દેસાઈની તમામ સિદ્ધિઓ અને સફળતાઓમાં એમનાં જીવનસંગિની પ્રતિમાબહેન દેસાઈ કેન્દ્રમાં છે. એમનો સહયોગ વાચાળ નથી, અધિકાર ભોગવનારો નથી. પ્રતિમાબહેનનો સહયોગ મૌન-સમર્પણનો છે. આ બાબતે ડૉ. કુમારપાળ દેસાઈ આપણને મળ્યા એ માટે આપણે સૌ બડભાગી, એ જ રીતે ડૉ. કુમારપાળ દેસાઈને પ્રતિમાબહેન જેવાં જીવનસંગિની મળ્યાં એ માટે તેઓ સ્વયં પૂરેપૂરા બડભાગી !

રોહિત શાહ

લેખક, પત્રકાર, નિબંધકાર અને વિવેચક

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑