મારી શ્રદ્ધા

મને ગુર્જર પ્રકાશનના માનનીયશ્રી મનુભાઈ શાહ તરફથી જૂન મહિનામાં એક પત્ર મળ્યો અને માનનીય ડૉ. કુમારપાળ દેસાઈ સાથેના મારા આત્મીય સંબંધો વિશે અને તેઓશ્રીના પ્રખર વ્યક્તિત્વ વિશે થયેલા અનુભવો વિશે કંઈક લખવાનું કહેણ હતું. 2004ના પ્રકાશિત થયેલા અભિનંદન ગ્રંથમાં તો મારા પ્રતિભાવો મેં લખેલા જ છે.

2004માં પ્રસિદ્ધ થયેલા અભિવાદન ગ્રંથ પછી 20માવર્ષમાં તો સાબરમતી નદીમાં જ નહીં, પણ ઇંગ્લૅન્ડની થેમ્સ નદીમાં અને અમેરિકાની અનેક નદીઓમાં ઘણા નીર વહી ગયાં છે. તે રીતે આ વિરલ વ્યક્તિત્વ ધરાવતા પદ્મશ્રી ઍવૉર્ડી એવા આપણી ગરવી ગુર્જરી ધરાના પનોતા પુત્ર ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈના શિરે મુકુટમાં અનેક રંગબેરંગી શોભાયમાન મોરપિચ્છો ઉમેરાતા જ ગયા છે. તેથી ગુર્જર ગ્રંથ પ્રકાશનનું આ સોપાન પ્રશંસનીય છે – સરાહનીય છે.

ખાસ કરીને તો 16 નવેમ્બર, 2022ના રોજ ઇંગ્લૅન્ડની ત્રીસથી વધુ સંસ્થાઓના સંગઠન ‘જૈન ઑલ પાર્ટી પાર્લમેન્ટરી ગ્રૂપ’ દ્વારા બ્રિટનના હાઉસ ઑફ કૉમન્સમાં ‘અહિંસા ઍવૉર્ડ’થી પદ્મશ્રી ઍવૉર્ડ માનનીય ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈને નવાજવામાં આવ્યા તે ઐતિહાસિક ક્ષણ ગણાય.

સામાજિક જીવનમાં, પારિવારિક વ્યવહારો સાથે વિશાળ જૈન સમુદાય અને વૈશ્વિક ગુજરાતી સમાજ વચ્ચે, સૌને મોહિત કરે તેવી સરળ, શુદ્ધ, સૌહાર્દપૂર્ણ સૌને સમજાય તેવી ગુજરાતી ભાષામાં અસ્ખલિત, ઊભા ઊભા વાંચ્યા વગર, શ્રોતાઓના મૂડને પારખીને, વક્તવ્યને અનુરૂપ ઉદાહરણો – વાર્તાઓ –ટુચકાઓ સહિત વક્તવ્ય આપવું તે નાની સૂની વાત નથી.

સમસ્ત વિશ્વના અને ગુર્જરી સમાજના અને વિશેષતઃ તમામ જૈન સંપ્રદાયના લાડીલા એવા ડૉ. કુમારપાળભાઈ દેસાઈને ‘પદ્મશ્રી’નો ઍવૉર્ડ ભારત સરકાર દ્વારા તાત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના વરદ હસ્તે અર્પણ કરવામાં આવેલો, તે નિમિત્ત છે.

જોગાનુજોગ કેવો થયો ? ખિતાબ અર્પણ કરનાર ‘મિસાઇલમૅન’– પ્રખર અણુવિજ્ઞાની એવા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ અને સ્વીકારનાર પણ પ્રખર વક્તા, સાહિત્યના ઊંડા અભ્યાસી, સમગ્ર વિશ્વમાં જાણીતા એવા ‘શબ્દ અને ભાષાના અવિચલિત વાકધારા – પરંતુ સરળ સચોટ વક્તવ્યના મહારથી’ પ્રેમ-વાત્સલ્યભરી વાણી અને વ્યવહારના બેમિસાલ અહિંસાવાદી ‘માનુષ’– ડૉ. કુમારપાળ દેસાઈ. બંનેમાં સામ્ય છે – તે ધર્મ પ્રત્યેની (સર્વધર્મસમભાવ) અવિચળ શ્રદ્ધા અને ભાવના અને તેની અભિવ્યક્તિ.

આવા વ્યક્તિવિશેષને માત્ર ‘પદ્મશ્રી’ કે અન્ય ઍવૉર્ડ્સ ગમે તેટલા મળે – સતત મળી જ રહ્યા છે. તેથી વિશેષ તો તેઓશ્રીનો જે વિશાળ ચાહકવર્ગ છે – શ્રોતાસમુદાય છે તે સર્વેના આ વ્યક્તિ ‘હૃદયસ્થ સમ્રાટ’ છે.

એક કુમારપાળ રાજા વર્ષો પહેલાં થઈ ગયા જેમણે પોતાની જિંદગીનાં પછીનાં વર્ષોમાં જૈન ધર્મ અંગીકાર કરેલો. હવે પૂ. મહાત્મા ગાંધી પછી અહિંસાની આહલેક પોકારનાર ‘વસુધૈવ કુટુમ્બકમ્’ના સૂત્રને ચરિતાર્થ કરનાર સદાય ‘કુમાર’ રહે તેવી શુભેચ્છાઓ – સદ્ભાવના – આદર પ્રાપ્ત કરનાર માનનીયશ્રી કુમારપાળભાઈ વિશે આપણે શું વિશેષ લખવાના ? પણ ભાવિ પેઢી માટે પણ આ નવા પ્રકાશિત થનાર ગ્રંથની જરૂરત છે. જેથી તેઓને ખ્યાલ આવે કે આ પૃથ્વી ઉપર – ગુજરાતમાં આવી એક વિરલ બહુમુખી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ જન્મી હતી અને જિંદગી જીવી ગઈ હતી.

શ્રી કુમારપાળભાઈ દેસાઈ અને તેઓની પાછળ નહીં, ‘પડખે’ (બાજુમાં) હંમેશ રહેતાં સુશ્રાવિકા શ્રીમતી પ્રતિમાબહેન દેસાઈ અને સુપુત્ર કૌશલભાઈ અને તેમના પરિવાર સાથે ઘણાં વર્ષોનો અંગત ઘરોબો બંધાયો. તેઓશ્રી માટે હંમેશ કંઈક કરી છૂટવાની મારા મનમાં હંમેશા તમન્ના રહેતી, આરઝૂ હતી. જે અનાયાસે Knee Replacementની સર્જરી હોય કે શ્રીમતી પ્રતિમાબહેનને પડી જવાથી પથારીવશ થવાનું આવ્યું, ત્યારે નામમાત્રની સેવા-શુશ્રૂષા પ્રત્યક્ષ રીતે નહીં પણ અમારી ઠાકરશી ચૅરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હૉસ્પિટલ (જેના તેઓશ્રી માનવંતા દાતા છે અને હૃદયપૂર્વકના શુભેચ્છકશ્રી છે) દ્વારા કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયેલું, પરંતુ આવા સંજોગોએ આવી રીતે સેવા કરવાની તક ફરી ના આવે, તે જ પ્રભુ પ્રાર્થના.

પ્રભુને હૃદયપૂર્વકની પ્રાર્થના કે, ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈ, તેમનાં ધર્મપત્ની અને પરિવાર સાથે, 125 વર્ષનું લાંબું તંદુરસ્તીભર્યું આયુષ્ય ભોગવે. જે ઇચ્છા અહિંસાના એક મશાલચી એવા પૂ. મહાત્મા ગાંધીએ વ્યક્ત કરેલી, પણ કુદરતને તે મંજૂર નહતું. તેથી આ બીજા એવા અહિંસા ઍવૉર્ડ મેળવનાર ડૉ. કુમારપાળભાઈને તો જરૂર આપણા સૌની પ્રાર્થના ફળશે, તેવી અપાર શ્રદ્ધા મને છે.

નવનીત ઠાકરશી

ઠાકરસી ચૅરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હૉસ્પિટલના ટ્રસ્ટી અને પ્રણેતા, માનવકલ્યાણમાં કાર્યરત

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑