નાના કોડિયાનું અજવાળું

સૌપ્રથમ પરમ સ્નેહી, આદરણીય વડીલ અને સજ્જન શ્રીયુત મનુભાઈ શાહે (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય) મારા જેવા ઈએનટી સર્જન ડૉક્ટર અને પ્રોફેસરને પદ્મશ્રી કુમારપાળ દેસાઈ વિશે લખવાનું કહ્યું તે માટે મને જેટલો આનંદ થાય એટલો સંકોચ પણ થાય. આનંદ તો થાય જ. સ્વાભાવિક છે, કારણ કે કુમારપાળ દેસાઈ વિશ્વમાનવી વ્યક્તિ છે, પરમ સ્નેહી, મૃદુભાષી, સરસ્વતીના પૂજારી, સમાજસેવક, જૈન ધર્મના ઊંડા અભ્યાસી એવા ગુજરાત અને ભારતના માનવરત્ન વિશે લખવાનું કોને ન ગમે ? એ ધન્યતાની વાત કહેવાય, પરંતુ મારા જેવો એક ઈએનટી ડૉક્ટર અને પ્રોફેસર તેમના વિશે લખવા કલમ ઉપાડે ત્યારે સંકોચ એટલા માટે થાય કે તેમના વિશે લખવાની મારી યોગ્યતા કેટલી ?

સૂરજદાદા સામે નાનકડું કોડિયું ધરવા જેવો ઘાટ થાય.

પરમ વંદનીય પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ સાથેની પ્રથમ મુલાકાત અને એ પછી તેમની સાથેનો જે ગાઢ સંબંધ થયો તેનો બધો જ યશ હું અમારા વડીલ શ્રી પ્રફુલભાઈ લાખાણી (અમેરિકા, રાજકોટ અને કોબા આશ્રમ)ને આપું છું.

એમાં થયું એવું કે અમદાવાદમાં બી.જે.મેડિકલ કૉલેજ, સિવિલ હૉસ્પિટલમાં અભ્યાસ પૂર્ણ કરીને ઈએનટીની પ્રાઇવેટ પ્રૅક્ટિસ કરીને સાથે સાથે દિવ્યાંગો (બહેરા-મૂંગા) દર્દી-નારાયણની સેવા કરવાનો વિચાર પરમશક્તિએ મને આપ્યો. એ વિચારને હૃદયમાં રાખવાને બદલે મેં અમલમાં મૂક્યો. સને 1975થી એ દિશામાં કામ શરૂ થયું. પ્રયાસો થતા ગયા. પડકારો આવતા ગયા પણ છેવટે અમદાવાદમાં ઉમંગ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટર ફોર ધ હીયરિંગ ઇમ્પેરેડ (Education & Research Centre for the Hearing Impaired.)

સને 2003થી દિવ્યાંગ-બધિર બાળકો માટે કાર્યરત આ સંસ્થામાં બિલકુલ નિઃશુલ્ક રીતે અને પાકી પ્રીતે શિક્ષણ અને તાલીમ અપાય છે. સંસ્થામાં નવજાતથી શરૂ કરીને 18 વર્ષ સુધીનાં બાળકો-કિશોરોને શાળાકીય શિક્ષણની જુદી જુદી પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે.

કોઈને થશે કે પદ્મશ્રી કુમારપાળ દેસાઈ વિશેના લેખમાં આ સંસ્થાની વાત શા માટે ? આ સંસ્થાના પ્રસાર માટે નહીં, પણ કુમારપાળ દેસાઈની સામાજિક નિસબતનો એક છેડો બતાવવા માટે આ વાત અહીં લખાઈ છે. ડૉ. કુમારપાળ દેસાઈએ આ સંસ્થા ઉમંગ મૂક-બધિર સ્કૂલને તન, મન અને ધનથી ન કલ્પી શકાય એવી મદદ કરી. એ માટે સંસ્થા તેમની ઋણી છે. એમની જે સામાજિક નિસબત છે એ આપણને એમની કૃતિઓ, એમનાં સર્જનમાં એટલે કે સાહિત્યસર્જનમાં તો દેખાય જ, પરંતુ સાથે સાથે પદ્મભૂષણવિજેતા ડૉ. ધીરુભાઈ ઠાકરના સાથી અને શિષ્ય રહીને એમણે જે કલ્પી પણ ન શકાય એવું ગુજરાત વિશ્વકોશનું નિર્માણ કર્યું છે તેના માટે તેઓ કાયમ યાદ રહેશે. મને પાકું યાદ છે કે એનું ઉદઘાટન થયું ત્યારે મેં એમને વિનંતી કરી હતી કે મને સેવા કરવાનો કોઈ મોકો આપો. તેમણે આદર સાથે તેનો સ્વીકાર કરીને એક સૈનિક તરીકેનું કામ પ્રેમ-સ્નેહથી મને સોંપ્યું હતું. પરમ પૂજ્ય દાનેશ્વરી શેઠ શ્રી દીપચંદભાઈ ગાર્ડી મુંબઈથી અમદાવાદ આવવાના હતા. એમને લઈ આવવાની જવાબદારી મને સોંપાઈ હતી. ઍરપૉર્ટ ઉપરથી લઈને સરકારી વીવીઆઈપી ગેસ્ટહાઉસ (એનેક્ષી – શાહીબાગ)માં તેમનો ઉતારો હતો ત્યાં અને એ પછી એમને ત્યાંથી ઉસ્માનપુરા વિસ્તારમાં જ્યાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું કાર્યાલય આવેલું છે ત્યાં અને ત્યાંથી એએમએ(અમદાવાદ મૅનેજમેન્ટ ઍસોસિયેશન)ના હૉલ પર હું લઈ આવ્યો હતો. આવી જ રીતે અમારા માદરે વતન સાવરકુંડલામાં પરમ સ્નેહી શ્રી વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાનના ઉદઘાટનના પ્રસંગે તેઓ આવ્યા હતા. પ્રસંગને અનુરૂપ તેમણે ઘણી મદદ પણ કરી હતી. મારા માદરે વતન સાવરકુંડલા(જિલ્લો અમરેલી)માં તદ્દન નિઃશુલ્ક રીતે, દર્દીનારાયણનું સન્માન સચવાય તે રીતે અને પ્રીતે લાલુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં સેવા અપાઈ રહી છે. તેના ઉદઘાટન પ્રસંગે પણ તેઓ પ્રેમપૂર્વક આવ્યા હતા. અહીં પણ તેમણે વિદ્યાગુરુ ફાઉન્ડેશનને તન, મન, ધનથી ખૂબ સહયોગ કર્યો હતો.

અમે આ સંકલ્પ પરમ આદરણીય સ્નેહી, સરસ્વતીના પૂજારી વંદનીય પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ પાસેથી આશીર્વાદ સ્વરૂપે લીધો હતો અને તે આગળ વધી રહ્યો છે. કુમારપાળ દેસાઈનું વ્યક્તિત્વ અને કર્તૃત્વ સુગંધથી ભરેલું છે. તેઓ એકસાથે એટલી બધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે કે આપણને નવાઈ લાગે. જેમ કે તેઓ શિક્ષક અને પ્રોફેસર હતા એટલે શિક્ષણ અને કેળવણીમાં તેમનું મોટું પ્રદાન. સાહિત્ય અને પત્રકારત્વ બંને ક્ષેત્રોમાં પણ તેમણે માતબર અને નોંધપાત્ર પ્રદાન કર્યું છે. સમાજસેવામાં પણ તેમણે પુસ્તક ભરીને નોંધ લેવાનું મન થાય એટલું કામ કર્યું છે તો ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના નેજા હેઠળ તેમણે જે પોતાના ગુરુ ડૉ. ધીરુભાઈ ઠાકરની સાથે મળીને કામ કર્યું છે તે ઇતિહાસમાં અમર થઈ ગયું છે. તેમના હાથ નીચે અનેક વિદ્યાર્થીઓએ પીએચ.ડી. કર્યું છે. તેઓ ઉત્તમ લેખક છે, વક્તા છે. ચિંતક તરીકે તો તેઓ આખા વિશ્વમાં જાણીતા છે. જૈન ધર્મના તો અભ્યાસી છે જ, પણ માનવતાવાદી પણ છે. તેઓ દરેક કામને ખૂબ ગંભીરતાથી લઈને ગુણવત્તા સાથે પાર પાડે છે. એકસાથે આટલાં બધાં ક્ષેત્રોમાં કામ કરતા હોવા છતાં નિયમિતતા, સાતત્ય અને કામની લોકઅસર. એમાં તેઓ ક્યારેય સહેજે બાંધછોડ કરતા નથી, એ એક નોંધવા જેવી બાબત છે.

વહીવટ ઉપર તેમની ઘણી પકડ છે. વટ બિલકુલ રાખતા નથી, પરંતુ વહીવટ એટલો ઉત્તમ રીતે કરે છે કે એકસાથે અનેક પ્રવૃત્તિઓ સહજતાથી થયા જ કરે છે. એક વાત એ પણ નોંધવી જોઈએ કે તેઓ સંબંધોના માણસ છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સાથે અધિકરણો લખનારા સેંકડો લેખકો સહિત તેમણે હજારો લોકોને જોડી આપ્યા છે. આ રીતે સમાજને સંસ્થા સાથે જોડીને સંસ્થા અને પ્રવૃત્તિને વધારે વ્યાપક અને પ્રભાવક બનાવવાનું કામ તેમણે કર્યું છે, જે સહેજે સહેલું હોતું નથી. એ કામ તેઓ અત્યંત સહજ રીતે કરી શકે છે. કોઈ પણ વ્યક્તિનો કઈ રીતે ગુજરાત વિશ્વકોશના ઉત્થાન અને ઉત્કર્ષ માટે પ્રયોગ, વિનિયોગ અને ઉપયોગ કરવો તે તેઓ સારી રીતે જાણે છે. તેને કારણે જ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની આખા ભારતમાં એક અનોખી ઓળખ ઊભી થઈ છે.
જાહેર જીવનમાં કામ કરવાનું, આ રીતે સફળ રીતે કામ કરવાનું સહેજે સહેલું નથી. એના માટે પણ તપ કરવું પડે છે. છેવટે તમારે લોકોને સાથે રાખીને કામ કરવાનું હોય છે અને લોકોના સ્વભાવ, પ્રભાવ, અપેક્ષાઓ જુદાં જુદાં હોય છે. દરેકનો પોતાનો એક અહમ્ પણ હોય છે. આવી સ્થિતિમાં ક્યારેક જાણે-અજાણે પણ કુમારપાળ દેસાઈથી કોઈ પ્રવૃત્તિને જેટલો લાભ ન મળવો જોઈએ એટલો લાભ ન પણ મળ્યો હોય એવું પણ બને.

શ્રી કુમારપાળ દેસાઈએ પોતાના પિતા જયભિખ્ખુનો સંસ્કાર અને વિચારવારસો સ્વીકારીને તેને સવાયો કર્યો છે. આ દીકરાએ તેનો સરવાળો નહીં, ગુણાકાર કર્યો છે.

આપણને તેનો ખરેખર ખૂબ આનંદ થાય. મોટા ભાગે સર્જકોને પોતાની અંદર-ભીતર જવાનું હોવાથી અંતર્મુખી હોય છે. જાહેર જનતા સાથે કે આમલોકો સાથે તેમનો ખાસ સંબંધ નથી હોતો. હા, માપસરનો કે નામ પૂરતો સંબંધ હોય, પરંતુ કુમારપાળ દેસાઈ આ બધામાં ખૂબ જુદા પડે છે. એ તો લોકાભિમુખ વ્યક્તિત્વ છે. એ ટોળામાં રહીને પણ પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ સાચવી શકે છે. આ કલા બધાંની પાસે નથી હોતી. કુમારપાળ દેસાઈને આ કલા સહજ સાધ્ય છે. તેમની આ લોકાભિમુખતાને કારણે સમાજને જે ફાયદો થયો છે તે પીએચ.ડી.નો વિષય છે.

પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે તેઓ શ્રી કુમારપાળ દેસાઈને નિરામય દીર્ઘાયુ આપે અને તેઓ આ જ રીતે સાતત્ય સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ કરીને સમાજને યોગદાન આપતા જ રહે.

ડૉ. નંદલાલ માનસતા

ઈ.એન.ટી. સ્પેશિયાલિસ્ટ અને સેવાભાવી સંસ્થાઓમાં મહત્વનું યોગદાન

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑