ઈ. સ. 1973થી 1978 દરમિયાનના સમયનો એક પ્રસંગ મારે માટે ખૂબ જ સ્મરણીય અને પ્રેરક બની રહ્યો. શ્રી કુમારપાળ નવગુજરાત કૉલેજમાં ગુજરાતીનો અધ્યાપક અને હું ઘીકાંટા રોડ પર આવેલી અમદાવાદ આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીનો અધ્યાપક, ઉપરાંત આશ્રમ રોડ પર આવેલી એચ. કે. આર્ટ્સ કૉલેજની બાજુમાં એક જૈન બોર્ડિંગમાં માનદ્ ગૃહપતિ તરીકે સેવાઓ આપતો હતો. એ સમય દરમિયાન હું અધ્યાપક મંડળની પ્રવૃત્તિમાં ખૂબ જ ઓતપ્રોત હતો. એક વાર કોઈ સંજોગવશાત્ હું અને કુમારપાળ ભેગા થયા હતા અને ત્રણ-ચાર દિવસ પછીના કોઈ ચોક્કસ સમયે મેં કુમારપાળને બોર્ડિંગના મારા નિવાસસ્થાને લંચ માટે આમંત્રણ આપ્યું હતું. અમારે બંનેનો કૉલેજનો સમય સવારનો. સવારના 12-12:30 વચ્ચે લંચ માટે કુમારપાળને આવવાનું જણાવેલું. તે એની કૉલેજથી 12:30 વાગે આવ્યો. જોકે કુમારપાળને જમવાના આમંત્રણની વાત મારી પત્ની રસીલાને કહેવાનું જ ભૂલી ગયેલો. બોર્ડિંગના મુખ્ય દરવાજેથી પ્રવેશીને કુમારપાળને મેં આવતો જોયો અને મને ધ્રાસકો પડ્યો. સંજોગવશાત્ બધું જમવાનું પતી ગયેલું અને તપેલાં સાફ હતાં. અપરાધભાવનું એક ઘેરું વાદળ તત્કાળ મારા મુખ પર છવાઈ ગયું.
કુમારપાળે મારા ઘરમાં પ્રવેશ કર્યો. મેં એ અપરાધભાવ સાથે દિલગીરીપૂર્વક કુમારપાળને જણાવ્યું કે લંચ માટે તને આપેલા આમંત્રણની વાત રસીલાને કહેવાનું જ હું તો ભૂલી ગયો છું. અમે સૌએ જમી લીધું છે એ વાત હું કરું એ પહેલાં કુમારપાળ મને જણાવે છે : ‘ચંદ્રકાન્ત, હું જમવાનો નથી એ કહેવા જ આવેલો છું. મારે ઘેર કોઈ મહેમાન છે તેથી સૉરી કહેવા જ આવ્યો છું.’ (મોબાઇલનો એ જમાનો ન હતો, ફોન પણ બધાં ઘરોમાં આવ્યા ન હતા.)
કુમારપાળનો આ સૂક્ષ્મ વિવેક અને પરિસ્થિતિને તત્કાળ કળી જવાની તેની કોઠાસૂઝ કાબિલેદાદ હતી અને આ રીતે મારા અપરાધભાવના વાદળને વિખેરી દીધું. લંચ માટેનું આમંત્રણ આપીને ઘેર રસીલાને જણાવવાનું ભૂલી ગયો એ વાત સાંભળતાં એક ક્ષણ માટે પણ અણગમાનો ભાવ કે ક્યાંક અજુગતુ લાગ્યાનો ભાવ એના ચહેરા પર આવ્યો જ નહિ. આટલી સહજતાથી આ સમગ્ર ઘટનાને કુમારપાળે ત્યારે જે હળવાશથી કોઈ બીજી જ ભૂમિકાએ લાવીને મૂકી દીધી હતી અને પછી એની નર્મ-મર્મ પ્રકૃતિએ કોઈ બીજા જ વિષય પર વાતચીતનો દોર સાધીને બની ગયેલી એ દુર્ઘટનાને ક્યાંય હાંસિયામાં ધકેલી દીધી હતી. આશરે 50 વર્ષ પહેલાં કુમારપાળના વ્યક્તિત્વની આંતરસમૃદ્ધિનો સ્પર્શ મારે માટે સદાયે ખૂબ જ હૃદયસ્પર્શી અને પ્રેરક બની રહ્યો છે.
સંબંધો જાળવવાની અને વિકસાવવાની કુમારપાળની જીવનશૈલીના મૂળમાં આ આંતરવિવેક એ એનું મુખ્ય ચાલકબળ છે.
ચંદ્રકાન્ત કડિયા
પ્રાધ્યાપક, અધ્યાત્મિકરસિક