અડગ મનના મુસાફિર

આપણા સમાજમાં બહુ ઓછી વ્યક્તિ એવી હોય છે જેમની વિદ્વત્તાનો ભાર તેમની આજુબાજુના લોકોને ન લાગે. જેમની વિદ્વત્તાનો ભાર મૂંઝવે નહીં, જેમની સહજતા નવી વાત મૂકવાની સરળતા કરી આપે ! જેમની પાસે મુક્ત મને સત્ય રજૂ કરી શકાય એવા સરળતા, સહજતાના સ્વામી એટલે કુમારપાળભાઈ દેસાઈ. અખંડ જ્ઞાનની સાધના અને અઢળક કર્માનો ભાર સંભાળતા પુરુષાર્થના રથ પર બિરાજી પોતે જ તેના સારથિ બની, અર્જુન નજરે રથ હંકારી રહ્યા છે. આજે જ્યારે તેમના એ કાર્યકાળને જોઉં છું ત્યારે વિચાર આવે છે કે કુમારપાળ દેસાઈ કુલ કેટલા છે ? શું એક એકલો માણસ આટલાં બધાં સ્વપ્ન સેવી તેને સાકાર કરી શકે ખરા? પણ વાસ્તવિકતા એ છે કે હા, કુમારપાળ દેસાઈ એમ કરી શકે. જેમણે જીવનઉદ્યાનને સંગ્રામનું મેદાન બનાવવાને બદલે સહજ વિહરવાનું અને આનંદના ઉત્સવનું સરનામું માન્યું છે અને પોતાના પ્રત્યેક સ્વપ્નને પૂરા કરવાની સઘળી જ જવાબદારી માત્ર અને માત્ર પોતાના જ ખભા ઉપર ઉપાડીને ચાલ્યા છે, અને નિર્ધાર પૂરો કરવા અનેક અડચણોને મક્કમતાથી પાર કરી નિરંતર પોતાની યાત્રા કરતા રહ્યા છે. તેવા કુમારપાળ દેસાઈ અડગ મનના મુસાફિર' છે.

મારો કુમારપાળભાઈ સાથેનો પ્રથમ પરિચય થયો, ત્યારે મેં તેમને મંચ પર ધનવંતભાઈ શાહની બાજુમાં બેઠેલા જોયેલા. પદ્મશ્રી ડૉ. કુમારપાળભાઈ દેસાઈ મંચસ્થ. કાર્ડમાં એમનું નામ અતિથિ-વિશેષના રૂપમાં. ગ્રે કલરના સૂટમાં સજ્જ, મુખ પર ધીર-ગાંભીર્ય, વચ્ચે વચ્ચે જરાક હોઠ ફંટાય. મલક્યા જેવું લાગે, ક્યારેક ઊંડા વિચારમાં ગરકાવ હોય તેવું લાગે, તેમને બોલવા ઊભા થવાનું હતું, તેમનો પરિચય અપાઈ રહ્યો હતો, ત્યારે મોટેભાગે તેમની આંખ નમેલી હતી. ક્યાંક પોતાનો પરિચય પોતાને સંભળાઈ જાય અને પોતે તેના હરખ-અભિમાનમાં જાણે આવી જવાના હોય તેમ તેમણે પરિચયના શબ્દો ખંખેરી નાખ્યા અને બોલવા ઊભા થયા. અને પછી એક કલાક ક્યાં વહી ગયો એનો ખ્યાલ જ ન રહ્યો, હા આજે પણ યાદ છે કે તેમણે તે દિવસે વક્તવ્યમાં બે બાબતો અત્યંત મહત્ત્વની કહી હતી, “એક આજે જે કાર્યક્રમ થયો તેના પછી તેને કઈ દિશામાં આગળ લઈ જઈ પરિણામયુક્ત રૂપ આપવું જોઈએ અને એમ ન કરીએ તો સમયના વેડફાટ જેવો બીજો કોઈ મોટો ગુનો નથી', એમ તેમણે સ્પષ્ટ કહ્યું હતું. “બીજું કોઈ પણ કાર્યની આઉટલાઇન હોય પણ તે બંધિયાર ન હોય, જગત અને વિશ્વના વિસ્તાર સાથે આપણે આજ પછીના ૨૦-૨૫ વર્ષનું વિચારીને કાર્ય કરવું જોઈએ.' તેમની આ વાત પૂરી થતાં તાળીનો ગડગડાટ ફરી વળ્યો. પણ તેઓ પોતાની જગ્યાએ જઈને બેઠા, ત્યારે તેમને એ તાળીના ગડગડાટના અભિમાનની પરતો ખેરવી નાખી હતી અને સામે પડેલા નોટપેડમાં કાંઈક લખીને બાજુમાં આપ્યું. કદાચ આવનાર કાર્યની રૂપરેખા ! આ પહેલા પગથિયે હું જેમનાથી પ્રભાવિત થઈ, મને આદર થયો, આ કુમારપાળ દેસાઈ સાથેનો મારો પ્રથમ તબક્કાનો પરિચય. સમન્વય સાધવો. પરિણામલક્ષી કાર્ય અને પોતાની વાત સ્પષ્ટતાથી કરવી, ભવિષ્યને વીસરી વર્તમાનમાં મહાલ્યા કરે તેવું નહીં !

પ્રથમ પરિચય બાદ આદર અને અહોભાવનું પરિણામ એ આવ્યું કે તેમની આસપાસ એક દીવાલ મેં જ રચી લીધી. હવે જ્યારે કાર્યક્રમમાં મળતા ત્યારે ખૂબ વિદ્વાન વ્યક્તિને દૂરથી એકાદ સેંકડ માટે મળીએ એમ થતું. પણ બીજા તબક્કાની મુલાકાત કંઈક જુદું જ પરિણામ આપી ગઈ. જૈન સમારોહમાં ધનવંતભાઈ શાહની સાથે મેં મંચસ્થ કુમારપાળ દેસાઈને જોયા. આગળની યાદશક્તિના સંસ્મરણો મને દોરી જતાં હતાં, ત્યાં જ કુમારપાળભાઈ અને ધનવંતભાઈ મારી પાસેથી પસાર થયા, ધનવંતભાઈ રોકાયા. કુમારપાળભાઈ પણ રોકાયા. ધનવંતભાઈએ મારો પરિચય કરાવ્યો. કુમારપાળભાઈએ ધ્યાનપૂર્વક સાંભળ્યું, મને પૂછ્યું કે અમદાવાદ આવો છો કે નહીં ?’

વિશ્વકોશમાં આવવાનું આમંત્રણ આપ્યું. ખૂબ સરળતાથી વાત કરે. એક માણસ બીજા માણસ જોડે વર્તે તેમ જ. મને લાગ્યું કે આ મોતી તો જરા જુદું જ, અમૂલ્ય છતાંય જરાય ભાર નહીં. પોતાની વાત કરવાને બદલે મારી વાત સાંભળવામાં રસ દાખવે, બીજા પગથિયે કુમારપાળભાઈની સરળતા અને સહજતાનો પરિચય થયો. જેમને વૈશ્વિક પરિપાટીથી પરિણામયુક્ત કાર્ય પર ભાર મૂકવાની વાત કરી હતી. જેમને ભવિષ્યના નિર્માણમાં રસ હતો. તે કુમારપાળભાઈ માત્ર વિદ્વાનો કે શ્રેષ્ઠી માટે નહીં, જ્યાં જ્યાં શક્યતા દેખાય ત્યાં, ભવિષ્યના દરવાજા ખૂલી શકે ત્યાં, પોતાના સમયનું રોકાણ કરવા અંગે સજાગ હતા. તેઓ વાત કરતા હતા ત્યારે તેમને બોલાવવા આયોજકો દોડીને આવ્યા હતા, પણ તેમને પૂરતો સમય આપ્યો. સંપૂર્ણ ધ્યાન સાથે વાત કરી. આ બીજા તબક્કે મને તેમની સ્થિરતા, ગંભીરતા અને અડગતા સમજાઈ. આ વ્યક્તિમાં કંઈક અજીબ ભવિષ્યની દૃષ્ટિ હતી. તેમને બધી જ શક્યતા આશાવાદી લાગતી. તેમની માનવ પ્રત્યેની શ્રદ્ધા અને શક્યતાનો આકાર સર્જવાની શક્તિ આશ્ચર્ય પમાડે તેવી હતી. આ બીજા તબક્કે આશાવાદી સ્વભાવ અને સરળતાનો પરિચય થયો.

જે વિદ્વાન પદ્મશ્રી કુમારપાળભાઈ સાથે પરિચય થયો હતો, તેમની માનવતાના પરિચયે મારામાં કુતૂહલ જગાડ્યું. માણસને પ્રાપ્તિનો નશો ન ચડે, અભિમાન તેને અન્ય માનવીથી દૂર ન કરે અને પોતાને પ્રાપ્તસ્થાનથી તે ચળે નહીં, ત્યારે એમ થાય કે આ માણસ સાચે જ ગૌરવ પ્રાપ્ત કરવાને યોગ્ય છે.

ધનવંતભાઈ શાહે રતલામ ખાતે મહાવીર જૈન વિદ્યાલય આયોજિત સાહિત્યસમારોહનું આયોજન કર્યું હતું. સભાના સંચાલક તરીકેની ભૂમિકા મારે ભજવવાની હતી. મારો સંકોચ અને ફડફડાટ કુમારપાળભાઈ પામી ગયા હતા. તેમણે તે દિવસે કહેલી વાત આજે પણ યાદ છે. “આપણે જે બોલીએ છીએ તે સાચું હોય ત્યારે ડર ન લાગવો જોઈએ. બધું સારું જ થશે એ શ્રદ્ધા બહુ મહત્ત્વની છે.’ પદ્મશ્રી કુમારપાળભાઈનો મને થયેલો એક નવો જ પરિચય !

પછી તો એ સમારોહ દરમિયાન અનેક સાથે વાતો કરી ત્યારે બધા એમ જ કહેતા કે કુમારપાળભાઈ બધાને જ પ્રોત્સાહન આપે. તેમને ખૂબ રસ પડે કે બીજાનો પણ વિકાસ થાય તેમાં. અહંકાર અને અભિમાનમુક્ત, ઈર્ષામુક્ત આ પાસું વ્યક્તિને વિભૂતિ ન બનાવે તો જ નવાઈ !

મારા માટે મહત્ત્વનું હતું કે હું આ વિભૂતિનો પરિચય તો પામી ચૂકી હતી પણ મને હજી તેમના માનવીય પાસામાં, માનવીય વ્યવહારમાં રસ હતો. મારા માટે તેમનું વ્યક્તિત્વ હજી પૂરેપૂરું ઓળખાયું નહોતું. ૨૦૧૬ પછી આ પરિચય વધુ સ્પષ્ટ બન્યો. આદરણીય ધનવંતભાઈ શાહના અવસાન બાદ કુમારપાળભાઈનો ફોન આવ્યો હતો. અવાજમાં અઢળક વિષાદ અને ચિંતા હતાં. તેમને જાણ થઈ હતી કે પ્રબુદ્ધ જીવનનું તંત્રીપદ મારે સંભાળવાનું હતું, ત્યારે તેમણે મને જણાવ્યું કે “મારું કોઈ પણ કામ હોય તો કહેજે; હું તને બધી જ વ્યવસ્થા અહીંથી (અમદાવાદ)કરી આપીશ. પ્રબુદ્ધ જીવનનો ઇતિહાસ, એની પરંપરાનું ધ્યાન રાખવાનું છે.’ આ કાળજી, આ ચિંતા, ક્યાં મળે? હજી લોકો વિચારતા હતા કે હું આ કાર્ય કઈ રીતે કરીશ પણ કુમારપાળભાઈએ ત્યારે નક્કી કરી લીધું હતું કે સેજલ જે આ કાર્ય કરવાની છે, તેને જરૂરી મદદનાં ટેકણાં પૂરાં પાડવાં, જેને તેઓ વધુ ઓળખતા નહોતા, જેને આજ સુધી ઔપચારિક રીતે જ મળવાનું બન્યું હતું, તેને તેઓ પૂરતી મદદ પૂરી પાડવા તત્પર બન્યા હતા. આરંભેલ કાર્ય કઈ રીતે પાર ન પડે, તેમાં અનેકને રસ હોય છે. પણ મને આ તબક્કે સમજાયું. કારણ કે પોતાના મિત્ર ધનવંતભાઈની જગ્યા લેનાર વ્યક્તિને બધી જ મદદ પૂરી પાડી, તેઓ સ્વર્ગસ્થ ધનવંતભાઈ પ્રત્યે પોતાનો મિત્રભાવ, મિત્ર ફરજ બજવી રહ્યા હતા.

આ ત્રીજા તબક્કે મને જુદા કુમારપાળભાઈનો પરિચય થયો. લાગણીશીલ ખરા પણ વ્યક્ત ન થાય તેની પૂરી તકેદારી દાખવે. ઉત્સાહ, ધગશ ઉંમર સાથે વધતા મેં જોયા, પણ ખૂબ સજાગ. પોતાના સમયને બમણો કરીને જીવે. તેમની નજર ચારે તરફ હોય, ક્યારેય પણ, એક કાર્ય માટે અન્ય કાર્ય ખોરવાય તે તેમને ગમે નહીં, ખરાબ લાગે તો દાખવે પણ નહીં. સતત પ્રયત્ન કરે કે પોતે છે એની હાજરીનો સામેવાળાને ભાર ન લાગે.

કુમારપાળભાઈ સાથે ૨૦૧૬ પછી સંપર્કમાં વધુ આવવાનું બન્યું અને ત્યારે વ્યક્તિ કુમારપાળભાઈના અંતરંગ વિશ્વનો એક અનોખો પરિચય મળ્યો. અત્યાર સુધી એમની વિદ્વત્તા અને સહજતાથી પરિચિત હતી પણ હવેના તબક્કામાં એક માનવીય ચરિત્રની ઉન્નત બાજુ અનુભવી. આ ચોથા તબક્કામાં જૈન સમાજના મોભીની અંતરંગ દુનિયા જોવા મળી.

કોરોના સમયમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળા આયોજિત કરવા અંગે મૂંઝવણ થઈ. એક સમય એવો આવ્યો કે આ વ્યાખ્યાનમાળા એક વર્ષ બંધ રાખવી પડે તેવી પરિસ્થિતિ જણાઈ. આ બાબતની કુમારપાળભાઈને જાણ થઈ. તેમને તરત જ એનો ઉકેલ કર્યો. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ જેવી ૯૫ વર્ષ જૂની સંસ્થા, જેની ૮૦થી વધુ વર્ષથી ચાલતી વ્યાખ્યાનમાળામાં વિરામ ન આવે એ માટે તેમને બધાં જ લેક્ચર અમદાવાદ ખાતે રેકૉર્ડ કર્યા અને મોકલાવ્યાં. ૮ દિવસનાં ૮ લેક્ચર જુદા જુદા વિષય પરનાં પર્યુષણમાં રજૂ થઈ શક્યાં. આટલો બધો સમય અને શ્રમ તેમને આ કાર્ય માટે આપ્યો તેનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે “આ એ સંસ્થા છે જ્યાં અમે અમારા જીવનના આરંભના વર્ષમાં બોલતા થયા, તેનું ત્રણ કેમ વિસરાય !’ કેટલી મોટી વાત ! આટલાં વર્ષો વીતી ગયાં અને પછીના વર્ષોમાં સંઘના અનેક કાર્યક્રમ, પ્રસંગમાં તેઓ હાજર રહેતા અને અનેક વાર એ ઋણ ફેડ્યા પછી પણ એને ન ભૂલે તેવી અનોખી વ્યક્તિ કુમારપાળભાઈ. એ સમયે ત્રણ દિવસની કથાનો એક અનોખો પ્રયોગ તેમણે શ્રી મુંબઈ જૈન યુવક સંઘમાં કર્યો. જૈન શાસનની/ધર્મની અનોખી સેવા. આ ત્રણ દિવસની કથામાં સમગ્ર મુંબઈ ઊમટતું. તીર્થંકર મહાવીર, શ્રીમદ્‌ રાજચંદ્ર, પદ્માવતી માતા, શ્રીમદ્‌ રાજચંદ્ર, હીરવિજયસૂરિ મહારાજસાહેબ આ બધા વિશે સંગીતમય ત્રણ દિવસની કથામાં કુમારપાળભાઈ સંશોધન કરી, લોકોને રસ પડે એ રીતે રજૂઆત કરતા. આ વિચાર સ્વીકૃત બન્યો અને પછી તો અનેક જગ્યાએ એ રીતની રજૂઆત થઈ. ધર્મની વાતને લોકરસ જાળવી, તથ્ય સાથે રજૂ કરવાની તેમની ફાવટ સફળતાને વરી.

સહયોગ અને સમન્વયનો જીવનમાં દરેક તબક્કે સાક્ષાત્કાર કરતા કુમારપાળભાઈ એક બાહોશ આયોજક અને સ્પષ્ટવક્તા તરીકે જાણીતા, પોતાની વાત રજૂ કરતી વખતે ભાવાવેશમાં સરી પડ્યા વગર સ્વસ્થ સૂરે ખૂબ જ ચોકસાઈપૂર્વક પોતાની વાત રજૂ કરતા. કુમારપાળભાઈની નિકટની વ્યક્તિ એ જાણે જ કે તેઓ ખૂબ જ કાળજી લેનાર વ્યક્તિ છે. પોતાની વ્યક્તિ જરા પણ મુશ્કેલીમાં હોય તો તરત જ રસ લઈ તેને દૂર કરવાનો પ્રયત્ન કરે. માત્ર કહેવા પૂરતો નહીં, પણ જાતને ખર્ચી તેમાં રસ લઈ ઉકેલવાનો પ્રયત્ન કરે. સમયનાં વહેણ બદલાતાં તેમના સંબંધો કે તેમની લાગણી કદી નથી બદલાઈ. તેઓ હંમેશાં મને કહે, “જીવવું તો ખુમારીથી, મને નબળી વાત ગમતી નથી અને હું કોઈને કરવા દેતો નથી.’ જીવન કુમારપાળને કદી હરાવી ન શકે, પણ સમય હંમેશાંં તેમની તરફેણમાં રહી કાર્ય કરતો હોય, એમ મેં જોયું છે, પણ એનું કારણ એ છે કે એમનો પુરુષાર્થ, લગની અને અર્જુનધગશ – તેઓ ધારે તે કરી બતાવે છે. એટલે ગુજરાત વિશ્વકોશ આજે વૈશ્વિક બન્યું છે. જ્યારે તેઓ વિશ્વકોશના પગથિયાં ચડતા હોય ત્યારે એક વાર મેં તેમને પૂછ્યું કે “તમે શું વિચારો છો ?’ ત્યારે તેમણે કહ્યું હતું કે “મારે રોજ આ પગથિયાં ચડતા રહેવાના કારણ શક્યતાઓ અમાપ છે અને જેટલું ચડીશ તેટલું જ વધારે કાર્ય કરી શકીશ.’
ગુજરાત વિશ્વકોશની ઓળખ કોઈ એક સીમામાં બાંધી ન શકાય, એમાં કુમારપાળભાઈની કુશળતા જ વળી!

છેલ્લા તબક્કામાં જે કુમારપાળભાઈને મેં ઓળખ્યા, જાણ્યા અને જેમના વિશે લખી રહી છું તેનું એક કારણ તેઓ નારીને ખૂબ સન્‍માન આપે છે. ધીરુબહેનને જ્યારે વિશ્વકોશમાં મળતી ત્યારે તેમનો પ્રસન્ન ચહેરો, સંતોષ જોઈને ખૂબ આનંદ થતો. વિશ્વકોશમાં તેમને ગમતું. કુમારપાળભાઈના પુસ્તકની પ્રસ્‍તાવના લખવા તેઓ સંમત થયાં હતાં અને ધીરુબહેન પટેલે કહ્યું હતું કે ‘હું કેટલાક સારા માણસોને ઓળખું છું અને તેમાં આ માણસનું નામ છે અને તેનાથી વધુ “આ કુમારપાળભાઈ ક્યારેય થાકતા નથી, મને એનું આશ્ચર્ય થાય છે !’ ધીરુબહેનની આ વાત સાથે આપણે સહુ સંમત થઈએ છીએ. પોતાના કાર્યને જ પોતાનું જીવનબળ માનતા. કુમારપાળભાઈ આજે પણ નવા પ્રોજેક્ટ અને નવી વિસ્તારની શક્યતા વિચારી રહ્યા છે, ત્યારે આપણને આશ્ચર્ય થાય છે. આ પાંચમા તબક્કામાં સમન્વય, પુરુષાર્થ અને સફળતા સાથે અન્યને સન્માન આપતા, પોતાની પ્રગતિ સાથે સહુને સાંકળીને ચાલતા અને સમાજમાં સૌ માટે સન્માનનો ભાવ વક્ત કરતા કુમારપાળભાઈનો પરિચય મળ્યો.

કુમારપાળભાઈની એક વિશેષતા-તેઓ હંમેશાંં ફોન પર જવાબ આપે જ અને તેટલા વ્યસ્ત હોય, અઢળક કામોનું ભારણ હોય, સ્ટુડિયોમાં રેકૉર્ડિંગ ચાલતું હોય પણ જો ફોન કર્યો હોય તો એ જ દિવસ દરમિયાન ગમે ત્યારે ફોન કરી પૂછી લે કે “કોઈ કટોકટી કે મુશ્કેલી નથી ને ?’ કોઈને મદદ કરવાની, કોઈને સાથ આપવાની એક પળ પણ ચૂકી જવી, તેમને ન ગમે. તેમના પોતાના સાર્થક્યનું એક પરિબળ અન્યના વિકટ સમયને સરળ કરવાનું જાણે ન હોય ! અને સાથે જ કોઈ દુરાગ્રહ પણ નહીં. સામેવાળાને પૂરતી મુક્તિ આપીને તેને પોતાનો ભાર ન લાગે તેનો ખ્યાલ રાખે.

કુમારપાળભાઈ માનસંબંધોને જીવનભર જાળવીને ચાલ્યા છે, અનેક ઉપલબ્ધિ પછી તેમના જીવનમાં એકલતા વધી નથી પણ વધુ ને વધુ લોકો તેમની સાથે જોડાયા છે. કારણ સિદ્ધિ અને પ્રાપ્તિ સાથે તેઓ ભાગ્યે જ કોઈ વ્યક્તિને વીસરતા હોય છે. આજે પણ જો તેમને ખબર હોય કે હું અમદાવાદ આવી છું તો પહોંચવાની દસ મિનિટમાં જ ફોન આવી જાય, “ક્યાં છે, જ્યાં ઊતરવાનું છે ત્યાં બધું બરાબર છે ? ઘરે આવી જા, ગાડી મોકલાવું, જમવાનું અહીં જ રાખજે, પ્રતિમા (તેમનાં પત્ની) રાહ જુએ છે…’ અને પાંચથી સાત મિનિટમાં તેમનો કાળજીભર્યો સ્વભાવ કયાસ કાઢી લે કે તેમની સ્વજન સમી વ્યક્તિ સુખરૂપ છે કે નહીં. પછી સાંજે વિશ્વકોશ પહોંચીએ ત્યારે ખબર પડે કે આજે કુમારપાળભાઈને બપોરનું ભોજન લેવાનો પણ સમય નહોતો રહ્યો. કારણ ખૂબ કામ હતું અને હું ફરી આશ્ચર્યમાં પડી જાઉં કે તો પછી તેમણે મને ફોન કઈ રીતે કર્યો હશે ? ડૉ. કુમારપાળ દેસાઈ એટલે માનવીની કાળજી એ જ એમનો ધર્મ. દરેક વ્યક્તિને એકસરખા ઉમળકા અને પ્રસન્નતાથી આવકારે, કાળજી લે અને અનુકૂળ વાતાવરણ સર્જી આપે. તેમણે કદી વ્યક્તિમાપનનું કોઈ યંત્ર રાખ્યું નથી. મનુષ્યમાત્રને પ્રેમ આપવો અને મૂલ્યનું ઘડતર કરવું એ એમની પ્રાથમિકતા.

“માત્ર ધર્મે નહીં પણ કર્મે પણ જૈન એવા કુમારપાળભાઈ દેસાઈએ જીવનભર જૈન ધર્મના વિચારો અને મૂલ્યો દ્વારા વૈશ્વિક શાંતિ, સુખદ સમાજ, મૂલ્યવાન પ્રજા થાય તેનો સતત પ્રયાસ રહ્યો છે. બાળકોથી લઈ વૃદ્ધ સુધી મનુષ્યજીવન ઉપયોગી બને અને એ માટે તેમને શ્રુતજ્ઞાનને દરેક સ્વરૂપે સર્વને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ભારત અને ભારત બહાર અનેક સાથે સમન્વય સાધી જૈન સમાજના વિસ્તાર, વિકાસ અને સ્થાપનની વિચારણા તેમણે કરી છે.

એક તરફ વિકાસ અને વિસ્તારની સમજ અને બીજી તરફ અનેકો સાથે જોડાણ કરી “વિશ્વકોશ’ સંસ્થાને એના નામ અનુરૂપ બનાવવા તેઓ કાર્યરત છે. જીવનમૂલ્યના દીપને પ્રજ્વલિત કરવાની હૈયે ખેવના ધરાવનાર કુમારપાળભાઈ સતત એ દિશામાં કાર્યરત છે.

ઘણી વ્યક્તિઓ પોતાના ધ્યેયને પ્રાપ્ત કર્યા બાદ એની સફળતામાં રાચવાનું, મ્હાલવાનું પસંદ કરે છે, પણ ઘણી વ્યક્તિઓ પોતે જ પોતાના રેકૉર્ડ આંબી, નવા રેકૉર્ડ બાંધે છે. કુમારપાળભાઈનો રથ અનેક મંજિલો સાથે, અનેક દિશાઓમાં વિસ્તરી રહ્યો છે અને તેઓ સાચા અર્થમાં સાહિત્ય, સમાજ, જૈન શાસ્ત્ર આદિના મહત્ત્વના વિચારક છે અને ચાલક ઊર્જા આપણા સમયમાં તેમના હોવાનું ગૌરવ આપણે ઊજવીએ.

ડૉ. સેજલ શાહ

ગુજરાતીના પ્રાધ્યાપક, પ્રબુદ્ધ જીવન, જૈન અૅવન્યુ, તથા પ્રેરણા સામયિકના તંત્રી, લેખક, ઉત્તમ વક્તા.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑