પરમ મિત્ર

‘ઉસ કાઉન્ટી મૅચમેં અપને બૉલ ઘુમાકે જીત નહીં દિલાઈ પર બૅટ ઘુમાકે દિલાઈ. ક્યા આપ બૅટિંગ સિરિયસલી લેના ચાહતે હૈં ?’ ભારતમાં એ સમયના સ્પીનર બિશનસિંગ બેદીને પુછાયેલા પ્રશ્નોના જવાબમાં તેમણે હસતાં હસતાં જવાબ આપ્યો, ‘નહીં નહીં બૅટિંગ તો બહોત ડિફિકલ્ટ હૈ.’

1971માં અજિત વાડેકરના નેતૃત્વ હેઠળ ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ જીત્યા પછી અમદાવાદમાં એમના માનમાં ભોજન અને પ્રશ્નોત્તરીનો એક કાર્યક્રમ યોજાયો હતો. તે સમયે ક્રીડાપત્રકારત્વક્ષેત્રે જાણીતા બનેલા કુમારપાળ દેસાઈને આ પ્રશ્નોત્તરીનું મુખ્ય સૂત્ર સોંપાયું હતું. હું તે વખતે ઇંગ્લૅન્ડથી આ સિરીઝની કેટલીક મૅચો જોઈને આવ્યો હતો. એટલે મારા મિત્ર કુમારપાળે મને પણ આ કાર્યક્રમમાં જોડ્યો.

અમે બંને એચ. કે. આર્ટ્સ કૉલેજના વિદ્યાર્થીઓ. મારી ઓળખાણ 1961માં કુમારપાળ સાથે થઈ. કુમારપાળ મારાથી નાનો. હું ઇન્ટર સાયન્સ અને ટેક્સટાઇલ કેમિસ્ટ્રીનો ડિપ્લોમા લીધા પછી ત્રણ વર્ષ એક ટેક્સટાઇલ મિલમાં કામ કર્યા પછી આર્ટ્સમાં જોડાયો હતો.

સુખદુઃખના સાથી મિત્ર વિશે કેટલી વાતો કરવી ? ઉત્તરાયણ વખતે મિત્ર ચંદ્રવદન પરીખના ઘેર ખાનપુરમાં અમે સવારથી સાંજ સુધી મજા કરતા. પતંગછાયું આકાશ, ખાણીપીણી અને મિત્રોનો સહવાસ. આ ઉત્તરાયણોત્સવની મહેફિલોની સિલ્વર જ્યૂબિલી પણ ઊજવી હતી.
શરૂઆતના દિવસોમાં અને ક્રિકેટની વાતો વધારે કરતા. કુમારપાળે ભારતીય ક્રિકેટરો વિશે લખેલી એક મજાની પુસ્તિકાનો અંગ્રેજી અનુવાદ કરવાની મને તક મળી. અને મેં લખેલી જર્મન કવિ ગટે અને અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટ વિશે લખેલી પરિચય પુસ્તિકા લખવામાં એણે મને મદદ કરી.

કુમારપાળની શક્તિઓ પૂરેપૂરી ખીલી વિશ્વકોશના કાર્યમાં. પદ્મભૂષણ ધીરુભાઈ ઠાકરે વિશ્વકોશનું સ્વપ્ન જોયું હતું અને એની સિદ્ધિ માટે મહત્વનું કાર્ય પણ કર્યું હતું. પદ્મશ્રી કુમારપાળે આ વિરાસતમાં અનેક પદ્મો ખીલવ્યાં. નવી ટૅકનૉલૉજીનો આધાર લઈને વિશ્વકોશના કાર્યને વિશાળ જનસમુદાય સમક્ષ મૂક્યું.

વિશ્વકોશના કાર્યની સાથે સાથે ‘વિશ્વવિહાર’ જેવું સામયિક આપ્યું. જ્ઞાન, વિજ્ઞાન અને કલાક્ષેત્રના નિષ્ણાતોને નિમંત્રી કાર્યક્રમો આપ્યા. સ્વ. ધીરુબહેન પટેલ જેવાં મેધાવી લેખિકાની રાહબરી હેઠળ બહેનો માટે ‘વિશ્વા’ જેવી પ્રવૃત્તિ હાથ ધરી. હવે તો ‘વિશ્વા’ સામયિક રૂપે પણ મળશે. આમ બહેનોમાં રહેલી પણ બહાર નહીં આવેલી શક્તિઓને જાગૃત કરી.

વિશ્વકોશના કાર્યમાં તેમણે જ્ઞાની અને સમર્પિત લોકોનો સાથ પણ મેળવ્યો. આ લોકો અને સહકાર્યકરોની અપાર મહેનતને કારણે વિશ્વકોશનું સભાગૃહ અમદાવાદની સંસ્કારભૂમિ બની ગયું. આ બધા સાથે તેમનાં બીજાં અનેકવિધ કાર્યો ચાલુ જ. જીવનના અનેક ઝંઝાવાતો સામે અડીખમ રહેનારી કુંતી વિશે ‘અનાહતા’ નામે દળદાર ગ્રંથ પણ લખ્યો.

આ બધી સિદ્ધિઓ પછી પણ કુમારપાળ મિત્ર તરીકે કુમારપાળ જ રહ્યો. મને યાદ છે, મારા દીકરાઓ અભિજાત અને સૌમ્ય નાના હતા ત્યારે કુમારપાળ અને મારી વાતો સાંભળવામાં તેમને ખૂબ મજા આવતી. તે સમયે મજાક, ટીખળ, એકબીજાની મશ્કરી અને સહવાસનું વાતાવરણ રહેતું. હજી મળીએ ત્યારે એ જ વાતાવરણ હોય છે.

તે વખતે ભૂલી જવાય છે કે અહિંસા પરના તેના વિચારો અને લેખનની ગુંજ છેક ઇંગ્લૅન્ડ સુધી પહોંચી છે અને બ્રિટિશ પાર્લમેન્ટ હાઉસના વિલ્સન હૉલમાં અહિંસા ઍવૉર્ડથી તેને સન્માનવામાં આવ્યો છે. તે પછી અહીંયાં પણ તેમની સન્માનસભાઓ થઈ. એમાંની એક સભામાં તેણે તેનાં માતુશ્રીની અંતિમ ક્ષણોને યાદ કરેલી. માતાએ તેને પાસે બોલાવી કહેલું – ‘ઊંચું જોજે, સાચું જોજે, સૌનું જોજે.’ મને ખાતરી છે કે મારો આ મિત્ર તેની માતાના શબ્દોને સાર્થક કરવા પ્રયત્નશીલ રહેશે જ.

જયંત ર. જોશી

અંગ્રેજીના પ્રાધ્યાપક, લેખક

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑